Saturday 9 September 2017

Bluffs by Rajiv Dixit on Nehru-Edwina-Jinnah

વાક્‌પટુ ચળવળકાર રાજીવ દીક્ષિત રજૂ કરે છે વિકૃત ઈતિહાસ
Some of the fb friends were unable to read my year 2015's article on the bluffs by Rajiv Dixit and requested me to share readable copy.Here it is and even on my blog : haridesai.blogspot.com
વાક્‌પટુ ચળવળકાર રજૂ કરે છે વિકૃત ઈતિહાસ
અતીતથી આજ • ડૉ.હરિ દેસાઈ
--------
• સેવાગ્રામમાં રહી દેશભરમાં જુઠ્ઠાણાં ઓકતા રહેલા રાજીવ દીક્ષિત કહે છેઃ લંડનની હૅરિસ કૉલેજમાંની સહાધ્યાયી પ્રેમીત્રિપુટી નેહરુ, ઝીણા અને ઍડવિના થકી ભારતના ભાગલા !
• હકીકતમાં માઉન્ટબેટનની પત્ની ઍડવિના ક્યારેય કૉલેજ ગયાં નથી, નેહરુ ટ્રિનિટી કૉલેજ અને ઈનર ટૅમ્પલમાં ભણ્યા; જ્યારે મેટ્રિક નહીં થયેલા ઝીણા લિંકન્સ ઈનમાંથી બૅરિસ્ટર થયા હતા
-------
આજકાલ સોશિયલ મીડિયામાં ઐતિહાસિક ઘટનાઓને લોકપ્રિય વાઘા ચડાવીને એવી ગળચટી રીતે મૂકવામાં આવે છે કે એને વાંચનારા બીજાને ફૉરવર્ડ કરવાની હોંશ દાખવતાં એની સચ્ચાઈનું નીરક્ષીર કરવાનું ભાગ્યેજ વિચારે છે. ઈન્ટરનેટ માધ્યમ ખૂબ બળૂકુ છે, પણ એ રાહુલ ગાંધી કે પછી ફિરોઝવરુણ સંજય ગાંધીના પૂર્વજોને કાશ્મીરી પંડિત કે ભરૂચના પારસી ગણાવવાને બદલે મુસ્લિમ ગણાવવા સુધીની વિકૃત વિગતો પીરસે છે. બેઉ પિતરાઈ અનુક્રમે કૉંગ્રેસી અને ભાજપી સાંસદ છે, પરંતુ એમના પૂર્વજોથી લઈને એમની શૈક્ષણિક પદવીઓ સુધીની બાબતોમાં વિકૃત અટકચાળા રીતસર અધિકૃત દર્શાવવાની કોશિશ સમાન જોવા મળે છે. સોશિયલ મીડિયામાં રીતસરની ગાળો(ફોરલેટરવડર્‌સ)નું ચલણ પણ બિચારા ઍડિટરોની નજર ચુકવીને બેફામ બની રહ્યું હોય ત્યારે સત્યશોધકોએ કેવી કેવી સાવધાની રાખવી એ સૌથી મોટો પડકાર છે.
આઝાદી બચાવો આંદોલનવાળા સ્વ.રાજીવ દીક્ષિતની અનેકોને ખુલ્લા પાડનારી અને હાઉસ ઑફ કૉમન્સ તથા હાઉસ ઑફ લૉર્ડસના દસ્તાવેજોના નામે ઝીંકે રાખનારી વ્યાખ્યાનશ્રેણીમાંના એક વ્યાખ્યાનને યુ-ટ્યૂબ પર સાંભળવાનો હમણાં પ્રસંગ આવ્યો. વ્યક્તિગત રીતે અમે રાજીવ દીક્ષિત અને એમણે રજૂ કરેલાં બણગાંથી પરિચિત હોવાથી કુતૂહલવશ ‘નેહરુ ડાઈડ ઑફ એઈડ્‌સ’વાળું એમનું વ્યાખ્યાન સાંભળ્યું, ત્યારે અમારા ૯પ વર્ષીય વડીલ મિત્ર પ્રા.નગીનદાસ સંઘવીના શબ્દોનું સ્મરણ થઈ આવ્યું. રાજીવના મુંબઈ ખાતે કાંદીવલીના જૈન ઉપાશ્રયમાંના વર્ષોપૂર્વેના વ્યાખ્યાનના અધ્યક્ષસ્થાને આ લખનાર હતો અને રાજીવનાં વ્યાખ્યાનોની સૌપ્રથમ કેસેટમાં એ જ વ્યાખ્યાન કંડારાયેલું હતું. રાજીવની એ પછી પ્રકાશિત અને અમારા ઘરે જ લેવાયેલી મુલાકાત વાંચીને ઈતિહાસ અને રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક રહેલા કટારલેખક સંઘવીએ કહ્યું હતુંઃ ‘ રાજીવ તો ૧૦૦ વર્ષ પહેલાં ગુજરી ગયેલી વ્યક્તિને ૧૦૦ વર્ષ પછી જન્મેલી વ્યક્તિ સાથે મુલાકાત કરાવે છે.’ જોકે રાજીવની વાકછટા એવી હતી કે એ ઉપજાવી કાઢેલાં તથ્યોને એવી ગળચટી શૈલીમાં રજૂ કરે કે ત્રણ કલાક સુધી કોઈ શ્રોતા આઘોપાછો થવાનું નામ ના લે. નવેમ્બર ર૦૧૦માં રાજીવનું છત્તીસગઢના ભીલાઈ ખાતે હ્ય્દયરોગના હુમલથી અવસાન નીપજ્યું ત્યારે એનું આળ બાબા રામદેવ પર નાંખવાનો પ્રયાસ થતો રહ્યો હતો. રાજીવે રામદેવને પણ ઍકસ્પોઝ-શ્રેણીમાં આવરી લીધા હતા. આ યોગગુરુએ મીડિયામાં સ્પષ્ટતા કરી હતી કે રાજીવ હકીકતમાં હ્ય્દયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા છતાં એક કૉંગ્રેસીનેતા આ પ્રકરણ સાથે મારું નામ જોડવા માંગે છે. રામદેવે એ કૉંગ્રેસીનેતાનું નામ ક્યારેય જાહેર કર્યું નહોતું.
રાજીવ દીક્ષિતનાં તમામ વ્યાખ્યાનોમાં રજૂ થયેલી બાબતો ચકાસવાની અને એમને ઐતિહાસિક તથ્યોની એરણે નાણી જોવાની આવશ્યકતા હોવાનું અમને નેહરુ-ઝીણા-ઍડવિના વિષયક ઉપરોક્ત વ્યાખ્યાન પરથી વર્તાયું હતંુ. નેહરુને ઍડવિનાએ એઈડ્‌સનો સંપર્ક કરાવ્યાનો દાવો કરનાર રાજીવ દીક્ષિત ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે તત્કાલીન બ્રિટિશ વાઈસરૉય અને પાછળથી ગવર્નર-જનરલ થયેલા લૉર્ડ લુઈસ માઉન્ટબેટનની પત્ની ઍડવિના માઉન્ટબેટનને નિર્ણાયક પરિબળ ગણાવે છે. ઍડવિના સાથેના નેહરુના ‘પ્લૅટોનિક લવ’ની વાત તો જાણીતી છે. નેહરુ-ઍડવિના સાથે મળીને ધૂમ્રપાન કરતાં હોવાની અને એમની વચ્ચેની મૈત્રીની વાત અજાણી નથી, પરંતુ રાજીવના કહેવા મુજબ ઍડવિના એટલી ચાલાક હતી કે લંડનમાં હૅરિસ કૉલેજમાં તેના બે સહાધ્યાયી પંડિત જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી ઝીણાને એકસાથે નચાવતી હતી. માઉન્ટબેટનને ભારત મોકલવાનું નક્કી થયું એના થોડા સમય પહેલાં જ બ્રિટિશ ગુપ્તચર સંસ્થાએ ઍડવિના સાથે લુઈસ(ડિકી)નાં ‘નામકે વાસ્તે’ લગ્ન કરાવી દીધાં. એ બેઉ જણે ક્યારેય એક રાત શયનખંડના પલંગ પર સાથે ગુજારી નહીં હોવાનો પણ દીક્ષિતનો દાવો હતો.
માનસિક રીતે બીમાર વ્યક્તિ આવા ગપગોળા ચલાવે તો હજુ સમજી શકાય, પણ રાજીવ જેવો ઍમ.ટૅક. થયેલો અને વિજ્ઞાની રહેલો યુવક ‘દસ્તાવેજ બતાતે હૈં’ કે પછી પોતાના ગાંધીવાદી ગુરુ અને ઇતિહાસકાર ધરમપાલના અભ્યાસનો આધાર લઈને તથ્યો પ્રકાશમાં લાવવાનો દાવો કરતો હોય ત્યારે શું કહેવું? ઉત્તરપ્રદેશના અલીગઢ પાસેના ગામમાં જન્મીને ૪૩ વર્ષની વયે મૃત્યુ સમયે ગાંધીજીના સેવાગ્રામમાં રહીને આઝાદી બચાવો આંદોલનથી લઈને ભારત સ્વાભિમાન આંદોલન સુધીના કાર્યક્રમો હાથ ધરતા રહેલા સ્વદેશીના સૂત્રધાર રાજીવની વાતોને નીરક્ષીર કરવાની જરૂર ખરી.
હકીકતમાં નેહરુ, ઝીણા અને ઍડવિના એક જ કૉલેજમાં સહાધ્યાયી હતાં અને બેઉને ઍડવિના નચાવતી હતી એ નર્યું જુઠાણું છે. હૅરોની શાળા પછી નેહરુ કૅમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં ભણ્યા. નેચરલ સાયન્સીસમાં સ્નાતક થયા પછી તેમણે ‘ઈનર ટૅમ્પલ’માંથી બૅરિસ્ટરની પદવી મેળવી હતી. ઝીણા તો મેટ્રિક પણ નહોતા થયા. લંડન ધંધાર્થે જ ગયા હતા અને ત્યાં બૅરિસ્ટર થવાનું સૂઝયું એટલે ખાસ મંજૂરી લઈને ‘લિંકન્સ ઈન’ માંથી તેમણે બૅરિસ્ટરની પદવી મેળવી. સ્ટેન્લી વોલ્પર્ટ જ નહીં, સલીમ કુરેશીએ પણ ઝીણાના જીવન વિશે પ્રકાશિત કરેલા ગ્રંથો સ્પષ્ટ કરે છે કે ઝીણા ક્યારેય લિંકન્સ ઈન સિવાય લંડનમાં અન્યત્ર ભણ્યા નથી. ઍડવિના ક્યારેય કોઈ કૉલેજમાં ભણવા ગઈ જ નથી!
ઍડવિના સિન્થિયા ઍનેટી ઍશલે તો કૉન્ઝર્વેટિવ મૅમ્બર ઑફ પાર્લામેન્ટ રહેલા વિલ્ફ્રેડ વિલિયમ ઍશલેની સૌથી મોટી દીકરી હતી. એને નાના તરફથી પણ બેસુમાર દોલત વારસામાં મળી હતી. આ ઍડવિનાનાં લગ્ન હજારો લોકોની હાજરીમાં ૧૮ જુલાઈ ૧૯રરના રોજ, રાજવી પરિવારના મહાનુભાવોની પણ ઉપસ્થિતિમાં, લુઈસ માઉન્ટબેટન સાથે થયાં હતાં; લૉર્ડ માઉન્ટબેટને ર૦ માર્ચ ૧૯૪૭ના રોજ ભારત આવવાનું હતું એના થોડા વખત પહેલાં નહીં ! લૉર્ડ અને લેડી માઉન્ટબેટન ભારત આવ્યાં ત્યારે ૧૯ર૯માં જન્મેલી તેમની નાની દીકરી પમેલા પણ સાથે આવી હતી. મોટી દીકરી પૅટ્રિશિયા ૧૯ર૪માં જન્મી હતી.
લૉર્ડ અને લેડી માઉન્ટબેટનની નાની દીકરી પમેલાએ આત્મકથામાં પોતાની માતાના નેહરુ સાથેના પ્રેમસંબંધોની વાત ખૂબ મોકળાશથી લખ્યા છતાં બંને વચ્ચે ક્યારેય સેક્સ સંબંધ બંધાયાનું નકાર્યું છે. રાજીવ દીક્ષિતે કોણ જાણે ક્યાંથી શોધી કાઢ્યું કે ઍડવિનાએ નેહરુને એઈડ્‌સની ભેટ આપી હતી. નેહરુને એઈડ્‌સ ભેટમાં મળ્યો તો પછી ઝીણાને ટીબી કેમ?
ભારતના વિભાજન માટે ઍડવિનાએ નેહરુ અને ઝીણા બેઉ સાથેની અશ્લીલ તસવીરોને આગળ કરીને ‘સહી કરો નહીં તો ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાવી દઈશ’ એવી ધમકી આપી બેઉને બ્લેકમેઈલ કરીને ભાગલા માટેના દસ્તાવેજ પર સહીઓ કરાવી લીધાનાં ચમત્કારિક તથ્ય રાજીવ દીક્ષિત આગળ ધરે છે. હકીકતમાં રાજીવ જે તારીખે ઍડવિનાએ નેહરુના હસ્તાક્ષર કરાવ્યાનું કહે છે(૩ જુલાઈ ૧૯૪૭) એ પૂર્વે તો સરદાર વલ્લભભાઈ પટેલે વી.પી.મેનનની ભાગલાની યોજના માઉન્ટબેટન મારફત કબૂલ રાખી હતી. ૩ જૂન ૧૯૪૭ના રોજ તો લૉર્ડ માઉન્ટબેટને સત્તાવાર રીતે ભાગલાથી ભારત સંઘ તથા પાકિસ્તાન સંઘ થશે અને દેશી રાજ્યો બંનેમાંથી કોઈ એક સાથે જોડાઈ શકે અથવા સ્વતંત્ર રહી શકે તેના નિર્ણય અંગેની ઘોષણા કરી હતી. ર જૂન ૧૯૪૭ના રોજ કૉંગ્રેસના મુખ્ય નેતાઓ મળ્યા હતા અને તેમણે ભાગલાને કબૂલ રાખ્યા હતા. એટલે ઍડવિનાએ વિષકન્યાની જેમ નેહરુ અને ઝીણાને વશ કર્યા અને કામ કઢાવી લીધું એ માનવા જેવો ઘટનાક્રમ નથી. દીક્ષિત નાટકીય રીતે કાલ્પનિક વાતોને મૂકે છે. એ કહે છે કે ગાંધીજી સમક્ષ ઝીણા ઍફિડૅવિટ કરવા તૈયાર હતા કે મને ઍડવિનાએ બ્લેકમેઈલ કરીને સહી લીધી હતી. નેહરુએ તો ગાંધીજીને ઉત્તર વાળ્યો નહોતો. નેહરુ અને ઝીણાની દુશ્મની ઍડવિનાને કારણે હોવાનું રહસ્યોદ્‌ઘાટન દીક્ષિત રજૂ કરે છે.
‘વચનેષુ કિમ દારિદ્રમ્‌’ એટલે કે વચનોની લહાણી કરવામાં વળી મણા શા માટે રાખવી? એવી ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. લગભગ એવી જ વાત રાજીવ દીક્ષિતપ્રેરિત ઈતિહાસનાં અસત્ય કથનોની બાબતમાં કહી શકાય. રાજીવ દીક્ષિત કહે છે કે ‘‘ઝીણા અને તેમના લીગી સાથી સોહરાવર્દીને અંગ્રેજો ખર્ચ કરવા માટે લાખો રૂપિયા આપતા હતા ! વળી ઝીણાને કોઈ મુસલમાનના નેતા ગણતું જ નહોતું. એકવાર લાહોરમાં ઝીણાનું મોંઢું કાળું કરાયું હતુું અને તેમને ગધેડે બેસાડીને ફેરવવામાં આવ્યા હતા!’’ આ રાજીવ દીક્ષિતબ્રાન્ડ કથનનો કોઈ દસ્તાવેજી હવાલો અમને તો કમસેકમ મળતો નથી.
હિંદુરાષ્ટ્રના વિચારને ગાંડાઓનો ખ્યાલ ગણાવતા રહેલા સરદાર પટેલના નામે ફરતા થયેલા વૉટ્‌સઅપ સંદેશાઓમાં નેહરુ ભારતને ધર્મનિરપેક્ષ(સૅકયુલર) રાખવાનો આગ્રહ કરે છે ત્યારે સરદાર ભારતને હિંદુઓનો દેશ ગણાવી રહ્યાની ‘હંબગ’ વાતો આજની તથ્યોની ચકાસણી કર્યા વિના માની લેવા ટેવાયેલી પેઢી માટે સોનેરી સત્ય બની જાય છે. એ કહે છેઃ ‘જોયું? સરદાર સાહેબ તો હિંદુનેતા હતા!’ સરદાર જેવા મહાન નેતાને માટે આવી ઓળખ માન બક્ષે છે કે અપમાન, એનો વિચાર કરવાની ઘડી આવી પહોંચી છે.
ઈ-મેઈલઃ haridesai@gmail.com

No comments:

Post a Comment