Wednesday 23 August 2017

Jammu and Kashmir uneasy on 35(A)

HD-DB-35AKashmir 22082017
જમ્મૂ-કાશ્મીરનો ૩૫()નો અજંપો
ડૉ.હરિ દેસાઈ
રાજકીય નિર્ણયોને ન્યાયાલયો ભણી ઠેલવાનાં જોખમો
દેશ આખાનું ધ્યાન જમ્મૂ-કાશ્મીર ભણી મંડાયેલું છે.એક બાજુ, આ રાજ્યના ઈતિહાસને સૌકોઈ પોતપોતાની રીતે રજૂ કરીને અનુકૂળ તારણો કાઢે છે અને બીજી બાજુ,છેલ્લાં ત્રણ ત્રણ વર્ષથી ભારતના આ મુકુટમણિમાં અજંપાભરી સ્થિતિને વણસતી થંભાવવામાં કેન્દ્ર અને રાજ્યની સરકાર નિષ્ફળ રહી છે.હવે દેશના ગૃહ મંત્રી રાજનાથ સિંહે ભવિષ્યવાણી કરી છે કે ૨૦૨૨ સુધીમાં જમ્મૂ-કાશ્મીરનો મામલો ઉકેલાઈ જશે. કેન્દ્ર અને રાજ્યમાં એકજ પક્ષની સરકાર હોય છતાં ઉકેલ લાવવામાં મુદતો પાડવી પડે એ પણ નર્યું રાજકારણ જ છે.કૉંગ્રેસે દાયકાઓથી ગૂંચવેલા પ્રશ્નોનાં બહાનાં આગળ ધરીને કૉંગ્રેસના જ લોકોને સહારે ઉકેલનો પારસમણિ શોધવો એ પણ પ્રજાને ઉલ્ટાં ચશ્માં પહેરાવવા જેવું છે.તથ્યોનો વિચાર કરી લેવો જરીક જરૂરી ખરો. મે ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તામાં આવેલી ભાજપના નેતૃત્વવાળી સરકારના આગેવાનો છેક જનસંઘયુગથી બંધારણની કલમ ૩૭૦ નીકળી જાય તો આ રાજ્ય મુખ્યધારામાં આવે એવો દાવો કરતા હતા, પણ વિધાનસભાની છ-વાર્ષિક ચૂંટણી પછી ભાજપ અને જૂના કૉંગ્રેસી નેતા મુફ્તી મોહમ્મદ સઈદની પીડીપીની સંયુક્ત સરકારની રચના થતાં જ મોરચાના કાર્યક્રમમાં ૩૭૦નો મુદ્દો પડતો મૂક્યો અને ઉત્તર-દક્ષિણ ધ્રુવ મળ્યા.મુફ્તીના નિધન પછી શાહજાદી મહેબૂબા મુફ્તી મુખ્યમંત્રી બન્યાં, ત્યારે પેલો  ડાયનેસ્ટીનો આલાપ બંધ થયો.વિકાસના એજન્ડામાં આતંકવાદને નાથવાની વૈશ્વિક ગર્જના જમ્મૂ-કાશ્મીરમાં કારગર ના નીવડી. જૂનો રાગ આલાપવાનું ચાલ્યું કે પાકિસ્તાનના ઈશારે બધું થઇ રહ્યું છે.હકીકતમાં સ્વદેશી ઈશારે બધું થાય એ માટે દિલ્હી અને શ્રીનગરમાં પરિવર્તન તો આવ્યું હતું. એનઆઈએના દરોડાઓ છતાં પણ હજુ ઉકેલ માટેની મુદત તો ૨૦૨૨ની પડાય છે.એ પહેલાં ૨૦૧૯માં આવનારી લોકસભા ચૂંટણી અને ૨૦૨૦માં આવનારી રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં એક જ પક્ષને બહુમતી આપો તો ઉકેલ આવે એના વ્યૂહ ઘડાઈ રહ્યા છે.

જમ્મૂ-કાશ્મીરનું સૂકાન બધી રીતે ભાજપના હાથમાં છે.રાજ્યપાલ કેન્દ્રના કહ્યાગરા જ હોય. એ ગૃહ મંત્રાલયના આદેશ માનવા બંધાયેલા છે.મુખ્ય મંત્રી ભલે પીડીપીનાં હોય,એમની સાથે નાયબ તો ભાજપાઈ છે.વિધાનસભામાં પક્ષાંતર કે બીજી ગડબડ થાય તો નિર્ણયાક એવા અધ્યક્ષના પદે ભાજપી છે. રાજ્યમાં રાજ્યપાલનું(રાષ્ટ્રપતિનું નહીં) શાસન લાદવાના સંજોગોમાં સઘળી સત્તા કેન્દ્ર સરકારહસ્તક આવી જાય.સ્થિતિ આવી હોવા છતાં કાશ્મીર કોકડું ઉકેલાતું નથી, એના દોષનો ટોપલો પીડીપીને શિરે નાખવાની યોજના દૂરગામી પરિણામોનો વિચાર કરીને ઘડાઈ છે. ભાગલાવાદીઓ જ નહીં,અન્ય કોઈપણ દેશદ્રોહી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તો એમને જેલભેગા કરવાની પરંપરાનાં દર્શન તો  નેહરુએ અંગત મિત્ર શેખ અબદુલ્લાને સત્તાસ્થાનેથી દૂર કરીને ૧૧ વર્ષ સુધી જેલવાસી કર્યા હતા એમાં થાય જ છે. ભાગલાવાદી નેતાઓ સાથે મંત્રણા કરીને તેઓને  ભારતીય બંધારણને સ્વીકારીને કામ કરવા તૈયાર કરવાનું ભૂતકાળમાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના યુગમાં જ નહીં,અટલજીના યુગમાં પણ થયું છે.ઇશાન ભારત તરફ નજર દોડાવીએ તો એ સમજાશે. સ્વયં મોદીયુગમાં પણ મણિપુરી સમજૂતી થયાનું હજુ તાજું જ છે.અટલજીની “ઈન્સાનિયત,જમ્હૂરિયત અને કશ્મીરિયત”ની ફૉર્મૂલાનું રટણ આજે પણ થાય જ છે. ઉકેલ લાવવાની પ્રામાણિકતાનો પરિચય દેશની જમ્હૂરિયતને કરાવવાનો રહે  છે.


રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના હસ્તાક્ષર સાથે ૧૯૫૪માં પરિપત્ર કરીને બંધારણની કલમ ૩૫(એ) જમ્મૂ-કાશ્મીરને લાગુ કરાયાને પડકારવાના  મામલે થયેલી ત્રણ ત્રણ અરજીઓ  સુપ્રીમ કોર્ટમાં ૨૯ ઓગસ્ટે સુનાવણી માટે આવવાની છે.મહારાજા હરિસિંહના શાસન દરમિયાન ૧૯૨૭ અને ૧૯૩૨માં રાજ્ય નાગરિક ધારા અન્વયે રાજ્યમાં જમીન ખરીદવા અને સરકારી નોકરીઓ ઉપરાંત શિક્ષણ શિષ્યવૃત્તિ સહિતની સુવિધાઓ માત્ર ને માત્ર રાજ્યના નાગરિક(સબ્જેક્ટ) હોય તેમને જ તેનો  અધિકાર મળે એવી જોગવાઈ કરાઈ હતી.મુસ્લિમ બહુમતીવાળા મહારાજાના રાજ્યમાં આવી માંગણી માટે કાશ્મીરી પંડિત શંકરલાલ કૌલના નેતૃત્વમાં આંદોલન કરાયું હતું, રાજાએ એ માંગણીઓ માન્ય રાખી હતી. ૨૭ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ રજવાડાના ભારતમાં વિલય બાદ જમ્મૂ-કાશ્મીરની બંધારણ સભાને અન્ય રાજ્યોની જેમ જ પોતાના રાજ્યની પ્રજાના હિતમાં કાયદા ઘડવાના અધિકાર હતા.જોકે ભારતીય બંધારણ સભામાં જમ્મૂ-કાશ્મીરના ખાસ સંજોગોને લઈને સરદાર પટેલે હંગામી ધોરણે ૩૭૦(એ વખતની ૩૦૬-એ)મી કલમ દાખલ કરાવી હતી. નેહરુ અને ઇન્દિરા યુગમાં એ કલમ “ઘીસતે ઘીસતે ઘીસ જાયેગી”ના ન્યાયે ઘસાતી ગઈ. ભારતની સુપ્રીમ કોર્ટ તથા ચૂંટણી પંચના અધિકારક્ષેત્ર સહિત મોટા ભાગના ભારતીય કાયદા જમ્મૂ-કાશ્મીરને લાગુ કરાયા હતા.જોકે હજુ પણ  ૧૦૦ જેટલા ભારતીય કાયદા  જમ્મૂ-કાશ્મીરને લાગુ કરી શકાયા નથી.ભારતીય કાયદા લાગુ કરવા માટે ત્યાંની ધારાસભાની સંમતિ અનિવાર્ય છે.તાજેતરમાં જીએસટીનો અમલ કરાવાયો હતો.આમ છતાં ૩૭૦ને દૂર કરવાના મુદ્દે મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તી પણ આકળાં છે.એવી વાત કરનારને પણ એ રાષ્ટ્રદ્રોહી ગણાવે છે.તેમના રાજ્યમાં આ આળો મુદ્દો છે.રાજ્યના ભાજપી હિંદુઓ ૩૭૦ હટાવવાના પક્ષધર છે.અન્ય તમામ પક્ષો એને હટાવવાની વાત આવે કે છળી ઊઠે છે. હવે ૩૫(એ)ને દૂર કરવાના મુદ્દે તો ઊભા કાશ્મીરને આગમાં ઝીંકવાના સંજોગો ઊભા થયા છે.રાજાશાહી ગઈ પણ રાજાના વખતના એ કાયદાને દૂર કરવાના મુદ્દે તો જાની દુશ્મન મહેબૂબા સામે ચાલીને  ડૉ.ફારુક અબદુલ્લાના ઘરે મળવા જાય છે. કૉંગ્રેસના જમ્મૂના હિંદુ ધારાસભ્ય-નેતા પણ  ૩૫(એ)ને દૂર કરવાની વિરુદ્ધ છે.પીડીપી-ભાજપની રાજ્ય સરકારે પણ સોગંદનામું કરીને ૩૫(એ) કલમ દૂર કરવાનો વિરોધ કર્યો છે.મુખ્ય મંત્રી મુફ્તી રાજ્યનો વિરોધ દર્શાવવા માટે દિલ્હી આવીને વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન રાજનાથ સિંહને મળ્યાં હતાં. કેન્દ્ર સરકાર આ મુદ્દે સોગંદનામું કરવાની નથી એવું જણાવાય છે.સુપ્રીમ કોર્ટમાં મામલો, સંસદમાં મંજૂર કરાવ્યા વિના, ૩૫(એ)ને જમ્મૂ-કાશ્મીરમાં અમલી બનાવાયાનો છે.૩૫(એ)ના સમર્થકોનું કહેવું છે કે આવી અનેક જોગવાઈઓ સંસદમાં ગયા વિના રાષ્ટ્રપતિના પરિપત્રથી દાખલ થયેલી છે.સુપ્રીમ કોર્ટ એ વિશે જે પણ નિર્ણય કરે,જમ્મૂ-કાશ્મીર ભડકે બાળવાનો માહોલ ભાજપ સિવાયના નેતાઓએ તૈયાર કરી જ લીધો છે.એમાં પણ પાછું ૩૫(એ)ને પડકારવાની પ્રથમ ૨૦૧૪ની અરજી ૭૨૨/૨૦૧૪ “વી ધ સિટિઝન્સ” નામક સંઘવિચારકોની સ્વયંસેવી સંસ્થાએ કરી હોવાથી વિરોધવંટોળને હિંદુ-મુસ્લિમ રંગ આપવાની કોશિશ પણ થઇ રહી છે.૩૫(એ)ને પડકારતી બીજી અરજી ૮૭૧/૨૦૧૫ પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થી થકી અધિકારોની માંગણી માટે કરાઈ છે.ત્રીજી અરજી મધ્યપ્રદેશમાં જન્મેલી મૂળ કાશ્મીરી પંડિત એવી ચારુ વલી ખન્ના અને ડૉ.સીમા રાઝદાનની ૩૯૬/૨૦૧૭ અન્વયે પોતાના પિતૃરાજ્યમાં જમીન ખરીદીને ઘર બાંધવાના અધિકારની આડે આવતી આ કલમને રદ કરવાની દાદ માંગતી છે. આ બંને અરજદારોએ રાજ્યની બહાર રહેતી તથા બહાર પરણેલી મહિલાઓના અધિકારોને ડૂબાડતી ૩૫(એ) ઉપરાંત ૩૭૦મી કલમને  સુપ્રીમ કોર્ટ રદ કરે એવી દાદ પણ માગી છે.સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારાધીન એવા આ મામલે અત્યારથી જે ઉહાપોહ સર્જ્યો છે એ જોતાં સુપ્રીમની બંધારણ પીઠ જે કોઈ ચૂકાદો આપે એ પછી પણ એને તમામ પક્ષો માન્ય રાખશે કે કેમ એ વિશે શંકા છે.આવા સંજોગોમાં રાજકીય પક્ષો અને કેન્દ્ર તથા રાજ્ય સરકારે સહચિંતન કરીને એનો સર્વસ્વીકૃત ઉકેલ લાવવાની જરૂર છે,અન્યથા વાતનું વતેસર થવાનાં એંધાણ મળે છે.   ઈ -મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment