Wednesday 16 August 2017

Akhand Bharat or Federation of India,Pak and Bangladesh

મહર્ષિ અરવિંદનું સ્વપ્નઃ ભાગલા મિટાવીને એકતા સ્થાપીએ
અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશનો વિલય ભલે  અશક્ય, પણ મહાસંઘ શક્ય
·         સત્તારૂઢ ભાજપના આરાધ્ય શ્રી ગુરુજીના અખંડ ભારતનું સ્વપ્ન હવે કાં વીસરાયું ?
·         ભાગલા રહેશે ત્યાં સુધી આંતરવિગ્રહ અને બીજી સત્તાના  આક્રમણનો સંભવ રહેવાનો
·         સ્ટીફન કોહેનના મતે, આઝાદીની શતાબ્દી ઉજવણી ટાણેય ભારત-પાક દુશ્મની હશે
·         ગાંધીજી, નેહરુ, સરદાર કે ડૉ.આંબેડકરને ભારત હિન્દુરાષ્ટ્ર  તરીકે અભિપ્રેત નહોતું


૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સ્વતંત્ર ભારતનો જન્મદિવસ. મહર્ષિ અરવિંદનો જન્મદિવસ પણ ૧૫ ઓગસ્ટ. એ દૃષ્ટિએ અરવિંદ ઘોષના જીવનમાં પણ ૧૫ ઓગસ્ટનું મહત્ત્વ અને મહાત્મ્ય સવિશેષ રહ્યું. ક્યારેક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ઓફ બરોડાના અંગત સચિવ રહેલા અને ક. મા. મુનશી જેવા બરોડા કૉલેજના તેજસ્વી વિદ્યાર્થીઓના અધ્યાપક-આચાર્ય રહેલા અરવિંદની બ્રિટિશ શાસન સામેની બળવાખોરી એમને બૉમ્બ સંસ્કૃતિ ભણી દોરી ગઈ હતી. જેલવાસ પણ ભોગવ્યો. એ પછી ૧૯૧૦થી પાંડિચેરી (હવેના પુડુચેરી)ના અરવિંદ અધ્યાત્મ્ય તરફ એવા ઢળ્યા કે ૧૯૨૦માં ડૉ. બી. એસ. મુંજે અને ડૉ. કેશવ બલિરામ હેડગેવાર જેવા કૉંગ્રેસીનેતાઓ નાગપુરથી પાંડિચેરી જઈ મહર્ષિને વીનવતા હતા કે લોકમાન્ય ટિળકનું સ્થાન લઈને આપ ૧૯૨૦ની નાગપુર કૉંગ્રેસના અધ્યક્ષપદને શોભાવો, પણ મહર્ષિ ના માન્યા. એ આ બધાથી વિરક્ત થયા હતા, પણ રાષ્ટ્રના હિત અને ઉત્થાનની બાબત માટે એ સદૈવ ચિંતન અને ચિંતા કરતા રહ્યા. એમણે નોંધ્યું :  મારા જીવનકાળ દરમિયાન જે જે જગદવ્યાપી પ્રવૃત્તિઓને સફળ થવાની મેં આશા સેવી હતી, અને તે કાળે તો એ પ્રવૃત્તિઓ કેવળ અવ્યવહારુ સ્વપ્ન જેવી જ દેખાતી હતી, તે સઘળી પ્રવૃત્તિઓને હું આજે સફળ થતી યા તો સફળતાની દિશામાં ગતિ કરતી જોઉં છું. સ્વતંત્ર બનેલું ભારત આ સર્વ પ્રવૃત્તિઓમાં ઘણો મોટો ભાગ ભજવી શકે છે, જગતને માર્ગદર્શક બની શકે છે.

ભારત સ્વતંત્ર થયું ત્યારે મહર્ષિએ પોતાનાં સ્વપ્નોમાંના પ્રથમ સ્વપ્નમાં ક્રાંતિકારી આંદોલન દ્વારા સ્વતંત્ર અને સંગઠિત ભારતના સર્જનની વિભાવના રજૂ કરી હતી. સ્વતંત્રતા તો મળી, પણ એકતા નહોતી. છૂટાં છૂટાં રાજ્યોની અંધાધૂંધી ભરેલી હાલતમાં એ સરી પડશે એવું લાગતું હતું. જોકે, આશાવાદ ટક્યો હતો. ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત બ્રિટિશ ઈંડિયા  સ્વતંત્રતા પછી સ્વતંત્ર ભારત તરીકે, અખંડ ભારત તરીકે આકાર લે એવી એમના સ્વપ્નની સિદ્ધિ અપેક્ષિત હતી. એ સિદ્ધ થાય એ પૂર્વે જ એમણે તો વિદાય લીધી, પણ નવી પેઢીને શિરે એ સ્વપ્નપૂર્તિની જવાબદારી છોડતા ગયા. ધનાઢ્ય પરિવારમાં જન્મેલા મહર્ષિએ દલિતોના પ્રશ્નો અને હિંદુ-મુસ્લિમ ખટરાગનો નિવેડો લાવવાની અપેક્ષા કરતું ચિંતન પણ કર્યું હતું. આ ભાગલા રહેશે ત્યાં સુધી આંતરવિગ્રહનો હંમેશા સંભવ રહેવાનો એટલું જ નહીં, ભારત પર કોઈ બીજી સત્તાનું આક્રમણ પણ બને, અને ભારત પરદેશી સત્તાનાં હાથમાં પાછું ચાલ્યું જાય. ભાગલાને લીધે ભારતનો પોતાનો આંતરિક વિકાસ અને પ્રગતિ પણ અટકી પડે. જગતની પ્રજાઓમાં પણ તેનું સ્થાન નબળું પડી જાય, તથા ભારતનું પોતાનું જે વિશિષ્ટ જીવનકાર્ય છે તેને ક્ષતિ પહોંચે અને નષ્ટભ્રષ્ટ પણ થઈ જાય એવો પણ સંભવ છે જ. આમ ન જ થવા દેવાય. ભાગલા જવા જ જોઈએ.

મહર્ષિ અરવિંદ થકી જે સ્વપ્ન જોવામાં આવ્યું એમાં ભાગલા જવા જ જોઈએ અને એકતા સ્થાપવી જ જોઈએ અને સ્થપાશે જ એવી શ્રદ્ધાનો રણકો પણ હતો. ભારતને ભવિષ્યમાં મહાન બનાવવા માટે ભારત-પાક-બાંગલાદેશનો વીંટો વાળવવાની અનિવાર્યતા ઘણાને અનુભવાય છે. એ શક્ય છે ખરું? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (શ્રી ગુરુજી) પણ ભારતને અખંડ જોવાનું સ્વપ્ન સાકાર કરવાનો મંત્ર સંઘ પરિવાર તરીકે આજે ઓળખાતા વિશાળ વટવૃક્ષ સમક્ષ મૂકીને એ ગયા  છે. અખંડ ભારતની કલ્પનાને સાકાર કરીએએ મંત્ર ગુરુજી જેવા ભારતના મહર્ષિના શબ્દો અને બૌદ્ધિકોમાં સતત પડઘાતો રહ્યો છે. ભાગલા જે તે સમયે રાજકીય સમાધાન માટે અનિવાર્ય હતા, એ વાત સરદાર પટેલે બંધારણ સભામાં સુપેરે મૂકી છે. ભાગલા માટે પંડિત નહેરુ સંકોચ અનુભવતા હતા. સરદાર એ માટે મક્કમ હતા. વી. પી. મેનનની યોજના સ્વીકારી લેવા સરદારે નહેરુને કહ્યું ત્યારે મહાત્મા ગાંધી તો જાણતા પણ નહોતા કે પોતાના ડાબા-જમણા હાથ સમા બે કૉંગ્રેસ નેતાઓએ ભાગલા માટે જીભ કચરી દીધી છે. ગાંધીજીની શહીદી ભાગલા નિમિત્તે આવી પડી એ પણ વિધિની કેવી વક્રતા! છતાં સંઘના સુપ્રીમો ગુરુજી કહે છે તેમ ભાગલા પછી લોક ઈચ્છાશક્તિને આધારે અખંડ ભારતને પુનઃ હકીકત બનાવી શકાય છે.આપણી સામે બે જર્મની દુશ્મની છોડીને એક થયાનો દાખલો મોજૂદ છે , પણ અત્યારે સત્તા  સુધી પહોંચેલા અને  શ્રી  ગુરુજીને પોતાના આરાધ્ય ગણતા ભારતીય જનતા પક્ષે અખંડ ભારતની એ વિભાવનાને સાવ ભૂલવાનું પસંદ કર્યું છે.કારણ બહુ સ્પષ્ટ છે.જૂના બ્રિટિશ ઇન્ડિયામાંથી છૂટા પડેલા ત્રણેય દેશોમાં પ્રત્યેક લગભગ ૧૯ કરોડ જેટલી મુસલમાન વસ્તી ધરાવે છે.૮૦ કરોડ હિંદુઓ સામે કુલ ૬૦ કરોડ મુસ્લિમોની વસ્તીવાળા એકત્રિત ભારતમાં ફરીને આઝાદી પૂર્વેના જ સંજોગો પેદા થવાની ધાસ્તી રહે  છે.દૂધના દાજેલા છાસ પણ ફૂંકીને પીવાનું પસંદ કરે  છે.ભારત દુનિયાભરમાં પોતાનું ગુરુ તરીકેનું સ્થાન જમાવવા માંગે છે ત્યારે હિંદુ અને મુસ્લિમથી ઉપર ઊઠીને રાજકારણ અને શાસનકારણને આગળ વધારવાની જરૂર ખરી.ભારત પાડોશી રાષ્ટ્રો પાકિસ્તાનની જેમ ના તો ધર્મરાષ્ટ્ર છે કે ના ચીનની જેમ નાસ્તિક રાષ્ટ્ર છે.ગાંધીજી, નેહરુ, સરદાર કે ડૉ.આંબેડકરને ધર્મ રાજ્ય કે હિન્દુરાષ્ટ્ર  તરીકે ભારત અભિપ્રેત નહોતું.

ભારત અને આસપાસનાં રાષ્ટ્રોના દક્ષિણ એશિયાઈ સંગઠન (સાર્ક)માં પાકિસ્તાન, બાંગલાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને માલદીવનો સમાવેશ થાય છે. સાર્કનું માધ્યમ સંગઠિત થવાની દિશામાં આગેકૂચ કરવાના ખ્યાલ સાથે જ વરવા ગુજરાતી એચ. ટી. પારેખ (ICICI અને HDFCના સંસ્થાપક) થકી રજૂ થયેલું મૉડેલ હતું.રાજકીય શાસકોના અંગત રાગદ્વૈષને બાજુએ સારીને પ્રત્યેક દેશના વિશાળ હિતમાં અને સહિયારા હિતમાં સાર્કસક્રિય રહે એ અનિવાર્ય છે. મહર્ષિ અરવિંદ કે શ્રી ગુરુજીને અભિપ્રેત ભારત-પાકિસ્તાન અને ૧૯૭૧ પછીના બાંગલાદેશનો વિલય ભારતમાં થાય એ શક્યતા અત્યારે બહુ સફળતાને વરે એવું લાગતું નથી, છતાં યુરોપિયન યુનિયનની કલ્પનાને અનુરૂપ પ્રત્યેક દેશની આગવી ઓળખ અને તંત્ર જળવાઈ રહે છતાં સાથે મળીને કામ કરી શકાય એવું અશક્ય નથી. ક્યારેક ભારતના એ ભાગલા ધાર્મિક મુદ્દે થયા હતા. કાયદેઆઝમ મોહમ્મદ અલી ઝીણાને મુસ્લિમો માટે અલાયદું પાકિસ્તાન જોઈતું હતું. હિંદુ અને મુસ્લિમ વિવાદ એ થોડોક આળો મુદ્દો પણ રહ્યો છે. એટલે એકંદરે ત્રણેય દેશનો ભારતમાં વિલય અશક્ય લાગે તો પણ યુરોપિયન યુનિયનનું મોડેલ અહીં માફક આવે એવું બની શકે.

અમેરિકી વિદ્વાન સ્ટીફન કોહેનનું ૨૦૧૩માં પ્રકાશિત પુસ્તક શૂટિંગ ફૉર ધ સૅન્ચૂરીઃ ધ ઈન્ડિયા-પાકિસ્તાન કનન્ડ્રમમાં ભારત અને પાકિસ્તાન આઝાદીની શતાબ્દી ટાણે એટલે કે ૨૦૪૭માં પણ સામાન્ય સંબંધો અને મૈત્રીપૂર્ણ વ્યવહાર સ્થાપિત નહીં કરી શકે, એવું તારણ કાઢ્યું છે. છેલ્લાં ૭૦ વર્ષથી કાશ્મીર કોકડું ઉકેલાતું નથી એટલે કોહેનની વાત  માનવા સૌ કોઈ પ્રેરાય એ સંભવ છે. જોકે, વડા પ્રધાન અટલબિહારી વાજપેયી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીના અંગત રહેલા લબ્ધપ્રતિષ્ઠ લેખક-પત્રકાર સુધીન્દ્ર કુલકર્ણી આ તબક્કે કોહેન સમક્ષ પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડૉ.રામમનોહર લોહિયાએ પચાસેક વર્ષ પૂર્વે રજૂ કરેલી મહાસંઘ (ફેડરેશન)ની વાત રજૂ કરે છે. બ્રિટિશ ઈન્ડિયામાંથી છૂટા પડેલા આ ત્રણેય દેશો પોતપોતાનું આગવું અસ્તિત્વ જાળવી રાખીને મહાસંઘ તરીકે પારસ્પારિક હિતની ખેવના કરતાં વિકટતા કેળવીને વિશ્વમંચ પર પ્રભાવ પાથરી શકે. વર્તમાન સંજોગોમાં એ અશક્ય લાગે, પણ બેઉ જર્મની એક થયાની કલ્પનાતીત વાત શક્ય બને, તો ભવિષ્યમાં આપણા ત્રણ એકાકાર દેશો થઈ શકે.  ઈ-મેઈલ : haridesai@gmail.com


No comments:

Post a Comment