Wednesday 12 July 2017

The New Economic Revolution called GST


ભારતીય અર્થતંત્રમાં જીએસટીના અમલથી નવક્રાંતિ
Dr.Hari Desai's Weekly Column in Gujarat Samachar(London), Gujarat Guardian(Surat),Sardar Gurjari(Anand), Gandhinagar Samachar(Gandhinagar) and Hamlog(Patan).
Read the Full Text and React :
ભારતીય અર્થતંત્રમાં જીએસટીના અમલથી નવક્રાંતિ
અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ
------------------
• જમ્મૂ-કાશ્મીરમાં ૩૭૦ હેઠળના અલગ બંધારણની આડશે છાણે વીંછી ચડાવવાનો અનુભવ
• ૧૯૯૧થી આરંભાયેલા આર્થિક ઉદારીકરણની દિશામાં અનિવાર્ય આગેકૂચનો નવો પ્રયોગ
• મુખ્ય મંત્રી તરીકે પોતે કેમ વિરોધ કરતા હતા એની વડા પ્રધાને વિગતે ચોખવટ કરી
• મોદીએ નેહરુ, સરદાર અને મૌલાનાનું સ્મરણ કર્યું, પણ શ્યામાબાબુનું નામ ના લીધું
------------------
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસન હેઠળ સમગ્ર દેશમાં સર્વપક્ષી સંમતિથી માલ અને સેવા કર (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ – જીએસટી)નો અમલ ૩૦ જૂન ૨૦૧૭થી મધરાતના સંસદભવનના ભવ્ય સમારોહથી આરંભાયો. મોદીશાસન સુધારાઓને સત્વરે લાગુ કરવાનું પક્ષધર છે. પ્રારંભમાં તકલીફો પડશે, પણ પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયી અને ડૉ. મનમોહન સિંહના શાસનકાળમાં અખંડ રીતે ચાલી આવેલી વિચારણા મુજબ સમગ્ર દેશમાં એક જ કરની પ્રક્રિયાને મોદી આગળ વધારી રહ્યા છે. ભારતીય બંધારણમાં સુધારો કરીને, તમામ રાજકીય પક્ષો અને વિવિધ પક્ષોથી શાસિત ૨૯ રાજ્યો તથા ૭ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાંચથી સાત સ્તરના કરવેરા સાથેના જીએસટી માળખાને લાગુ કરવામાં આવ્યું. સત્તાપક્ષ અને વિપક્ષ સંમત છે એના અમલની બાબતમાં. કૉંગ્રેસ તથા તૃણમૂલ કૉંગ્રેસનો વિરોધ માત્ર અડધી રાતે આઝાદીના ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના સમારંભની જેમ અડધી રાતે આર્થિક આઝાદીનું પર્વ ૩૦ જૂન ૨૦૧૭ની મધરાતે મનાવવા સામે હતો. વડા પ્રધાન થકી ‘ઈવૅન્ટ મૅનેજમૅન્ટ’ તરીકે એના આયોજન સામે વિપક્ષોનો વિરોધ-વાંધો હતો. અગાઉ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે નરેન્દ્રભાઈએ પણ જીએસટીના અમલ સામે વિરોધ નોંધાવ્યો હતો.જોકે તેમણે લોકસભામાં આ બાબત ચોખવટ કરીને જીએસટીના અમલને દેશની આર્થિક અને લોકતાંત્રિક વ્યવસ્થાને મજબૂત કરનાર લેખાવવાનું પસંદ કર્યું હતું.જમ્મૂ-કાશ્મીર બંધારણની કલમ ૩૭૦ હેઠળ વિશેષ દરજ્જો ધરાવતું હોવાના કારણે તેની વિધાનસભા અને વિધાન પરિષદે પોતાની ખાસ સ્થિતિ અને સંજોગોમાંથી માર્ગ કાઢીને વિશેષ સત્ર બોલાવીને વિરોધવંટોળ વચ્ચે કેટલાક સુધારાની ભલામણ સાથે રાજ્યમાં પણ જીએસટીનો અમલ કરવાના સમર્થનમાં ઠરાવ કરીને રાષ્ટ્રપતિને એ પાઠવી દેવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ મુદ્દો વિવાદનો બની રહેવાનો અને રાજ્યની પીડીપી-ભાજપ સરકારે છાણે વીંછી ચડાવવા જેવો ખેલો ખેલ્યો છે.

જીએસટીના અમલના પર્વને મનાવવા માટે ૩૦ જૂનની મધરાતે સમારંભ યોજાયો. એ વેળા જમ્મો-કાશ્મીરને એના અમલ હેઠળ લાવવામાં આવ્યું નહોતું,પણ હવે રાષ્ટ્રપતિ જાહેરનામું બહાર પાડીને એનો અમલ કરશે.જોકે ગુજરાત અને દિલ્હી તેમજ ચેન્નાઈમાં પણ જીએસટીના અમલ થકી વેપારી આલમનો ત્રાસ વધી જશે એવું જણાવતાં એની વિરુદ્ધમાં આંદોલન શરૂ થયાં છે અને એણે રાજકીય રંગ પણ પકડ્યો છે.સુરતમાં અત્યાર લગી આવા કરથી મુક્ત રહેલા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા ૭૫ હજાર જેટલા વેપારીઓએ હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો, ત્યારે એમના પર પોલીસે લાઠીમાર ચલાવ્યો અને અમદાવાદ સહિતનાં અન્ય બજારોના વેપારીઓ પણ આંદોલનમાં જોડાયા છે,.જીએસટીના ટેકામાં હોવા છતાં વેપારીઓની કનડગત સામે કૉંગ્રેસ થકી વિરોધ નોંધાવાયો છે.સુરતમાં તો કૉંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ ભરત સોલંકી વેપારીઓના સમર્થનમાં આવ્યા ત્યારે ભાજપ તરફી વેપારીઓએ “મોદી મોદી”ના સૂત્રોચ્ચાર કર્યા હતા.હીરાના વેપારીઓ પણ જીએસટીના અમલથી નારાજ હોવાથી આંદોલન કરી રહ્યા છે.માથે ચૂંટણી હોય ત્યારે જીએસટી અમલથી સત્તાપક્ષને પ્રતિકૂળ અસર થવાની ગણતરી હોવાથી કેટલીક છૂટછાટો અપાવાની શક્યતા છે.
૩૦ જૂનના સમારંભના પ્રારંભમાં નાણા પ્રધાન અરુણ જેટલીએ જીએસટી અમલી બનાવવામાં જે તમામનો સહયોગ મળ્યો એ બધાનો આભાર માનતાં આર્થિક આઝાદી ભણી આગેકૂચનાં મંડાણનું એલાન કર્યું. દોઢેક દાયકા દરમિયાન જીએસટી અમલી બનાવવા માટે સર્વપક્ષી પ્રયાસો થયા. રાજ્યો અને કેન્દ્રની સરકારો માલ અને સેવાઓ પર અલગ અલગ પ્રકારના ૧૭ કર અને ૨૩ ઉપકર (સેસ) વસુલ કરતી રહ્યાને કારણે પ્રજા અને વેપારીઓની હાલાકી વધતી હોવાથી કરમાળખાના સરળીકરણ માટે સમાન ધોરણે વિવિધ રાજ્યોમાં જીએસટી અમલી કરવાનું પસંદ કરાયું છે. અલગ અલગ દેશોમાં એકસમાન કરના દર અમલી હોય છે એવું ભારતમાં અત્યારના તબક્કે શક્ય બન્યું નથી. જોકે, કેન્દ્ર અને રાજ્યોના નાણા પ્રધાનોની બનેલી જીએસટી કાઉન્સિલની અત્યાર લગી મળેલી ૧૮ બેઠકો પછી મળનારી બેઠકોમાં એ દિશામાં પગલાં લઈ શકાશે. સ્વયં વડા પ્રધાન મોદીએ પણ પ્રારંભિક અગવડોના અનુભવ છતાં લાંબે ગાળે જીએસટી સારાં પરિણામો લાવનાર રહેશે અને ગરીબ વર્ગને એનાં સુફળ ચાખવાનો અવસર મળશે, એવી ધરપત આપી છે જરૂર. સમગ્ર દેશમાંથી વેપારી આલમે જીએસટી સામે નોંધાવેલા વિરોધથી સરકાર અજાણ નથી. જીએસટી લાગુ કરવામાં ઉતાવળ કરાયાનું અને એ વિશે જનતાને પૂરતી વાકેફ નહીં કરાઈ હોવાનું સત્તાધીશો અનુભવી રહ્યા છે. જોકે, વડા પ્રધાન મોદી ‘મેન ઈન હરી’ છે. આગામી ૨૦૨૨માં ૭૫ વર્ષની-સુવર્ણ પર્વની ઊજવણી કરવા ઉત્સુક છે. અગાઉ આઝાદીનાં ૨૫ વર્ષ (રજત જયંતી) અને ૫૦ વર્ષ (સુવર્ણ જયંતી) સંસદ ભવનના કેન્દ્રીય સભાગૃહમાં મનાવાયાનું ઉદાહરણ જાણીતું છે.

વિશ્વ વ્યાપાર સંગઠન (ડબલ્યુટીઓ) સાથે સંકળાયેલા દેશો આર્થિક ઉદારીકરણની દિશામાં આગળ વધે એ સ્વાભાવિક પ્રક્રિયા છે. વડા પ્રધાનપદે પી. વી. નરસિંહરાવ હતા અને એમના નાણા પ્રધાન ડૉ. મનમોહન સિંહ હતા ત્યારથી એ શરૂ થઈ હતી. ૧૯૯૧-૯૫ દરમિયાન રાવ સરકારે ઉદાર આર્થિક સુધારાની વૈશ્વિક દિશા પકડી. એમના અનુગામી વડા પ્રધાનો અટલબિહારી વાજપેયી અને ડૉ. મનમોહન સિંહે એ પ્રક્રિયાને આગળ વધારવી પડે એ સ્વાભાવિક હતું. વર્તમાન વડા પ્રધાન મોદી માટે પણ વૈશ્વિક મૂડીરોકાણ આવકારવા માટેની મોકળાશ કરી આપવા માટે ભારત સરકાર અને રાજ્યોની સરકારના કરમાળખાનું સરળીકરણ અનિવાર્ય હતું. હવે ‘ટ્રાયલ ઍન્ડ ઍરર’થી સુધારા-વધારા કરી શકાશે.

જીએસટીના અમલનો આરંભ કરાવનાર રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી યુપીએ સરકારમાં નાણા પ્રધાન હતા ત્યારે એમણે જીએસટી અમલમાં લાવવા માટેનો બંધારણીય સુધારો ૧૦૧ આગળ કરવાની પહેલ કરી હતી. ૨૫ જુલાઈ ૨૦૧૭ના રોજ રાષ્ટ્રપતિ મુખરજી પાંચ વર્ષની મુદતને અંતે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમને એક વાતનો સંતોષ છે કે તેમણે જે સંકલ્પ કર્યો હતો એનો અમલ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે. એ વાતનું સ્મરણ મુખરજીએ પોતાના સંબોધનમાં પણ કર્યું. જોકે, જેટલીએ પણ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે વર્ષ ૨૦૧૨માં નાણા પ્રધાન તરીકે મુખરજીએ બંધારણ સુધારા થકી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સાધીને જીએસટી લાગુ કરવાનો આગ્રહ સેવ્યો હતો.

ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે અર્ધ-સમવાય બંધારણીય અધિકારો અસ્તિત્વમાં હોવાને કારણે કર ઉઘરાવવા બાબતના રાજ્યોના અધિકાર કેન્દ્ર પાસે લેવા અને એના અમલની બાબતમાં સંમતિ સાધવા રાજ્યસભા અને લોકસભા ઉપરાંત રાજ્યોની વિધાનસભાઓ અને ધારાસભા ધરાવતા બે કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી અને પાંડિચેરીની જીએસટી વિધેયક અંગે સંમતિ અનિવાર્ય બને છે. બધા જ પક્ષો અને રાજ્યો વચ્ચે આવી સંમતિ સાધવાનું શક્ય બનતાં જીએસટીનો અમલ શક્ય બન્યો છે. જોકે, વિશ્વના અન્ય દેશોમાં જ્યાં અમલી છે તેમાં એકમાત્ર કેનેડા સમવાય કે ફૅડરલ વ્યવસ્થા ધરાવે છે. બાકીના દેશોમાં એકમ (યુનિટરી) વ્યવસ્થા હોવાથી એનો અમલ સરળ છે. અન્ય દેશોમાં જીએસટીની ટકાવારી, ભારતના વર્તમાન અનુભવથી વિપરીત, સમાન કરની રહી છે.

જીએસટીને ‘ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ’ને બદલે ‘ગુડ ઍન્ડ સિમ્પલ ટૅક્સ’ ગણાવી વડા પ્રધાન મોદીએ અડધી રાતે આર્થિક આઝાદીના ઉત્સવને ‘સહકારપ્રેરિત સમવાયતંત્ર’ (કો-ઑપરેટિવ ફૅડરલિઝમ)નો નમૂનો ગણાવીને હરખ કર્યો હતો. નવા ભારતની નવી અર્થવ્યવસ્થાના શુભારંભ માટે દેશના આઝાદી પર્વની ઊજવણી જ્યાં થઈ હતી એ જ કેન્દ્રીય સભાગૃહથી પવિત્ર બીજું કયું સ્થાન હોઈ શકે? એવું પણ તેમણે કહ્યું હતું. પાંચસોથી વધુ દેશી રજવાડાંના એકીકરણથી સરદાર પટેલે ભારતનું વર્તમાન રાજકીય માનચિત્ર (નકશો) તૈયાર કર્યો. એમ જીએસટીથી આર્થિક એકીકરણ થઈ રહ્યાનું પણ તેમણે કહ્યું હતું. વડા પ્રધાને બંધારણ સભાના એ અડધી રાતની આઝાદીના પર્વની ૧૪ ઓગષ્ટ ૧૯૪૭ની ઊજવણી ટાણે તત્કાલીન વડા પ્રધાન પંડિત નેહરુ, મૌલાના આઝાદ, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર, આચાર્ય કૃપાલાની, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સરોજિની નાયડુનાં નામ પહેલી હરોળમાં બિરાજનાર તરીકે લીધાં હતાં. તેમણે સંભવતઃ જાણી જોઈને પોતાના પક્ષના પૂર્વ અવતાર જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુકરજીનું નામ લીધું નહોતું. ડૉ. મુકરજી એ વેળા નેહરુ સરકારમાં ઉદ્યોગપ્રધાન હતા અને હિંદુ મહાસભાના અધ્યક્ષપદેથી રાજીનામું આપી ચૂકેલા હતા. જોકે, એમણે નેહરુ સરકારમાંથી પણ પૂર્વ પાકિસ્તાન (હવેના બાંગલાદેશ)ના હિંદુઓની સલામતીના મુદ્દે રાજીનામું આપી દીધું હતું. એ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય વડા માધવ સદાશિવ ગોળવળકરને મળીને એમણે અખિલ ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી.ભારતમાં જીએસટીના અમલની સાથે જ આર્થિક ક્ષેત્રે નવા યુગનાં મંડાણ જરૂર થયાં છે. એના અમલ થકી જે કાંઈ અનુભવોમાંથી પસાર થવાથી રાજ્યો અને કેન્દ્ર સરકારોને શીખવા મળશે, એને આધારે જીએસટી કાઉન્સિલ જરૂરી પુનઃવિચાર પણ કરશે. ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment