Wednesday 11 January 2017

Mumbai Corporation Election and Maha-Smarak of Shivaji Maharaj

મુંબઈની ચૂંટણી અને સમુદ્રમાં ભવ્ય શિવાજી સ્મારક
અતીતથી આજ :  ડૉ. હરિ દેસાઈ

·         કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી સરકારના  ૧૦૦ કરોડ રૂપિયાના સ્મારકને  ભાજપ-સેનાએ ૩૬૦૦ કરોડનું કર્યું
·         શુભારંભઉત્સવમાં  મોદી છવાઈ ગયા એટલે ઠાકરેસેનાના પેટમાં તેલ રેડાવું સ્વભાવિક હતું
·         શિવાજી હિંદુ સ્વરાજનહીં, પણ હિંદુ-મુસ્લિમ ભેદ વિનાના  હિંદવી સ્વરાજના પ્રણેતા હતા
·         સત્તાધારી મોરચામાં જ શિવાજીના જન્મદિવસ અને જીવન-સાલવારી બાબત સંમતિ નથી

ઈતિહાસનું ભાન રાખીને રાજકીય તાળીઓ વગાડવાનું ઓછું રાખો.આ શબ્દો મહારાષ્ટ્રના સત્તામોરચામાં ભારતીય જનતા પક્ષના મિત્રપક્ષ શિવ સેનાના વડા ઉદ્ધવ બાળ ઠાકરેના છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. અત્યાર લગી મોટા ભાઈતરીકેની શિવ સેનાની ભૂમિકાને ભાજપના નરેન્દ્ર મોદી યુગમાં ભૂંસી નાંખીને ભાજપની નેતાગીરી સ્વબળે મહાપાલિકા પર કમળનું શાસન સ્થાપવા ઈચ્છુક છે. મહારાષ્ટ્રમાં ભાજપના વડપણ હેઠળ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં ભાજપ અને શિવ સેના વચ્ચે સતત ખટરાગ ચાલ્યા કરે છે. કેન્દ્રમાં મોદી સરકારમાં પણ સેના સામેલ છે. ગમે ત્યારે બંને પક્ષ છૂટા થઈ જવાનાં એંધાણ મળતાં રહેતાં હોવા છતાં સત્તા એમને સાથે રાખે છે, પરંતુ મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણીમાં એમની ફારગતી નક્કી જણાય છે.
સમયાંતરે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસની જેમ ભાજપ અને શિવ સેના એકમેકની વિરુદ્ધ ચૂંટણી લડે છે, પણ પરિણામોમાં મોદીનિષ્ઠ ભાજપના વિજયરથને આગળ વધતો નિહાળીને શિવ સેના નીચી મૂંડી કરીનેય એમની સાથે જોડાણ ચાલુ રાખી સત્તાનાં ફળ ચાખવાનું ચાલુ રાખે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ કેન્દ્રમાં સર્વસત્તાધીશ હોવાને કારણે મિત્રપક્ષોની મજબૂરીથી સુપેરે વાકેફ છે. એક મિત્રપક્ષ નારાજ થાય તો બીજા પક્ષને વિપક્ષી છાવણીમાંથી પોતાના ભણી ખેંચી લાવવાની ગોઠવણ મોદીનિષ્ઠ રાજકારણમાં રહે જ છે.
કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી કૉંગ્રેસની યુતિ સરકારના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે મુંબઈ નજીક સમુદ્રમાં દોઢ કિલોમીટર જેટલા અંદરના ભાગે ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે હિંદવી સ્વરાજના પ્રણેતા એવા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો પ્રકલ્પ હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. એનાં ટેન્ડર પણ નીકળી ગયાં હતાં. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી કૉંગ્રેસને બદલે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવ સેનાની સરકાર સ્થપાઈ. મહારાષ્ટ્રની આ ભગવી યુતિએ છત્રપતિ શિવાજી મહારાજનું સમુદ્રમાં સ્મારક સ્થાપિત કરવાની યોજનાને ૩૬૦૦ કરોડ રૂપિયાની કરી. વડા પ્રધાન મોદીના હસ્તે એના કામનો શુભારંભનો ઉત્સવ યોજાયો ત્યારે શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ એમાં ઉપસ્થિત હતા, પરંતુ મોદી છવાઈ ગયા એટલે ઠાકરેસેનાના પેટમાં તેલ રેડાવું સ્વભાવિક હતું. વડા પ્રધાન મોદીએ ભૂમિપૂજન કર્યું એ શિવાજી સ્મારકના આયોજન મુજબ  પહેલા તબક્કાનું કામ ૨૦૧૯ સુધીમાં પૂર્ણ થશે
મોદીનિષ્ઠ ભાજપ યેનકેન પ્રકારેણ વિજય પ્રાપ્ત કરવાના સંકલ્પ સાથે આગળ વધે છે. નીતિમૂલ્યો અને આદર્શોના મંજીરા વગાડવાને બદલે એણે વાસ્તવવાદી ભૂમિકા પર આગળ વધવાનું નક્કી કર્યું છે. સામ, દામ, દંડ અને ભેદની વ્યૂહરચના થકી અંતિમ લક્ષ્યને આંબવામાં એ સફળ થતા ગયા છે. શિવ સેનાની આડોડાઈને પડકારતાં મોદીએ શિવ સેનાના નેતા સુરેશ પ્રભુને ભાજપમાં લઈને રેલવે પ્રધાન બનાવી દીધા. એ કારમો ઘા શિવ સેના ભૂલે તેમ નથી. કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રભાવી નેતાઓને ભાજપમાં પ્રવેશ આપતાંની સાથે જ સંસદની કે ધારાસભાની ચૂંટણી માટે ટિકિટ આપવાનું સ્વીકારીને પક્ષના વિજયરથને મરાઠાઓના ગઢમાં પ્રભાવીપણે આગળ વધાર્યો. શિવ સેનાના નાટકવેડા સામે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સુપ્રીમો શરદ પવાર સાથે મધુર સંબંધ ટકાવીને સેના સાથ છોડે તો રાષ્ટ્રવાદી કૉંગ્રેસ મહારાષ્ટ્રમાં ભાજપને ટેકો આપે એ ગોઠવણ કરી જ રાખી છે. શિવ સેનામાંથી કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં જઈને નાયબ મુખ્ય પ્રધાન બનેલા છગન ભુજબળને જેલવાસી બનાવીને પવારને પણ સંકેત આપેલો છે કે તેમના નાયબ મુખ્ય પ્રધાન રહેલા ભત્રીજા અજિત દાદા પવાર વિરુદ્ધનાં કૌભાંડો એમને પણ જેલવાસી કરી શકે છે.
મહારાષ્ટ્રમાં પવારની કૉંગ્રેસ સરકારમાં સમાજ કલ્યાણ પ્રધાન રહેલા રિપબ્લિકન પાર્ટીના રામદાસ આઠવલે આજે મોદીની ભાજપ અને મિત્રપક્ષોની કેન્દ્ર સરકારમાં પણ સમાજ કલ્યાણ રાજ્યપ્રધાન છે. જે પાણીએ મગ ચડે એ ઉપક્રમ હાથ ધરીને પણ સત્તા સુધી પહોંચવું અને સત્તા ટકાવવી એ જ મોદીનિષ્ઠ ભાજપી રાજકારણનું મુખ્ય વિચારબિંદુ છે. આ ઉપક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સઘળાં સંગઠનો એટલે કે સંઘ પરિવાર મોદીના ટેકામાં, ઈચ્છા-અનિચ્છાએ એને રાષ્ટ્રભક્તિનો યજ્ઞ ગણીને, જોડાઈને ટેકો આપે છે. સંઘમાં કેટલાંક સંગઠનો મોદી સરકારની નીતિઓનો વિરોધ કરતાં હોવા છતાં વડા પ્રધાન મોદી એમના ભણી ઉપેક્ષાભાવ કે અવગણના દૃષ્ટિ કેળવી શકે છે. કારણ સત્તાનું ચુંબકબળ ખૂબ જ મજબૂત હોય છે. મોદી એ સુપેરે જાણે છે.
વડા પ્રધાન મોદીના વિરોધીઓ માટે પણ મહારાષ્ટ્રમાં જ નહીં, સમગ્ર ભારતમાં છત્રપતિ શિવાજી મહારાજના નામ અને સ્મારકનો વિરોધ કરવાનું અશક્ય છે. શિવાજી હિંદુ સ્વરાજનહીં, પણ હિંદવી સ્વરાજના પ્રણેતા હતા. એમણે માંડ છ વર્ષ સુખેથી રાજ કર્યું. એમનાં બીજાં પત્ની સોહરાબાઈએ એમને ઝેર આપીને મોતને ઘાટ ઉતાર્યા. એમાં પણ પૅલેસ વૉર જવાબદાર હતી. શિવાજી અને એમની આઠ પત્નીઓ ઉપરાંત અનેક નાટકશાળાઓ(ઉપપત્નીઓ)ની હકીકતને મરાઠા ઈતિહાસકારો પણ સ્વીકારે છે. સ્ત્રીને એ આદરથી જુએ છે કારણ કે એમણે પરસ્ત્રી ભણી ઊંચી આંખ પણ કરી નહોતી. યુદ્ધમાં પરાજિતોની બેગમો કે પત્નીઓને એમની સામે રજૂ કરાય ત્યારે પણ છત્રપતિએ એમનામાં માતાનાં દર્શન કર્યાં હતાં. તેમને આદરથી એમના સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
શિવાજીનું વહીવટી તંત્ર, લશ્કર, નૌકાદળ અને અષ્ટપ્રધાનમંડળ આદર્શ અને હિંદુ-મુસ્લિમ ભેદ વિનાનું હતું. શિવાજીના સરદારોમાં ઘણા મુસ્લિમ સરદાર પણ હતા. પ્રજાના કલ્યાણ માટે આ જાગતા રાજા હતા. એમના સરદાર નેતાજી પાલકર ઈસ્લામ કબૂલ કરીને મુઘલ બાદશાહ ઔરંગઝેબની સેનામાં કાબુલમાં ઉચ્ચ હોદ્દે રહ્યા હતા. તેઓ દસ વર્ષે પાછા ફરીને હિંદુ ધર્મ અંગીકાર કરવા ઈચ્છુક હતા. એની સગવડ શિવાજીએ કરી આપી. વાત આટલેથી અટકી નહીં. નેતાજીના દીકરા સાથે શિવાજીએ પોતાની દીકરીનાં લગ્ન કરાવીને સામેવાળા પરિવારને પ્રતિષ્ઠા પણ બક્ષી હતી. આવા શિવાજીનું સ્મારક થતું હોય ત્યારે કોઈ એનો વિરોધ કરવાની હિંમત કરી શકે નહીં. છત્રપતિ શિવાજીના માવળાઓની સ્વબળે તૈયાર કરાયેલી સેનાએ મુઘલોની ઊંઘ હરામ કરી મૂકી હતી. લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે મહારાષ્ટ્રમાં અંગ્રેજ શાસકોની વિરુદ્ધ જનજાગરણ માટે શિવાજીની સ્મૃતિમાં શિવજયંતી ઉત્સવની શરૂઆત કરી હતી. મહારાષ્ટ્ર જ નહીં, દુનિયાભરના હિંદુઓ અને શાસકો માટે શિવાજી આદર્શ યોદ્ધા અને શાસક હતા.
મુંબઈમાં શિવાજી સ્મારકના ભૂમિપૂજનની સાથે જ પૂણેમાં પણ વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સુપ્રીમો શરદ પવારને સાથે રાખીને મેટ્રો રેલનું ભૂમિપૂજન પણ કર્યું. ૨૦૦૪થી આ પ્રકલ્પ ચર્ચામાં રહ્યો છે. છત્રપતિ શિવાજીની પ્રતિમાનું કે સ્મારકનું સ્વતંત્ર ભારતમાં જ આયોજન થાય એવું નથી. ૧૯ ડિસેમ્બર ૧૯૨૧ના રોજ પ્રિન્સ ઓફ વેલ્સને પણ તેડાવીને છત્રપતિ શિવાજીના વંશજ રાજર્ષિ શાહૂ મહારાજે તેમના હસ્તે શિવાજી મહારાજના સ્મારકની પાયાભરણી(શિલાન્યાસ) કરાવી હતી. બ્રિટિશ સામ્રાજ્યના વારસદારે પણ એ વેળા છત્રપતિ શિવાજીનો ગૌરવથી ઉલ્લેખ કર્યો હતો.
છત્રપતિ શિવાજી ભણી આદર વ્યક્ત કરવામાં મહારાષ્ટ્રની ૧૧ કરોડની વસ્તીમાં મહદઅંશે સંમતિ વર્તાતી હોવા છતાં સત્તાધારી મોરચામાં જ શિવાજીના જન્મદિવસ અને જીવનની ઘટનાઓ સાલવારી બાબત સંમતિ નથી. અગાઉની શાસક પાર્ટીઓ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસની જેમ જ ભારતીય જનતા પક્ષ પણ સત્તામાં આવ્યા પછી ૧૯ ફેબ્રુઆરીને જ શિવાજીની જન્મજયંતી મનાવે છે અને જાહેર રજા આપે છે. આનાથી વિપરીત મિત્રપક્ષ શિવ સેના તો દર વર્ષે ૮ માર્ચે જ શિવાજીની જન્મજયંતી મનાવવા પાછળ હિંદુ પંચાંગનો હવાલો આપે છે. હકીકતમાં આ બંને જન્મતારીખો સાચી નથી. મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (ટીઆઈએફઆર) જેવી પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાના ડૉ. મયંક વહીયા જેવા કચ્છી વૈજ્ઞાનિક સહિતનાઓએ છત્રપતિ શિવાજીની સાચી જન્મતારીખ ૧ માર્ચ ૧૬૩૦ હોવાનું પ્રતિપાદિત કર્યું છે.

અને છેલ્લે

મહાત્મા ગાંધી અને સરદાર પટેલ મહાપુરુષોની પ્રતિમાઓ અને સ્મારકોના વિરોધી હોવા છતાં એ બંનેની પ્રતિમાઓ અને સ્મારકો સહિત અનેક ઈતિહાસપુરુષોની પ્રતિમાઓ અને સ્મારકો ઠેર ઠેર જોવા મળે છે. છત્રપતિ શિવાજીના સ્મારક પાછળ ૩૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે, એના બદલે એ નાણાં પ્રજાની સુખાકારી માટે વપરાય એવી એક ઝુંબેશ પણ ચલાવાઈ. વળી મુંબઈના દરિયામાં આવું સ્મારક માછીમારોને પ્રતિકૂળ થશે, એવી દલીલ રજૂ કરીને એનું સ્થળ બદલવાની પણ માગણી ઊઠી છે. મહારાષ્ટ્રના પ્રતિષ્ઠિત મરાઠી દૈનિક મહારાષ્ટ્ર ટાઈમ્સમાં ૩૬૦૦ કરોડ રૂપિયામાં શું થઈ શકે, એની સચિત્ર માહિતી આપતાં જણાવાયું છે કે વર્ષ ૨૦૧૫-૧૬ માટે મુંબઈ મહાનગર પાલિકાનું આરોગ્ય બજેટ ૩૬૯૪ કરોડ રૂપિયાનું છે, મુંબઈ મહાનગર પાલિકાની શાળાઓનું બજેટ ૨૫૦૦ કરોડ રૂપિયાનું છે અને રાજ્યભરમાં બધાં ગામોને પીવાનું પાણી પહોંચાડવાનું બજેટ રૂપિયા ૨૫૦૦ કરોડનું છે. રાજ્યના દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને નુકસાન ભરપાઈના રૂપિયા ૧૦૦૦ કરોડ અને રવિપાક નુકસાનીના પાકવીમાના ૮૦૦ કરોડ રૂપિયાની ચૂકવણી સરકારે ટલ્લે ચડાવી છે. જોકે આ બધા બુદ્ધિજીવીઓએ રાજકીય શાસકો મતનો મોલ (ફાલ) લણવા અમર્યાદ બજેટ વાપરી શકતા હોવાની વાતને સમજવી પડશે.એમાં માત્ર તર્ક ચાલે નહીં. પ્રજાની ભાવનાને ઉશ્કેરવામાં રાજનેતાઓ પાવરધા હોય છે.    

   ઈ-મેઈલ: haridesai@gmail.com             

No comments:

Post a Comment