Wednesday 2 November 2022

Dramatic Entry of UCC during the Gujarat Election Campaign

 

ચૂંટણી ટાણે સમાન નાગરિક સંહિતાનું વહેતું કરાતું ગતકડું  

અતીતથી આજ :ડૉ.હરિ દેસાઈ

·         દાયકાઓથી હિંદુ મતબેંક અંકે કરવા વગાડાતી ડીમડીમ છતાં કોઈ મુસદ્દો ઘડાયો નથી

·         ૧૯૪૮માં બંધારણસભામાં સર્વાનુંમત નહીં સધાતાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં

·         ગુજરાત પહેલાં ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પૂર્વે સમાન કૌટુંબિક ધારા માટે સમિતિ રચાઈ’તી

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Sardar Gurjari (Anand) and Gujarat Guardian (Surat).

ગુજરાત સરકાર વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં ભીંસમાં જોવા મળે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથેના ત્રિકોણિયા જંગમાં સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પક્ષ (ભાજપ) રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરવા માટે સમિતિ રચવાનો નિર્ણય કરીને “સબ કા સાથ, સબ કા વિકાસ તથા સબ કા વિશ્વાસ”ની વાત કરનાર ડબલ એન્જિનની સરકારે અંતે તો હિંદુ વોટ બેંક મજબૂત કરવા મુસ્લિમોને કઠે કે ઉશ્કેરે એવો નિર્ણય કરવો પડ્યો છે. જોકે આ વખતે ઝાઝા મુદ્દા ક્લિક થતા નથી.કોઈપણ ભોગે ફરી સત્તામાં આવવું પડે તેમ હોવા છતાં ચૂંટણી પરિણામો કેવાં હશે એ કહેવું મુશ્કેલ છે. ગત ચૂંટણીમાં ૧૮૨ બેઠકોમાંથી ૧૫૦ પ્લસ બેઠકોના દાવા સામે માત્ર ૯૯ બેઠકો મળી હતી. આ વખતે દાવા તો ૧૮૨માંથી ૧૮૨ બેઠકો જીતવાના થયા હતા, પણ શાહે ૧૨૫થી ૧૩૫ બેઠકો મળવાનો દાવો કરીને અગાઉના દાવાના ફુગ્ગાને ફોડી નાંખ્યો છે. પક્ષાંતર કરાવીને પોતાનું સંખ્યાબળ વધારવામાં સારા સંકેત જતા નથી.  આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ ફરી જીતવા કૃતસંકલ્પ હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહનું ગુજરાત ગુમાવવું કે ઓછી બેઠકો મળે એવા સંજોગો જોખમી છે. અગાઉ ઉત્તરાખંડમાં પણ સમાન નાગરિક સંહિતાના અમલ માટે ચૂંટણી પહેલાં જ સમિતિ રચવામાં આવી હતી, પણ હજુ મહિનાઓ પછી પણ એનો અહેવાલ આવ્યો નથી. વળી, આ મુદ્દો તો છેક દાયકાઓથી ચલાવાતો રહ્યો છે. કેન્દ્રમાં આઠ વર્ષથી અને રાજ્યમાં ૨૭ વર્ષથી ભાજપની સરકારો રહ્યા પછી હવે એ મુદ્દાનું સ્મરણ થાય એ મતદારોને ઝાઝા પ્રભાવિત કરી શકે તેમ નથી. ઓછામાં પૂરું, ભલે મૈત્રીપૂર્ણ લડત કે ગાંધીનગર મહાપાલિકા પેટર્ન પર મદદ માટે પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી હોય; પણ એના થકી મતદારોમાં નવજાગૃતિ આવેલી અવશ્ય જણાય છે. સત્તાધીશોની જાહેરસભાઓમાં પાંખી હાજરી પણ એમના માટે સવિશેષ ચિંતાનું કારણ બન્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારને સત્તા

બંધારણસભામાં ૨૩ નવેમ્બર, ૧૯૪૮ની ચર્ચામાં સમાન નાગરિક સંહિતા અંગે મુસ્લિમ સભ્યોના સખત વિરોધ અને ડૉ.બી.આર. આંબેડકર અને ક.મા.મુનશી જેવા સભ્યોએ મુસ્લિમ દેશોમાં પણ સમાન  કૌટુંબિક કાયદા અમલમાં હોવાનાં  ઉદાહરણ આપ્યા છતાં સર્વાનુમત સધાયો  નહોતો. એટલે બંધારણમાં અનુચ્છેદ ૪૪ તરીકે “ભારતમાં સમગ્ર રાજ્યક્ષેત્રમાં નાગરિકોને સમાન કૌટુંબિક કાયદો પ્રાપ્ત કરવા રાજ્યે (State) પ્રયત્નો કરવા જોઈએ (shall).”નો સમાવેશ કરાયો હતો. મુનશીએ તો મુસ્લિમ બહુમતીવાળા  ઈજિપ્ત અને તુર્કી સહિતના દેશોમાં સમાન નાગરિક ધારાના અમલ તેમ જ યુરોપીય દેશોમાં પણ એવું જ હોવાની વાત મૂકી હતી. ડૉ.આંબેડકરે ૧૯૩૭ સુધી ભારતમાં પણ  મુસ્લિમો હિંદુ કાયદા હેઠળ આવતા હતા. સર્વોચ્ચ અદાલતે વારંવાર સમાન નાગરિક સંહિતાનો અમલ કરવાનું સૂચવ્યું છે પરંતુ એ કાયદો સંસદના માધ્યમથી કેન્દ્ર સરકાર જ ઘડી શકે એવી ભૂમિકા સ્પષ્ટ કરાઈ છે. કૌટુંબિક કાયદાઓ માટે એટલે કે લગ્ન, છૂટાછેડા અને વારસાઈ જેવા મુદ્દે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને એ માટેનો અધિકાર બંધારણે આપ્યો છે. મુસ્લિમોની ખફગી વહોરવી ના પડે એટલા માટે એકસાથે આવા સમાન નાગરિક કાયદાનો અમલ તમામ સરકારો ટાળતી રહી છે. ટ્રિપલ તલાકના મુદ્દે મોદી સરકારે કાયદો કર્યો પરંતુ એ માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો હતો. સમાન નાગરિક સંહિતા સંદર્ભે મોદી સરકારે સુપ્રીમમાં જે સોગંદનામું કર્યું છે તેમાં કેન્દ્ર સંસદને આવો કાયદો બનાવવા માટે નિર્દેશ આપી ના શકે એવું જણાવીને હાથ ઊંચા કરી દીધા છે. વળી, મોદી સરકારે જ નિયુક્ત કરેલા લો કમિશનને ૨૦૧૬માં સમાન નાગરિક સંહિતા અંગે મત આપવા માટે કામગીરી સોંપી હતી. કમિશનને ૭૫,૦૦૦ પ્રતિભાવો મળ્યા અને બે વર્ષમાં એના અભ્યાસ પછી લો કમિશને ૨૦૧૮માં જે ૧૮૫ પાનાંનો અહેવાલ આપ્યો તેમાં બહુ જ સ્પષ્ટ જણાવ્યું છે કે આવો કાયદો અત્યારના સંજોગોમાં જરૂરી પણ નથી અને ઇચ્છનીય પણ નથી.”કેન્દ્ર સરકાર પોતે કોઈ નિર્ણય કરવાની જવાબદારીમાંથી છટકે છે, પણ મુદ્દો જીવતો રાખીને માત્ર ચૂંટણીલક્ષી ગતકડાં કરવાનું ચાલુ રાખે છે. હકીકતમાં આવો કાયદો ઘડવા માટે તમામ સંબંધિતો સાથે ચર્ચાવિચારણા કરીને સર્વાનુમત કેળવવો અનિવાર્ય બને છે; અન્યથા સમાજમાં નવાં વિભાજનો સર્જાઈ શકે છે.

હિંદુ સંપ્રદાયોનોય  વિરોધ

ગોવામાં પોર્ટુગીઝ સમયથી સમાન નાગરિક સંહિતાનો અમલ છે એવું નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડેએ કહ્યું ત્યારે બંધારણ નિષ્ણાત કુલપતિ ફૈઝાન મુસ્તફાએ એ વાત બરાબર નહીં હોવાનું તર્કબદ્ધ રીતે દર્શાવ્યું હતું. હા, ગોવાના કોંગ્રેસી નેતા અને કેન્દ્રના કાયદા પ્રધાન રહેલા રમાકાંત ખલાપે દેશભરમાં સમાન નાગરિક સંહિતાના અમલની તરફેણ કરી છે, પરંતુ એ દિશામાં ખૂબ ગંભીરતાથી પ્રયાસો હાથ ધરવાની જરૂર દર્શાવી છે.  મુનશીએ બંધારણ સભામાં સમાન નાગરિક સંહિતાની તરફેણ કરવાની સાથે માત્ર મુસ્લિમો જ નહીં, પણ હિંદુઓના  વિવિધ સંપ્રદાયો પણ એનો વિરોધ  કરે એ વાત મૂકી હતી.  વળી, ભારતમાં હિંદુ ઉપરાંત શીખ, જૈન અને પારસી પણ હિંદુ કાયદા  હેઠળ આવે છે. કેરળ અને બંગાળના હિંદુ જીવન પદ્ધતિ અને પરંપરાઓ સમાન કાયદાને સ્વીકારશે કે કેમ એ પ્રશ્ન તો ઊભો જ છે. રામકૃષ્ણ મિશને સુપ્રીમ કોર્ટમાં પોતે હિંદુ નથી એવું સોગંદનામું કર્યું હત્ય અને એ૩ જ રીતે લિંગાયત અલગ ધર્મ છે એ વાત પણ કહેવામાં આવે છે. આવા સંજોગોમાં ફોજદારી ધારા કે સંહિતા હેઠળ તમામ નાગરિકો માટે સમાન જોગવાઈઓ અમલી બનાવી શકાય છે તેમ બધાને માટે સમાન  કૌટુંબિક ધારાનો અમલ કાયદો કરીને કરાવી દેવાનું એટલું સરળ નથી. હકીકતમાં ચૂંટણી પૂર્વેનાં સમાન નાગરિક સંહિતા અંગે સમિતિ રચવા કે જાહેરાતો કરવાની બાબતને ગંભીરતાથી લેવાની જરૂર નથી.વચ્ચે ભાજપી સાંસદ સુશીલકુમાર મોદીના વડપણ હેઠળની એક સમિતિએ ગોવાની મુલાકાત લઈને સમાન નાગરિક સંહિતા વિષયક અભ્યાસ કર્યો,પણ એ પછી એની પ્રગતિ બાબત કોઈ માહિતી નથી. એ દિશામાં આગળ વધવા માટે ગંભીર પ્રયાસો હાથ ધરીને તમામ સંબધિતો (સ્ટેકહોલ્ડર્સ)ને વિશ્વાસમાં લઈને જ સર્વાનુમત સાધવા આગળ વધવું હિતકર લેખાશે. 

-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ:૩૧ ઓક્ટોબર,૨૦૨૨)

No comments:

Post a Comment