Sunday 4 September 2022

KCR's New Mission "BJPMukt Bharat"

 

કેસીઆરનું “ભાજપમુક્ત ભારત” મિશન

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         મુખ્યમંત્રી નીતીશ મોદી સામે વિપક્ષી ઉમેદવાર!

·         કેન્દ્રીય એજન્સીઓ સામે ઝીંક ઝીલવાની તૈયારી

·         પ્રાદેશિક પક્ષોને ભાજપ ઓહિયાં કરે એવી આશંકા  

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.04092022

તેલંગણના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ હવે આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વિપક્ષના સંયુક્ત ઉમેદવારની શોધમાં રાજકીય યાત્રાએ નીકળી પડ્યા છે. એમનો પહેલો પડાવ પટણા હતો. બુધવાર, ૩૧ ઓગસ્ટ,૨૦૨૨ના રોજ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથેની એમની મુલાકાત અને પત્રકાર પરિષદ ખૂબ ગાજી.કેસીઆર હવે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીને મળવા જવાના છે. વર્ષ ૨૦૧૮માં તેલંગણના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ બિન-ભાજપી બિન-કોંગ્રેસી એવા ફેડરલ ફ્રન્ટની રચના માટે પ્રયત્નશીલ હતા, પણ કોંગ્રેસને સાથે લીધા વિના મોદીનો મુકાબલો અશક્ય હોવાની રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારની સલાહ હવે કેસીઆર અને મમતા બેઉના ગળે ઉતરી લાગે છે. વચ્ચેના ગાળામાં કેસીઆર અને પવારના ભત્રીજા અજિત પવારના મોદી સાથેના સંવનનમાં પોતાના પક્ષોનું અસ્તિત્વ જ ખતમ થઇ જશે એવી અનુભૂતિ થતાં ફરી હવે “ભાજપમુક્ત ભારત”નું મિશન હાથ ધરાયું છે. દેડકાંની પાંચશેરી જેવો ઘાટ છે. કેન્દ્રીય એજન્સીઓ વિપક્ષી સરકારોને કે પ્રતિકૂળ પક્ષોને તોડવામાં દેશના મુખ્ય ન્યાયાધીશ રહેલા જસ્ટિસ આર.એમ.લોઢાના સીબીઆઇ માટેના “પિંજરે પૂરાયેલા પોપટ” શબ્દપ્રયોગનું સ્મરણ કરાવે છે.ભાજપ હવે દક્ષિણનાં રાજ્યોમાં વિજય પતાકા લહેરાવવાની તૈયારી કરી રહ્યો હોવાથી પણ પ્રાદેશિક સૂબાઓમાં સંગઠિત વિરોધ કરવા માટે મેદાને પડવાનું જોમ જોવા મળે છે.

ફેડરલ ફ્રન્ટ પછીનું મિશન

પગ તળે રેલો આવ્યાની અનુભૂતિ તેલંગણના મુખ્યમંત્રી રાવને થવા માંડી છે. અગાઉ વડાપ્રધાન મોદીને હરખપદુડા થઈને મળતા રહેલા કેસીઆરના પક્ષને તોડી નાંખીને તેલંગણમાં ભાજપ સરકાર સ્થાપિત કરવાનાં કેન્દ્રનાં સમણાં એમને સમજાઈ ગયાં છે. ૨૦૧૮માં એમણે કોંગ્રેસ અને ભાજપ સિવાયના પક્ષોને ભેગા કરીને ફેડરલ ફ્રન્ટ નામનો ત્રીજો મોરચો રચવાનો પ્રયાસ કરી જોયો હતો. મમતા અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકને એમણે સાધવાની કોશિશ કરી હતી. એ પછી મોદીનું ચુંબકત્વ એમને લાભદાયી લાગવા માંડ્યું હતું. હવે મોદીસેના કેસીઆરના તેલંગણ રાષ્ટ્ર સમિતિ અને કોંગ્રેસના લોકોની ભરતી કરીને હૈદરાબાદમાં પોતાનું સ્થાન મજબૂત કરવા કમર કશી રહી છે. એમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી પણ ભાજપને પરોક્ષ મદદ કરી રહ્યા છે. આવા સંજોગોમાં કેસીઆર પોતાના પક્ષ અને સરકારને બચાવી લેવા હવે તો વડાપ્રધાન  મોદી રાજ્યની મુલાકાતે આવે ત્યારે પણ એમણે આવકારવા જતા નથી. દેશનાં ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાજપના માત્ર ૧૨ મુખ્યમંત્રી છે, પરંતુ કેન્દ્રમાં સત્તા હોવાને કારણે અને એજન્સીઓ કામે વળતી હોવાને લીધે ઘણા રાજકીય લાભ ભાજપને મળે એ સ્વાભાવિક છે. આમ છતાં, હજુ વિપક્ષો કને ઘણી મોટી તાકાત છે. એ વેરવિખેર હોવાના કારણે જ માત્ર ૩૧% મત સાથે ભાજપ ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા કબજે કરી શક્યો અને ૨૦૧૯માં વધુ મજબૂતાઈ સાથે એ સત્તામાં પુનરાગમન કરી શક્યો. કેસીઆરના મિશનને તમામ વિપક્ષો સહકાર આપે એ સ્વાભાવિક છે.

આશા જન્માવતો સત્તાપલટો 

ભાજપ સાથે છેડો ફાડીને જેડી(યુ)ના સુપ્રીમો નીતીશકુમારે લાલુ-રાબડીના “જંગલરાજ”ના વારસ ગણાવાયેલા આરજેડીના તેજસ્વી યાદવ સાથે ઘર માંડે એ ઘટનાક્રમે વિપક્ષમાં નવી આશાનો સંચાર કર્યો છે. અન્યત્ર આવું બની શકે. અથવા તો ભાજપના આંતરકલહનો  લાભ ઊઠાવી શકાય. ભાજપના નેતા અને કેન્દ્રના પૂર્વ મંત્રી ડૉ.સુબ્રમણિયન સ્વામીની પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી સાથેની મુલાકાતો, મોદી સરકારના નાગપુરી મંત્રી નીતીન ગડકરીની નારાજગી, ભાજપમાં મોદી-શાહ સામે અપ્રગટ અસંતોષ અને વિપક્ષો જ નહીં, સત્તાપક્ષના લોકો પર પણ રખાતી નજર સહિતનાં અનેક કારણો ગમે ત્યારે ભડકો કરી શકે છે. શુક્રવાર, ૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની ૭ કલાકની પૂછપરછ પછી તૃણમૂલ કોંગ્રેસના મહામંત્રી અને સાંસદ અભિષેક બેનરજી “અમિત શાહ દેશના સૌથી મોટા પપ્પુ છે” એવા શબ્દપ્રયોગ કરીને કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપની રાજ્ય અને કેન્દ્રની નેતાગીરી સામે પ્રહારો કરે છે. વિપક્ષો  સાથેના કેન્દ્રના વ્યવહાર અંગે પ્રશ્નો ઊઠ્યા હોવાનું સ્પષ્ટ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સીબીઆઇ થકી કનડવામાં આવી રહ્યાના આક્ષેપો થઈ રહ્યા છે.રાષ્ટ્રવાદી કોંગ્રેસના બે નેતાઓ અને શિવસેનાના સાંસદ સંજય રાઉત જેલવાસી છે. આ બધા ઘટનાક્રમને જોતાં વિપક્ષી એકતા માટેનાં નિમિત્ત મજબૂત થાય છે. જોકે ભાજપ અને આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં  સામસામે છે કે સાથે છે એ કહેવું મુશ્કેલ છે, પણ વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં આવતી ગુજરાત, હિમાચલ અને અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ બધું નીરક્ષીર કરી દેશે. પરદા પાછળના ખેલ ખુલ્લા પડી જશે.

તિખારો

ટોચથી ગર્તા ભણી ગબડી રહ્યો છે માનવી

આટલો ને આમ કાં, બગડી રહ્યો છે માનવી?

હાથમાં ઈર્ષાની લાઠી લૈને આ રીતે ભલા

જાતને પોતાની ક્યાં તગડી રહ્યો છે માનવી

-     તનવીર વાસાવડી

-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: સપ્ટેમ્બર,૨૦૨૨)

No comments:

Post a Comment