Monday 1 August 2022

Freedom at Mid-Night in India

                          અડધી રાતે આઝાદી આવ્યાનું ઈતિહાસકારણ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         રાષ્ટ્રધ્વજ સંહિતાની જેમ ઘણું બદલાશે

·         વિભાજનથી વ્યથિત બાપુ દિલ્હીમાં નહીં

·         ૧૯૪૮ને બદલે અંગ્રેજ ૧૯૪૭માં ગયા

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajakaran” for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.31 July, 2022.

વર્તમાન ભારત વિરોધાભાસોમાં રમમાણ છે. ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ના રોજ આઝાદી આવી કે નહીં એવા પ્રશ્નો ઊઠવા માંડ્યા છે. રાષ્ટ્રધ્વજ સંહિતા બદલાઈ ચૂકી છે. ખાદી ફેશન માટે અને રાષ્ટ્રધ્વજ પોલિએસ્ટરનો રાતદિવસ ફરકે એવી નવી જોગવાઈઓ થવા માંડી છે. મુંબઈમાં સી.વી.વારદ નામક સ્વાતંત્ર્ય સૈનિકનું સ્મરણ થાય છે. એમણે  રાષ્ટ્રધ્વજના માનસન્માન માટે જે અભિયાન આદરેલું એ બધું હવે ધૂળમાં મળી રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, રાષ્ટ્રનાયક સરદાર પટેલ અને એમના અનન્ય સાથી પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુના સ્વપ્નનું ભારત ભૂંસાઈ રહ્યું છે. હવે સેક્યુલર ભારત હિંદુ રાષ્ટ્રના વાઘા ચડાવી રહ્યું છે. રાષ્ટ્રધ્વજ પણ ત્રિરંગાને બદલે ભગવો થવાનો અંદેશો છે. દેશમાં પરિવર્તન આવી રહ્યાને સુજ્ઞજનો મૂકપ્રેક્ષક બનીને નિહાળી રહ્યા છે અથવા તો વાહવાહીનો આલાપ કરી રહ્યા છે.   આવા તબક્કે ઈતિહાસનાં સત્યો અને તથ્યો રજૂ કરવાની નૈતિક ફરજ દાખવવી અનિવાર્ય બને છે.  ભારત આઝાદ થયું ત્યારે ૧૪ ઑગસ્ટ ૧૯૪૭ની મધરાતે સંસદનાં કેન્દ્રીય સભાગૃહમાં સમારંભ યોજાયો હતો.એ સકારણ આયોજન હતું. એ વેળા ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ સવારે ૧૦ વાગ્યાનો નિર્ધારિત કાર્યક્રમ બદલવામાં આવ્યો હતો. શાસકો અમુક ઘટનાઓનું અકારણ કે ઈતિહાસબોધની આડશે પ્રસિદ્ધિ કાજે અંધાનુકરણ કરે ત્યારે પ્રશ્નો ઊઠવા સ્વાભાવિક છે.

ગુલામીમાંથી સ્વમાનભેર મુક્તિ

ક્યારેક ભારતીય વડા પ્રધાનો પણ ભારતના પ્રજાસત્તાક દિવસ અને આઝાદીના દિવસમાં ગોટાળા કરી બેસે છે. એટલે સ્વાતંત્ર્ય દિવસની કેટલીક રસપ્રદ વાતો છેડવાનું મન થાય એ સ્વાભાવિક છે. સાથે જ પાકિસ્તાનમાં પણ આજે ચર્ચા છે કે એની સ્થાપના કે આઝાદીનો દિવસ ૧૪ ઓગસ્ટ ગણાય કે ભારતની જેમ જ ૧૫ ઓગસ્ટ? ૧૫ ઓગસ્ટ ભારતીય નાગરિકો માટે આઝાદીની પ્રાપ્તિના ગૌરવ અને સ્વાભિમાનની અનુભૂતિ કરાવે છે. દીર્ઘકાલીન ગુલામીમાંથી સ્વમાનભેર મુક્તિ માટેની લાંબા ગાળાની લડતને અંતે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બ્રિટિશ ઇન્ડિયાના વિભાજનની વેદના છતાં આઝાદી આવ્યાનો હરખ થવો સ્વાભાવિક હતો. ભાગલાની દરખાસ્તનો સ્વીકાર પોતાના બે મુખ્ય સાથીઓ સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નેહરુએ કરી લીધા પછી વ્યથિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દિલ્હીની ઉજવણીમાં સામેલ થવાને બદલે દૂર નોઆખલીમાં કોમી આગને ઠારવાની કોશિશમાં રમમાણ હતા.

આઝાદીનું મુહૂર્ત પ્રતિકૂળ

જોકે ભારત આઝાદ થયું એ પહેલાં એની બંધારણ સભાએ બંધારણ ઘડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી અને ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ મંજૂર કરાયેલું બંધારણ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી અમલમાં લાવવાનો નિર્ણય કરીને ૨૬ જાન્યુઆરીને પ્રજાના હાથમાં સત્તાની સોંપણી કરવાના સંકલ્પ સાથે એને પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવવાનું નક્કી કરાયું હતું. પવિત્ર રમજાન મહિનામાં જ ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ છેલ્લા વાઇસરોય લોર્ડ લુઇસ માઉન્ટબેટને કરાંચી જઈને મુસ્લિમો માટેના અલગ રાષ્ટ્ર પાકિસ્તાનનો હવાલો નવા વરાયેલા ગવર્નર-જનરલ કાઇદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણાને સુપરત કરવાનું કબૂલ્યું હતું. બીજે દિવસે એટલે કે ૧૫ ઓગસ્ટે સવારે દસ વાગ્યે દિલ્હીમાં બંધારણ સભાના ખંડમાં ભારતની આઝાદીનો જલ્લોસ મનાવાય એવું ઠરાવાયું હતું. જોકે જ્યોતિષીઓને આ મુહૂર્ત બરાબર લાગતું નહોતું, એવું સરદારનિષ્ઠ કેન્દ્રીય પ્રધાન અને સર્જક ક.મા. મુનશી પણ નોંધે છે. પંડિત નેહરુ ભલે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાના આગ્રહી હોય, ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા અનેકોને જ્યોતિષમાં ભારે શ્રદ્ધા હતી. સંયોગવસાત્ આઝાદી મળવાનો સમય આગલી મધરાતનો થયો અને એ માટેનું નિમિત્ત બન્યા સરદાર કવલમ માધવ (કે.એમ.) પણિક્કર. તેઓ બંધારણ સભાના સભ્ય તો હતા, પણ અગાઉ ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ના તંત્રી રહ્યા. જમ્મૂ-કાશ્મીર, જોધપુર, કચ્છ સહિતના કેટલાક મહારાજાઓના સલાહકાર અને વિવિધ દેશોમાં ભારતીય રાજદૂત પણ રહ્યા.

પાક.નો જન્મ પણ ૧૫ ઓગસ્ટે

પાકિસ્તાનના ગુજરાતી રાષ્ટ્રપિતા ઝીણાને ગવર્નર-જનરલ તરીકેના શપથ ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ કરાંચીમાં લેવડાવાયા હોવાથી એમના દેશનો સ્વતંત્રતા દિવસ કે આઝાદી દિન સામાન્ય રીતે ૧૪ ઓગસ્ટે મનાવાય છે. જોકે અત્યારે પાકિસ્તાની ઈતિહાસકારોમાં એવો મત બનતો જાય છે કે બ્રિટિશ સંસદે પસાર કરેલા ભારત સ્વાતંત્ર્ય ધારામાં ભારત અને પાકિસ્તાન બંને પરની બ્રિટિશ સત્તા સમાપ્ત થતાં ૧૫ ઓગસ્ટે જ બંને આઝાદ થયાની જોગવાઈ છે. બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા થકી કયા વિસ્તારો ભારત સંઘ અને કયા પાકિસ્તાન સંઘમાં જવાના હતા, એ દર્શાવાયું છે. સરહદ રેખા નિયુક્ત બાઉન્ડરી કમિશન ઠરાવશે, એવું સ્પષ્ટ કરાયું હતું. ૩ જૂન ૧૯૪૭ના રોજ લોર્ડ માઉન્ટબેટને કરેલી જાહેરાત મુજબ, બ્રિટિશ ઇન્ડિયાના ભારત સંઘ અને પાકિસ્તાન સંઘ તરીકેના ભાગલા ઉપરાંત દેશી રજવાડાંને બંનેમાંથી એક સંઘમાં જોડાવા કે પછી સ્વતંત્ર રહેવાનો વિકલ્પ અપાયો હતો. સરદાર પટેલ અને એમના રિયાસતી વિભાગના સચિવ વેપલી પંગુન્ની (વી.પી.) મેનનની અથાગ મહેનતને પરિણામે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ લગી ભારત ભણીનાં મોટા ભાગનાં એટલે કે ૫૬૦ જેટલાં દેશી રજવાડાં ભારતમાં વિલય માટે સંમત થયાં હતાં. જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાયું અને ૯ નવેમ્બરે પરત મળ્યું. જમ્મૂ-કાશ્મીર ૨૨ ઓક્ટોબરના પાકિસ્તાની આક્રમણને પગલે ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ અને હૈદરાબાદ પોલીસ પગલા ‘ઓપરેશન પોલો’ના પ્રતાપે ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ ભારતમાં ભળ્યું. આનાથી વિપરીત પશ્ચિમ પાકિસ્તાન આઝાદ થયું ત્યારે આજના પાકિસ્તાન કરતાં પણ અડધું ય નહોતું. એના પ્રદેશ ભણીનાં નવમાંથી એકેય રજવાડાએ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સુધીમાં પાકિસ્તાન સાથે ભળવાનું પસંદ નહોતું કર્યું. આ રજવાડાં છેક ૧૯૫૫ લગી સમજાવટથી કે લશ્કરી આતંકના જોરે પાકિસ્તાનમાં ભળ્યાં. પૂર્વ પાકિસ્તાન તો ૧૯૭૧માં બાંગલાદેશમાં ફેરવાઈ ગયું હતું.

 

ભારત-પાક માટે ૧૫ ઓગસ્ટ

દેશની આઝાદીનું પર્વ મધરાતે કેમ ઉજવાયું એ જાણવાની કોશિશ કરતાં અમને કે.એમ.પણિક્કર નામના એ વેળાના સનદી અધિકારીની આત્મકથામાંથી રસપ્રદ માહિતી મળી. હકીકતમાં બ્રિટિશ સંસદમાં મંજૂર કરાયેલા ભારતના સ્વાતંત્ર્યના કાયદા મુજબ, ભારત અને પાકિસ્તાન બેઉ ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થયાં.પાકિસ્તાનમાં ૧૪ ઑગસ્ટ ૧૯૪૭ના દિવસે કાર્યક્રમ થયો, એમ છતાં એનો સ્વતંત્રતા દિવસ કે સ્થાપના દિવસ ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ જ ગણાવો જોઈએ,એવું પાકિસ્તાનના જાણીતા ઇતિહાસકાર કે.કે.અઝીઝ નોંધે છે.તેમના દેશના સંસ્થાપક અને રાષ્ટ્રપિતા તેમજ પ્રથમ ગવર્નર-જનરલ મોહમ્મદ અલી ઝીણાને ટાંકીને “મર્ડર ઑફ હિસ્ટ્રી” નામના એમના ગ્રંથમાં અઝીઝે આની વિગતે વાત કરી છે.પણિક્કરે પણ આત્મકથામાં નોંધ્યું છે કે ભારતની આઝાદીના દિવસનો કાર્યક્રમ ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના  રોજ સવારે ૧૦ વાગે નક્કી થયો હતો,પણ એમાં ફેરફાર કરવાની અનિવાર્યતા મેં સરોજીની નાયડુને સૂચવી હતી. બીજા કેટલાક નેતાઓને પણ પણિક્કરે જણાવ્યું હતું કે  બ્રિટિશ સંસદ મુજબ,ભારતમાં બ્રિટિશસત્તા ૧૪ ઑગસ્ટની મધરાતે સમાપ્ત થશે,એટલે એ વેળા જ સમારંભ યોજીને ભારતે સ્વતંત્ર ભારતનો અખત્યાર સંભાળવો જોઈએ.પણિક્કરની વાતને કોઈએ ઝાઝી ગંભીરતાથી લીધી નહીં એટલે એમણે વડાપ્રધાન જવાહરલાલ નેહરુને નાનકડી નોંધ લખી મોકલી.નેહરુને ગળે વાત ઉતરી તો ખરી, પણ એમની એક દ્વિધા હતી.

મુનશી થકી પણિક્કરને યશ

નેહરુ પણિક્કરની વાત સાથે સો ટકા સંમત હતા, પણ એમના પ્રધાનમંડળના બે સભ્યોને લગતી મૂંઝવણ એમને સતાવતી હતી. એમણે પણિક્કરને કહ્યું: ‘મને તમારું સૂચન ગમ્યું, પણ મારા બે સાથીઓ રાતે નવ વાગતાં જ સૂઈ જવાની ટેવ ધરાવે છે.’ એ બંને સાથીઓ એટલે સરદાર પટેલ અને મૌલાના અબુલ કલામ આઝાદ! કાર્યક્રમ તો મધરાતે શરૂ થાય અને થોડો લાંબો ચાલે તો શું થાય, એ વાતે નેહરુ દ્વિધામાં હતા. જોકે સામે પક્ષે પણિક્કર પણ હાજરજવાબી બિરબલ હતા. એ કહે: ‘તમે એની ચિંતા કરો મા. હું બધું સંભાળી લઈશ. સંસદ ગૃહમાં જ એમના માટે બે પથારીની વ્યવસ્થા રાખીશ.’ બીજે દિવસે નેહરુએ પણિક્કરને બોલાવીને કહ્યું કે કેબિનેટે તેમના સૂચનને માન્ય રાખ્યું છે. કેબિનેટ કમિટિએ વિગતો તૈયાર કરવા માટે પણિક્કરને નિમંત્રણ પણ આપ્યું. આ રીતે ભારતની બંધારણ સભાની બેઠક પણિક્કરના સૂચનને પગલે મધરાતે મળી અને આઝાદી પણ અડધી રાતે આવી. દીવાન ચમનલાલે બંધારણ સભામાં જ પોતાના ભાષણમાં પણિક્કરનો આ સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો, જયારે ક.મા. મુનશીએ પોતાના ગ્રંથ ‘પિલ્ગ્રીમેજ ટુ ફ્રીડમ’ અને ‘કુલપતિના પત્રો’માં મધરાતે આઝાદી માટેના સત્રનું સૂચન પણિક્કરનું હોવાનું નોંધ્યું છે.

આઝાદી અપેક્ષા કરતાં વહેલી

બંધારણ મુસદ્દા સમિતિના સભ્ય અને નેહરુ કેબિનેટમાં સરદાર પટેલના નિષ્ઠાવંત મનાતા પ્રધાન ક.મા. મુનશીના મતે, ભારતને અપેક્ષા કરતાં વહેલી આઝાદી મળી ગઈ છે. ‘મેં ધાર્યું હતું એ કરતાં આઝાદી વહેલી આવી; ૧૯૦૨માં મેં આઝાદીનું પ્રથમ સ્વપ્ન સેવ્યું હતું, પણ છેક ૧૯૪૬ના પ્રારંભ સુધી આઝાદી હજી ખૂબ દૂર છે એમ લાગતું હતું. એમ પણ લાગતું હતું કે કદાચ મારા આયુષ્યકાળમાં મને આ સુખી દિવસ નહીં જોવા મળે. પરંતુ આઝાદી એ વેળા એક જ વરસના અંતરે ઊભી હતી. બે વિશ્વયુદ્ધો, બ્રિટનમાં સત્તા પર આવેલો દૂરંદેશી પક્ષ અને અંગ્રેજ કૌશલ તથા જર્મન સમ્યકતા - આ બધાને પરિણામે આઝાદીની ગતિ ઝડપી બની.’ મુનશીએ નોંધ્યું છે: ‘સ્વતંત્રતા ધારાને કારણે આપણને સંપૂર્ણ સ્વતંત્રતા મળી છે. એ સાથે જ બ્રિટિશ રાષ્ટ્રકુળ સાથે બંધારણીય અનુબંધ પણ મળ્યો છે. થોડાક સમય માટે ભારત સંસ્થાનનો દરજ્જો ભોગવે પણ એનાથી સત્તાપલટો વધારે સરળ બને.’ લોર્ડ માઉન્ટબેટન પ્રથમ ગવર્નર જનરલ બન્યા એને પણ મુનશી ઉચિત લેખે છે. આમ તો અંગ્રેજો ભારતમાંથી ૩૦ જૂન, ૧૯૪૮ સુધીમાં જવાના હતા, પરંતુ ૧૫ ઓગસ્ટ,૧૯૪૫ના રોજ જાપાને શરણાગતિ સ્વીકારી હતી એટલે માઉન્ટબેટને એ દિવસ ધ્યાને લઈને ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ બ્રિટિશ સત્તાનો અંત આણવાનું સ્વીકાર્યું હતું.  ત્રાવણકોરને સ્વતંત્ર બનાવવા માંગતા સર સી. પી. (રામસ્વામી)ને તેમણે સમજાવી લીધા હતા. ભારત ફરીને ગુલામ તો નહીં બને ને? એવા પ્રશ્ન સંદર્ભે બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ અને દેશના પ્રથમ કાયદા પ્રધાન બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરના શબ્દોનું સ્મરણ થવું આજના તબક્કે સ્વાભાવિક છે. દરેક બાબતનો દોષ અંગ્રેજોને શિરે નાંખવાના ભારતીયોના બહાનાનો આઝાદીથી અંત આવ્યાનું કહીને તેમણે ઉમેર્યું હતું કે ‘હવે આપણે જ પ્રત્યેક બાબત માટે જવાબદાર લેખાઇશું!’

ઈ-મેઈલ : haridesai@gmail.com   (લખ્યા તારીખ: ૩૦ જુલાઈ,૨૦૨૨)

 

 

 

 

No comments:

Post a Comment