અઢી
વર્ષ “દાઉદનિષ્ઠો” સાથે સત્તાસહશયન પછી શિંદેને જ્ઞાન લાધ્યું
અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ
·
સત્તારૂઢ
શિવસેનામાં “મહાશક્તિ”ના ટેકે તમ્મરસર્જક ભંગાણ
·
ભુજબળ,રાણે,ગણેશ નાઈક અને રાજ ઠાકરે પછીની
ઘટના
·
કોંગ્રેસે
૧૯૬૬માં જણેલી ઠાકરેસેના ઈમરજન્સીની ટેકેદાર
Dr.Hari
Desai writes weekly column “Ateetthee Aaj” for Sardar Gurjari Daily (Anand) and
Gujarat Guardian Daily (Surat).
મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સરકારને માથે સ્વજનોએ જ એટલે કે એમના “નંબર ટુ” એવા એકનાથ શિંદેએ “મહાશક્તિ”ના ટેકે કરેલા બળવાનો મામલો વિધાનસભા અને સર્વોચ્ચ અદાલતે પહોંચ્યો છે. વાયા સુરત શિવસેનાના બહુમતી ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા એટલે કેન્દ્ર અને ગુજરાત તેમજ આસામમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ સામે આંગળી ચિંધવામાં આવે એ સ્વાભાવિક છે. ભાજપના નેતાઓ કાને હાથ દે છે છતાં તેમની કાર્યવાહી ત્રણ પક્ષોની ઉદ્ધવ સરકારને સ્થાને પોત્તાની સરકાર મહારાષ્ટ્રમાં સ્થાપિત થાય એવી જરૂર છે. અઢી વર્ષ સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા પછી શિંદેને એકાએક હિંદુત્વનું સ્મરણ થયું અને મુંબઈમાં દાઉદ થકી બોમ્બસ્ફોટમાં અનેકોના જાન ગયા એ દાઉદના ટેકેદારોને હિંદુહૃદયસમ્રાટ બાળ ઠાકરેની શિવસેના ટેકો ના આપી શકે એનું પણ જ્ઞાન લાધ્યું! સતત અઢી વર્ષથી ભાજપના નેતાઓ આ ત્રણ પક્ષોની સરકારને ગબડાવવાના પ્રયાસો સફળ થયા નથી, પણ આ વખતે સુવર્ણતક પ્રાપ્ત થયાનું અનુભવે છે. રાજકારણમાં બધું જ જાયજ છે એ વાત બંને પક્ષે સાચી ગણવી પડે.ચૂંટણી પહેલાં ભાજપની નેતાગીરીએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ધાડ પાડીને ઘણા નેતાઓને પોતાના કર્યા હતા. ઉમેદવાર બનાવીને જીત પણ મેળવી હતી. બાળ ઠાકરેની હયાતીમાં જ તેમની શિવસેનાના નેતાઓ તૂટવાની પરંપરા શરૂ થઈ ગયા છતાં શિવસેનાનું થડ મજબૂત રહ્યું હતું. વિધિની વક્રતા તો જુઓ કે છગન ભુજબળ જેવા શિવસેના નેતાઓ પક્ષ છોડીને અગાઉની ૧૫ વર્ષ ચાલેલી કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં નાયબ મુખ્યમંત્રી રહ્યા પછી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સરકારમાં રાષ્ટ્રવાદીના ક્વોટમાંથી કેબિનેટ મંત્રી છે! અગાઉ શિવસેના-ભાજપની ૧૯૯૫-૯૯ની સરકારના પાછલા ભાગમાં શિવસેનાના નેતા તરીકે મુખ્યમંત્રી રહેલા નારાયણ રાણે કોંગ્રેસના ક્વોટામાંથી કોંગ્રેસ-રાષ્ટ્રવાદી સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા. અત્યારે એ ભાજપના નેતા તરીકે કેન્દ્રમાં મંત્રી છે. બાળાસાહેબ ઠાકરેના ભત્રીજા અને ઉદ્ધવના માસિયાઈ રાજ ઠાકરે શિવસેના છોડીને અલગ પક્ષ સ્થાપ્યો, પણ આજે તેમના પક્ષનો એક જ ધારાસભ્ય છે. થાણે-બેલાપુર પટ્ટામાં ક્યારેક જેમની હાક વાગતી હતી એ શિવસેના નેતા ગણેશ નાઈક હવે ભાજપમાં ઓશિયાળી અવસ્થામાં છે. અગાઉ શિવસેના છોડી જનારાઓ કરતાં આ વખતે સંકટ વધુ ગંભીર છે. ભાજપ ઉદ્ધવના ઘમંડને તોડવા માંગે છે. બંને બાજુની છાવણીઓ એકમેકને રાજકીય રીતે પૂરા કરવાના સંકલ્પ સાથે સક્રિય જણાય છે. આ રાજકીય યુદ્ધ સુપ્રીમ કોર્ટથી લઈને મહારાષ્ટ્રની શેરીઓમાં લડાવાનું સ્પષ્ટ થઇ ચૂક્યું છે.
મહાચાણક્યની અગ્નિપરીક્ષા
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ઓક્ટોબર ૨૦૧૪થી નવેમ્બર ૨૦૧૯ લગી જે સરકાર હતી તેમાં વંકાયેલી શિવસેના પાછળથી જોડાઈ હતી. આમાં તો બંને વચ્ચે ૧૯૮૪થી જોડાણ હતું. ૨૦૧૯માં ભાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડ્યા પછી મુખ્યમંત્રીપદના મુદ્દે વિવાદ થયો. સેનાએ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. એક વહેલી સવારે બધા નીંદરમાં હતા ત્યારે રાજભવનમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ એકાએક ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રીપદના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અજિતદાદા પવારને નાયબ મુખ્યમંત્રીપદના શપથ લેવડાવાયા હતા. આ ૮૦ કલાકની સરકારમાં જોડાવા સાટે રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવારના ભત્રીજા અજિત પવારને મહાભ્રષ્ટાચાર કૌભાંડમાં કલીનચીટ મળી હતી. એ પછી અજિતના પરત ફરવા સાથે નવરચિત ઉદ્ધવ સરકારમાં પણ એ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. મહાચાણક્ય શરદ પવારે અગાઉ ભાજપ સાથે પોતાના પક્ષની સરકાર બનાવવાની ઓફર નકારી કાઢ્યા પછી એ ભાજપની મહાશક્તિને પોતાની કુનેહથી હંફાવતા રહ્યા છે. મહાવિકાસ આઘાડીની શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસની સરકાર બનાવવામાં અને ટકાવવામાં પવારની ભૂમિકા ખરા અર્થમાં રિમોટની રહી છે. આ સરકારને કજોડા સરકાર કહેનારાઓ વિસરી જાય છે કે શિવસેનાની સ્થાપના ૧૯૬૬માં મહારાષ્ટ્રમાં કોંગ્રેસની વસંતરાવ નાઈક સરકારના ગૃહમંત્રી બાળાસાહેબ દેસાઈના પ્રયાસોથી જ ગિરણગાંવ એટલેકે ગુજરાતી અને મારવાડી મિલમાલિકોની ફરિયાદને પગલે કમ્યૂનિસ્ટ કામદાર સંગઠનોની હડતાળ વગેરે પરંપરાથી છૂટકારો મેળવવા માટે કરાઈ હતી. શિવસેના પ્રમુખ બાળ ઠાકરેનું ૧૯૬૬થી ૧૯૮૪ સુધી કોંગ્રેસ સાથેનું સંવનન રહ્યું. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી તેમના માતોશ્રી નિવાસસ્થાને પણ જતાં હતાં. ઇન્દિરાજીની ઈમરજન્સીના પણ ઠાકરે અને તેમની સેના ટેકેદાર રહી.
ધારાસભામાં કોનું કેટલું બળ
બોમાઈ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યા મુજબ, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ સમક્ષ ધારાસભ્યોની પરેડ કરાવવામાં સંખ્યાબળ નક્કી થાય નહીં,પણ માત્ર વિધાનસભામાં જ શક્તિપરીક્ષણ કરવામાં આવે એ જ માન્ય રહે. જોકે મહારાષ્ટ્રમાં પણ સર્જાયેલું કોકડું અન્ય રાજ્યોમાં સર્જાયેલા રાજકીય વિવાદ અને અદાલતી ખટલાઓની જેમ લાંબુ ચાલે તેવું લાગે છે. જોકે ૨૮૮ સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના ૫૬ સભ્યો ચૂંટાયા હતા તેમાંથી એકનું અવસાન થતાં ૫૫ જેટલા જ શિવસેના સભ્યો રહ્યા. એમાંથી એકનાથ શિંદે સાથે ૪૦ જેટલા સભ્યોના સમર્થનનો દાવો ગુવાહાટીથી થતો રહ્યો અને મુખ્યમંત્રી ઠાકરે સાથે માત્ર ૧૫ ધારાસભ્યો અને બહુમતી શાખાપ્રમુખો અને સાંસદો હોવાનું જણાય છે. બંને છાવણી એકમેકને બતાવી દેવાના મૂડમાં છે. જોકે રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી) અને કોંગ્રેસનું ઉદ્ધવ ઠાકરેને સમર્થન છે. આવા સંજોગોમાં સરકાર લઘુમતીમાં આવ્યાનું લાગતું હોવા છતાં અંતિમ નિર્ણય તો વિધાનસભામાં જ લેવાવો સ્વાભાવિક છે. એનસીપીના ૫૩ ઉપરાંત કોંગ્રેસના ૪૪ તથા અન્ય નાના પક્ષો અને અપક્ષોનું સમર્થન ઠાકરે સરકાર સાથે છે. સામે પક્ષે ભાજપના ૧૦૬ અને કેટલાક પૂંછડીયા સભ્યો સાથે શિવસેનાના બે તૃતીયાંશ કરતાં વધુ સભ્યો ગૃહમાં અકબંધ રહે તો સત્તાપરિવર્તન થાય. બધો આધાર ગૃહના અધ્યક્ષ તરીકે બિરાજતા એનસીપીના ડેપ્યુટી સ્પીકર નરહરિ સીતારામ ઝીરવાલ અને રાજ્યપાલ તેમ જ સુપ્રીમ કોર્ટ પર છે. અત્યારે ઘટનાક્રમ સતત બદલાયા કરે છે એટલે નક્કી શું થશે એ કહેવું મુશ્કેલ છે. જોકે એટલું ચોક્કસ છે કે મહારાષ્ટ્રમાં કોઈ પાંડવ હોવાનો દાવો કરી શકે તેવું નથી.
ઈ-મેઈલ:haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૭ જૂન,૨૦૨૨)
No comments:
Post a Comment