Sunday 8 May 2022

Preparations for J and K Elections

                     જમ્મૂ-કાશ્મીરમાં મતક્ષેત્રોના સીમાંકનનો અજંપો

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ

·         કેન્દ્રશાસિત પ્રદેશમાં હવે ચૂંટણીની તૈયારી

·         નવા સીમાંકનથી બિન-ભાજપી પક્ષો નારાજ

·         પાકિસ્તાને ઉંબાડિયાં કરવાનું છોડ્યું નથી

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”. 8 May, 2022.

ક્યારેક  પૃથ્વી પરનું સ્વર્ગ લેખાતું કાશ્મીર હજુ આતંક અને અજંપાભરી સ્થિતિમાંથી બહાર આવતું નથી. હમણાં ભારત સરકારે નિયુક્ત કરેલા સીમાંકન આયોગે  લોકસભા અને વિધાનસભાની બેઠકો અંગે અહેવાલ જાહેર કરેલા અહેવાલ અને પ્રસિદ્ધ થયેલા જાહેરનામા પછી ભારતીય જનતા પક્ષ સિવાયના જમ્મૂ-કાશ્મીરના રાજકીય પક્ષોએ નારાજગી વ્યક્ત કરી છે. જોકે કેન્દ્ર સરકાર ગજગામી રીતે આગળ વધી રહી છે. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ ભારતીય બંધારણના જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ ૩૭૦ને અપ્રભાવી કરવા ઉપરાંત રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાનું ઐતિહાસિક પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે ભર્યું. એ પહેલાં રાજ્યની અબદુલ્લા પરિવારના વડપણવાળી નેશનલ કોન્ફરન્સ અને મુફતી પરિવારના વડપણવાળી રાજકીય પાર્ટીઓ સાથે અનુક્રમે વાજપેયી યુગમાં અને મોદી યુગમાં રાજકીય સંવનન કરવામાં ભાજપને કશું ખોટું જણાયું નહોતું. જોકે છેલ્લાં સાત વર્ષથી રાજ્ય પર અને કેન્દ્રમાં ભાજપનું શાસન હોવા છતાં આતંકવાદને નાથવામાં કે વિસ્થાપિત કશ્મીરી પંડિતોના પુનર્વસનમાં ઝાઝી સફળતા મળી નથી. વિધાનસભાવાળા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરમાં ચૂટણીઓ યોજીને મુસ્લિમ બહુલ પ્રદેશમાં પહેલીવાર હિંદુ મુખ્યમંત્રી સ્થાપિત કરવાની ભાજપની મહેચ્છા છે. આ વખતના સીમાંકનમાં પણ વિપક્ષો તરફથી  ભાજપ પર આ જ આરોપ કરાયો છે.

પાકિસ્તાનની દખલગીરી

જોકે સીમાંકન આયોગમાં  સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ તથા ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા તથા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કે.કે. શર્માએ  બે વર્ષની જહેમત બાદ લોકસભાની પાંચ અને વિધાનસભાની ૯૦ બેઠકોનું નવું સીમાંકન જાહેર કરાયું છે. નેશનલ કોન્ફરન્સના ત્રણ સાંસદો અને ભાજપના બે સાંસદો આ સીમાંકન આયોગના સહ-સભ્યો તરીકે મુસદ્દા અંગે વાંધા અને સૂચનો રજૂ કરી શક્યા, પરંતુ નેશનલ કોન્ફરન્સના વાંધા કે સૂચનોને ધ્યાને નહીં લેવાયાની વાત વિપક્ષોએ સંયુક્ત રીતે ગજવી છે. જોકે નવા સીમાંકનમાં ૯૦ બેઠકો ઉપરાંત અગાઉ વિધાનસભાની જે ૨૪ બેઠકો પાકિસ્તાને ગપચાવેલા કાશ્મીર (પીઓકે) માટે ખાલી રખાય છે, એ તો યથાવત ખાલી રખાશે. પાકિસ્તાને ૩૭૦ને અપ્રભાવી બનાવાયા સામે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો એ જ રીતે આ વખતે પણ એ “બીચ મેં મેરા ચાંદભાઈ”ની જેમ કૂદી પડ્યું છે.પાકિસ્તાને ભારતની આંતરિક બાબતોમાં દખલ ના દેવી જોઈએ પણ એના તરફથી મુસ્લિમ બહુલ પ્રદેશને હિંદુ બહુલ પ્રભાવ હેઠળ લાવવાનો પ્રયાસ થઇ રહ્યાનો આક્ષેપ થયો છે.  ઈસ્લામાબાદમાં નવા વડાપ્રધાન શાહબાજ શરીફ પોતે મૂળ કાશ્મીરી હોવાને કારણે ફરીને  કાશ્મીરનો રાગ આલાપ્યો છે. પાકિસ્તાનમાં ચૂંટણી હોવાને કારણે આ મુદ્દો ત્યાંના તમામ પક્ષના નેતાઓ માટે બરકતવાળો ગણાય છે. એમના અટકચાળા છતાં  સમગ્ર જમ્મૂ-કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે એટલે  ઝાઝું કશું કરી શકવાના નથી. બંને દેશો વચ્ચેના તણાવભર્યા સંબંધો આતંકવાદ અને કાશ્મીરનાં ભાગલાવાદી પરિબળોને પ્રોત્સાહન પૂરું પાડે છે.

કાશ્મીર અને જમ્મૂનાં વિભાજન

ભાજપ અને તેની સાથે અગાઉ સરકાર ચલાવનાર મુફતી મોહમ્મદ સઈદ અને તેમનાં શાહજાદી મેહબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ગત વિધાનસભા ચૂંટણીમાં ૨૫-૨૫ બેઠકો મેળવી શક્યાં હતાં. જોકે ભાજપને જમ્મૂમાંથી અને પીડીપીને કાશ્મીર ખીણ પ્રદેશમાંથી બેઠકો મળી હતી. જમ્મૂ હિંદુ બહુલ અને કાશ્મીર મુસ્લિમ બહુલ છે. લદ્દાખ બૌદ્ધ બહુલ છે. હવે પાંચ  વિધાનસભા અને એક લોકસભા બેઠકવાળા લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ કરાયો છે. જમ્મૂ-કાશ્મીરમાં પાંચ લોકસભા બેઠકો છે. પ્રત્યેકમાં ૧૮ વિધાનસભા બેઠકો આવે એ રીતે આ વખતે સીમાંકન કરાયું છે. જમ્મૂની વસ્તી વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ, ૫૩.૭૨ લાખ છે, જયારે કાશ્મીરની ૬૮.૮૩ લાખ છે.

કુલ ૯૦ બેઠકોની વિધાનસભામાં કાશ્મીરને ફાળે ૪૭ એટલે કે અગાઉ કરતાં એક વધુ અને જમ્મૂને ફાળે ૪૩ એટલેકે અગાઉ કરતાં૬ બેઠકો વધુ ફાળવાઈ છે. જમ્મૂ-કાશ્મીરની વિધાનસભાની કુલ બેઠકો ૧૧૪ ગણાય. ૯૦ ભારતના વહીવટ હેઠળના પ્રદેશની અને ૨૪ પીઓકે હેઠળની ખાલી રખાતી બેઠકો. આ વખતે અનુસૂચિત જનજાતિ (એસટી) માટે ૯ બેઠકો પહેલીવાર અનામત રાખવામાં આવી છે. એવી જ રીતે પહેલી વાર  અનુસૂચિત જાતિ (એસસી) માટે ૭ બેઠકો અનામત રાખવામાં આવી છે. અગાઉના રાજ્યના બંધારણમાં એસસી કે એસટી માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ નહોતી. એક મહિલા સહિત બે બેઠકો કાશ્મીરી વિસ્થાપિતોના પ્રતિનિધિને નામનિયુક્ત (નોમિનેટ)ની જોગવાઈ પુડુચેરીને ધોરણે કરવામાં આવી છે. સાથે જ પાકિસ્તાને ગપચાવેલા જમ્મૂ-કાશ્મીરથી વિસ્થાપિતોને પણ વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપવાની ભલામણ કરાઈ છે. એકંદરે આ પરિસીમનમાં ભાજપ શાસન  લોકલાગણીને માન આપીને નિર્ણય કરતું હોવાને કારણે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેને ફાયદો થાય એ સ્વાભાવિક છે. આને કારણે જ ભાજપ સિવાયના કાશ્મીરી રાજકીય પક્ષો વ્યથિત હોવાનું સ્વાભાવિક છે. ભાજપની નેતાગીરી  સજ્જાદ લોનના પીપલ્સ કોન્ફરન્સ  જેવા પક્ષ સાથે ગોઠવણ કરીને અને શાહ ફૈઝલ જેવા આઈએએસમાંથી રાજીનામું આપી જે એન્ડ કે પીપલ્સ મૂવમેન્ટ પાર્ટીના નામે  રાજકીય પક્ષ સ્થાપી ફરી સરકારી સેવામાં હાજર થનારા અધિકારીઓના ટેકે જમ્મૂ-કાશ્મીર વિધાનસભામાં બહુમતી મેળવવા કૃતસંકલ્પ છે. અત્યારે  ભાજપ કેન્દ્રમાં અને જમ્મૂ-કાશ્મીરમાં પણ શાસન કરે છે. જમ્મૂ-કાશ્મીર સમગ્ર રાષ્ટ્ર માટે સંવેદનાનો મુદ્દો છે એટલે વિધાનસભામાં ભાજપને બહુમતી મળે તો એની અસર સમગ્ર દેશમાં પડે. ભાજપને બહુમતી ના મળે તો પણ એણે રાષ્ટ્રીય સ્તરે લાભ થાય. જોકે અત્યારના સંજોગોમાં તો ભાજપનો જ હાથ ઉપર જણાય છે.

તિખારો

કાશ્મીરનો પ્રવાસ : કાશ્મીરનું સ્વપ્ન

 

ક્યાંઈ છે ખુબ ધીટ વનનાં ઝાઝાં ફૂલોથી ભર્યાં,
વેલીના નવરંગથી લટકતાં સારાં પટોળાં ધર્યાં;
ક્યાંઇ છે તૂટીને પડેલ ભુખરાં પાનો વિના ઝાડવાં,
જોગીનો ધરી વેષ ભેખ લઈને જાણે બિચારાં પડ્યાં.

ક્યાંઈ છે સુઘરી તણા લટકતા માળા નદીની પરે,
નીચે મોર કળા કરે પ્રિય કને લીલા ગલીચા પરે;
ક્યાંઈ છે ફરતાં યૂથો ગજ તણાં ભાંગે ધણી ડાળીને,
તેઓનાં બચલાં રમે જલ વિષે માતા કને દોડીને.

છે ક્યાંઇ અતિ ઘોર ગંભીર ગુફા, કાળી ઘટા ઝાડની,
કાળી તે દિસતી છવાઇ જઈને અંધારી છે તે ઘણી;
વ્હે છે જોસ ભરી નદી અહિં તહિં, નાળાં પડ્યાં વિખરી,
કુંજોમાં ઝરણાં વહે ખળકતાં, છોળો ઉડે પાણીની.

જ્યાં છે એવી નદી ઘણી, બરફના ઝાઝા જ્યહાં ડુંગરા,
એવો કાશ્મીર દેશ છોડી દઈને જાઉં હવે હું ક્યહાં?
                                                     
- સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ -કલાપી (૧૮૯૨)

 ઈ-મેઈલ: haridesai@gmail.com        (લખ્યા તારીખ : ૭ મે, ૨૦૨૨)

No comments:

Post a Comment