Monday 30 May 2022

Hindu Vijaynagar Samrajya of Krinadeva Raya

 રાજા કૃષ્ણદેવ રાય સમૃદ્ધિ, સંસ્કાર અને ભોગવિલાસની દૃષ્ટિએ ચોદિશમાં અમર

ઈતિહાસ ગવાહ હૈ : ડૉ.હરિ દેસાઈ

·         હિંદુ રજવાડાંના આપસી સંઘર્ષ અને અહમને કારણે ભવ્ય પરંપરાવાળા હિંદુ સામ્રાજ્યનું પતન થયું

·         રાજા સિંહાસનની એક બાજુ કુર્રાન રાખતા જેથી લાગે નહીં કે શાસક યવનો ભણી ઘૃણા ધરાવે છે

·         સામ્રાજ્યના આદર્શ રાજવી ગણાતા કૃષ્ણદેવ રાયના વચનપાલનને કારણે એક રાણી રૂપજીવિની હતી

 Dr.Hari Desai writes weekly column for Divya Bhaskar Digital’s Sunday Supplement Rangat-Sangat. 29 May, 2022

ભારતીય ઈતિહાસમાં દક્ષિણ ભારતના વિજયનગર સામ્રાજ્યને હિંદુ સામ્રાજ્ય અને હિંદુ સંસ્કૃતિના રક્ષક સામ્રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. .. ૧૩૩૬થી ૧૫૬૫ સુધી એટલે કે સવા બસ્સો વર્ષ સુધી એમણે હિંદુ સ્વતંત્રતા અને સંસ્કૃતિની પતાકા લહેરાવી. વિજયનગર સામ્રાજ્યમાં સર્વધર્મ સમભાવની પરંપરા હતી. રાજના ચાર વંશ ચાલ્યા, પણ એમાં શ્રેષ્ઠ રાજવી તરીકે કૃષ્ણદેવ રાયની કીર્તિ દુનિયાભરમાં પ્રસરી. મૂળ શૈવ પંથી એવા રાજવીઓના સામ્રાજ્યમાં હિંદુ, મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી વગેરે વસ્તી સાથે સારો વ્યવહાર થતો હતો. ધનદોલતની છોળો ઊડતી હતી. દેશદેશાવરથી પ્રવાસીઓ અને વેપારીઓ આવતા હતા. નગરોની રચના આયોજનપૂર્વક થતી હતી. આવા વિજયનગરના સામ્રાજ્યના બે સંસ્થાપક હરિહરિ અને બુક્કારાય હોયસલ શાસકોની સેવામાં હતા. દિલ્હીના શાસક મુહમ્મદ બિન તુઘલકે કમ્પિલ સામ્રાજ્ય પર કબજો કર્યો. બંને બંધુ - હરિહર અને બુક્કાને દિલ્હી લઈ જઈને મુસ્લિમ બનાવાયા. મુસ્લિમ સુલતાને બેઉને પાછા પોતાના જાગીરદાર તરીકે દક્ષિણમાં જીતેલા પ્રદેશમાં પાઠવ્યા તો ખરા, પણ શૃંગેરીના ભવિષ્યના ૧૨મા શંકરાચાર્ય વિદ્યારણ્યના સંપર્ક અને આશીર્વાદથી એમને પાછા હિંદુ બનાવાયા. બે ભાઈઓએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી.

વિશાળ સામ્રાજ્યનો અંત

શૃંગેરીના શંકરાચાર્યની પીઠની સત્તાવાર વેબસાઈટ www.sringeri.net પર આજે પણ વિજયનગરના બેઉ સંસ્થાપકો પર સ્વામીના આશીર્વાદની વાત વિગતે નોંધાઈ છે. શંકરાચાર્યથી પ્રભાવિત થઈને રાજવીઓએ ગુરુના નામે જ શાસન કરવાનું  પસંદ કર્યાનો ઉલ્લેખ પણ આવે છે. રાજવીઓના આગ્રહથી “સેક્યુલર વિજયનગર સામ્રાજ્ય”માં  શંકરાચાર્ય દરબાર પણ ભરતા હતા. શૃંગેરીના શંકરાચાર્યના શિષ્યોમાં “મહિસુરના મહારાજાઓ” હૈદર અલી અને ટીપુ  સુલતાન, હૈદરાબાદના નિઝામ ઉપરાંત  પેશવા, ત્રાવણકોર અને કાલડી (આદિ શંકરાચાર્યની જન્મભૂમિ)નાં શાસકો પણ શૃંગેરી શંકરાચાર્યને ગુરુ માનતા હતા. વિજયનગર સામ્રાજ્યનો પ્રથમ રાજવંશ સંગમ હતો. પછીના ત્રણ રાજવંશ સાલુવ વંશ, તુલુવ વંશ અને આરવિદુ વંશ રહ્યા. પછી સામ્રાજ્યનું પતન થયું. આદિલશાહીનો ડંકો એટલે સુધી વાગ્યો કે ગુલબર્ગાના મુસ્લિમ શાસક સાથે વિજયનગરની રાજકુમારીના નિકાહ કરવાનો પ્રસંગ પણ  આવ્યો હતો. હિંદુ રજવાડાંના આપસી સંઘર્ષના પરિણામે અને અહમને કારણે ભવ્ય પરંપરા ધરાવનારા હિંદુ સામ્રાજ્યનું પતન થયું હતું.રામેશ્વરથી લઈને કૃષ્ણા નદી લગીના વિજયનગરના સામ્રાજ્યમાં કલિંગ પણ ઉમેરાયું હતું. જોકે, મુસ્લિમ શાસકોની યુદ્ધ કળાની સામે હિંદુ સામ્રાજ્ય પોર્ટુગીઝ સાથ-સહકાર છતાં ટકી ના શક્યું. એના કેટલાક સરદારોની ગદ્દારી એના માટે અભિશાપ બની ગઈ હતી. આમ છતાં, સામ્રાજ્યના તુલુવ વંશીય રાજા કૃષ્ણદેવ રાય સમૃદ્ધિ, સંસ્કાર અને ભોગવિલાસની દૃષ્ટિએ પણ ચોદિશમાં અમર થઈ ગયા.

ધાર્મિક સહિષ્ણુતાનું પ્રચલન  

વિજયનગર સામ્રાજ્યમાં પોર્ટુગલના ખ્રિસ્તી પાદરીઓએ ખ્રિસ્તી ધર્મપ્રચાર કરવાની ઘણી મોકળાશ અનુભવી. ગોવાના પોર્ટુગીઝ ગવર્નર આલ્ફાન્સો આલ્બુકર્ક સાથે અરબી ઘોડા અને બીજા આધુનિક શસ્ત્રસરંજામના વેપારસંબંધ ધરાવતા વિજયનગરના રાજવીઓની સેનાને તાલીમ આપવા તથા જળપુરવઠા યોજનાઓ બાંધવા માટે પણ પોર્ટુગીઝ નિષ્ણાતો આવતાજતા રહ્યા. વિજયનગરના રાજા પહેલાં શૈવ હતા. પછી વૈષ્ણવપંથી થઈ ગયા હતા. ઉદાર મતવાદી શાસકોના સામ્રાજ્યમાં વિવિધ ધર્મોના શ્રદ્ધાળુઓને મોકળાશ હતી.
પ્રયાગ (અલાહાબાદ) યુનિવર્સિટીના ઈતિહાસના પ્રાધ્યાપક વાસુદેવ ઉપાધ્યાયના ૧૯૪૫માં પ્રકાશિત ગ્રંથ વિજયનગર સામ્રાજ્ય કા ઈતિહાસમાં નોંધવામાં આવ્યું છે કે, ‘વિજયનગર રાજ્યમાં પોર્ટુગાલીઓના સ્વાગતને કારણે પાદરીઓએ ખ્રિસ્તી ધર્મ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. સૌપ્રથમ મદુરાના બ્રાહ્મણ અધ્યાપક ખ્રિસ્તી થયા હતા. સંયોગ તો જુઓ, .. ૫૨ (બાવન)માં દક્ષિણ ભારતમાં ઈશુના બાર શિષ્યોમાંથી એક સેન્ટ થોમસ આવ્યા ત્યારે કેરળના એકદમ ઉચ્ચવર્ણીય બ્રાહ્મણ ગણાતા પાંચ નામ્બૂદિરી પરિવાર થકી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાયો હતો. બંગાળમાં અંગ્રેજોની રાજધાની કોલકાતા હતી એટલે ત્યાંના બ્રાહ્મણોમાંથી ઘણા ખ્રિસ્તી થયા હતા. મણિશંકર રત્નજી ભટ્ટ કાન્ત નામના ગુજરાતી બ્રાહ્મણ કવિ પણ ખ્રિસ્તી થયા અને પાછા સ્વધર્મમાં પ્રવેશ્યા હતા.પ્રા. ઉપાધ્યાયે નોંધેલી એક વાત તો ખૂબ ચોંકાવનારી છેઃ વેળા હિંદુ સંસ્કૃતિ તથા ધર્મનો એટલો બધો પ્રભાવ હતો કે વિજયનગર રાજ્યમાં પાદરીઓના કામને ઝાઝી સફળતા મળી નહીં. (વિજયનગરના) લશ્કરમાં હજારો મુસલમાન નિયુક્ત કરાયેલા હતા. એમના માટે નગરમાં મસ્જિદો પણ બાંધવામાં આવી હતી. રાજા સ્વયં પોતાના સિંહાસનની એક બાજુ કુર્રાન રાખતા હતા, જેથી કોઈ મુસલમાનને એવું લાગે નહીં કે શાસક યવનો ભણી ઘૃણા ધરાવે છે. પરંતુ રીતે શાસક ઈસ્લામ ધર્મની વૃદ્ધિમાં મદદ કરનાર ગણાવી શકાય નહીં.

ગણિકા-રાણી અને ગણિકાનગર

સોનાના સિક્કાઓના ચલણવાળા વિજયનગર સામ્રાજ્યમાં વેપાર-વણજની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધિ હતી. કલા-સાહિત્ય અને સંસ્કૃતિને પોષક એવા રાજવીઓના વખતમાં સંસ્કૃત અને તેલુગુ નહીં, તમિળ અને કન્નડમાં પણ વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન થયું હતું. બહુપત્નીત્વની પ્રથા અસ્તિત્વમાં હતી, સાથે સતી થવાની પ્રથાનું ચલણ પણ હતું. વિજયનગર સામ્રાજ્યમાં ગણિકાઓનું મહાત્મ્ય પણ એટલું બધું હતું કે રાજકુમારોને નૃત્ય અને સંગીતની તાલીમ માટે પણ ગણિકાઓ રાખવામાં આવતી હતી એટલું નહીં વિજયનગર સામ્રાજ્યના આદર્શ રાજવી ગણાતા કૃષ્ણદેવ રાયની એક રાણી પણ ગણિકા-વેશ્યા હતી! ભારત સરકારના નેશનલ બુક ટ્રસ્ટ થકી પ્રકાશિત વિજયનગર ચે સામ્રાજ્યમાં તેના અધિકૃત ગણાતા પોર્ટુગીઝ લેખકદ્વય દુમિંગુશ પાઈશ અને ફેનાવ નુનીશ નોંધે છે કે કૃષ્ણદેવ રાયની ત્રણ રાણીઓ ઉપરાંત એક રાણી અગાઉ ગણિકા હતી. કૃષ્ણદેવ યુવાન હતા ત્યારે એમણે એને રાખેલી હતી. વચને બંધાયા હતા કે જો તે રાજા થશે તો એની સાથે લગ્ન કરશે. એમણે વચન પાળ્યું હતું.વિજયનગર - સામ્રાજ્ય કા ઈતિહાસમાં પ્રવાસી અબ્દુર રઝાકને ટાંકીને નોંધવામાં આવ્યું છે કે રાજધાનીમાં મુદ્રાનિર્માણ ગૃહ (ટંકશાળ)ની બાજુમાં ગણિકાઓ માટેનું સ્થાન નિશ્ચિત કરાયેલું હતું. કૃષ્ણદેવ રાયના સમયમાં વધુ વેશ્યાઓ હતી. એમણે એક ગણિકાનગર પણ વસાવ્યું હતું. પ્રવાસી ફિરિસ્તાના કહેવા મુજબ, વેશ્યાઓ માટે રાજધાનીમાં એક અલગ માર્ગ હતો. બારબોઝાએ લખ્યું છે કે રાજકીય, ધાર્મિક અને સામાજિક ઉત્સવોમાં ગણિકાઓ સુંદર વસ્ત્ર અને આભૂષણો પહેરીને નૃત્ય માટે આવતી હતી. પ્રજા સુખી ગણાતી હતી અને સાથે વિલાસી પણ. ખેડૂતો પર ભારે કરવેરા લાદીને કે એમનું શોષણ કરીને પણ ઉચ્ચવર્ણીઓના મોજશોખ પૂરા કરવામાં આવતા હતા.

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૯ મે, ૨૦૨૨)

No comments:

Post a Comment