Sunday 15 May 2022

Faiz Ahmad Faiz banned from Indian Textbook

 ક્રાંતિના શાયર ફૈઝ અહમદ ફૈઝ બહિષ્કૃત • કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ • કેન્દ્રીય બોર્ડના પાઠ્યક્રમમાંથી રુખસદ • અટલ બિહારીના લાડકા શાયર હતા ફૈઝ • પ્રા.લેંગે ૧૫૦માંથી ૧૬૫ ગુણ આપ્યા’તા • Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.15 May, 2022.

હમણાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય શિક્ષણ બોર્ડનો અભ્યાસક્રમ બદલ્યો. ઇતિહાસનું પુનર્લેખન કે અનુકૂળ લેખન કરવાનો માહોલ હોય અને મુઘલ શાસનકાળ કે બ્રિટિશ શાસનકાળને મહત્વ ના મળે એની કાળજી લેવામાં આવતી હોય ત્યારે ઇતિહાસના કેટલાક કાલખંડ ગપટ કરી દેવાય છે. અમુકને અનુકૂળ રીતે રજૂ કરાય છે. એનું દ્રશ્ય રાષ્ટ્રીય મંચ પરઅત્યારે ભજવાઈ રહ્યું છે. કોઈક અગમ્ય કારણોસર કે તખ્તાપલટની પ્રેરણા યુવા માનસમાં ના પ્રગટે એટલા હેતુસર ભારત અને પાકિસ્તાન જ નહીં, પણ દુનિયાભરમાં મશહૂર શાયર ફૈઝ અહમદ ફૈઝની વર્ષોથી ભણાવાતી બે નજ્મ દસમા ધોરણના “ડેમોક્રેટિક પોલિટિક્સ”માંથી ગાયબ કરી દેવામાં આવી. સત્તાવાર રીતે તો આ સંદર્ભમાં કોઈ કારણ ફાઈલે નોંધાયું હોય તો જાણમાં નથી, પણ જે ક્રાંતિના શાયર વર્તમાન સત્તારૂઢ પક્ષના આરાધ્યપુરુષ અટલ બિહારી વાજપેયીના લાડકા હતા એમને જ બહિષ્કૃત કરી દેવાયા છે. દસમા ધોરણના કેન્દ્રીય બોર્ડના વિદ્યાર્થી આ બે નજ્મ ભણતા હતા એને બદલેહવે આખો દેશ ફૈઝની ચર્ચા કરે છે. ફૈઝને અભ્યાસક્રમમાંથી રુખસદ અપાતાં સમગ્ર દેશ એની ચર્ચા કરે છે. જેને કાઢવાનો હતો એ સૌથી વધુ છવાતો જાય છે. ઓછામાં પૂરું, ફૈઝને સમજ્યા વિના કે એને જાણ્યા વિના એના નામ, ધર્મ કે પાકિસ્તાની હોવા માત્રને કારણે એને બહિષ્કૃત કરવાનો પ્રયાસ થાય તો એ વધુ ઉત્સુકતા જગાવશે એ નક્કી. નાગરિકતા સુધારણા કાનૂન અને નાગરિકતાના રાષ્ટ્રીય નોંધણીપત્રક જેવા વર્તમાન શાસકો થકી અમલમાં લાવવાના પ્રયાસ સામે ઊઠેલા વિરોધવંટોળમાં ફૈઝ અહમદ ફૈઝની નજ્મ “હમ દેખેંગે” ગવાતી રહી અને “કાશ્મીર ફાઈલ્સ”માં પણ એનો સમાવેશ થયો હોવાને કારણે ફૈઝને શાસક વિરોધી સ્વર બુલંદ કરવાનું નિમિત્ત લેખીને પ્રતિબંધિત કરવાની કોશિશ થયાની શક્યતા વધુ છે. જોકે પ્રતિબંધ મૂકાય ત્યારે એના વિશે જાણવાની વધુ ઉત્સુકતા જાગે. ફૈઝ વિશે કે તેમની આ નજ્મની રચના કે તેના જાહેર કાર્યક્રમ સંદર્ભે કૂપમંડૂકો કદાચ અજાણ હશે.
હિંદુ પોશાક અને ફૈઝ
પાકિસ્તાનમાં જનરલ ઝિયા-ઉલ-હકનું લશ્કરી શાસન હતું ત્યારે તેમણે ૧૯૮૫માં એક ફરમાન બહાર પાડીને સાડીને હિંદુ પોશાક ગણાવી એ પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. એ વેળા પાકિસ્તાનની મશહૂર ગાયિકા ઈકબાલ બાનોએ કાળા રંગની સાડી પહેરીને લાહોરના અલહમરા ઓડિટોરિયમમાં ફૈઝની “હમ દેખેંગે” નજ્મ ગાવાનું પસંદ કર્યું હતું. ફૈઝની ૧૯૭૯ની આ રચના જયારે ઈકબાલ બાનોએ તાનાશાહ જનરલ ઝિયાના શાસનકાળમાં ગાવાનું પસંદ કર્યું ત્યારે ફૈઝની રચનાઓ – નજ્મો - ગઝલો પાકિસ્તાન ટીવી કે રેડિયો પર પ્રસારિત કરવા પર પ્રતિબંધ હતો ! ઈકબાલ બાનો સાથે ઉપસ્થિત સઘળો જનસમૂહ પણ ફૈઝની આ નજ્મ ગાતો હતો. એ ફૈઝ સાથે જ ઈકબાલ બાનોના નામે મશહૂર થઈ. એ નજ્મના શબ્દો કંઈક આવા હતા:
“હમ દેખેંગે
લાજિમ હૈ કિ હમ ભી દેખેંગે
વો દિન કિ જિસ કા વાદા હૈ
જો લોહ-એ-અજલ મેં લિખ્ખા હૈ
જબ જુલમ-ઓ-સિતમ કે કોહ-એ-ગિરાં
રુઈ કી તરહ ઉડ જાએંગે “
ફૈઝ અહમદ ફૈઝની ૧૯૭૯માં અવતરેલી ઉપરોક્ત નજ્મનો સંબંધ ભારત અને પાકિસ્તાન બંનેની રાજકીય સ્થિતિ સાથે રહ્યો. ૧૯૭૭માં ભારતમાં ઇન્દિરા ગાંધીની ઈમરજન્સી સમાપ્ત થઇ અને મોરારજી દેસાઈની સરકાર સ્થપાતાં લોકશાહી બહાલ થઇ. એ જ વર્ષે પાકિસ્તાનમાં લશ્કરી વડા જનરલ ઝિયાએ સત્તા કબજે કરીને તાનાશાહી સ્થાપિત કરી હતી. આ ઘટનાક્રમના વિરોધમાં ફૈઝે આ રચના લખી હતી. એના વિદ્રોહી શબ્દોને કારણે ફૈઝને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. ફૈઝના મૃત્યુ પછી એમની રચનાઓ વધુ વંચાતી અને પ્રભાવ પાડનારી રહી.મૂળે ડાબેરી વિચારક એવા ફૈઝને બગાવત અને વિરોધનું પ્રતીક માનવાની સાથે જ ધર્મ વિરોધી પણ માનવામાં આવતા હતા.
અટલજીના ફૈઝનાં આશિક
મોરારજી દેસાઈની સરકારમાં વિદેશમંત્રી તરીકે અટલ બિહારી વાજપેયી પાકિસ્તાન ગયા ત્યારેપ્રોટોકોલ તોડીને લાહોરમાં ફૈઝના ઘરે ખાસ એમને મળવા ગયા હતા. એમણે ફૈઝને કહ્યું હતું: “હું આપને માત્ર એક શેર માટે જ મળવા ઈચ્છતો હતો.” અટલજીની ફરમાઈશ પર ફૈઝે એ શેર પ્રસ્તુત કર્યો:
‘ફૈઝ’ કોઈ રાહ મેં જંચા હી નહીં,
જો કૂ-એ-યાર સે નિકલે તો સૂ-એ-દાર ચલે.
વર્ષ ૧૯૮૧માં ફૈઝ ભારત આવ્યા હતા. કવિ કૈદીરાય (વાજપેયી) સાથે એમની ભારતમાં પણ ગૂફ્તગૂ થઈ હતી. બંને વચ્ચે ગાઢ મૈત્રી હતી. કમનસીબી એ છે કે અટલજીના જ પક્ષની સરકાર ફૈઝને બહિષ્કૃત કરે છે.
લોકશાહીવાદી કર્નલ ફૈઝ
સિયાલકોટમાં ૧૩ ફેબ્રુઆરી, ૧૯૧૧ના રોજ જન્મેલા ફૈઝ રૂઢિવાદી પરિવારમાં ઉછર્યા છતાં પ્રગતિશીલ હતા. બહુ ઓછાને જાણ હશે કે એ ૧૯૪૨માં બ્રિટિશ લશ્કરમાં કેપ્ટન તરીકે જોડાયા અને ૧૯૪૩માં મેજર બન્યા હતા.૧૯૪૪માં મેજરમાંથી કર્નલના હોદ્દે બઢતી પામ્યા હતા પરંતુ ૧૯૪૭માં તેમણે લશ્કરમાંથી રાજીનામું આપ્યું હતું. પાકિસ્તાન બન્યા પછી ત્યાંના તાનાશાહ શાસકો સાથે ફૈઝને ક્યારેય બન્યું નહોતું. તેમણે અનેક વર્ષ જેલમાં જ વિતાવવાં પડ્યાં હતાં. દેશવટો પણ વહોરવો પડ્યો હતો.૧૯૫૧માં વડાપ્રધાન લિયાકત અલી ખાનની સરકારને ઉથલાવવાના કાવતરામાં સજ્જાદ જહીર સાથે તેમની ધરપકડ થઇ હતી. ચાર વર્ષના જેલવાસ દરમિયાન તેમને ખૂબ પરેશાન કરવામાં આવ્યા, પણ એમની રચનાઓ જેલમાં પણ અવતરણ પામતી રહી હતી. પાકિસ્તાનમાં સત્તાપલટાના પ્રતાપે તેમની સામે ખટલો ચાલ્યો નહીં,પણ ૧૯૫૫માં જેલમુક્ત થયા પછી ફરી ૧૯૫૮માં વરસ માટે જેલ જવાનો વારો આવ્યો.અંગ્રેજી દૈનિક પાકિસ્તાન ટાઈમ્સ અને ઉર્દૂ દૈનિક ઇમરોજના એ મુખ્ય તંત્રી રહ્યા.એમને ૧૯૬૨માં સાહિત્યની સેવા માટે લેનિન પુરસ્કાર પણ મળ્યો હતો. ૧૯૧૫માં માત્ર ચાર વર્ષની ઉંમરે સમગ્ર કુરાન કંઠસ્થ કરનાર ફૈઝ અંગ્રેજી અને અરબીમાં પ્રથમ શ્રેણીમાં પાસ થયા હતા.એ લાહોરની ગવર્નમેન્ટ કોલેજમાં ભણતા હતા ત્યારે એમના અંગ્રેજીના પ્રાધ્યાપક લેંગ એમના અંગ્રેજી જ્ઞાનથી એટલા પ્રભાવિત હતા કે તેમણે ફૈઝને ૧૫૦માંથી ૧૬૫ ગુણ આપ્યા હતા ! કોઈ વિદ્યાર્થીએ એ સામે વાંધો ઉઠાવતાં પૂછ્યું કે તમે ફૈઝને ૧૫૦માંથી ૧૬૫ ગુણ કેમ આપ્યા ત્યારે પ્રા. લેંગે કહ્યું હતું: “ એનાથી વધુ આપી શકું તેમ નહોતો માટે.” ૧૯૩૫માં તેઓ અમૃતસરની એમ.એ.ઓ. કોલેજમાં પ્રાધ્યાપક નિયુક્ત થયા હતા. ૧૯૪૦માંલાહોરની હેલી કોલેજમાં અંગ્રેજી ભણાવતા હતા. ૧૯૪૧માં તેમણે એક અંગ્રેજ મહિલા મિઝ એલિસ જ્યોર્જ સાથે મુસ્લિમ વિધિથી લગ્ન કર્યાં હતાં. ૨૦ નવેમ્બર, ૧૯૮૪ના રોજ ૭૩ વર્ષની વયે લાહોરમાં એમનો ઇન્તકાલ થયા છતાં આજે પણ પોતાની સર્જનસૃષ્ટિથી ફૈઝ પ્રખર લોકશાહીવાદી તરીકે દુનિયાભરમાં જીવિત હોવાનો અહસાસ કરાવે છે.

તિખારો

કુત્તે

ગલિયોં કે આવારા બેકાર કુત્તે

કિ બખ્શા ગયા જિનકો જૌકે-ગદાઈ

જમાને કી ફટકાર સરમાયા ઇનકા

જહાં -ભર કી દુતકાર ઇનકી કમાઈ

આરામ શબ કો રાહત સબેરે

ગલાજત મેં ઘર, નાલિયોં મેં બસેરે

જો બિગડેં તો ઇક દૂસરે સે લડા દો

જરા એક રોટી કા ટુકડા દિખા દો

યે હર એક કી ઠોકરેં ખાને વાલે

યે ફાકોં સે ઉકતા કે મર જાને વાલે

યે મજલૂમ મખલૂક ગર સર ઉઠાયે

તો ઇન્સાન સબ સરકશી ભૂલ જાયે

યે ચાહેં તો દુનિયા કો અપના બના લેં

યે આકાઓં કી હડ્ડિયોં તક ચબા લેં

કોઈ ઇનકો એહસાસે-જિલ્લત દિલા દે

કોઈ ઇનકી સોઈ હુઈ દુમ હિલા દે

- ફૈઝ અહમદ ફૈઝ

----------------------------------------

.ભીખ માંગવાની રુચિ . નિધિ . ગંદકીમાં . જનતા .ઘમંડ .માલિકોની .અપમાનની અનુભૂતિ

-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૪ મે, ૨૦૨૨)

No comments:

Post a Comment