Wednesday 6 April 2022

Gujarat Assembly Election: BJP Vs All

 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે સંયુક્ત મોરચોની શક્યતા

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         ભાજપ તો એના સર્વોચ્ચ નેતા નરેન્દ્ર મોદીના નામે મત માંગવાની વેતરણમાં હશે

·         ખોડલધામના પ્રણેતા નરેશ પટેલનો કોંગ્રેસપ્રવેશ ચૂંટણીસમીકરણો જરૂર બદલી શકે  

·         કોંગ્રેસ,આમ આદમી પાર્ટી, એનસીપી અને બીટીપી વચ્ચે મૈત્રીપૂર્ણ લડતનું આયોજન 

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian (Surat) and Sardar Gurjari (Anand).

ગુજરાતની ચૂંટણી ડિસેમ્બર ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ માટે એટલી સરળ નહોતી અને હવે વહેલી આવે કે મોડી, વર્ષ ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી એ ચૂંટણી કરતાં પણ વધુ પડકારરૂપ બનીને આવવાની છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના એ વેળાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ૧૫૦ પ્લસના ટંકાર છતાં ભાજપને માંડ ૭ બેઠકોની જ બહુમતી મળી હતી. આ વખતે ઉત્તર પ્રદેશ સહિતનાં ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો વિજયોત્સવ વડાપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક મોદીએ બબ્બે દિવસ માટે ગુજરાત આવીને મનાવવો પડ્યા છતાં પ્રદેશ ભાજપના ફાયરબ્રાન્ડ અધ્યક્ષ સી.આર.પાટીલના ૧૮૨ બેઠકોમાંથી ૧૮૨ બેઠકો જીતાડી આપવાના સંકલ્પને સાકાર કરવા વિશે શંકા-કુશંકા વ્યક્ત કરાવી સ્વાભાવિક છે. આ વખતે ખોડલધામના પ્રણેતા અને દુનિયાભરમાં સફળ ઉદ્યોગપતિ તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા નરેશ પટેલના  કોંગ્રેસમાં પ્રવેશની સંભાવના માત્રથી ભાજપમાં સન્નિપાતનો માહોલ છે. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પ્રોત્સાહિત કરીને કોંગ્રેસને પાડી દેવાનો વેશ ભાજપે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભજવી જોયો. એ પછી સુરતમાં અને અન્યત્ર ભાજપના જે દૂતો  આમ આદમી પાર્ટીમાં ગોઠવેલા હતા એમને કમલમ ખાતે ભાજપના ખેસ પહેરાવી દેવાયા. હજુ પણ કેટલાક દૂત વંડી ઠેકવાની વેતરણમાં હશે. જોકે  નરેશભાઈનું નામ પડ્યા પછી અને એમની આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથેના સંવાદ –સાતત્યના વાવડ પછી  કોંગ્રેસ અને મિત્રપક્ષો વચ્ચે સમજૂતી થાય કે મૈત્રીપૂર્ણ લડતની ગોઠવણ થાય એ અપેક્ષાએ હમણાં આઘાપાછા થવાનું પ્રમાણ ઓછું થયું છે.હમણાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન ગુજરાતનો ફેરો મારી રોડ શો કરી ગયા.ચૂંટણીનો માહોલ રચાવા માંડ્યો છે. મોદી-શાહના ફેરા પણ વધવાના છે. નરેશભાઈ રાજકારણમાં આવવાની વાતે  હવે તો ભાજપમાંથી કોંગ્રેસ ભણી પ્રવાહ વળે એની શક્યતા વધુ છે. બોલકાં માધ્યમો અને બોલકા નેતાઓ ભલે પ્રગટપણે ભાજપના શાસન અંગે સત્યનાં ઉચ્ચારણ ના કરે, પણ ખાનગીખૂણે તો વ્યથા ઠાલવે જ છે. નરેશ પટેલનું રાજકારણમાં આવવું એનું નિમિત્ત પણ આ જ છે.

ગજગામી નરેશ પટેલ

નરેશભાઈ સોનાની જાળ પાણીમાં નાંખે છે એવું ઘણા કહેવા માંડ્યા છે,પણ એ જાળમાં સત્તા નામનું સોનું એમને બધા સમાજોના ટેકે ગાંધીનગરની ગાદીએ બેસડનારું સોનું આવે તો બહુ આશ્ચર્ય પામવા જેવું નથી. સૌરાષ્ટ્રના રાજકારણને જાણનારા-સમજનારા ઓબીસી-મૂળવાસી  સમાજના સંગઠનના એક નેતા તો લેખિત  ભવિષ્યવાણી કરવા માંડ્યા છે કે સૌરાષ્ટ્રની એકેય વિધાનસભા બેઠક પર નરેશ પટેલ જીતી નહીં શકે. હજુ તો ગર્ભ રહ્યા પહેલાં ગર્ભપાતની આગાહીઓ થવા માંડી છે. આનાથી વિપરીત નરેશ પટેલ માટે કોંગ્રેસવાળા ધારાસભ્યો પોતાની જીતેલી બેઠકો ખાલી કરી આપીને ચૂંટણી લડવા નિમંત્રણ આપવા માંડ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના કેજરીવાલ ગણાવાયેલા ઇસુદાન ગઢવી તો ચકલી નાની ને ફૈડકો ઝાઝોના તોરમાં આવીને અમને આગામી વિધાનસભા ચૂંટણીનાં પરિણામ લખી મોકલે છે: આમ આદમી પાર્ટીને ૧૨૦ બેઠકો, ભાજપને ૪૦ પણ નહીં આવે અને કોંગ્રેસ તો ૧૫થી ૧૮માં સમેટાઈ જશે. અમારો એમને ઉત્તર હતો: સ્વપ્ન જોવામાં વાંધો નહીં. જોકે આ વાત ઓગસ્ટ, ૨૦૨૧ની હતી. હવે ચિત્ર ઘણું બદલાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તથા અન્ય પક્ષો સાથે મળીને ભાજપનો મુકાબલો કરે એવી પ્રબળ સંભાવના નરેશ પટેલના પરિબળે પેદા કરી  છે. છોટુભાઈ વસાવા-મહેશ વસાવાની બીટીપી સાથે આમ આદમી પાર્ટીનું ઇલુ ઇલુ શરૂ થયા છતાં ભાજપમાં મોદીના હનુમાન અમિત શાહ વસાવાને આંટીમાં નહીં લે એવું છાતી ઠોકીને કહી શકાય નહીં. ગુજરાતના પૂર્વ પટ્ટામાં આદિવાસી મતોને અંકે કરવા માટે નરેશ પટેલ પણ કામે વળ્યા છે. વસાવા રાજ્યમાં બે બેઠક જીતતા રહ્યા છે પણ એ સામે  ઉમેદવાર ઊભા રાખીને કોંગ્રેસ કે અન્ય પક્ષને નુકસાન જરૂર કરી શકે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ ગુજરાતમાં ભાજપની બી-ટીમ તરીકે રમતી રહી છે. એમના   કોર્પોરેટ આયોજનમાં આ વખતે ફરક પાડવાનું નિમિત્ત નરેશ પટેલ બની શકે. જોકે વર્ષ ૨૦૧૭માં નરેશભાઈએ રાષ્ટ્રવાદી કોંગ્રેસના ગુજરાતના કાયમી પ્રભારી પ્રફુલ પટેલને અજમાવી જોયા હતા પરંતુ એ માટીપગા સાબિત થતા લાગ્યા એટલે હવે પોતે આ પાર કે પેલે પારની લડાઈમાં ઝંપલાવવા તૈયાર થાય છે.

પોડમ થિયરી જીતી શકે

ભૂતકાળમાં ખામ થિયરી બહુચર્ચિત રહી હતી. મૂળે ઝીણાભાઈ દરજીની આ થિયરી ૧૯૮૫માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તત્કાલીન કોંગ્રેસી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને ફળી હતી. ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ મળીને ખામ થિયરી અમલમાં લાવી માધવસિંહ થકી જે વિક્રમ સર્જવામાં આવ્યો હતો એ આજ લગી તૂટ્યો નથી. વિધાનસભાની કુળ ૧૮૨ બેઠકમાંથી ૧૪૯ બેઠકો ૧૯૮૫ની એ ચૂંટણીમાં કોંગ્રેસ જીતી હતી. ભાજપને  પોતાની ખામ જેવી જ  થિયરીને “સોશિયલ એન્જિનિયરિંગ”  (જેનાં ફૈબાની ભૂમિકા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી –સંગઠન અને સંઘના પ્રચારક રહેલા ગોવિન્દાચાર્યે નિભાવી હતી) અને હિંદુ-મુસ્લિમ મુદ્દે ચૂંટણીઓ જીતવાની ફાવટ આવી ગઈ છે. ગુજરાતમાં ૨૭ વર્ષથી કોંગ્રેસ જીતી નથી. આખી એક પેઢીએ કોંગ્રેસનું શાસન જોયું જ નથી અને માત્ર ભાંડણલીલા જ નિહાળી છે. આ વખતે “ફર્સ્ટ ઇન્ડિયા”ના ગુજરાતના તંત્રી હરેશ ઝાલાએ પ્રચલિત કરેલી પોડમ થિયરી ગુજરાતમાં કોંગ્રેસ અને મિત્રપક્ષોને વિજય અપાવી શકે. પોડમ એટલે પટેલ, ઓબીસી, દલિત, આદિવાસી અને મુસ્લિમ. આ થિયરી સફળ થાય નહીં એ માટે સત્તાધીશો ફાચરો મારવામાં કોઈ કસર છોડે એવું લાગતું નથી. સરકારી એજન્સીઓ હજુ નરેશ પટેલ ભણી છોડી મૂકાઈ નથી. એમનો વ્યવહાર ચોખ્ખો મનાય છે. સવા કરોડ જેટલી લેઉવા પટેલ  સમાજની વસ્તીને સંગઠિત કરનાર આ નેતા પર હાથ નાંખવાનાં  જોખમો સત્તાધીશો સમજે છે. જોકે એમના સાથીઓને પજવવામાં આવે એવું પણ બને. નરેશભાઈ ભાજપના શુભેચ્છક છે એટલે ભાજપમાં આવે એવી મથામણ સ્વયં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ કરતા રહ્યા છે. મિતભાષી નરેશ પટેલ ધીરગંભીરપણે રાજકીય આયોજન ગોઠવી રહ્યા છે અને કોંગ્રેસ ભણીની એમની ગતિને રોકવા માટે ભાજપ તરફથી દિલીપ સંઘાણી અને વિજય રૂપાણી જ નહીં, કેટલાક ઉદ્યોગપતિઓને પણ નરેશ પટેલ વિરુદ્ધ નિવેદન કરવા માટે છોડી મૂકાયા હતા. જોકે એના પ્રત્યાઘાતો સારા પડ્યા નથી. પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી પણ નરેશભાઈ કોંગ્રેસમાં સામેલ થવાના નિર્ણયમાં ચસક્યા કે ફસક્યા નથી. એમણે કોંગ્રેસના મોવડીમંડળમાં પાકું કરી લીધું છે. નાણાની તંગી અનુભવતી કોંગ્રેસને માટે નરેશભાઈ કુબેરભંડારી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત સાથે એમની કેમેસ્ટ્રી મળે છે. વ્યૂહ રચનાકાર પ્રશાંત કિશોરનો સાથ છે. સામે પક્ષે સેના બહોળી છે. સાધનો પણ ઘણાં છે. છતાં નરેશ પટેલની વાઘસવારી થઇ જ ગઈ છે.  ગુજરાતની પ્રજા પરિવર્તન ઝંખે છે. ચૂંટણી પરિવર્તન બક્ષે છે કે પુનરાવર્તન એ નરેશભાઈ માટે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. કોંગ્રેસે તો કશું ગુમાવવાનું નથી, નરેશ પાટીલની સાખ દાવ પર છે. જોકે એ પાણીમાં બેસે એવો પટેલીયો નથી એનો અણસાર હવે તો ભાજપના સર્વોચ્ચને પણ આવી જ ગયો હોવો જોઈએ. આ વખાણી ચૂંટણી ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણી કરતાં પણ વધુ રસાકસીભરી બની રહેવાની.

ઈ-મેઈલ: haridesai@gmail.com    (લખ્યા તારીખ: ૪ એપ્રિલ,૨૦૨૨) 

No comments:

Post a Comment