Thursday 16 December 2021

The Campaigns to Change the Father of the Nation

 

રાષ્ટ્રપિતા બદલી નાંખવાની ઝુબેશો પાછળનાં રાજકારણ

અતીતથી આજ ડૉ.હરિ દેસાઈ

·         સરદાર પટેલ,  સ્વાતંત્ર્યવીર સાવરકર અને નેતાજી બોઝને રાષ્ટ્રપિતા બનાવવાની માંગણી

·         આરએસએસ તો નથુરામ ગોડસે સાથેના સંબંધો નકારે છે,પણ ગોપાલ ગોડસેસંઘનિષ્ઠ

·         બહુજન સમાજ પાર્ટીએ તો બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરને રાષ્ટ્રપિતા જાહેર કરી દીધા

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Sardar Gurjari (Anand) and Gujarat Guardian (Surat). 

હમણાં હમણાં સાવરકર યુગ બેઠાની વાતો થવા માંડી છે. દેશના માહિતી કમિશનર અને પત્રકાર રહેલા ઉદય માહૂરકરલિખિત સ્વાતંત્ર્યવીર સાવરકર ગ્રંથના વિવિધ રાજ્યોમાં યોજાતા સમારંભો સાવરકરને ન્યાય તોળવાના નામે વર્તમાન રાજકારણ ચમકાવવાની ઝુંબેશનો ભાગ છે. ઈતિહાસને બદલવાની આવી ઝુંબેશોના ભાગરૂપે   કેન્દ્ર સરકારના ઇન્દિરા ગાંધીને નામે ચાલતા કેન્દ્રના મોદી સરકાર નિયુક્ત અધ્યક્ષ રામબહાદુર રાય તો ભારતીય બંધારણ ડૉ.બાબાસાહેબ આંબેડકરે નહીં, પણ સર બી.એન.રાવે લખ્યાનું જણાવે છે. સંદર્ભે નવું પુસ્તક લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વર્તમાન શાસકો કને એનું લોકાર્પણ કરાવવાના અભરખા તેઓ સેવે છે. એનાં નિમંત્રણકાર્ડ પણ છપાઈ ગયાં, પણ પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવત સહિતનાના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુને કારણે કાર્યક્રમ  વિલંબમાં મૂક્યો. ૧૮૫૭ને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવી સ્વાતંત્ર્યવીર સાવરકરે બેનમૂન ગ્રંથ લખ્યો. આંદામાનમાં કાળાપાણીની સજાના દાયકા પછી નાસ્તિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવનાર સાવરકરનું સાહિત્ય અને રાજકારણમાં યોગદાનને નકારી ના શકાય, પણ મહાત્મા ગાંધીને બદલે સાવરકરને રાષ્ટ્રપિતા જાહેર કરાવવાની કેટલાકની ઝુંબેશો આપણને અકળાવે છે. ગાંધીજીનું ચરિત્રહનન કરીને સાવરકર કે અન્યોને રાષ્ટ્રપિતા જાહેર કરાવવાના નામે વર્તમાનમાં રાજકારણ ચમકાવવાની કોશિશો થઇ રહી છે. ગાંધીને તો ના મહાત્મા કે ના રાષ્ટ્રપિતા થવાના અભરખા હતા. એમણે તો ગાંધીવાદ જેવા શબ્દને પણ નકાર્યો હતો. ભારતને અહિંસાના માર્ગે આઝાદી અપાવવાનું ઐતિહાસિક કામ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં થતાં એમને રાષ્ટ્રપિતા ( ફાધર ઑફ નેશન- નેતાજી બોઝના જુલાઈ ૧૯૪૪માં રંગૂન રેડિયો પ્રવચન) ગણાવવાની પ્રચલિત પરંપરાથી વિપરીત દેશના વર્તમાન ભાજપી શાસકો અને એમની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપરાંત સહોદર સંગઠનો મોહનદાસ કરમચંદ ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધવામાં કંઇક અંશે સંકોચ અનુભવે છે. ક્યારેક કમને કહે પણ છે. સંઘ પરિવારની પ્રચલિત માન્યતા એવી છે કે દેશ કાંઈ ગાંધીએ સર્જ્યો નથી. એનો તો પાંચ હજાર વર્ષ પુરાણો ઈતિહાસ છે. સંઘનિષ્ઠ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી જન્મદિને ઑક્ટોબરના રોજ કૉંગ્રેસી શાસકોની પરંપરા જાળવતાં મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ ૫ર આદર વ્યક્ત કરવા જાય છે. ઉપરાંત ટિ્વટ કરીને પણ મહાત્માને શત શત વંદન પણ કરે છે. જોકે ભાજપના આરાધ્યપુરુષ અને સંઘના પ્રચારક રહેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય તો ગાંધીજીને રાષ્ટ્રપિતા ના કહેવાય એવું ગાઇવગાડીને કહેતા રહ્યા હતા.

લોકમાન્ય અને મહાત્માનો યુગ

મહાત્મા ગાંધી ૧૯૧પના પ્રારંભમાં દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા ફર્યા ત્યારે નામાંકિત વ્યક્તિ હતા. દક્ષિણ આફ્રિકામાં રંગભેદી અંગ્રેજ સરકાર સામે લડત આપીને હિંદીઓના અધિકારો માટે સત્યાગ્રહ  કરનાર અને જેલવાસ ભોગવનાર લોકપ્રિય અને સર્વસમાવેશક નેતા તરીકેની એમની છબિ હતી. મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રીય ફલક પર ઉપસેલા લોકમાન્ય બાળ ગંગાધર ટિળકનું ઑગસ્ટ ૧૯ર૦ના રોજ નિધન થતાં કૉંગ્રેસ પક્ષ અને રાષ્ટ્રીય ચળવળમાં એમના ખાલીપાને મહાત્મા ગાંધીએ ભરવાની કોશિશ કરી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની ૧૯રપમાં સ્થાપના કરનાર અને ક્રાંતિકારી માર્ગે આઝાદી મેળવવાના આકાંક્ષી ડૉ.કેશવ બલિરામ હેડગેવાર જેવા સ્વઘોષિત ટિળકવાદીઓને ગાંધીજીનું નેતૃત્વ કઠ્યું હતું. એમણે તો પાંડિચેરી જઈને મહર્ષિ અરવિંદ (પૂર્વાશ્રમી ક્રાંતિકારી અને બૉમ્બ સંસ્કૃતિના સમર્થક એવા પ્રા.અરવિંદ ઘોષ)ને નાગપુરમાં ૧૯ર૦માં મળનારી કૉંગ્રેસનું અધ્યક્ષપદ સ્વીકારવા વિનવણી પણ કરી જોઈ હતી. અરવિંદે નન્નો ભણ્યો. પછી કૉંગ્રેસમાં છવાતા ગયેલા સત્યાગ્રહ અને અહિંસાના પ્રણેતા મહાત્મા ગાંધીનું નેતૃત્વ એમણે નાછૂટકે સ્વીકારવું પડ્યું હતું. કૉંગ્રેસમાં ગાંધીયુગ બેઠો એટલે ટિળકવાદીઓ પોતાને બાજુએ હડસેલાયેલા સમજવા માંડ્યા. ૧૯૧૬માં લખનઊમાં હિંદુ-મુસ્લિમ એકતાના મસીહા તરીકે લોકમાન્ય ટિળકે પણ જે મોહમ્મદ અલી ઝીણા જેવા રાષ્ટ્રવાદી કૉંગ્રેસી નેતાને બિરદાવ્યા હતા, પણ નાગપુરની ૧૯ર૦ની કૉંગ્રેસ પછી પક્ષમાં પોતાને અવગણાયેલા અને અપમાનિત થયેલાઅનુભવવા માંડ્યા. સમયાંતરે ઝીણાએ મુસ્લિમ લીગના સર્વોચ્ચ નેતા તરીકે અલગ પાકિસ્તાન માંગ્યું અને મેળવ્યું. ઝીણા જેમણે ૧૯૦૬માં અંગ્રેજ અને આગાખાનના ઈશારે મુસ્લિમ લીગની સ્થાપનાને વખોડતાં એને દેશને તોડવાનો કારસોગણાવવાનું પસંદ કર્યું હતું. કૉંગ્રેસમાં ગાંધીના ઉદયને મહારાષ્ટ્ર સહન કરી ના શક્યું. મહારાષ્ટ્રના બ્રાહ્મણોમાંથી સંઘનો ઉદ્ભવ થયો. ગાંધીજીની હત્યા પણ પુણેરી બ્રાહ્મણ નથુરામ ગોડસેએ કરી. આઝાદીની ચળવળના દિવસોમાં પ્રજાનું ઝાઝું સમર્થન પ્રાપ્ત નહીં કરી શકનાર સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરના વડપણવાળી હિંદુ મહાસભાનું પ્રભાવક્ષેત્ર પણ મહારાષ્ટ્ર રહ્યું. સંઘ અને મહાસભાની નેતાગીરી પણ મહદ્અંશે બ્રાહ્મણ રહી. દલિતોના વેળાના નેતા ડૉ.ભીમરાવ આંબેડકર પણ મહાત્મા ગાંધી ભણી સવિશેષ ઘૃણાભાવ ધરાવતા હતા એટલે એકંદરે મરાઠી ભાષી પ્રદેશમાં મહાત્મા ગાંધી પ્રત્યેનો દુર્ભાવ સર્વવિદિત હતો.જોકે મહારાષ્ટ્રમાં મહાત્મા ગાંધીને આસ્થાપુરુષ ગણનારાઓ ઓછા નહોતા. દેશમાં વર્તમાનમાં હિંદુવાદી શાસનની સ્થાપનાની સાથે ગોડસેવાદીઓ બેપાંદડે થયા છે અને નિર્લજ્યપણે નથુરામ ગોડસેની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં તેઓ ગૌરવ અનુભવે છે.

ગાંધીવાદી સમાજવાદનો વિરોધ

સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવલકર(ગુરુજી) ગાંધીહત્યા પછી ૧૯પરમાં પણ સ્વાતંત્ર્યવીર સાવરકર સાથે પુણેમાં એકમંચ પર આવીને ગાંધીજીને રાષ્ટ્રપિતા ગણાવવાની બાબતમાં પ્રગટપણે અસંમતિ વ્યક્ત કરવામાં સંમત જણાતા હતા. ૧૯૬૧માં સંઘના રાજકીય ફરજંદ જનસંઘના નેતા અને સંઘના પ્રચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પણ ‘‘ગાંધીજી પ્રત્યે તમામ પ્રકારનો આદર ખરો, પરંતુ આપણે તેમને રાષ્ટ્રપિતા કહેવાનું  તો માંડી વાળવું કે બંધ કરવું જોઈએ’’ એવું જણાવ્યાનું આરએસએસ ઍન્ડ બીજેપી : ડિવિઝિન  ઑફ લેબરમાં .જી.નૂરાની જેવા વિદ્વાન અભ્યાસી અને સુપ્રીમ કૉર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી નોંધે છે. ભાજપના અધ્યક્ષ રહેલા નેતા લાલકૃષ્ણ આડવાણી પણ ગાંધીજીને રાષ્ટ્રપિતા માનવાનો સાફ ઈનકાર કરી રહ્યાનું ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના ૧૭ ઑક્ટોબર ૧૯૮૦ના અંકમાં તેઓ જણાવે છે. મુંબઈના વાંદરા રેકલેમેશનમાં સમતાનગર ઊભું કરીને યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના ૧૯૮૦ના સ્થાપના અધિવેશનમાં સંસ્થાપક અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી અને આડવાણીની જોડીએ ગાંધીવાદી સમાજવાદને સ્વીકારવાની રજૂઆત કરી ત્યારે એનો વિરોધ કરનાર માત્ર રાજમાતા વિજયારાજે સિંધિયા અને ભૈરોંસિંહ શેખાવત હતા. અધિવેશન કવર કરનાર લેખકે વેળા રાજમાતા અને ભૈરોંસિંહના વિસ્તૃત વિરોધ-ઈન્ટરવ્યૂ પણ કર્યા હતા.   

બંધારણીય નહીં, પણ ભાવનાત્મક

રાષ્ટ્રપિતાનો હોદ્દો બંધારણીય ભલે ના હોય, પણ લોકહહૃદયમાં સ્થાન આપનારો જરૂર છે. ગાંધીજીને રાષ્ટ્રપિતા કહેવાય કે નહીં વિશે માહિતી અધિકાર હેઠળ માહિતીઓ માંગવા અને વિવાદ સર્જવાની એક આગવી પરંપરા પણ ચાલતી રહી છે. ભારત અને પાકિસ્તાન બેઉ દેશના રાષ્ટ્રપિતા ગુજરાતી હોવાનું ગૌરવ, વિભાજનની કરુણાંતિકા વચ્ચે પણ, અનુભવી શકાય છે. પાકિસ્તાનના રાષ્ટ્રપિતા તરીકે મોહમ્મદ અલી ઝીણા વિશે દેશમાં ભાગ્યે વિવાદ થયાનું સંભળાય છે. પૂર્વ પાકિસ્તાનનો બાંગલાદેશ તરીકેનો અવતાર ૧૯૭૧માં થયો. એના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન ગણાય છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા નેલ્સન મંડેલાના પ્રેરણાપુરુષ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી રહ્યા. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપિતા ઍહમદ શાહ દુર્રાની અને ગુયાનાના રાષ્ટ્રપિતા છેદી જગન ગણાય છે. જે તે દેશના રાષ્ટ્રનાયક કે આઝાદીની લડતના નેતાને પ્રજા રાષ્ટ્રપિતા તરીકે સ્વીકારે છે. સંઘ પરિવારમાં મહાત્મા ગાંધીને ભારતના ભાગલા માટે દોષિત લેખવામાં આવતા રહ્યા છે એટલું નહીં તેમની હત્યાને યથાર્થ લેખાવતી ગૉડસેની જુબાની ગાંધીવધ ક્યોં?’ ગ્રંથ સ્વરૂપે સંઘ પરિવારમાં હોંશે હોંશે વંચાતી રહી છે. જોકે દેશના રાજકારણમાં આવતા પલટાને નિહાળીને સંઘનાં મુખપત્રો પણ મહાત્મા ગાંધીના વિશેષાંક કરવા કે ગાંધીજીને વિભાજન માટે જવાબદાર નહીં લેખવાનાં લખાણો પ્રકાશિત કરવા માંડ્યાં છે.

ગોડસેને કોંગ્રેસી ગણાવવાની કોશિશ

સંઘનિષ્ઠ સામાયિક ઑર્ગેનાઈઝરના ૧૮ માર્ચ ર૦૧૪ના અંકમાં દૂરદર્શનના કાર્યક્રમ નિયંત્રક રહેલા શાંતિ પ્રસાદ અગ્રવાલનો લેખ પ્રકાશિત થયો છે. એમાં જણાવાયું છેઃ ‘‘ગાંધીજીએ ભાગલાનો સ્વીકાર કર્યો હોવા છતાં તેઓ ભાગલાની તરફેણમાં ક્યારેય નહોતા આઝાદીના જલ્લોશમાં એમણે સહભાગી નહીં થઈને સ્પષ્ટ કર્યું હતું.’’ ભાગલાનો સ્વીકાર સૌપ્રથમ સરદાર પટેલે કર્યો હતો. પંડિત નેહરુએ પણ ગાંધીજીની જાણ બહાર સંકોચ સાથે ભાગલા માટે સંમતિ આપી હતી. મહાત્મા ગાંધીની હત્યા કરનાર ગોડસેના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેના સંબંધોને સંઘ તરફથી નકારવામાં આવ્યા છે. એમણે ૧૯૩૪માં સંઘ છોડીને હિંદુ મહાસભા સાથે જોડાવાનું પસંદ કર્યું હોવાનું કહી હાથ ખંખેરવાનો પ્રયાસ થયો છે. સંઘના સરસંઘચાલક રહેલા પ્રા.રજ્જુ ભૈયાએ આઉટલુકની મુલાકાતમાં તો નથુરામ ગોડસેને કૉંગ્રેસી ગણાવવાની કોશિશ કરી હતી. એમ તો સંઘના સંસ્થાપક ડૉક્ટરજી પણ કૉંગ્રેસી હતા ! જોકે મુંબઈમાં ગોપાલ ગોડસે(નથુરામના લઘુબંધુ) સાથેની લેખકની ચર્ચા કે તેમણે ઈન્ડિયન ઍક્સપ્રેસને આપેલી મુલાકાતમાં પણ છેલ્લે સુધી ગોડસે પરિવારને સંઘ સાથે સંબંધ જળવાયાનું ભારપૂર્વક સ્પષ્ટ કર્યું હતું એટલું નહીં, ગોપાલ ગોડસે ઘણી વાર સંઘસંચાલિત હિંદુસ્થાન સમાચારસંસ્થાની મુંબઈસ્થિત કચેરીની સ્વજનભાવે ૧૯૭૭-૮૧ દરમિયાન મુલાકાત પણ લેતા રહ્યા હતા. તેઓ પોતાને સંઘના સ્વયંસેવક ગણાવવામાં ગર્વની અનુભૂતિ કરતા હતા. ૧૯૬પમાં જેલમાંથી છૂટેલા ગોપાલરાવનું ર૦૦પમાં નિધન થયું હતું. પ્રદીપ દળવી લિખિત અને વિનય આપ્ટેદિગ્દર્શિત મી નથુરામ ગોડસે બોલતોયનાટક મહારાષ્ટ્રમાં ખૂબ ગાજતું રહ્યું છે.

પ્રેમના મસીહા  સામે નફરત

મહાત્માને સંઘની પ્રાર્થનામાં પ્રાતઃસ્મરણીય ગણાવાયા છતાં આરએસએસની ગાંધીજી ભણીની દુર્ભાવના અનેકવાર સંઘ પરિવારનાં સંગઠનોમાં પ્રગટતી રહી છે. ૧૯૬પમાં દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સંઘસંલગ્ન નગરસેવકોએ એક ઠરાવમાં મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા ગણાવવા સામે વિરોધ નોંધાવ્યો હતો. ભાજપના વર્તમાન સાંસદ સાક્ષી મહારાજ મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેને દેશભક્તગણાવે છે, તો વિશ્વ હિંદુ પરિષદનાં સાધ્વી પ્રાચી આર્ય મહાત્માને રાષ્ટ્રપિતા ગણાવવા સામે ખુલ્લો વિરોધ કરે છે. સંઘ પરિવારમાંથી ક્યારેક માંગ ઊઠે છે કે મહાત્મા ગાંધીને બદલે સરદાર પટેલને રાષ્ટ્રપિતા જાહેર કરો. કારણ? સરદાર વર્તમાન ભારતના સાચા શિલ્પી હતા. માયાવતીની બહુજન સમાજ પાર્ટીની વૅબસાઈટ તો રાષ્ટ્રપિતા તરીકે ડૉ.ભીમરાવ આંબેડકરને જાહેર કરે છે. રાષ્ટ્રપિતા તરીકે ક્યારેક સ્વાતંત્ર્યવીર સાવરકર તો ક્યારેક નેતાજી સુભાષચંદ્ર બોઝને જાહેર કરવાની ઊઠતી માંગ પાછળ રીતસર મતનું રાજકારણ જોવા મળે છે. એકંદરે મહાત્મા ગાંધીની છબિને ધૂમિલ કરવાના ચોફેરથી પ્રયાસો થઈ રહ્યા હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૂકપ્રેક્ષક બનીને આવી નિરર્થક ચર્ચાને મોકળાશ બક્ષવાની જરૂર નથી. આવી પ્રવૃત્તિને રોકવા તેમણે દેશવાસીઓને ખરા અર્થમાં અપીલ કરવાની જરૂર છે. બંધારણે બક્ષેલા મૂળભૂત અધિકારોમાં વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય કોઈની બેછૂટ બદનામી કરવાનો અધિકાર બક્ષતું  નથી .

ઈ-મેઈલ: haridesai@gmail.com   (લખ્યા તારીખ: ૧૩ ડિસેમ્બર, ૨૦૨૧)

No comments:

Post a Comment