Sunday 5 December 2021

Governors involved in Politics

 

સત્તાકારણમાં અટવાતો રાજ્યપાલોનો જીવ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         અંગ્રેજ શાસનના ગવર્નર બની રહેવાની મહત્વાકાંક્ષા

·         રાષ્ટ્રપતિ - રાજ્યપાલના હોદ્દા શોભાના ગાંઠિયાસમા

·         કોંગ્રેસયુગની રાજભવનોની ભૂમિકા આજે ય અકબંધ

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”.05 December 2021.

છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ મુખ્યમંત્રી મમતા બેનરજી સામે ફૂંગરેલા જોવા મળે છે. કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકારે જ નિયુક્ત કરેલા અને જમ્મૂ-કાશ્મીરથી ગોવા અને હવે મેઘાલયના રાજ્યપાલ બનાવાયેલા સત્યપાલ મલિક અંગે એવી તે શી મજબૂરી છે કે છાસવારે એ કેન્દ્ર સરકાર જ નહીં, સંઘ પરિવાર સામે પણ વિસ્ફોટક નિવેદનો કરતા હોવા છતાં એમને સહી લેવામાં આવે છે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર મુખ્યમંત્રી અશોક ગહલોતની સરકાર સામે બળવો કરવાના મૂડમાં હતા એ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી  સચિન પાયલટ અને ભાજપના ઇલુ-ઇલુ વચ્ચે  વિધાનસભાનું સત્ર બોલાવવાની ગહલોતની માંગણી સ્વીકારતા નહોતા. કર્ણાટકના રાજ્યપાલ તરીકે વજુભાઈ વાળાએ ભાજપના નેતા બી.એસ.યેદીયુરપ્પાને સરકાર રચવા માટે તેડાવ્યા હતા. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને અજિતદાદા પવારને વહેલી સવારે શપથ લેવડાવનાર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી વિધાનપરિષદના ૧૨ સભ્યોની નિયુક્તિ માટે રજૂ કરાયેલી દરખાસ્તને મંજૂર કરતાં નથી. ઇશાન ભારતનાં રાજ્યોમાં ભાજપી કેન્દ્ર સરકાર થકી જ નિયુક્ત રાજ્યપાલ તથાગત રાય સંઘનિષ્ઠ ભાજપી નેતા રહ્યા હોવા છતાં પક્ષના જ નેતાઓને ખુલ્લેઆમ ઉઘાડા પડે છે. કોંગ્રેસના યુગમાં તો રાજ્યપાલોને કેન્દ્ર સરકારના મળતિયા ગણાવીને તેમની ટીકા કરવામાં આવતી હતી, પણ હવેના ભાજપી યુગમાં પણ કેન્દ્ર દ્વારા નિયુક્ત રાજ્યપાલોનાં વિવાદાસ્પદ વર્તન અને નિવેદનોને કેમ સહી લેવામાં આવે છે એ વિચારણીય મુદ્દો છે. સંસદીય લોકશાહીમાં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની ભૂમિકા સક્રિય સત્તાધીશ તરીકે નથી. બંધારણ તેમને પ્રધાનમંડળ થકી અપાતી સલાહ પ્રમાણે વર્તવાનું દર્શાવે છે, પણ રાજ્યમાં  વિપક્ષની સરકાર હોય કે રાજકીય અનિશ્ચિતતાનું વાતાવરણ હોય ત્યારે રાજ્યપાલ કેન્દ્ર સરકાર જે પક્ષની હોય એના ઈશારે એની અનુકૂળતા મુજબ વર્તે છે. અગાઉ કેન્દ્રમાં કોંગ્રેસની બોલબાલા હતી ત્યારે ઉત્તર પ્રદેશમાં રોમેશ ભંડારી કે બિહારમાં બુટા સિંહનાં વિવાદસર્જક પગલાં જાણીતાં હતાં. જોકે વર્તમાનમાં પણ આવી જ પરંપરા ક્યારેક અંગ્રેજોના શાસન દરમિયાન  એમના એજન્ટ તરીકે ગવર્નરો સત્તા સાથે  પ્રાંતોમાં શાસન કરતા હતા એવી અનુભૂતિ કરાવે છે.

મમતા બેનરજીનો પડકાર

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં આ વર્ષે તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજીને પરાસ્ત કરવાની લાખ કોશિશો છતાં એ સતત ત્રીજીવાર ભારે બહુમતી સાથે મુખ્યમંત્રી થયાં એટલું જ નહીં, રાજ્યપાલ ધનખડની ભૂમિકા સતત વિવાદાસ્પદ રહી છતાં આ બધું શક્ય બન્યું. હજુ ૩ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ પણ રાજ્યપાલ થકી જે નિવેદન કરવામાં આવ્યું એ રાજ્યના શાસક સામે રાજભવન તરફથી રાજકીય દખલગીરી કહી શકાય એવું સ્પષ્ટ છે. સામાન્ય પરંપરા એવી છે કે રાજ્યપાલની નિયુક્તિ પૂર્વે રાજ્યના મુખ્યમંત્રીને કેન્દ્ર સરકાર વિશ્વાસમાં લે અને જેની નિયુક્તિ થવાની હોય એ મુખ્યમંત્રી સાથે સુમેળથી કામ કરે એ અપેક્ષિત હોય છે. કેન્દ્રમાં વડાપ્રધાન અને ભાજપી નેતા અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને પશ્ચિમ બંગાળમાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના નેતા જ્યોતિ બસુની ડાબેરી મોરચા સરકાર હતી. એ વેળા ભાજપના નેતા અને ઉદ્યોગપતિ વીરેન શાહને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવાની દરખાસ્ત અંગે મુખ્યમંત્રીને વિશ્વાસમાં લેવાયા હતા. બસુ અને શાહ વચ્ચે સુમેળ રહ્યો હતો. આવી પરંપરા  ભાજપી નેતા જગદીપ ધનખડને રાજ્યપાલ નિયુક્ત કરવામાં જળવાઈ નહોતી. ઓછામાં પૂરું રાજ્યપાલ ધનખડ તો વિધાનસભાની ચૂંટણી ટાણે પણ મુખ્યમંત્રી વિરુદ્ધ પત્રકાર પરિષદો યોજતા રહ્યા છે એટલું જ નહીં, ઉત્તર બંગાળનો રાજકીય પ્રવાસ કરતા રહ્યા છે. વર્ષ ૧૯૭૭થી ૨૦૧૧ સુધી રાજ્યમાં ડાબેરી મોરચાનું શાસન રહ્યું. એને પરાજિત કરીને મમતાદીદીએ વર્ષ ૨૦૧૧, ૨૦૧૬ અને ૨૦૨૧માં સત્તારૂઢ થયા પછી હવે દેશભરમાં વિપક્ષોને સંગઠિત કરીને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પડકાર બની રહ્યાં છે. આવા તબક્કે  કેન્દ્ર નિયુક્ત રાજ્યપાલો વિવિધ રાજ્યોમાંની  વિપક્ષી સરકારોને અંકુશમાં રાખવા માટે રાજકીય નિવેદનો કરી રહ્યા છે. રાજ્યપાલ અને રાજભવનની ગરિમા જળવાય એ આવશ્યક છે. રાજ્યપાલ પત્રકાર પરિષદો ભરીને  મુખ્યમંત્રી સામે ઝેર ઓકે ત્યારે દેશના સંઘીય ઢાંચાને નુકસાન થાય છે. કોંગ્રેસના સુવર્ણકાળમાં આવું થયું એટલે હવેના ભાજપી સુવર્ણકાળમાં પણ કરવામાં આવી રહ્યું છે એ તર્ક બરાબર નથી. બંધારણમાં જોગવાઈ છે તે મુજબ સત્તા પક્ષ અને વિપક્ષ સામંજસ્યથી કામ કરે એ અપેક્ષિત છે. અટલજી કહેતા રહ્યા હતા તેમ  સરકારની કામગીરી પર નજર રાખીને પ્રજાના હિતમાં સત્તાધીશોને કહેવાની વિપક્ષની તો ફરજ છે. વિપક્ષ એ દુશ્મન નથી. કમનસીબે રાજ્યપાલો રાજકીય સત્તાસ્થાનોથી નિવૃત્ત થયા પછી પણ સત્તાકરણમાં રચ્યાપચ્યા રહે છે.  જોકે તેમણે કેન્દ્રના ગૃહમંત્રાલયની કઠપૂતળી બનીને જ નર્તન કરવાને બદલે ગરિમા જાળવીને બંધારણીય ફરજ નિભાવવાની જરૂર છે.

વિવાદાસ્પદ રાજ્યપાલોની ઝલક

ક્યારેક બંધારણના અનુચ્છેદ ૩૫૬ના દુરુપયોગ થકી વિપક્ષી સરકારોને બરખાસ્ત કરવાનાં વિવાદાસ્પદ પગલાં કોંગ્રેસ અને જનસંઘ-ભાજપના પૂર્વ અવતાર-ના સમાવેશવાળી ૧૯૭૭ની  જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર થકી પણ ભરવામાં આવ્યાં છે. વર્ષ ૧૯૫૭માં કેરળની વિશ્વની ચૂંટાયેલી સર્વપ્રથમ કમ્યૂનિસ્ટ સરકાર એટલેકે મુખ્યમંત્રી ઈ.એમ.એસ.નામ્બુદિરીપાદની સરકારને ૩૧ જુલાઈ ૧૯૫૯ના રોજ  કોંગ્રેસ અધ્યક્ષ ઇન્દિરા ગાંધીની ભલામણથી નેહરુ સરકારે બરખાસ્ત કરાઈ ત્યારથી લઈને ૧૯૯૪માં બોમ્માઈ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો ત્યાં લગી અનેક સરકારોને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન કે રાજ્યપાલનું શાસન (જમ્મૂ-કાશ્મીર) લાદવાના પ્રસંગ આવ્યા. સદનસીબે, સુપ્રીમ કોર્ટે બોમ્માઈ કેસમાં આપેલા ચુકાદા મુજબ ૩૫૬ હેઠળ પ્રતિકૂળ સરકારોનું શક્તિપરીક્ષણ વિધાનસભામાં જ કરવાનું અનિવાર્ય બન્યાને કારણે રાજ્યપાલોના અહેવાલોને આધારે વિપક્ષી સરકારોને બરખાસ્ત કરવાનું વલણ કંઇક અંશે  અંકુશમાં આવ્યું ખરું. જોકે રાજ્યપાલ થકી જે તે પક્ષની ગૃહમાં બહુમતી નહીં હોવા છતાં અપનેવાલોંને સરકારો રચવા માટે નિમંત્રણ આપવાની અને ૭૨ કલાક કે પાંચ દિવસની સરકારના વિક્રમો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સ્થપાતા રહ્યા છે. વર્ષ ૧૯૮૪થી રાજ્યપાલોની વિવાદાસ્પદ ભૂમિકા અંગેના કેટલાક કિસ્સા પર નજર કરવાની જરૂર ખરી. આંધ્રમાં કોંગ્રેસ નિયુક્ત રાજ્યપાલ રામલાલે  તેલુગુ દેશમ્ પાર્ટીના સુપ્રીમો અને મુખ્યમંત્રી એન.ટી.રામારાવ પોતાની શસ્ત્રક્રિયા માટે વિદેશ ગયા હતા ત્યારે તેમને સ્થાને અપનેવાલે એમ.ભાસ્કરરાવને નિયુક્ત કર્યા હતા. જોકે એ પછી રામારાવને મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા.એ જ વર્ષમાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના કૃપાપાત્ર સિક્કીમના રાજ્યપાલ હોમી તાલ્યારખાને મુખ્યમંત્રી નર બહાદુર ભંડારીને સરકારને બરખાસ્ત કરી હતી. જોકે એ પછી પણ ભંડારી ચૂંટણીમાં ફરીને બહુમતી મેળવીને મુખ્યમંત્રી થયા હતા.૧૯૮૮માં કર્ણાટકના રાજ્યપાલ પી.વેંકટસુબૈયાએ એસ.આર.બોમ્માઈની સરકારને બરખાસ્ત કરી અને એને તથા અન્ય કેટલાક ખટલામાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતાં ૧૯૯૪માં ચુકાદો આવ્યો હતો. ૧૯૯૬માં ગુજરાતમાં કૃષ્ણપાલ સિંહે શંકરસિંહના બળવાને પગલે સુરેશ મહેતા સરકારને બરખાસ્ત કરવા માટે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી ત્યારે કેન્દ્રમાં દેવેગૌડાની સરકાર હતી. જોકે સુરેશ મહેતાની સરકાર વિશ્વાસનો મત જીતી શકી હતી.આમ છતાં, જે ઘટનાક્રમ સર્જાયો એનાથી રાષ્ટ્રપતિ શાસન આવ્યું અને કોંગ્રેસના ટેકાથી શંકરસિંહ સરકાર બની હતી. ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ રોમેશ ભંડારીએ કલ્યાણસિંહ સરકારને બરખાસ્ત કરીને જગદમ્બિકા પાલને સરકાર બનાવવા નિમંત્ર્યા હતા. એ મામલે  કાનૂની વિવાદ થયો અને બહુમતી સાબિત કરનાર કલ્યાણસિંહ ફરી મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૬માં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કોંગ્રેસી નેતા હરીશ રાવતની ઉત્તરાખંડ સરકારને રાજ્યપાલ કુષ્ણ કાંત પોલ મારફત બરખાસ્ત કરાવીને રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું,  જોકે  અદાલતી કાર્યવાહીને પગલે એ પુનર્સ્થાપિત થઇ હતી. આ જ વર્ષે ઝારખંડમાં ચૂંટણી પછી ત્રિશંકુ વિધાનસભા થતાં રાજ્યપાલ સૈયદ સિબ્તે રાઝીએ શિબુ સોરેનને સરકાર બનાવવા નિમંત્ર્યા, પણ ભાજપના નેતૃત્વવાળા એનડીએ પાસે બહુમતી હોવાનું સ્પષ્ટ થતાં સોરેને વિધાનસભામાં વિશ્વાસમત  લીધા વિના જ રાજીનામું આપ્યું હતું. ગોવામાં ૨૦૧૭ની ચૂંટણી પછી ત્રિશંકુ વિધાનસભા બની.મોદી સરકાર નિયુક્ત રાજ્યપાલ મૃદુલા સિંહાએ ૪૦ સભ્યોની ધારાસભામાં માત્ર ૧૩ સભ્યો ધરાવતા ભાજપને સરકાર રચવા નિમંત્ર્યો અને પક્ષપલટાઓ થકી સરકારની બહુમતી સ્થાપિત થઇ. આવાં ઘણાં ઉદાહરણો છે. રાજ્યોના રાજ્યપાલોના પોતાના મૂળ પક્ષ પ્રત્યે વફાદારી દર્શાવવા માટે તેની સરકાર રચવા કે વિપક્ષી સરકારોને કનડવાના પ્રયાસો આદરતા જોવા મળે છે. જોકે આવું વલણ સંસદીય લોકશાહીને અનુરૂપ નહીં હોવા છતાં ચલણમાં છે.  

તિખારો

કહીં આઝાદી ફિર સે ના ખોએં...

માસૂમ બચ્ચોં,

બૂઢી ઔરતોં,

જવાન મર્દોં કી લાશો કે ઢેર પર ચઢકર

જો સત્તા કે સિંહાસન તક પહુંચના ચાહતે હૈં

ઉનસે મેરા એક સવાલ હૈ :

ક્યા મરને વાલોં કે સાથ

ઉનકા કોઈ રિશ્તા ન થા?

ન સહી ધર્મ કા નાતા,

ક્યા ધરતી કા સંબંધ નહીં થા?

પૃથ્વી માં ઔર હમ ઉસકે પુત્ર હૈં.

અથર્વવેદ કા યહ મંત્ર હૈ

ક્યા સિર્ફ જપને કે લિએ હૈ

જીને કે લિએ નહીં?

આગ મેં જલે બચ્ચે,

વાસના કી શિકાર ઔરતેં,

રાખ મેં બદલે ઘર

ન સભ્યતા કા પ્રમાણ પત્ર હૈ,

ન દેશભક્તિ કા તમગા,

વે યદિ ઘોષણા પત્ર હૈં તો પશુતા કા,

પ્રમાશ હૈ તો પતિતાવસ્થા કા,

 

ઐસે કપૂતો સે

માં કા નિપૂતી રહના હી અચ્છા થા,

નિર્દોષ રક્ત સે સની રાજગદ્દી,

સ્મશાન કી ધૂલ સે ગિરી હૈ,

સત્તા કી અનિયંત્રિત ભૂખ

રક્ત-પિપાસા સે બુરી હૈ.

પાંચ હજાર સાલ કી સંસ્કૃતિ:

ગર્વ કરેં યા રોએં?

સ્વાર્થ કી દૌડ મેં

કહીં આઝાદી ફિર સે ન ખોએં.

 

-          અટલ બિહારી વાજપેયી

 

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૪ ડિસેમ્બર, ૨૦૨૧)

No comments:

Post a Comment