Sunday 5 September 2021

Mahtma Gandhi and Bhagat Singh

 રાષ્ટ્રપિતા ગાંધીજીએ વાઇસરોયને મનાવી લીધા હતા, પરંતુ ICS અધિકારીઓની ખલનાયકીને લીધે ભગતસિંહને બચાવી ન શકાયા

ઈતિહાસ ગવાહ હૈ: ડૉ.હરિ દેસાઈ. દિવ્ય ભાસ્કર ડિજિટલ. રવિવાર, ૫ સપ્ટેમ્બર, ૨૦૨૧.વેબ લિંક: https://www.divyabhaskar.co.in/.../the-villain-of-ics...
• ફાંસી રોકવાનો સંદેશ લાહોર મોડો પહોંચ્યો
• નેતાજીએ મહાત્માના પ્રયાસોની સાક્ષી આપી
હમણાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની રાષ્ટ્રીય ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સંસ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા જે વ્યાખ્યાન શ્રેણી શરૂ કરાઈ એનું પ્રથમ વ્યાખ્યાન 23 ઓગસ્ટ 2021ના રોજ આપવાનું થયું. એક તેજસ્વી વિદ્યાર્થી કનેથી પ્રશ્ન આવ્યો: 'ગાંધીજીએ ભગતસિંહને બચાવવાની કોશિશ કેમ ન કરી?' આપણે ત્યાં વ્હોટ્સએપ યુનિવર્સિટીના અપપ્રચારનો મારો યુવા માનસ પર કેટલો છવાયેલો છે એ આ પ્રશ્નમાં પ્રતિબિંબિત થતો હતો. સદનસીબે એ વિદ્યાર્થીએ ઉત્સુકતા દાખવીને સત્ય અને તથ્ય જાણવા પ્રયાસ કર્યો. અનેકો સમક્ષ એની અસલી કહાણી રજૂ કરી શકાઈ. અહીં પણ એ વાત છેડવાની જરૂર જણાઈ કારણ કે આ બાબતે સૌથી વધુ ગેરસમજો પ્રસરાવવામાં આવી રહી છે. દેશના પત્રકારશિરોમણિ કુલદીપ નાયર થકી ગહન સંશોધન કરીને ભગતસિંહ અંગે જે તથ્યો પ્રકાશમાં આણવામાં આવ્યાં એ પ્રસ્તુત કરી નિરક્ષીર કરવાની જરૂર છે.
સત્ય-તથ્ય થકી જનજાગૃતિ
કુલદીપ અત્યારના પાકિસ્તાનના સિયાલકોટમાં જન્મ્યા અને શાળામાં ઉર્દૂ માધ્યમમાં ભણ્યા. એમણે પત્રકારત્વ પણ ઉર્દૂ અખબારથી જ શરૂ કર્યું હતું. પછીથી શિકાગોમાં જઈને એમણે પત્રકારત્વમાં તાલીમ લીધી. સમગ્ર દેશ તથા દુનિયામાં પત્રકારત્વમાં અને ખાસ કરીને અંગ્રેજી પત્રકારત્વમાં તેઓ છવાઈ ગયા. ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝ સર્વિસના સંપાદક હતા ત્યારે વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની 1975-77ની ઈમરજન્સી દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો. ભારત સરકારે તેમને લંડનમાં હાઇ કમિશનર નિયુક્ત કર્યા અને પછીથી રાજ્યસભામાં પણ તેમની નિયુક્તિ થઇ. પરંતુ પત્રકાર તરીકેની જનસામાન્યની આઝાદી માટેની ખેવના માટે તેઓ સતત સંઘર્ષ કરતા રહ્યા. આટલું જ નહીં, પોતાનાં લખાણો મારફત એમણે જનજાગૃતિનું કામ પણ કર્યું.
ફાંસી રોકવા અરવિનનો સંદેશ
ક્રાંતિવીર ભગતસિંહ પર કુલદીપે કરેલા સંશોધન કાર્ય આધારિત પુસ્તક ‘વિધાઉટ ફિયર: ધ લાઈફ એન્ડ ટ્રાયલ ઓફ ભગતસિંહ’માં તેમણે ભગતસિંહને બચાવવા માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં મહાત્મા ગાંધીનું જે ભવ્ય યોગદાન હતું એને પણ ઉપસાવવાની કોશિશ કરી હતી. એ વખતના વાઇસરોય લોર્ડ અરવિન ભગતસિંહ અને સાથીઓને ફાંસી ન અપાય તે માટે વચનબદ્ધ હતા. પરંતુ એ વેળાના ICS અધિકારીઓએ સામૂહિક રાજીનામાં આપવાની ધમકી આપી હતી. અરવિને તો ફાંસી રોકવાનો સંદેશ પાઠવ્યો હતો પણ અધિકારીઓએ વ્યવસ્થા એવી કરી હતી કે ફાંસી અપાયા બાદ જ એ સંદેશ લાહોર જેલ સત્તાવાળાઓને મળે. એટલે ગાંધીજી સમક્ષ વાઈસરોય ભગતસિંહ અને સાથીઓને ફાંસી નહીં આપવા વચનબદ્ધ હોવા છતાં અરવિન અને મહાત્માની ઇચ્છા વિરુદ્ધ ત્રિપુટીને ફાંસી અપાઈ હતી; એ વાત કુલદીપે લગભગ સૌપ્રથમ પ્રકાશમાં આણી હતી. સામાન્ય રીતે આજે મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુને ભાંડવાની એક પરંપરા ચાલે છે. આવા તબક્કે ભગતસિંહ અને મિત્રોની ફાંસી રોકવા માટે મહાત્મા ગાંધીએ ભરચક પ્રયાસો કર્યાની વાત કેન્દ્રના ગૃહ મંત્રાલયમાં પણ કામ કરી ચૂકેલા કુલદીપ દસ્તાવેજો સાથે રજૂ કરે ત્યારે તો માનવું રહ્યું. ત્રિપુટીની સામે શીશ નમે
ગાંધીજીને ભાંડનારાઓ અને એમના હત્યારા નથુરામ ગોડસેને નાયક તરીકે રજૂ કરનારાઓ અનેક બાબતોમાં મહાત્માને ભાંડે છે. ભારતના ભાગલાની બાબતમાં કે પછી મુસ્લિમોના તુષ્ટિકરણની બાબતમાં કે પછી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931ના રોજ લાહોરમાં ગુપચુપ ફાંસીએ ચઢાવાયા વિશે પણ દોષનો ટોપલો મહાત્મા ગાંધીને શિરે નાખવાની જાણે કે ફેશન ચાલે છે. ભગતસિંહ અને બે સાથીઓને ફાંસી અપાઈ ત્યારે પણ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત નેહરુ અને કોંગ્રેસના બીજા મિત્રો સામે ઘણો રોષ હતો. કરાંચીમાં 29-31 માર્ચ 1931 દરમિયાન સરદારના અધ્યક્ષસ્થાને કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું. યુવાવર્ગમાં ગુસ્સો એટલો બધો હતો કે ગાંધીજી તથા પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓનું સ્વાગત કાળાં ફૂલ આપીને કરવામાં આવ્યું હતું. જો કે, આ અધિવેશનમાં સરદારે જે શબ્દો કહ્યા હતા એ ખૂબ મહત્ત્વના હતા. વલ્લભભાઈએ ભગતસિંહ અને સાથીઓને ભવ્ય અંજલિ આપી હતી. સાથે જ તેમના હિંસાના માર્ગને તેમણે યોગ્ય લેખ્યો નહોતો. પરંતુ એટલું જરૂર કહ્યું હતું કે આ ત્રિપુટીને ફાંસી આપવામાં અંગ્રેજ સરકારે પોતાની હૃદયહીન દૃષ્ટિનાં દર્શન કરાવ્યાં એવું લાગે છે. એમની ત્રણેયની રાષ્ટ્રભક્તિ સામે અમારું શીશ નમે છે. સમગ્ર દેશ એવું ઈચ્છતો હતો કે ભગતસિંહ અને સાથીઓને ફાંસીની સજા આપવામાં ન આવે. મહાત્મા ગાંધીને લોર્ડ અરવિને વચન આપ્યું હતું છતાં આ ત્રિપુટીને ફાંસી આપવામાં આવી એ સંદર્ભમાં કુલદીપે જે સંશોધન કરીને વિગતો બહાર પાડી છે તે બહુ સ્પષ્ટપણે જણાવે છે કે વાઇસરોયે તો મહાત્મા ગાંધીના પ્રયાસને પગલે ફાંસી રોકવા માટેનો આદેશ પાઠવી દીધો હતો. પરંતુ તેની સામે ICS અધિકારીઓની સામૂહિક રાજીનામાની ધમકીને કારણે અરવિનનો આદેશ આ ત્રિપુટીને ફાંસી અપાય એના પછી જ લાહોરની જેલમાં પહોંચ્યો હતો. એ માટેની અંગ્રેજ અધિકારીઓની સાજિશ હતી.
ભગતસિંહને મહાત્મા માટે આદર
જો કે, ગાંધીજીએ ભગતસિંહ અને સાથીઓને બચાવવા માટે પ્રયત્ન કર્યા હતા એવું ખુદ સુભાષચંદ્ર બોઝે કરાંચી અધિવેશનમાં જણાવ્યું હતું. આટલું જ નહીં, કરાંચીના અધિવેશનમાં ઉપસ્થિત ભગતસિંહના પિતા કિશનસિંહે મંચ પર આવી કરેલા સંબોધનમાં પણ પોતાના પુત્રને ફાંસી અપાયા પછી પણ મહાત્મા ગાંધીના હાથ મજબૂત કરવા માટે જાહેર અપીલ કરી હતી. તેમણે જાહેર કર્યું હતું કે ભગતે કેપ્ટન (ગાંધી)ના હાથ મજબૂત કરવા કહ્યું હતું. ભગતસિંહ હિંસામાં માનનારા ક્રાંતિકારી હતા, જ્યારે તેમના પિતા અહિંસામાં માનનારા કોંગ્રેસી કાર્યકર હતા. તેમણે વાઇસરોય સમક્ષ કોઈપણ જાતની વિનવણી કરીને ભગતસિંહને બચાવવાના કોઈ પ્રયાસો કરવા નહીં એવું ભગતસિંહે જ એમને જણાવ્યું હતું. ક્રાંતિકારીએ તો મોતને આલિંગન આપવાનું હોય, દયાની અરજી (મર્સી પિટિશન) કરવાની જ ના હોય. આમ છતાં બાપે દયાની અરજી કરી અને હૃદયશૂન્ય અંગ્રેજ સરકારે એ અમાન્ય કરી હતી. પોતાના પુત્રને તેમણે ગુમાવ્યા છતાં એક ક્રાંતિકારી મોતને ભેટવા કેટલો તત્પર હતો એની વાત કિશનસિંહ કરે છે. 23 માર્ચ, 1931ના રોજ ભગતસિંહ અને સાથીઓને ગુપચુપ ફાંસી અપાઈ હતી. સમગ્ર દેશ એ વખતે અંગ્રેજ સરકારના આ કૃત્યથી ખિન્ન જણાતો હતો. લોકોમાં જે આક્રોશ હતો તે કોંગ્રેસના અધિવેશનમાં પણ જોવા મળ્યો હતો. હજી આજ સુધી આ ત્રિપુટીને ફાંસી અપાયાની બાબત ચર્ચામાં રહેવી સ્વાભાવિક છે. ભગતસિંહ ગાંધીમાર્ગના અનુયાયી થઈ શકે તેમ નહીં હોવા છતાં તેમને ગાંધીજી માટે પારાવાર આદર હતો. એ બાબત એમણે ઘણી વાર પ્રગટ પણ કરી છે. ભગતસિંહે જેલમાં લખેલાં ચાર પુસ્તકો શોધવાની કુલદીપ નાયરે ખૂબ કોશિશ કરી છતાં તેની હસ્તપ્રત મળી નથી. પરંતુ તેમણે એવો આશાવાદ જરૂર વ્યક્ત કર્યો છે કે કોઈક દિવસ ચારેય પુસ્તકોની હસ્તપ્રત ક્યાંકથી અવશ્ય મળી આવશે.
ભગતસિંહ સાવ નાસ્તિક હતા
સામાન્ય રીતે ભગતસિંહને હિંદુ, શીખ સહિતનાં તમામ સંગઠનો પોતીકા ગણાવવાની કોશિશ કરે છે. કેટલાક તો આર્યસમાજી પરિવારમાં જન્મેલા ભગતસિંહને હિંદુ અગ્રણી બતાવવાની પણ કોશિશ કરે છે. હકીકતમાં ભગતસિંહ ધર્મથી પર અને નાસ્તિક એવા ડાબેરી હતા. એટલે ઘણીવાર ઘણા લોકો ભગતસિંહ વિશે પોતપોતાને અનુકૂળ અર્થઘટનો કરવા માટે અને તેમને પોતીકા ગણાવવા માટેની કોશિશો કરતા રહે છે ત્યારે ભગતસિંહે પોતે લખેલું ‘હું નાસ્તિક કેમ છું?’ એ લખાણ વાંચી જવાની નવી પેઢી અને જૂની પેઢીને પણ જરૂર છે. આવું જ કંઇક ડાબેરી વિચારક અને ડાબેરી પક્ષના અગ્રણી ગણાય એવા સુભાષચંદ્ર બોઝ વિશે પણ કહી શકાય. નવાઈ એ વાતની છે કે 1938માં સુરત પાસેના હરિપુરામાં કોંગ્રેસના અધિવેશનની અધ્યક્ષતા કરનાર સુભાષચંદ્ર બોઝ બીજે વર્ષે ફરીને કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા, એ ગાંધીજી તથા સરદાર પટેલ સહિતનાને પસંદ નહોતું તેમ છતાં તેઓ ચૂંટાયા હતા એટલે તેમની કારોબારીએ રાજીનામાં આપ્યાં હતાં. છેવટે સુભાષે કોંગ્રેસનો ત્યાગ કર્યો હતો. તેમણે નવો ડાબેરી પક્ષ ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક પણ સ્થાપ્યો હતો. 1939માં કોંગ્રેસ છોડનાર સુભાષચંદ્ર બોઝે 1944માં રંગૂનથી જે રેડિયો પ્રસારણ કર્યું તેમાં તેમણે ગાંધીજીને સૌપ્રથમ ‘રાષ્ટ્રપિતા’ ગણાવ્યા હતા. આટલું જ નહીં, ગાંધીજીના આશીર્વાદ પણ માગ્યા. મહાત્મા માટે તેમને ખૂબ માન પણ હતું. ભલે તેમનો માર્ગ અનુસરવાની સ્થિતિમાં એ નહોતા. આઝાદી પછી ગાંધીજીની વાત એમના બંને પટ્ટશિષ્યો નેહરુ અને સરદાર માનતા નહોતા ત્યારે બાપુને પોતાનો 'બળવાખોર પુત્ર' (રેબેલ સન) સુભાષ યાદ આવતો હતો!
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)

No comments:

Post a Comment