Wednesday 4 August 2021

UNSC Chairmanship to India

 

સુરક્ષા પરિષદનું બે મહિના પૂરતું પણ ગૌરવવંતુ અધ્યક્ષપદ

અતીતથી આજ :  ડૉ.હરિ દેસાઈ

·         રાષ્ટ્રપતિ ઓબામા અને અન્ય દેશોના વડાઓની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધ્યક્ષતા કરી શકે

·         બ્રાઝિલ, જર્મની અને જાપાને તો ભારતના કાયમી સભ્યપદને ટેકો આપ્યા છતાં ચીને ફાચર મારી

·         અવળચંડા પાકિસ્તાનના વિશ્વમંચ પર ભારતને યુદ્ધખોર - આતંકવાદી ઠરાવવાના નિષ્ફળ પ્રયાસ

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Sardar Gurjari (Anand) and Gujarat Guardian(Surat).

સંયુક્ત રાષ્ટ્રના ન્યૂયોર્કસ્થિત મુખ્યાલયથી હમણાં સારા વાવડ આવ્યા કે સુરક્ષા પરિષદનું  બિન-સ્થાયી  સભ્ય એવું  ભારત ઓગસ્ટ ૨૦૨૧ અને ડિસેમ્બર ૨૦૨૨ માટે પરિષદનું અધ્યક્ષપદ સંભાળશે. ૧ ઓગસ્ટથી આ અધ્યક્ષપદ સંભાળી પણ લીધું. ૭૫ વર્ષના ભારતીય ઇતિહાસમાં આવું પહેલીવાર બની રહ્યું હોવાથી હરખ કરવાનું સ્વાભાવિક છે. છોગામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના વડા તરીકે આ સુરક્ષાપરિષદનું અધ્યક્ષપદ સંભાળશે. ભલે સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યો અને ભારત સહિતના ૧૦ બિન-સ્થાયી સભ્યોની વર્ચ્યુઅલ બેઠક મળે,પણ એનું મહાત્મ્ય ખરું. આમ પણ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી  સભ્યપદ માટેનો ભારતનો દાવો મજબૂત હોવા છતાં સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરને બદલીને ભારતને સભ્યપદ આપવામાં સ્થાયી સભ્ય ચીન ફાચર મારે છે. બીજિંગના ખીલે ઉછળકૂદ કરતું પાકિસ્તાન તો ભારતને સ્થાયી સભ્યપદ મળે એનો વિરોધ કરે એ સ્વાભાવિક છે, પણ એ તો બે ડગલાં આગળ વધીને ભારતને યુદ્ધખોર અને પાકિસ્તાનમાં આતંક ફેલાવનાર ગણાવવાની કોશિશ કરતાં સંયુક્ત રાષ્ટ્રમાં દિલ્હીને બદનામ કરવા માટે ઠરાવો પણ લાવે છે. એક જ વર્ષમાં ત્રણ-ત્રણ વાર ઇસ્લામાબાદે ચીન અને તુર્કીના ટેકે આવા ભારતવિરોધી  ઠરાવ લાવવાની કોશિશ કર્યા છતાં યુએસ, યુકે, ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમના ભારતતરફી વલણને કારણે એ હાથ ઘસાતું રહી ગયું હતું. વડાપ્રધાન મોદીની વિદેશનીતિની આ ઘણી મોટી ઉપલબ્ધિ ગણાય.

વડાપ્રધાન અધ્યક્ષપદે યોગ્ય

સામાન્ય રીતે સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યો અને અસ્થાયી સભ્યોનો વારો વર્ષમાં એકવાર અધ્યક્ષપદ માટે આવતો હોય છે. પરિષદની સત્તાવાર વેબસાઈટ  પર એની જાહેરાત પણ કરાય છે. દેશને આ  સભ્યપદ અને અધ્યક્ષપદ મળતું હોવાથી મહદઅંશે સંયુક્ત રાષ્ટ્રમાં જે તે દેશના  કાયમી પ્રતિનિધિ સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરે છે. જોકે મહત્વના વૈશ્વિક મુદ્દા હોય ત્યારે  કોઈ દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન એની અધ્યક્ષતા કરે છે. અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા કે ઉપરાષ્ટ્રપતિ અલ ગોરે પરિષદનું અધ્યાક્ષપદ સંભાળ્યું છે. વડાપ્રધાન મોદી આ વખતે અને આગામી ડિસેમ્બર ૨૦૨૨માં પણ એનું અધ્યક્ષપદ સંભાળે તો એ યોગ્ય જ લેખાશે. અગાઉ જયારે પી.વી. નરસિંહરાવ વડાપ્રધાન હતા ત્યારે એમણે સુરક્ષા પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.  યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ.તિરુમૂર્તિ છે. અગાઉ સૈયદ અકબરુદ્દીન આ હોદ્દે હતા. તેઓ નિવૃત્ત છે પણ તેમણે વડાપ્રધાન મોદી સુરક્ષા પરિષદની આ મહિને યોજાનારી બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે એવું જાહેર કર્યું હતું.  ગત જાન્યુઆરીથી ભારત બે વર્ષ માટે પરિષદના સભ્યપદે ચૂંટાયું છે. વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ દરમિયાન ભારત વિશ્વની આ મહત્વની પરિષદના સભ્યપદે રહેશે. ભારત આઠમી વખત આ હોદ્દે ચૂંટાઈ આવ્યું છે. પાકિસ્તાન પણ અગાઉ સાત વાર આ પદ મેળવી ચૂક્યું છે.   

સ્થાયી સભ્યપદનો વિવાદ

ભારતને મળેલા અધ્યક્ષપદવાળી પરિષદની બેઠક વર્ચ્યુઅલ થવાની હોવા છતાં વડાપ્રધાન અને એમની સાથે વિદેશમંત્રી જયશંકર  તેમ જ  ભારતના કાયમી પ્રતિનિધિ પણ જોડાશે.અગાઉ વર્ષોથી ભારત સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યપદ માટે દાવો કરતું રહ્યું છે. એ વિશે પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુ  પર ખૂબ માછલાં પણ ધોવાતાં રહ્યાં છે. હકીકતમાં ચીનને બદલે ભારતને સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ આપવા બાબત અમેરિકા કે અન્ય તરફથી કોઈ ગંભીર ઓફર નહીં હોવાનું પંડિત નેહરુએ સંસદમાં પણ સ્પષ્ટ કર્યું હતું . એની પાછળની ભૂમિકા પણ રજૂ કરી હતી. જોકે દાયકાઓ પૂર્વેની ઘટનાઓને લઈને વર્તમાન રાજકારણ ચમકાવવાના પ્રયાસોના ભાગરૂપે એ વિવાદ ચાલતો રહ્યા છતાં આજ દિવસ સુધી ભારતને સ્થાયી સભ્યપદ મળ્યું નથી એ હકીકત છે. સંયુક્ત રાષ્ટ્રની નેશનલ અસેમ્બ્લીના અધ્યક્ષપદે પંડિત નેહરુનાં બહેન વિજયાલક્ષ્મી પંડિત જરૂર હતાં. વર્ષ ૨૦૧૫થી વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ ભારતને મળે એ માટે જાગતિક સ્તરે ઝુંબેશ આદરી ખરી, પણ એમાં આ સુરક્ષા પરિષદનું છેક ૧૯૪૫થી સ્થાયી સભ્ય રહેલું ચીન આડું ફાટતું રહ્યું છે. પાકિસ્તાન અને એના આતંકી જૂથોને ટેકાની બાબતને પણ ચીનનું સમર્થન મળતું રહ્યું છે. ભારતના સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદના દાવાને  બ્રાઝિલ, જર્મની અને જાપાને પણ સમર્થન આપ્યું એ મોદીની વૈશ્વિક રાજદ્વારી નીતિની સફળતા હતી, પરંતુ એની વિરુદ્ધમાં ચીન અને તુર્કી જ નહીં, એમનું ઓશિયાળું પાકિસ્તાન પણ જોડાયું. પરિષદમાં કુલ ૧૫ સભ્યો હોય છે. એમાંથી પાંચ સ્થાયી સભ્યોમાં યુએસ, યુ.કે., રશિયા, ફ્રાન્સ અને ચીન રહ્યાં છે. આ પાંચ સભ્યમાંથી કોઈપણ એક વિરોધ કરે તો કોઈ ઠરાવ પસાર થઇ ના શકે. એને વીટો કહેવાય છે. ભૂતકાળમાં અને ખાસ કરીને બાંગલાદેશ યુદ્ધ વખતે સોવિયેત રશિયા ભારતના સમર્થનમાં  વીટો વાપરતું રહ્યું છે. હવે ચીન એ જ રીતે પાકિસ્તાનના સમર્થનમાં વીટો વાપરતું થયું છે. ભારત અમેરિકા ભણી ઢળવા માંડ્યું હોવાથી ચીન અને રશિયાની ધરીને તકલીફ થવી સ્વાભાવિક છે. જોકે વિશ્વના પ્રવાહોમાં પ્રત્યેક દેશ સ્વનાં હિત જ જોવાનું પસંદ કરે છે.

કાશ્મીર-જૂનાગઢ હજુ પરિષદમાં

કાગડો કોયલને ઠગે એમ ચીનના ખૂંટે કૂદતું પાકિસ્તાન પોતાની આતંકી જૂથો અને વ્યક્તિઓને ટેકો આપવાની નીતિ છતાં ભારતને આતંકી દેશ ગણાવવા પ્રયત્નશીલ રહે છે. ભારત સામે યુદ્ધના અટકચાળા કરનાર પાકિસ્તાન ઉલટાનું ભારતને યુદ્ધખોર લેખાવે છે. દાયકાઓથી કાશ્મીર અને જૂનાગઢનું કોકડું સુરક્ષા પરિષદમાં વિચારાધીન પડ્યું છે. બે મહિના માટે પરિષદનું અધ્યક્ષપદ મળે કે બે વર્ષ માટે અસ્થાયી સભ્યપદ મળે એટલે આ કોકડું ઉકેલાઈ જાય એવી અપેક્ષા કરવી પણ વધુ પડતી છે. જોકે ભારતનું વર્ચસ્વ વિશ્વ મંચ પર વધ્યું છે એ બાબતમાં કોઈ ના પાડી શકે તેમ નથી. વડાપ્રધાન મોદી અને એમના તમામ પુરોગામીઓના પ્રતાપે ભારતને કોઈ અવગણી શકવાની સ્થિતિમાં નથી. ઉપરાંત, જો ભારતને સ્થાયી સભ્ય બનાવવા માટે ચાર્ટરમાં સુધારો કરવામાં આવે તો મોદી નીતિ અત્યંત સફળ ગણાશે. ભારત ઉપરાંત બીજા મહત્વના દેશોને પણ સુરક્ષા પરિષદનું સભ્યપદ મળે અને ચીનના વધતા જતા પ્રભાવ સામે સબળ વિરોધના સંજોગો સર્જાય તો મોટાભાગના યુએન સભ્યો રાજી થશે. ભારત આ દિશામાં આગળ વધી રહ્યું છે એને બીરદાવવું પડે. સાથે જ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ઉતાવળિયાં પગલાં લેવાથી બચવું જોઈએ એ પણ જરૂરી છે. ભારતમાં વિદેશનીતિ બાબત સર્વપક્ષીસંમતિ સધાય એ ભારતના હિતમાં ગણાશે. વડાપ્રધાન મોદી આ દિશામાં આગળ વધવાનો સંકલ્પ કરીને જ પાંચ ની નીતિ અનુસરતા જણાય છે. એમણે સન્માન, સંવાદ,સહયોગ,શાંતિ અને સમૃદ્ધિ માટેની વૈશ્વિક હાકલ કરી છે એ સફળ થાય એ જ અભ્યર્થના.

 

ઈ-મેઈલ: haridesai@gmail.com    (લખ્યા તારીખ: ૨ ઓગસ્ટ ૨૦૨૧)

No comments:

Post a Comment