Sunday 29 August 2021

Political Masters and Bureaucrats

                                         રાજકીય શાસકો અને નોકરશાહો

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ

·         સરદાર પટેલની કલ્પનાનું શીર્ષાસન

·         સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના

·         અધિકારીઓનો રાજકારણમાં ધસારો

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”. 29 August 2021.

હમણાં સુપ્રીમ કોર્ટે સરકારી અધિકારીઓ અને રાજકીય શાસકો સાથેના મેળાપીપણા અંગે કરેલા નિર્દેશો છતાં વધુને વધુ નોકરશાહો રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે. સત્તાધીશો સાથેના જોડાણ અને એમને વહાલા થઈને નિવૃત્તિ પછી સરકારી હોદ્દા કે રાજકીય હોદ્દાની લાહ્યમાં માત્ર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ જ નહીં, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોથી લઈને  ભારતીય લશ્કરના નિવૃત્ત વડાઓ સુધીના અધિકારીઓ પણ એક યા બીજા પક્ષ સાથે જોડાવાનું પસંદ કરતા રહ્યા છે. આવા મેળાપીપણામાં વ્યક્તિ અને હોદ્દાની ગરિમા રહેતી નથી, પણ જે તે પક્ષને અનુકૂળ કામકાજ પોતે સરકારી સેવામાં હોય ત્યારે કરતા રહ્યાના સંકેતો તમામ તબક્કે મળે છે. હમણાં ગુજરાત ભાજપના પ્રદેશપ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલે પક્ષના કાર્યકરો અને નેતાઓને સરકારી અધિકારીઓ સાથે ઘરોબો નહીં રાખવાનું જાહેરસભામાં કહ્યું એના પછી એ વિશે ઘણા તર્કવિતર્ક શરૂ થઇ ગયા. હકીકતમાં ભારતીય સનદી સેવાના સંસ્થાપક સરદાર વલ્લભભાઈ પટેલે જયારે દેશની આઝાદી વખતે આ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો ત્યારે રાષ્ટ્રીય પ્રશાસનિક સેવાના અધિકારીઓ વિશે ઘણી અપેક્ષા કરી હતી. આજે ઉલટી ગંગા વહેવા માંડી હોવાનું જણાય છે.

સરદારનો આત્મા વ્યથિત

સરકારી અધિકારીઓ કાયમી નોકરશાહીનો ભાગ રહે અને કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયા વિના દેશનાં હિતોના ખરા અર્થમાં કસ્ટોડિયન બની રહે એ આદર્શ હવે લુપ્ત થવા માંડ્યો છે. હજુ ભારતીય પ્રજાનો વિશ્વાસ સુપ્રીમ કોર્ટમાં અને બિનરાજકીય લશ્કરી દળોમાં ટક્યો છે. જોકે આઝાદી પૂર્વે જે આઇસીએસ અને આઈપી અધિકારીઓ હતા તે બ્રિટિશ સરકારને વફાદાર હતા અને એની ભારતનાશોષણ માટેની નીતિને સમર્થન આપનારા હતા. આઝાદી પછી સરદાર પટેલે જે રાષ્ટ્રીય પ્રશાસનિક સેવા સ્થાપી એ રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રના નિર્માણ માટે અને રાષ્ટ્રનાં હિતોની જાળવણી માટે જ હતી. એમને બંધારણીય સુરક્ષા કવચ પૂરું પાડીને અમુક વિશેષાધિકારો બક્ષ્યવાનું પસંદ કરાયું પણ એ ધોળિયા અધિકારીઓની જગ્યાએ બ્રાઉન સાહિબ બનીને રહે એ અપેક્ષા નહોતી. સાથે જ એ રાજકીય શાસકોના તમામ આદેશોનું  આંધળું અનુસરણ કરે તેવી પણ સરદારને અપેક્ષા નહોતી. બંધારણ સભામાં અને મેટકાફે હાઉસમાં એમણે આ વિશે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં પોતાના સ્વપ્નના સનદી સેવકો અંગે વાત કરી હતી. આજના સનદી સેવકોના રાજકીયકરણ થકી તો સરદાર પટેલનો આત્મા કણસતો હશે. સનદી અધિકારીઓ બંધારણ અને કાયદાના શાસનને અનુસરવાને બદલે રાજકીય શાસકોને વહાલા થઈને અંગત લાભ ખાટવા અને ખટાવવા માટે સક્રિય જોવા મળે ત્યારે એમના રાજકીય પક્ષો સાથેનાં  જોડાણ તેમના સરકારી સેવાના સમયગાળામાં જ સ્પષ્ટ થઇ જાય છે.

ગરિમાલોપ અને નિવૃત્તિલાભ

કોઈ ભારતીય અધિકારીને “સાહેબ” કહેવાની જરૂર નથી એવું જ કંઈક રાજનેતાઓને પણ “સાહેબ” કહેવાની જરૂર નથી. જોકે રાજાશાહી વખતથી અને અંગ્રેજોની ગુલામીના દિવસોની પરંપરા હજુ એવી ચીટકી રહી છે. સામાન્ય પ્રજામાં જ નહીં, ભણેલાગણેલાઓમાં  આ બાબત હજુ આઝાદીનાં આટલાં વર્ષે પણ સાહેબગીરી અને બિચારા બાપડાની અવસ્થા ટકી છે. અમુક પક્ષનું શાસન લાંબો વખત ચાલે ત્યારે એની વફાદારી કેળવીને રાજકીય હોદ્દા ભોગવવાની લાલસા સમાજના તમામ વર્ગના અધિકારીઓમાં હોવી સ્વાભાવિક છે. એ પછી સત્તાપલટો થાય ત્યારે સંબંધિત પક્ષ સાથે મધુર સંબંધ ધરાવનારા અધિકારીઓના માથે સંકટ આવે એ સ્વાભાવિક છે. છત્તીસગઢમાં ભાજપ શાસનમાં મહત્વના હોદ્દા અને સત્તાધીશો સાથે ઘરોબો ધરાવનારા આઇપીએસ અધિકારી ગુરજિંદર સિંહનો મામલો હમણાં સુપ્રીમ કોર્ટમાં આવ્યો. સુપ્રીમે આ અધિકારીની ધરપકડ કરવા સામે ચારેક સપ્તાહ માટે મનાઈહુકમ તો આપ્યો, પણ સાથે જ એમના વિશે પણ ટિપ્પણો કરી. રાજકીય સત્તાપલટા થતાં ઘણાબધા અધિકારીઓની અવસ્થા ભૂંડી થતી હોય છે. રાજકીય શાસકો બદલાતાં અગાઉના શાસકોના મળતિયા અધિકારીઓને કનડવાના કે સજારૂપ સ્થાને મોકલવાના બનાવો બનતા રહે છે.  પ્રામાણિક અને કાયદાના અમલના આગ્રહી અધિકારીઓને રાજકીય શાસકો કનડે એવું પણ બને છે. જયારે અધિકારીઓ પોતાની ગરિમા જાળવે  નહીં અને રાજકીય સત્તાધીશોના હજૂરિયા થઈને વર્તે ત્યારે એમને માટે ક્યારેક ભૂંડા દિવસો આવે એવું પણ બને. લશ્કરી વડા બનવા માટે સૌથી વરિષ્ઠ અને લાયક લેફ્ટ. જનરલ એસ.કે. સિંહાએ તેમને વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ વડા નહીં બનાવ્યા ત્યારે  લશ્કરી સેવામાંથી રાજીનામું આપીને પોતાની ગરિમા જાળવી હતી. ક્યારેક ઈમરજન્સીમાં સંજય ગાંધીના ખાસંખાસ મનાતા દિલ્હીના લેફ્ટ.ગવર્નર જગમોહન ભાજપમાં જોડાઈને કેન્દ્રના મંત્રી બન્યા હતા. અનેક મુખ્ય ન્યાયાધીશો રાજ્યસભાના સભ્ય કે રાજ્યપાલ બન્યા હતા. લશ્કરના વડા રહ્યા પછી ધારાસભામાં કે લોકસભામાં જવા માટે એકથી વધુ વ્યક્તિઓ રાજકીય પક્ષો સાથે પોતાને જોડતી રહી છે. દેશના બે કે વધુ મુખ્ય ચૂંટણી કમિશનરો રાજકીય પક્ષોમાં જોડાઈને અગાઉના બંધારણીય હોદ્દાની ગરિમાનો લોપ થાય એવું વર્તન કરતા રહ્યા છે.

લાલુના બૂટની દોરી

અત્યારે જેલમાંથી છૂટેલા અને વર્ષો સુધી બિહારના મુખ્યમંત્રી રહેલા તેમ જ કેન્દ્રમાં પણ મંત્રી રહેલા લાલુ પ્રસાદ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમના રાજ્યના જ લેફ્ટ. જનરલ એસ.કે. સિંહાએ અમોને મુંબઈમાં તેમના વિશે કહેલી એક બાબતનું સ્મરણ થઇ આવે છે. સિંહાએ હિંદુસ્તાની આંદોલનવાળા મધુ મહેતાના ઘરે અનેક પત્રકારોની ઉપસ્થિતિમાં કહ્યું હતું કે આઈએએસ અધિકારી લાલુની સિગારેટ સળગાવી આપે કે આઇપીએસ અધિકારી આ જ લાલુ પ્રસાદના બૂટની દોરી બાંધી આપે ત્યારે એમની કનેથી પ્રજાને તટસ્થ ન્યાય તોળતા નિર્ણયો થવાની અપેક્ષા કઈ રીતે કરી શકાય?  સિંહાએ તેમને લશ્કરી વડા નહીં બનાવાતાં લશ્કરમાંથી રાજીનામું આપ્યું હતું.જોકે આસામ અને જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ તરીકેની એમની કામગીરી બિરદાવવા યોગ્ય રહી હતી. મુંબઈના પોલીસ કમિશનર રહેલા સ્વમાની અને નીડર આઇપીએસ અધિકારી જુલિયો રિબેરો આજે ૯૦ વર્ષની વય વટાવી ગયા છતાં અધિકારીઓના સ્વમાન કાજે કોઈની પણ સાથે બાખડવાનું પસંદ કરે છે. એ ગુજરાત અને પંજાબના પણ પોલીસ વડા રહ્યા. આતંકવાદ સામે લડતા રહ્યા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ૧૯૮૦માં અબ્દુલ રહેમાન અંતુલે આરૂઢ થયા ત્યારે મુંબઈના પોલીસ કમિશનર એમ.એસ. કસ્બેકર અને અધિકપોલીસ કમિશનર જુલિયો  રિબેરોને હોદ્દેથી દૂર કરવામાં આવ્યા હતા. સમાજવાદી નેતા અને પાણીવાલી બાઈના નામે જાણીતાં મૃણાલ ગોરેએ અંતુલેને વરખડનાકા પર કસ્બેકરે તમાચો ઝીંક્યો હોવાની વાત કરી હતી. રાજકીય શાસકોને અનુકૂળ અધિકારીઓ જ ખપે છે. સુપ્રીમ કોર્ટ ભલે કહે કે રાજકીય શાસકોનાં મૌખિક આદેશો માનવા નહીં, પણ ઘણા બધા અધિકારીઓ એવા ગેરકાનૂની મૌખિક આદેશો પાળવા થનગનતા હોય છે. એ નિવૃત્તિ પછી કે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને પણ રાજકીય પક્ષોમાં જોડાઈને ધારાસભ્ય, સાંસદ કે મંત્રી બનવાનું પસંદ કરતા હોય છે. જોકે આવા રાજકીય નોકરશાહોના યુગમાં પણ ઘણાબધા પ્રામાણિક અને રાષ્ટ્ર તેમ જ બંધારણ ભણી નિષ્ઠા ધરાવતા અધિકારીઓ હોય છે એટલે દેશ હજુ ટકી રહ્યો છે. આવા નિષ્ઠાવંત અધિકારીઓએ સહન કરવાનું આવે તો પણ એમની કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્રનિષ્ઠાને સલામ.

તિખારો

યે તાજમહલ, યે તાજમહલ,

યમુના કી રોતી ધાર વિકલ,

કલ-કલ  ચલ ચલ,

જબ હિંદુસ્તાન રોયા સકલ,

તબ બન પાયા  તાજમહલ.

-     અટલ બિહારી વાજપેયી

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૮ ઓગસ્ટ ૨૦૨૧)

 

No comments:

Post a Comment