Sunday 13 June 2021

West Bengal: Reverse Trend

 

પશ્ચિમ બંગાળમાં ઉલટી ગંગા

કારણ-રાજકારણ : ડૉ.હરિ  દેસાઈ

·         મુકુલ રોયની ઘરવાપસીથી ભાજપ ભીંસમાં

·         મમતાની રાષ્ટ્રીય મંચ પર એન્ટ્રીની તૈયારી

·         ઉધારીના નેતાઓ થકી ‘મીરઝાફર’ની ઉપાધિ

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”.13 June 2021.Web Link: https://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=692621

હવે રાષ્ટ્રીય રાજકારણનું કેન્દ્ર બિંદુ જાણે કે પશ્ચિમ બંગાળ બની રહ્યું છે. આવતા દિવસોમાં પ્રથમ બંગાળી વડાપ્રધાન માટેની તૈયારી થઇ રહ્યાના ભણકારા પણ કોલકાતાથી વાગી રહ્યા છે. વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીનો પડકાર મોટો છે: વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વડાંપ્રધાન થવા ઈચ્છુક વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનરજી કેટલું કાઠું કાઢી શકશે એના દાવપેચ પર દેશની જ નહીં; દુનિયાની પણ નજર રહેશે. મમતાએ સાત કોઠા વીંધવાના હોય ત્યારે પહેલા બે કોઠા એ વીંધી ચૂક્યાં છે, વિધાનસભા ચૂંટણીમાં  ભવ્ય વિજય મેળવ્યો અને ૨૦૧૭માં પક્ષ સાથે  ગદ્દારી કરી ભાજપને વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ૪૨માંથી ૧૮ બેઠકો અપાવવામાં સિંહફાળો આપનાર ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયની ઘરવાપસી થઇ છે. હજુ ઘણા ભાજપી નેતાઓ ઘરવાપસી માટે દીદી સમક્ષ માફીનામાં પેશ કરી રહ્યા છે. ભાજપે તૃણમૂલના “મીરઝાફર” શુભેંદુ અધિકારીના ટેકે વિધાનસભામાં પક્ષના  ૭૫ જેટલા ધારાસભ્યોને “ઘરવાપસી” કરતાં વારવાના છે. મમતાએ પોતાના ભત્રીજાને પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી નિયુક્ત કરીને પોતાના અનુગામી તરીકેના સંકેત આપવાની સાથે જ રાષ્ટ્રીયસ્તરે વિપક્ષી જોડાણ માટે મુકુલ રોયની સાથે મળીને કામે વળવાના સંકેત પણ આપ્યા છે.  જોકે મમતા માટે હજુ દિલ્હી દૂર છે. આગળ વિજય પતાકા લહેરાવવા માટે એમણે વિપક્ષી એકતા સાથે જ પોતાને એના નેતાપદે સ્થાપિત કરીને આગળ વધવાનું છે. પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી ભારે રસાકસીભરી રહી. વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૬ કરતાં પણ વધુ કાઠું કાઢીને તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો ઉપસ્યાં. ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યાં. પોતાના પક્ષના જ સાથીઓ ગદ્દાર બનીને સામેની છાવણીએ જઈ લડ્યા. નેવાંનાં પાણી મોભે ચડાવવા જેવા સંજોગોમાં પણ મમતાદીદીએ વિજયપતાકા  લહેરાવી. તમિલનાડુ અને કેરળમાં પણ કેન્દ્રીય મોરચાની જાન લીલા તોરણે પાછી વળવાના સંજોગોએ વિપક્ષોમાં આત્મવિશ્વાસનો નવસંચાર કર્યો. ભાજપની નેતાગીરી કોંગ્રેસના અસંતુષ્ઠોને દાણા નાંખે છે અને પોતાના કરવામાં આગેકૂચ કરી રહી છે ત્યારે ભાજપમાં ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં કકળાટ બહાર આવી રહ્યો છે. મિત્રપક્ષો સાથેની સરકારવાળાં રાજ્યોમાં પણ તિરાડો પડવાનાં એંધાણ છે. આવા સંજોગોમાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓમાં આસમાની સુલતાની થાય  અને એની અસર  લોકસભા ચૂંટણી પર પડે એવી શક્યતાઓ આકાર લઇ રહી છે.  

કાબે અર્જુન લૂટિયો

મમતા બેનરજી સાથે ક્યારેક કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસ સ્થાપવામાં “નંબર ટુ” સાથી રહેલા મુકુલ રોય તૃણમૂલના શુભેંદુ અધિકારી સહિતના નેતાઓની જેમ જ નારદ કૌભાંડમાં આરોપી હોવાથી ભાજપ થકી તેમને ડર બતાવીને અને  બચાવી લેવાની લાલચ આપીને ભાજપમાં જોડાવા પ્રેર્યા હતા. તૃણમૂલના ૧૦૦ ધારાસભ્યો ભાજપમાં જોડાશે, એવો આલાપ તેમણે જ આરંભ્યો  હતો. તૃણમૂલમાંથી ઘણા બધા ભાજપમાં જોડાયા. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં રોયની ભૂમિકા મહત્વની રહી, પણ વિધાનસભાની ચૂંટણીમાં તેમણે મુખ્યમંત્રી મમતા બેનરજી પર વ્યક્તિગત હુમલા કરવાનું ટાળવા અને બહારના નેતાઓને ચૂંટણી પ્રચારમાં નહીં તેડાવવાનું પક્ષને સૂચવ્યા છતાં તેમની સલાહ અવગણવામાં આવી. તેમને બદલે તૃણમૂલમાંથી જ મોડેથી આવેલા  શુભેંદુ અધિકારીને વધુ મહત્વ અપાયું. પોતે વિધાનસભાની આ ચૂંટણીમાં ૩૫,૦૦૦ મતની સરસાઈથી વિજયી બન્યા છતાં મુકુલદાને વિધાનસભામાં વિપક્ષના નેતા પણ બનાવવામાં ના આવ્યા. શુભેન્દુને વિપક્ષી નેતા બનાવાયા એટલે એમની નારાજગી વધી. ૬૭ વર્ષના પૂર્વ કેન્દ્રીય મંત્રી રોયનાં પત્ની હોસ્પિટલમાં હોવા છતાં ભાજપના નેતાઓએ ખબર પૂછવા જેટલો વિવેક પણ ના દાખવ્યો. આનાથી વિપરીત મમતાના ભત્રીજા અભિષેક બેનરજી શ્રીમતી રોયના ખબરઅંતર પૂછવા ગયા. એમને મા સમાન ગણાવ્યાં. પોતે પણ બીમાર હોવા છતાં પક્ષ માટે મહત્વની કામગીરી કરનાર મુકુલ રોય ભાજપમાં “ગૂંગળામણ” અનુભવી રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ પાછળથી એમને મનાવવાની ઘણી કોશિશ કરી, પણ એમણે અને એમના પૂર્વ ધારાસભ્ય પુત્ર શુભ્રાંશુએ  ફરીને શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાનું પસંદ કર્યું. મમતાએ એમની નાદુરસ્ત તબિયતની પણ વાત કરી. જૂના સાથીને ભાજપમાં જોડાયેલા  દિનેશ ત્રિવેદીની ખાલી પડેલી બેઠક પર રાજ્યસભામાં મોકલવામાં આવે અને રાષ્ટ્રીય રાજનીતિમાં અભિષેકને સાથ આપે એવી શક્યતા છે. મુકુલ રોયને કારણે તૃણમૂલમાંથી ભાજપમાં જોડાયેલા ઘણા નેતાઓની ઘરવાપસી થશે. આગામી ૨ જુલાઈએ વિધાનસભાનું સત્ર મળે ત્યારે ભાજપના ૧૦થી ૧૫ ધારાસભ્યો તૃણમૂલમાં જોડાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. એ પછી મમતા વધુ ધારાસભ્યોને પોતાની સાથે જોડે એવો પ્રવાહ ચાલુ રહેશે. વર્ષ ૨૦૧૧માં કોંગ્રેસના ધારાસભ્ય રહેલા હિંદુ દલિત સમાજના  સૌમિત્ર ખા (અંગ્રેજીમાં ખાન) ૨૦૧૩માં મુકુલ રોયને લીધે જ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા અને ૨૦૧૪માં તૃણમૂલના લોકસભાના સભ્ય થયા હતા. વર્ષ ૨૦૧૯માં રોય જ તેમને ભાજપમાં લાવ્યા અને ભાજપના લોકસભા સભ્ય ચૂંટાયા. અત્યારે સાંસદ અને પશ્ચિમ બંગાળ યુવા ભાજપના અધ્યક્ષ સૌમિત્ર ખા હવે મુકુલ રોયને “મીરઝાફર” ગણાવે છે, એ પણ આશ્ચર્ય ઉપજાવે છે. રાજકારણમાં કશું અશક્ય નથી. બંગાળના નવાબ સિરાજુદૌલાના સેનાપતિ મીરઝાફરે ઈ.સ. ૧૭૫૭માં રોબર્ટ ક્લાઈવના ઈશારે પોતાના નવાબ સાથે ગદ્દારી કરીને અંગ્રેજોના કઠપૂળી નવાબ બનવાનું સ્વીકાર્યું હતું. દેશના ગદ્દારો માટે મીરઝાફર શબ્દ વપરાય છે. મમતા પોતાના પક્ષ સાથે ગદ્દારી કરનારાઓને પાઠ ભણાવવાના મૂડમાં છે.  વિપક્ષના નેતા શુભેંદુને ભીંસમાં લેવા માટેના ખટલા દાખલ કરવાનું પણ પસંદ કર્યું છે. મુખ્યસચિવમાંથી મુખ્ય સલાહકાર બનેલા અલપન બંદોપાધ્યાય સામે કેન્દ્ર સરકાર કોઈ કાર્યવાહી કરે તો મમતા સરકાર એને પડખે રહેવાની હોવાનું પણ જાહેર થઇ ચૂક્યું છે.  ભાજપની વિપક્ષને ફોડવાની નીતિ સામે મમતાએ પણ એ જ ખેલ આદર્યો છે. “કાબે અર્જુન લૂટિયો, વહી ધનુષ્ય વહી બાણ” જેવો ખેલ થઇ રહ્યો છે.

પવાર-પ્રશાંત મુલાકાત

શુક્રવારે મુકુલ રોયને પક્ષમાં ફરી આવકારવા માટે પક્ષના મુખ્યાલય પર મુખ્યમંત્રી મમતા અને પક્ષના નવનિયુક્ત મહામંત્રી અને સાંસદ અભિષેક મુકરજી પણ ઉપસ્થિત હતા. મમતાએ આ સમયે રાષ્ટ્રીયસ્તરે પોતાના પક્ષની ભૂમિકા પણ રજૂ કરી. તેમણે કહ્યું હતું કે મેં રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર પાસે રાજકીય વ્યૂહકાર પ્રશાંત કિશોરને પાઠવ્યા છે. બંગાળની વાઘણ લેખાતાં મમતા હવે રાષ્ટ્રીયસ્તરે વિપક્ષી એકતા માટે સક્રિય બન્યાનો સંકેત આપતાં હતાં. અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ વિપક્ષી મોરચા તૈયાર કરવા માટે જાણીતા નેતાઓમાં તેલુગુ સુપર સ્ટારમાંથી આંધ્રના મુખ્યમંત્રી બનેલા એન.ટી.રામારાવની જેમ જ શરદ પવાર પણ વિપક્ષોને એક સાથે લાવવા સક્ષમ છે. ભાજપની નેતાગીરી આવી વિપક્ષી એકતામાં ફાચર મારવા તત્પર રહેવી સ્વાભાવિક છે, પરંતુ મહારાષ્ટ્રમાં ભાજપને પરાસ્ત કરીને શિવસેના, રાષ્ટ્રવાદી અને કોંગ્રેસના કજોડા સમી સંયુક્ત સરકારને પણ પોતાના રિમોટ થકી જાળવી રહ્યા છે. હવે પવાર પોતે તો વયોવૃદ્ધ હોવા છતાં વિપક્ષી એકતાના ગોડફાધરની ભૂમિકા ભજવવા માટે સક્રિય બન્યા છે. પવારના ભત્રીજા અજિતદાદા  પવારને મહારાષ્ટ્રના રાજકારણમાં અને પવાર-પુત્રી અને સાંસદ સુપ્રિયા સૂળેને રાષ્ટ્રીય રાજકારણમાં ગોઠવવાની શરદારાવની મહેચ્છા છે. ડાબેરી પક્ષો તેમ જ કોંગ્રેસ સહિતના તમામ પક્ષના નેતાઓ સાથેના એમના અંતરંગ સંબંધ જોતાં આવતા દિવસોમાં ભાજપ સામે મજબૂત પડકાર બની શકે એવો મોરચો એ રચી શકે.  

તિખારો

ઘર મેં હી ગદ્દાર બહુત હૈં ઘર મેં આગ લગાને કો

રાજનીતિ તૈયાર ખડી હૈ આતંકી પનપાને કો

કિસ-કિસ કી પહચાન કરોગે ડેઢ અરબ કી ભીડોં મેં

કિતને અંડે છિપે પડે હૈં ઇન ડેઢ અરબ કે નીડોં મેં

હર અંડોં મેં તૈયાર સંપોલે છિપે પડે હૈં ખાને કો

ઘર મેં હી ગદ્દાર  બહુત હૈ ઘર મેં આગ લગાને કો

-     રાજેન્દ્ર બહુગુણા

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૧૨ જૂન ૨૦૨૧)

No comments:

Post a Comment