Sunday 20 June 2021

How Lakshadweep was saved by Sardar Patel?

 

સરદાર પટેલની ચકોરદૃષ્ટિ થકી લક્ષદ્વીપ પાકિસ્તાનમાં જતું બચ્યું

ઈતિહાસ ગવાહ હૈ: ડૉ.હરિ દેસાઈ. દિવ્યભાસ્કર ડિજિટલ.રંગતસંગત.૨૦ જૂન ૨૦૨૧

·         મુદલિયારબંધુઓને નાયબ વડાપ્રધાને સંદેશો પાઠવ્યો અને પાકિસ્તાને યુ-ટર્ન લેવો પડ્યો

·         મુસ્લિમ બહુમતી ધરાવતા પર્યટકો માટેના સ્વર્ગસમા ટાપુ-પ્રદેશનું વ્યૂહાત્મક મહત્ત્વ ઘણું

·         ત્રાવણકોરના કલેક્ટરે લાઠી-ડંડા સાથે પાઠવેલા પોલીસ-કર્મચારીઓએ ત્રિરંગો ફરકાવ્યો

વેબ લિંક:  https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/lakshadweep-escaped-to-pakistan-through-the-watchful-eye-of-sardar-patel-128613411.html?ref=inbound_More_News

ભારતના નકશામાં લક્ષદ્વીપ ક્યાં આવ્યું એ શોધવું પડે, પણ પૃથ્વી પરના સ્વર્ગ સમા અનેક ટાપુઓના બનેલા મુસ્લિમ બહુમતી ધરાવતા આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આજકાલ ભારે ઉહાપોહ મચી રહ્યો છે. ભૂતકાળમાં એના પર પોર્ટુગીઝ કબજો જમાવવા પ્રયત્નશીલ હતા, પણ નિષ્ફળ રહ્યા. હિંદુ રાજાઓએ મુસ્લિમ બહુલ પ્રદેશ પર શાસન કર્યું. મુસ્લિમ શાસક આવ્યા પછી એની  સામેના અસંતોષથી પ્રજાએ મહિસુરના શાસક ટીપુ સુલતાનને તેડાવ્યો. મરાઠાઓ અને નિઝામના સહયોગથી અંગ્રેજોએ ૧૭૯૯માં ટીપુ સુલતાનને પરાજિત કર્યો અને એ મૃત્યુને ભેટ્યો.એ પછી એનું શાસન અંગ્રેજો પાસે રહ્યું.  દેશના પ્રથમ  નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ થકી આઝાદીના પ્રારંભિક દિવસોમાં જ મુસ્લિમબહુલ લક્ષદ્વીપ પર દાવો કરવાની અને એને કબજે કરવાની પાકિસ્તાનની ચાલને ઊંધી વાળવામાં આવી હતી.અત્યારે દક્ષિણ ભારતના સમુદ્રીય ક્ષેત્રમાં આવેલા ૩૬ કરતાં વધુ ટાપુઓ પર વસવાટ ધરાવતા આ કેન્દ્રશાસિત પ્રદેશના અરબી સમુદ્રના  દરિયાઈ ક્ષેત્રમાં જાણે કે આગ લાગી છે. દીવ-દમણ અને દાદરા નગરહવેલીના પ્રશાસક અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ્લ પટેલને લક્ષદ્વીપનનો પણ કાર્યભાર સોંપાયા બાદ એમના થકી જે પ્રકારના નીતિ વિષયક ફેરફારો કરવાની કોશિશ થઇ, એ પછી તો અહીંના કાયમ શાંત ગણાતા લોકોએ પણ બહુપક્ષી સેવ લક્ષદ્વીપ ફોરમ રચ્યું. એના નેજા હેઠળ આદરેલા આંદોલન અન્વયે  “પ્રફુલ્લ પટેલ ગો બેક” જેવાં વિરોધી ફલક બતાવીને ત્રીજીવાર આ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાતે આવતા પ્રશાસકનો વિરોધ કરવા માટે “બ્લેક ડે” મનાવ્યો. કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પક્ષના લક્ષદ્વીપના હોદ્દેદારોએ પણ  સાગમટે રાજીનામાં આપ્યાં. અહીંના પ્રશાસકને “જૈવિક હથિયાર” ગણાવવા બદલ લક્ષદ્વીપની અભિનેત્રી અને ફિલ્મ નિર્માત્રી આયેશા સુલતાના સામે વહીવટીતંત્રે રાજદ્રોહનો ખટલો દાખલ કર્યો. કેરળ વિધાનસભાએ સર્વાનુમતે ઠરાવ પસાર કરીને પ્રફુલ્લ પટેલને પાછા બોલાવી લેવાનો કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો. તમિળનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન અને અન્ય વિપક્ષી નેતાઓએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુરોધ કર્યો છે કે પટેલને પાછા બોલાવી લેવામાં આવે.

ભગવાકરણના આક્ષેપ

સામાન્ય રીતે કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ-દમણ તેમ જ દાદરા નગરહવેલી અને ચંડીગઢ તથા લક્ષદ્વીપમાં આઇએએસ અધિકારીઓને જ પ્રશાસક નિયુક્ત કરાતા હતા, પણ કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી એમણે પોતાના પક્ષના નેતાઓને પ્રશાસક નિયુક્ત કરવાનું શરૂ કર્યું. લક્ષદ્વીપના પ્રશાસક દીનેશ્વર શર્માનું ગત ડિસેમ્બરમાં નિધન થયા પછી લક્ષદ્વીપનો વધારાનો  હવાલો પ્રફુલ્લ પટેલને સોંપાયો હતો.  દેશની વસ્તીના માત્ર ૦.૦૧ % (વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ, માત્ર ૬૪,૪૭૩ જેટલી) વસ્તી ધરાવતા અને વિશ્વમાં પર્યટન ક્ષેત્રે અગ્રસ્થાને લેખાતા દક્ષિણના માત્ર ૩૨.૬૯ ચોરસ કિલોમીટરના આ  દરિયાઈ ક્ષેત્રમાં આજે ભારે અજંપાભરી સ્થિતિ છે. અહીંની ૯૬.૫૮% વસ્તી મુસ્લિમ છે. હિંદુ માત્ર ૨.૭૭% છે. ૦.૪૯% ખ્રિસ્તી, ૦.૦૧% શીખ, ૦.૦૨% બૌદ્ધ અને એટલા જ  જૈન છે.  પ્રશાસક પટેલે સામાન્ય રીતે લગભગ  શૂન્ય-ગુના દરના આ પ્રદેશમાં ગેંગસ્ટરવિરોધી કાયદો અમલી બનાવ્યો, પંચાયતોની ચૂંટણીઓ લડવા માટે માત્ર બે બાળકો હોય તેમને જ અધિકાર આપ્યો, શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં ગોમાંસ પીરસાતું  બંધ કરાવ્યું અને પ્રદેશનાં વૃક્ષોને ભગવો રંગ કરવાનું ફરમાન કર્યું. કેરળ, ગોવા  અને અરૂણાચલમાં લોકો ગોમાંસ ખાતા હોય એ સ્વાભાવિક છે. ભાજપના ગોવા અને અરુણાચલના નેતાઓ અને કેન્દ્ર સરકારમાં કે રાજ્ય સરકારમાં મંત્રી કે મુખ્યમંત્રીપદ ધરાવનારા કિરણ રિજુજી કે અન્યો પોતે પણ ગોમાંસ ખાતા હોવાનું જાહેરમાં કબૂલતા રહ્યા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે લક્ષદ્વીપના ભગવાકરણનો  એજન્ડા અમલમાં લવાઈ રહ્યો છે.

પાકનો  નાપાક દાવ નિષ્ફળ

સામુદ્રિક અને લશ્કરી વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વ ધરાવતા અને  નયનરમ્ય દરિયાઈ પ્રદેશ ધરાવતા લક્ષદ્વીપ પર આઝાદીના પ્રારંભિક દિવસોમાં જ  પાકિસ્તાન કબજો જમાવવા માંગતું હતું. બહુમતી પ્રજા મુસ્લિમ હોવાથી એ દાવો રજૂ કરી શકતું હતું.  એ વેળાની એની રાજધાની  કરાંચીથી જહાજ રવાના થયાના વાવડ દિલ્હીમાં સરદાર પટેલ સુધી પહોંચ્યા. એમણે તત્કાળ ત્રાવણકોરના કલેકટરને પોતાનો સંદેશ પહોંચાડવા માટે મુદલિયારબંધુઓનો સંપર્ક સાધ્યો. બ્રિટિશ શાસનમાં અને આઝાદી પછી પણ અત્યંત મહત્વના હોદ્દે રહેલા આરકોટ રામાસ્વામી (એ.આર.) મુદલિયાર (૧૮૮૭-૧૯૭૬) અને આરકોટ લક્ષ્મણસ્વામી(એ.એલ.) મુદલિયાર  (૧૮૮૭-૧૯૭૪) જોડિયા બંધુઓ હતા. બંને ભાઈઓ પાંચ દાયકા સુધી જાહેર ક્ષેત્રમાં પ્રભાવી હોદ્દે રહ્યા. સરદારે તેમને સંદેશ પાઠવ્યો કે તમે ત્રાવણકોરના કલેકટરને કહો કે તત્કાળ લક્ષદ્વીપ ભણી પોલીસ અને બીજા કર્મચારીઓને મારતે હોડકે પાઠવે. કોચીથી ૨૨૦થી ૪૪૦ કી.મી.ના અંતરે આવેલા ૩૬ ટાપુઓના આ પ્રદેશની રાજધાની કવરત્તી ભણી પોલીસ અને કર્મચારીઓ રવાના થાય. શક્ય છે કે એમની પાસે એટલા પ્રમાણમાં બંદૂકો અને અન્ય હથિયાર નહીં હોય, પણ જે લાઠી-ડંડા હાથમાં આવે તે લઈને અને  સાથે રાષ્ટ્રધ્વજ લઇ શક્ય એટલા જલદી રવાના થાય અને લક્ષદ્વીપ પર ત્રિરંગો ફરકાવે. સદનસીબે, પાકિસ્તાનથી રવાના થયેલી કુમક લક્ષદ્વીપ પહોંચે એ પહેલાં ત્રાવણકોરની કુમક પહોંચી ગઈ અને ત્યાં ત્રિરંગો ફરકાવવામાં આવ્યો. પાકિસ્તાની જહાજ આ જોઇને યુ-ટર્ન લઈને કરાંચી ભણી રવાના થઇ ગયાં.સરદાર પટેલ થકી સમગ્ર આયોજન કરવામાં કે સૂચના આપવામાં મોડું થયું હોત તો કેરળના દરિયાઈ ક્ષેત્રમાં આજે પાકિસ્તાન હયાત હોત. એની અને શ્રીલંકાની વચ્ચે બીજો મુસ્લિમ બહુલ માલદીવ દેશ પણ ઘણી બધી સામરિક સમસ્યાઓ સર્જવામાં પાકિસ્તાનને પડખે રહેત.

ઇતિહાસથી વર્તમાન લગી

લક્ષદ્વીપનો પ્રાચીન ઈતિહાસ લખાયેલો નથી એટલે ભારત સાથે જોડાયેલા પરંપરાગત રીતે મુસ્લિમ પ્રદેશને ઇસ્લામિક પ્રદેશ બનાવ્યાની અનેક ઉપજાવી કાઢેલી કથાઓ રજૂ કરવામાં આવે છે. મહારાજા ચેરામલ પેરુમલના સમયમાં આ ટાપુઓ પર વસવાટ શરૂ થયાનું મનાય છે. ઈ.સ. ૬૩૦ના ગાળામાં ઇસ્લામની સ્થાપના કરનાર મહંમદ પયગંબર સાહેબની હયાતીમાં જ કેરળના આ મહારાજા પેરુમલે ઇસ્લામ કબૂલ્યો હતો. ઇબેદુલ્લા થકી અહીંની પ્રજાને ઇસ્લામ અંગીકાર કરાવવામાં આવ્યા છતાં એ પ્રદેશ ચિરાકલના  હિંદુ રાજાના શાસન  હેઠળ હતો એવું આ પ્રદેશના વહીવટીતંત્રની સત્તાવાર વેબસાઈટ જણાવે છે. રાજાએ ૧૬મી સદીમાં લક્ષદ્વીપનો વહીવટ અરાકલના મુસ્લિમ શાસકને સોંપ્યો. ૧૭૮૩માં કેટલાક ટાપુવાસીઓએ મેંગલોર જઈને ટીપુ સુલતાનને લક્ષદ્વીપનો વહીવટ હાથમાં લેવા વિનંતી કરી. અરાકલનાં બીબી સાથે સારા સંબંધ ધરાવતા  ટીપુ સુલતાને એના પાંચ ભાગ કર્યા અને આમીની પ્રદેશના ટાપુઓ ટીપુ કને રહ્યા અને બાકીના અરાકલ હેઠળ. ૧૭૯૯માં અંગ્રેજો સામેના જંગમાં ટીપુ મરાયો અને લક્ષદ્વીપનો એના અખત્યાર હેઠળના પ્રદેશ  પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો કબજો સ્થપાયો. ૧૮૪૭માં વાવાઝોડાએ આરાકલના રાજાના અખત્યાર હેઠળના ટાપુઓ પર ભારે નુકસાન કર્યું. એ વેળા રાજા સાથે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી સર વિલિયમ રોબિન્સન ગયા હતા. લોકોની માંગણી પૂરી કરવાની રાજાની આર્થિક સ્થિતિ નહોતી અને રોબિન્સને એમને લોન આપવાની ઓફર કરી. એ લોન જ રાજાના પતનનું નિમિત્ત બની. ચાર વર્ષ પછી અંગ્રેજોએ લોનની રકમ વ્યાજ સાથે પરત ભરપાઈ કરવા રાજાને જણાવ્યું. રાજા માટે એ શક્ય નહોતું અને ૧૮૫૪માં સંપૂર્ણ લક્ષદ્વીપનું વહીવટીતંત્ર ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં આવ્યું. ૧૮૫૮થી ભારતમાં રાણીનું શાસન સ્થાપાયું અને પછી તો વહીવટ બ્રિટિશ સરકાર હેઠળ રહ્યો. છેક ઓગસ્ટ ૧૯૪૭માં બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા થયા. સ્વતંત્રતા પહેલાં ભારતીય પ્રદેશનાં મોટાભાગનાં રજવાડાંને ભારત સાથે જોડાવા તૈયાર કરવાનો  યશ સરદાર પટેલને ફાળે જાય છે. એ જ રીતે લક્ષદ્વીપ પણ આજે ભારત સાથે છે એનો યશ પણ સરદારને જ આપવો પડે.

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૬ જૂન ૨૦૨૧)

 

No comments:

Post a Comment