Sunday 7 March 2021

Talk of History and Avoid Present day Problems

 

વર્તમાનને હડસેલો, ઈતિહાસને પધરાવો

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         ઈમર્જન્સીના આલાપનાં ફટાણાં

·         કોંગ્રેસની સ્થાપના અને વિસર્જન

·         આઝાદીની લડતમાં કોણ-ક્યાં

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”.07 March 2021. Web Link: https://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=686315

શો માહોલ જામ્યો છે કે દુનિયાભરના દેશો વર્તમાનથી ભવિષ્યની હરણફાળ ભરીને વિકાસ સાધી રહ્યા છે ત્યારે ભારતમાં વર્તમાનથી પ્રાચીનકાળના ગૌરવવંતા વારસાની અને ગઈકાલોના અનુકૂળ ઇતિહાસોની ગાજવીજ વધુને વધુ પ્રબળ બનાવીને એને વિકાસનું નામ અપાઈ રહ્યું છે. પ્રજાને પણ રાજનેતાઓની આ જુગલબંધી જાણે કે કોઠે પડી ગઈ છે. હમણાં પ્રત્યેક ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની ઈમર્જન્સીના એ કાળા દિવસોની ગાજવીજ કરીને વર્તમાનમાં યુવા પેઢીને રાજકીય નશો ચડાવવામાં આવે છે જે પેઢીને પહેલાં તો ઇન્દિરા ગાંધી કોણ હતાં એની માત્ર એટલી જ ખબર છે કે કોંગ્રેસી વડાપ્રધાન હતાં. એ કોંગ્રેસના વર્તમાન યુવરાજ ગણાવાતા રાહુલ ગાંધીનાં દાદી હતાં એટલું જણાવાય છે, પરંતુ ભાજપના સાંસદ ફિરોઝવરુણ ગાંધીનાં પણ એ દાદી હતાં એ વાત ભાગ્યેજ ઉલ્લેખાય છે. ઈમર્જન્સીની વાત થાય છે, પણ વર્ષ ૧૯૭૫-૧૯૭૭ના એ કટુ અનુભવ પછી એ જ ઇન્દિરાજીએ, પરાજય નિશ્ચિત હોવાનું જાણવા છતાં, જાન્યુઆરી ૧૯૭૭માં લોકસભાની ચૂંટણી જાહેર કરી અને પોતાનો પક્ષ જ નહીં, પોતે પણ લોકસભાની રાયબરેલી બેઠક હારી ગયાં હતાં એ વાતનો ભાગ્યે જ ઉલ્લેખ થાય છે. એ જ કોંગ્રેસી મહિલાએ માત્ર ત્રણ વર્ષમાં જ ફરીને ૧૯૮૦ની લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતી સાથે સત્તામાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી એટલું જ નહીં, એ પછી દાયકાઓ સુધી એટલે કે ૨૦૧૪ લગી આ દેશની પ્રજાએ મોટાભાગના સમયગાળા માટે  કોંગ્રેસના હાથમાં જ દેશનું સુકાન સોંપ્યું હતું. ચૂંટણીમાં જય-પરાજય થતો રહે છે પણ લોકશાહી રાષ્ટ્રમાં ગૌરવભેર સત્તાની સોંપણી વિજેતા પક્ષને થાય છે. રાષ્ટ્રના વિકાસની પ્રક્રિયા અખંડ આગળ વધારાય એ અનિવાર્ય છે. પરાજય પછી પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા છોડવા તૈયાર નહોતા અને ઘણા ઉધામા માર્યા પછી અમેરિકી લોકશાહીને બટ્ટો લાગે એવું વર્તન કરીને જ એમણે જવું પડ્યું. આવા પ્રસંગો ભારતીય લોકશાહીમાં હજુ નહીં આવ્યાનો આપણે ગર્વ લઇ શકીએ. જોકે લોકશાહીનું પોત નબળું પાડવાના પ્રયાસો થતા રહ્યા છે ત્યારે સમયાંતરે નવજનજાગરણ અનિવાર્ય હોવાનું અને લોકનાયક જયપ્રકાશ નારાયણ કે અણ્ણા હઝારેના નવા કોઈ અવતારની પ્રજાને પ્રતીક્ષા હોય એ સ્વાભાવિક છે.  “સંભવામિ યુગે યુગે”માં પ્રજાને વિશ્વાસ છે.  

હ્યુમ થકી કોંગ્રેસની સ્થાપના

વર્ષ ૧૮૮૫માં રાષ્ટ્રીય મહાસભા કે કોંગ્રેસની સ્થાપના મુંબઈના ગોવાલિયા ટેંક વિસ્તારમાં આવેલા  તેજપાલ સંસ્કૃત કોલેજના સંકુલમાં ૭૮ જેટલી રાષ્ટ્રીય પ્રતિભાઓની ઉપસ્થિતિમાં થઇ હતી, એ વાત ઈતિહાસજમા હોવા છતાં આજે જાહેરસભાઓમાં ઊછળી ઊછળીને કેટલાક નેતાઓ એલન ઓક્તોવિયો હ્યુમ નામના યુરોપીય આઇસીએસ અધિકારી થકી કોંગ્રેસની સ્થાપના કરાયાનું કહે છે. એ વિસરી જાય છે કે એ સંસ્થાના સ્થાપકોમાં અનેક ભારતીય મહાનુભાવો, હિંદુ ન્યાયાધીશો, મુસ્લિમ અને પારસી આગેવાનો પણ હતા. વ્યોમેશચંદ્ર બેનરજી એના સંસ્થાપક અધ્યક્ષ બન્યા અને હ્યુમ એના કેટલાક  મહામંત્રીમાંના એક  હતા. હ્યુમ સહિતના હિંદીઓના હિતના સમર્થક એવા અનેક વિદેશીઓ વિતેલી સદીમાં કોંગ્રેસના અધ્યક્ષ થયા છે. સૌથી મહત્વની વાત તો એ વિસારે પડાય છે કે જે હ્યુમના ટેકે કોંગ્રેસને ભાંડવાનો ઉપક્રમ અત્યારે ચાલે છે એ જ કોંગ્રેસ સાથે આ ભાંડણલીલા ચલાવાનારાઓના પૂર્વજો અને દેશનાં આરાધ્યવ્યક્તિત્વો જોડાયેલાં હતાં. એ જ કોંગ્રેસ સાથે લોકમાન્ય ટિળક, પંડિત મદનમોહન માલવિયા, મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, સરદાર પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ  જ નહીં, ડૉ.કેશવ  બલિરામ હેડગેવાર અને ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી પણ જોડાયેલા હતા! ડૉ.હેડગેવાર અને ડૉ.મુકરજી વર્તમાન શાસકોના આસ્થાપુરુષ છે એ રખે ભૂલાય. .  

આઝાદીની લડાઈમાં સંઘ ક્યાં

હમણાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ જ્ઞાન લાધ્યું કે જનસંઘ- ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) આઝાદીના જંગમાં સહભાગી નહોતો. આ વાતનો વિરોધ સંઘ પરિવાર પણ કરી શકે તેમ નથી, કારણ એના પ્રથમ સરસંઘચાલક કોંગ્રેસી હોવાને કારણે આઝાદીની લડાઈમાં બબ્બેવાર  જેલવાસ ભોગવી ચૂક્યા છતાં એમણે સંઘને એનાથી દૂર રાખ્યો હતો. ૧૯૨૫માં સંઘની સ્થાપના પછી જયારે ડૉ.હેડગેવાર એકવાર લડતમાં સહભાગી થવા ગયા અને  જેલમાં જવાનો પ્રસંગ આવ્યો એ પૂર્વે જાહેરમાં ઘોષણા કરીને  સરસંઘચાલકપદ ડૉ.લ.વા.પરાંજપેને સુપરત કરીને ગયા હતા. જેલમાંથી મુક્ત થયા પછી એમણે એ પદ પરત ધારણ કર્યું હતું. ભાગાનગર (હૈદરાબાદ)નો  સત્યાગ્રહ કરતાં હિંદુ મહાસભાના અધ્યક્ષ વિ.દા.સાવરકરે ડૉ.હેડગેવારને સંઘ આ સત્યાગ્રહમાં જોડાય એવો અનુરોધ કર્યો ત્યારે ડોક્ટરજીએ નન્નો ભણ્યો હતો. બંને વચ્ચે આ મુદ્દે મનદુઃખ પણ થયું હતું. જોકે ડૉ.હેડગેવારે સંઘના સ્વયંસેવકો વ્યક્તિગત રીતે એમાં ભાગ લઇ શકે એવું જરૂર જણાવ્યું હતું. આજે જયારે જયારે સંઘે આઝાદીની ચળવળમાં ભાગ નહોતો લીધો એવો આક્ષેપ થાય ત્યારે સંઘ તરફથી વ્યક્તિગત રીતે એના સ્વયંસેવકોએ ભાગ લીધાનું જણાવાય છે. સંઘની સત્તાવાર વેબસાઈટ પર પણ આવી નોંધો મૂકાયેલી જોવા મળે છે. ઉદ્ધવ ઠાકરે હજુ હમણાં સુધી ભાજપ સાથે હતા ત્યાં લગી નાગપુરમાં સંઘના મુખ્યાલય અને સંઘના “અધિકારીઓ”ને આદર આપતા હતા.હવે કોંગ્રેસ તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસના ટેકે મુખ્યમંત્રી થયા પછી એમનો આલાપ બદલાયો છે. એ કદાચ ભૂલી ગયા છે કે એમના સદગત પિતાશ્રી અને શિવસેનાના પ્રમુખ રહેલા બાળાસાહેબ ઠાકરે મુંબઈમાં આરએસએસની  શિવ તીર્થ શાખાના બાળસ્વયંસેવક હતા. રાજકારણ ભલભલાને નવતર ઈતિહાસ અને વર્તમાનનો પરિચય કરાવે છે.

ઈમર્જન્સીના ખલનાયક સંજય

હમણાં ઈમરજન્સી અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે એ ભૂલ હતી. મારાં દાદી (ઇન્દિરા ગાંધી)એ પણ એને ભૂલ ગણાવી હતી. ઇન્દિરા ગાંધીને દેશની જનતાએ ઈમરજન્સી માટે પરાજિત કરીને સજા કર્યા પછી ૧૯૮૦માં વિજયી બનાવીને ક્ષમા પણ કરી હતી છતાં આજે ઈમરજન્સીનું રટણ ચાલે છે. એ ઈમરજન્સીના ખરા ખલનાયક સંજય ગાંધીનો આખો પરિવાર ભાજપમાં છે એનું પણ સ્મરણ રહે. વાત એટલે અટકતી નથી, ૧૨ જૂન ૧૯૭૫ના રોજ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી વિરૂદ્ધના અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને પગલે શ્રીમતી ગાંધી તો રાજીનામું આપવા તૈયાર હતાં; પણ સંજય ગાંધી અને સિદ્ધાર્થ શંકર રે, રજની પટેલ સહિતની એમની કિચન કેબિનેટે એમણે રાજીનામું આપતાં વાર્યાં હતાં અને ઈમરજન્સી આવી પડી હતી. સંજય ગાંધીએ તો પત્રકારશિરોમણિ કુલદીપ નાયરને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે “મારી યોજના તો છે કે દેશમાં ત્રણ-ચાર દાયકા સુધી કોઈ ચૂંટણી જ ના હોય.” (કુલદીપ નાયરનું પુસ્તક “ઓન લીડર્સ ટુ આયકન્સ:ફ્રોમ ઝીણા ટુ મોદી”. પૃષ્ઠ:૭૬) ઇન્દિરા ગાંધીનાં મોટેરાં પુત્રવધૂ સોનિયા ગાંધી અને નાનેરાં પુત્રવધૂ મેનકા ગાંધી વચ્ચેના અણબનાવનો લાભ વર્તમાન શાસકો લેતા રહ્યા છે, પરંતુ મેનકા જયારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં કોઈ કોર્સ કરતાં હતાં ત્યારે ઈમરજન્સી દરમિયાન એમના કારણે જ વિદ્યાર્થીઓ પર પોલીસ અત્યાચાર થયા હતા અને ઘણાને તો જેલમાં ઠૂંસી દેવામાં આવ્યા હતા. ઈમરજન્સીના દરમિયાન કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી જે  ગોબેલ્સ તરીકે વિવાદમાં રહ્યા એ વિદ્યાચરણ શુકલ પણ પછીથી  ભાજપમાં જોડાયા હતા. લોકસભાની ચૂંટણી ભાજપી ઉમેદવાર તરીકે લડી હાર્યા પછી મૃત્યુ પૂર્વે સ્વગૃહ કોંગ્રેસે પાછા ફર્યા હતા.   મેનકા  ભાજપના વડપણવાળી કેન્દ્ર સરકારમાં મંત્રી હતાં અને અત્યારે ભાજપી સાંસદ છે. હકીકતમાં સ્વયં કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ સોનિયા ગાંધીએ પણ ઈમરજન્સીના સંદર્ભમાં રાહુલ જેવું જ નિવેદન કર્યું હતું. એમના નેતૃત્વમાં પણ કોંગ્રેસના વડપણ હેઠળ ૨૦૦૪થી ૨૦૧૪ લગી  કેન્દ્રમાં વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું શાસન ચાલ્યું.  હકીકતમાં કોંગ્રેસે જેમ દેશ પર દાયકાઓ સુધી રાજ કર્યું તેમ વર્માના ભાજપી શાસકો પણ પોતાની આવડત અને સંગઠનને કારણે દાયકાઓ સુધી રાજ કરે તો પણ આ દેશની લોકશાહી અકબંધ રહે એટલી જ અપેક્ષા કરીએ.

તિખારો

વલોવીને વધુ એમાં વડવાનલ પ્રગટ કીધો,
હવે આ લોક સમંદરની સબૂરી ક્યાં સુધી રહેશે

                         કરી મુખ બંધ એના હાલ, તપેલાને તપાવો ના
                        
વરાળો ભૂખની ઢાંકી-ઢબૂરી ક્યાં સુધી રહેશે ?

સેવાનાં અંચળા નીચે વરુનાં નહોર રાખીને,
કલેજાં કોરતી પારી તમારી ક્યાં સુધી રહેશે

                        બાંધી મહેલ સપનાંનાં ને ખોદો ઘર તણા પાયા,
                       
ઊભી આ લોકશાહીની હવેલી ક્યાં સુધી રહેશે ?

ભરાવે નહોર તે પહેલાં તમે આઘા ખસી જાજો,
ભૂખ્યો એ વાઘ પંપાળ્યો હવે એ ક્યાં સુધી રહેશે

                        વચનનાં જામ પી પીને પ્રજા બેશુદ્ધ થઇ ગઇ છે,
                       
વધારે ડોઝ ના આપો, બિચારી ક્યાં સુધી રહેશે ?

ગયો છે ઘટ હવે છલકી ઋષિનાં રક્તબિંદુથી,
રઘુના હાથમાં એ તીર અટક્યું ક્યાં સુધી રહેશે

                        હરાળા તો ફરે છુટ્ટા ને પાળેલા ડબે પૂર્યા
                       
તમારી દંડ નીતિની અનીતિ ક્યાં સુધી રહેશે ?

સતાવ્યા સંત તે શાસન કદી ઝાઝું  નથી ટકતું
હકુમત દશાશન જેવી હલાવી ક્યાં સુધી રહેશે

                        મહીં છે સાવ ખાલી તે ખબર સહુને પડી ગઇ છે
                       
હવે ખોલો ? તમારી બંધ મુઠ્ઠી ક્યાં સુધી રહેશે ?

જરૂર છે રોટલાની, નહીં કે ખાલી ટપાકાની
પ્રજાને આપીયા જુઠ્ઠા દિલાસા ક્યાં સુધી રહેશે

                         શહીદનાં મસ્તકોથી ચણેલી દીવાલ સરહદની
                        
કરો ત્યાં થૂંકના લેપન સલામત ક્યાં સુધી રહેશે ?

નથી એને શરમ જરી પણ બોલ્યું ફરી જાવાની
હવે આ કસમે-વાદેની ઇબાદત ક્યાં સુધી રહેશે

                        કહે છે દાદફુંકાશે પવન જે દિએ વિપ્લવનો
                       
ધુંવાડાનાં પછી એ વાદળાંઓ ક્યાં સુધી રહેશે ?

-કવિ દાદ

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૫ માર્ચ ૨૦૨૧)

 

No comments:

Post a Comment