Sunday 7 March 2021

August 15, 1947: Whose Celebration, Whose Mourning

 

૧૫ ઓગસ્ટ ૧૯૪૭: કોનો જશ્ન,કોને માટે માતમ

ઈતિહાસ ગવાહ હૈ: ડૉ.હરિ દેસાઈ

·         ૧૪ની રાતે નેહરુ-સરદારે સેવાપ્રતિજ્ઞા લીધી  

·         દિલ્હીના જલસામાં મહાત્મા સામેલ નહોતા

·         ગુરુજી અને પેરિયારે શોક દિવસ મનાવ્યો

·         સાવરકરે તો ભગવો અને ત્રિરંગો ફરકાવ્યો

કરાંચીમાં પાકિસ્તાનના ગવર્નર જનરલ તરીકે મોહમ્મદઅલી ઝીણાને ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ  શપથ લેવડાવીને વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન દિલ્હી પાછા ફર્યા. ભારત સ્વાતંત્ર્ય ધારા, ૧૯૪૭માં બ્રિટિશ ઇન્ડિયાના ભાગલાથી અમલી બનેન્નેલા બંને દેશની સ્વતંત્રતા ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ જ ઠરાવવામાં આવી હતી. ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ની રાત્રે બાર વાગ્યે ભારતમાં બ્રિટિશ રાજનો અંત આવ્યો. રાતે બંધારણ સભાના અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને ઘેર ભજનનો કાર્યક્રમ હતો. એમાં હાજરી આપી કોંગ્રેસના સૌથી બળૂકા નેતા સરદાર પટેલ સહિતના નેતાઓ બંધારણ સભામાં પહોંચ્યા. સુચેતા કૃપલાનીએ વંદે માતરમ્ નું પહેલું ચરણ ગાયું.બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્રબાબુ, મુસ્લિમ લીગના ખલીક ઉસ-જમાન તથા ડૉ.એસ.રાધાકૃષ્ણનનાં પ્રવચનો પછી જવાહરલાલ નેહરુએ “વિધિસંકેત” (ટ્રિેૂસ્ટ વિથ ધ ડેસ્ટિની)નું તેમનું યાદગાર ઉદબોદન કર્યું. બંધારણસભાના સૌ સભ્યોએ સાથે ઊભા રહીને સેવા માટેની માત્ર પ્રતિજ્ઞા જ લીધી. બીજા દિવસે પાંચ બિન-કોંગ્રેસી મંત્રીઓ સહિતના નેહરુ મંત્રીમંડળે શપથ લીધા.સરકાર નેહરુ-સરદારની ગણાઇ. ભારતને આઝાદી મળ્યાનો હરખ અને ઉલ્લાસ હતો, પણ સાથે જ ભાગલાનો ગમ પણ હતો. સમગ્ર સ્વાતંત્ર્ય સંગ્રામના નાયક એવા મહાત્મા ગાંધી દિલ્હીના આ જલસામાં ક્યાંય નજર નહોતા આવતા. એ તો ખૂબ દૂર કોલકાતાના અતિશય ગંદા વિસ્તારમાં આવેલા “હૈદરી મેન્શન”નામના જૂના ત્યજાયેલા મુસલમાનના ઘરમાં ઉતાવળે સાફસફાઈ કરાવીને ૧૬ ઓગસ્ટ ૧૯૪૬ના “સીધાં પગલાં” દરમિયાન સર્જાયેલા હત્યાકાંડના ખલનાયક  શહીદ સુહરાવર્દી સાથે રોકાયા હતા.

બંગાળ, દ્રવિડનાડુ અને શીખીસ્તાન

વિભાજનની વેદના મહાત્મા માટે અસહ્ય હતી. સરદાર પટેલ દિલ્હીથી ગાંધીજીને તેમના પત્રના ઉત્તરમાં ૧૩ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ  લખે છે: “આપ કલકત્તામાં રોકાઈ ગયા અને તે પણ કતલખાના જેવી જગ્યામાં, જ્યાં ગુંડાઓની ગુફા છે ત્યાં જઈને ભરાયા. વળી સોબત પણ કેવી? ભારે જોખમ તો ગણાય.પણ આપની તબિયત એ બોજ સહન કરશે? ત્યાં ગંદકીનો પાર નહીં હોય....આપના સમાચાર લખતા રહેજો.”  એકબાજુ બ્રિટિશ શાસકો વિદાય થતાં બ્રિટિશ ઇન્ડિયાનાં બે ફાડિયાં કરવાની ઘોષણા કરી હતી, પણ બંગાળને અખંડ રાખી “સાર્વભૌમ સંયુક્ત બંગાળ” માટે મુસ્લિમ લીગી પ્રીમિયર રહેલા શહીદ સુહરાવર્દી અને કોંગ્રેસમાંથી હજુ ફેબ્રુઆરી ૧૯૪૭માં જ રાજીનામું આપનાર સરતચંદ્ર બોઝ (નેતાજી સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ) પ્રયત્નશીલ હતા. હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ અને પછીથી અધ્યક્ષ રહેલા ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી એમની સાથે જોડાવાને બદલે બંગાળના ભાગલા કરવાના પક્ષે હતા. એ સરદાર પટેલની આંખમાં વસી ગયા તથા નેહરુ સરકારમાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી બન્યા. ઝીણાના પાકિસ્તાન મેળવવાના વિચારથી પ્રેરાઈને ક્યારેક મદ્રાસ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા અને મહાત્મા ગાંધીના વાયકોમ સત્યાગ્રહમાં સહભાગી ઈ.વી.રામસામી નાઈકાર “પેરિયાર” અત્યારના તમિળનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગણને સમાવતા અલગ દ્રવિડનાડુ દેશ મેળવવા માટે આઝાદી આવતાં લગી પ્રયત્નશીલ હતા. દ્રવિડ નાડુ માટે સમર્થન મેળવવા મુંબઈ આવીને પેરિયારે તો ઝીણા અને ડૉ.બાબાસાહેબ આંબેડકર સાથે મુલાકાત પણ કરી હતી. ઝીણા તો અલગ બંગાળ દેશ માટેના સુહરાવર્દી-સરત બોઝના પ્રયાસો અને દ્રવિડનાડુ માટેના પેરિયારના પ્રયાસોના સમર્થનમાં હતા. શિરોમણી અકાલી દળના સર્વોચ્ચ નેતા  માસ્ટર તારાસિંહ પહેલાં તો ભાગલાનો વિરોધ કરી રહ્યા હતા, પણ પાકિસ્તાન અપાય તો અલગ શીખ સામ્રાજ્ય શીખીસ્તાન કે પંજાબ સૂબો મેળવવાના પક્ષે હતા. જોકે એમને સમજાવી લેવા અને સમાંતર શીખ નેતાગીરી તૈયાર કરી આઝાદ ભારતમાં જેલમાં ઠૂંસી દેવામાં  કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારને  સફળતા મળી હતી.   

નિરુત્સાહ ગાંધીજીનો ઉપવાસ

સ્વાતંત્ર્યદિને ગાંધીજી હંમેશના કરતાં એક કલાક વહેલાં, એટલે કે, રાત્રે બે વાગ્યે ઊઠ્યા. એ મહાદેવ દેસાઈની પાંચમી સંવત્સરી પણ હતી, એટલે એવા પ્રસંગોએ તેમના હંમેશના રિવાજ પ્રમાણે, ગાંધીજીએ ઉપવાસ કર્યો અને સવારની પ્રાર્થના પછી આખી ગીતાનો પાઠ કરાવ્યાનું એમના સચિવ પ્યારેલાલે “મહાત્મા ગાંધી: પૂર્ણાહુતિ”ના ત્રીજા પુસ્તકમાં નોંધ્યું છે.ગાંધીજી હંમેશના ક્રમ મુજબ ફરવા નીકળ્યા ત્યારે, સ્ત્રીઓ, પુરુષો અને બાળકો હજારોની સંખ્યામાં તેમની રાહ જોતાં ઊભાં હતાં.૧૫ ઓગસ્ટે કલકત્તામાં, હિંદુ-મુસ્લિમ એકતાના અપૂર્વ પ્રદર્શન દ્વારા, રાષ્ટ્રીય આનંદોત્સવનાં રોમહર્ષક દ્રશ્યો જોવા મળ્યાં.”ગાંધીજીના મકાન આગળ ભાઇચારાનાં રોમાંચક દ્રશ્યો જોવા મળ્યાં, પરંતુ ગાંધીજીના ચહેરા પર ઉત્સાહની કશી નિશાની દેખાતી નહોતી. તેમનાં ચક્ષુ અંતર તરફ વળ્યાં હતાં અને તેમનો માર્ગ પ્રકાશિત કરવાને તથા હવે પછીનું પગલું તેમને દર્શાવવાને તેમના સરજનહારના દર્શનની ખોજ કરતાં હતાં.” એ દિવસે પ્રાર્થનાસભામાં ત્રીસ હજાર માણસો એકઠાં થયાં હતાં. સભાને ગાંધીજીએ અને સુહરાવર્દીએ સંબોધી હતી. ગાંધીજીની ૧૬ ઓગસ્ટની પ્રાર્થનાસભામાં ૫૦ હજાર અને ૨૦ ઓગસ્ટની પ્રાર્થનાસભામાં ચાર લાખ કરતાં વધુ માણસોની હાજરી હતી. એ સ્વયંભૂ આવ્યા હતા.૧૬ ઓગસ્ટ ૧૯૪૬ના રોજ ઝીણાપ્રેરિત  “સીધાં પગલાં”ના દિવસથી જોવા મળેલી એ  કોમી કત્લેઆમ પછી એ કોમી આગને અને ઝનૂનને ઠારવા માટે મહાત્માએ જે અવિરત પ્રયાસ કર્યા એના ભાગ રૂપે જ એ દિલ્હીને બદલે કોલકાતામાં હતા. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસને વિભાજનના શોકના દિવસ તરીકે અનુભવવા છતાં કોમી એખલાસ જળવાઈ રહે એ માટે તેમણે અહીં જ  રોકાવાનું પસંદ કર્યું હતું.

ખંડિત ભારતનો શોકનો દિવસ

મહાત્મા ગાંધીની જેમજ વિભાજનના વિરોધમાં હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસને શોક કે માતમના દિવસ તરીકે જ મનાવ્યો. ફરક એટલો હતો કે સંઘ તરફથી માત્ર ભગવા ધ્વજને જ રાષ્ટ્રધ્વજ ગણવાના આગ્રહને કારણે ત્રિરંગો ફરકાવવાને બદલે ભગવો ધ્વજ જ ફરકાવાયો, જયારે હિંદુ મહાસભાના ૧૯૩૭થી ’૪૨ લગી અધ્યક્ષ રહેલા બેરિસ્ટર વિ.દા. સાવરકરે મુંબઈના  શિવાજી પાર્ક ખાતેના પોતાના સાવરકર સદન પર રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકૃત થયેલા ત્રિરંગાની સાથે જ ભગવો ધ્વજ પણ ૧૫ ઓગસ્ટે ફરકાવ્યો હતો. સંઘ અને હિંદુ મહાસભા ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાનાં આગ્રહી હોવા છતાં કોંગ્રેસના નેતાઓ અને એમાં ગાંધીજી અને પંડિત નેહરુ ઉપરાંત સરદાર પટેલ પણ હિંદુરાષ્ટ્રના વિચારના વિરોધી હતા. સરદારે તો હિંદુ રાષ્ટ્રને “પાગલોં કા ખયાલ” ગણાવ્યો હતો. સ્વયં ડૉ.બાબાસાહેબ આંબેડકર પણ હિંદુરાષ્ટ્ર કે હિંદુ રાજનો કોઈપણ ભોગે વિરોધ કરવાના આગ્રહી હતા.

પેરિયારે  કાળો દિવસ મનાવ્યો  

એકદમ નાસ્તિક અને ઈશ્વરનું અસ્તિત્વ નહીં સ્વીકારનાર દક્ષિણના નેતા પેરિયાર તો અંગ્રેજો ભારત છોડીને જતાં “બ્રાહ્મણો અને વાણિયાઓને હવાલે ભારતને કરીને જતાં એ આઝાદી સાચી નથી” એવું પ્રગટપણે જાહેર કરતાં ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના સ્વાતંત્ર્ય દિવસને “કાળા દિવસ” તરીકે ગણાવતાં એની ઉજવણીનો બહિષ્કાર કરવાનું એલાન આપી ચૂક્યા હતા. ક્યારેક પેરિયાર કોંગ્રેસના મોટા ગજાના નેતા હતા, પરંતુ અસ્પૃશ્યતા વિરોધી વાયકોમ સત્યાગ્રહમાં એમને ઝાઝું મહત્વ નહીં મળતાં કોંગ્રેસથી દુભાઈને એમણે સ્વાભિમાન ચળવળ આદરી અને  સાથે જ જસ્ટિસ પાર્ટીમાં જોડાયા એટલું જ નહીં  દ્રવિડ કળગમ (ડીકે)ની સ્થાપના કરી હતી. એમની ચળવળના પ્રતાપે દ્રમુક-અન્નાદ્રમુક શાસનમાં આવતાં  દક્ષિણમાં ખાસ કરીને  રાષ્ટ્રીય પક્ષોની અવસ્થા ભૂંડી થઇ છે. 

ઈ-મેઈલ: haridesai@gmail.com  લખ્યા તારીખ: ૨ માર્ચ ૨૦૨૧)

 

No comments:

Post a Comment