Sunday 3 January 2021

West Bengal politics :Mamata Banerjee Vs Amit Shah

 

મમતાને છંછેડતા અમિત શાહ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         રવીન્દ્રનાથ ઠાકુરના રાષ્ટ્રવાદનો વિવાદ

·         ૧ કિ.મી.ના રોડશો સામે ૪ કિ.મી.ની કૂચ

·         તૃણમૂલ સામે ગૃહમાં બહુમતીનો પડકાર

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”.03 January 2020.

પશ્ચિમ બંગાળની તાવડી બરાબર ગરમ થઇ ગઈ છે: કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે રાજ્યની મુલાકાત લઈને શુભેંદુ અધિકારી સહિતના મુખ્યમંત્રી મમતા બેનરજીના વિશ્વાસુ રહેલા મંત્રીઓ અને તૃણમૂલના ધારાસભ્યોને ભાજપમાં જોડવાની  સાથે જ બીરભૂમમાં ૧ કિ.મી. જેટલો ભવ્ય રોડશો કર્યો અને સાથે જ દીદીને સીધાં જ પડકાર્યાં કે ચૂંટણી આવતાં સુધીમાં  મમતાદીદી પક્ષમાં એકલાં જ રહેશે. ભાજપની વ્યૂહરચના તૃણમૂલને ઉશ્કેરવાની અને રાજ્યમાં આગામી એપ્રિલ-મે ૨૦૨૧માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં શક્ય હોય ત્યાં લગી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાની ખરી. જોકે દીદી પણ ગાંજ્યાં જાય એવાં નથી. અમિત શાહના એક કિ,મી.ના રોડશો સામે દીદીએ બોલપુરમાં ૪ કિ.મી.ચાલીને પોતાની કને ભાજપ કરતાં વધુ એટલે કે ૧.૬ લાખ લોકોનું ત્યાં જ સમર્થન હોવાનું બતાવ્યું. શાહની છબી કરતાં નીચે કવિવર રવીન્દ્રનાથ ઠાકુરનું  રેખાંકન મૂકાયાના મુદ્દા ઉપરાંત રવીન્દ્રનાથનો જન્મ શાંતિનિકેતનમાં થયાનો કે તેમના રાષ્ટ્રવાદ અંગે ભાજપ થકી ભાંગરો વટાયાને પણ તૃણમૂલ થકી મુદ્દો બનાવાયો છે. ભાજપ તૃણમૂલના ધારાસભ્યોને ખરીદી શકે છે, પણ પ્રજા પોતાને પડખે હોવાનું મમતા બેનરજી કહી રહ્યાં છે. કેન્દ્ર સરકારના સીધા નિયંત્રણ હેઠળની વિશ્વ-ભારતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આલોચક એવા નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેનના નિવાસસ્થાનના વિવાદ સહિતના મુદ્દા ચકચાર જગાવી રહ્યા છે. એક બાજુ, ભાજપ અને તૃણમૂલનું આ રમખાણ ચાલે છે ત્યાં બીજી બાજુ,  માર્ક્સવાદી પક્ષ અને કોંગ્રેસ સાથે મળીને તૃણમૂલ  અને ભાજપ સામે જંગે ચડવાના છે. એ બંને પક્ષોએ તો જાહેરમાં માંગણી કરી છે કે તૃણમૂલના ઘણા ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે એટલે હવે મમતા સરકારે વિધાનસભામાં બહુમતી સાબિત કરવી જોઈએ.

મા, માટી અને માનુસ

તૃણમૂલનાં સુપ્રીમો મમતા બેનરજીએ ૧ જાન્યુઆરી ૧૯૯૮ના રોજ  એ વેળાના સત્તારૂઢ માર્ક્સવાદીઓ સાથે મળી ગયેલી મનાતી કોંગ્રેસ સાથે છેડો ફાડીને તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી હતી. એના ૨૩મા સ્થાપના દિવસે મુખ્યમંત્રી મમતાએ પોતાની લડત લોકોના હિતમાં અવિરત ચાલુ રાખવાના સંકલ્પ સાથે જ મા, માટી અને માનૂસના સૂત્રનો પુનઃ ટંકાર કર્યો હતો. વર્ષ ૨૦૧૧માં એમના પક્ષે કોંગ્રેસ સાથે રહીને વર્ષ ૧૯૭૭થી સતત રાજ કરતા ડાબેરી મોરચાને પરાસ્ત કરીને સત્તા મેળવી હતી. વર્ષ ૨૦૧૬માં એમના પક્ષે એકલેહાથે ૨૦૧૧ કરતાં પણ વધુ બેઠકો મેળવીને સરકાર રચી હતી. સામાન્ય રીતે સનકી ગણાતાં મમતાદીદીને  સદગત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ખૂબ ગણતરીબાજ ગણાવતા રહ્યા છે. પ્રણવદાએ પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે મમતા ભલે ભાવાવેશમાં બેફામ બનીને નિવેદનો કરતાં હોય પણ રખે કોઈ માને કે એ ગણતરી વિના આવું કરે છે. મમતા પોતાના સમર્થકો અને પ્રજાની નાડ બરાબર પારખીને જ નિવેદનો કરે છે. માર્ક્સવાદી નેતાઓ પણ ભાજપમાં ભળવા માંડ્યા છે ત્યારે ડાબેરી મોરચો પોતાનું વજૂદ ગુમાવી રહ્યો છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી તો એવી ભવિષ્યવાણી કરી રહ્યા છે કે છેવટે મમતાએ કોંગ્રેસના શરણે આવવું પડશે. હમણાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના કાફલા પર થયેલા મનાતા હુમલા પછી ત્રણ આઈપીએસ અધિકારીઓને કેન્દ્ર સરકારે પાછા બોલાવવાનો આદેશ આપ્યા છતાં મમતા સરકારે એમને જવા દીધા નથી એ મુદ્દે મમતાને દેશભરમાંથી વિપક્ષી નેતાઓનું અને મુખ્યમંત્રીઓનું સમર્થન મળ્યું છે. આ ઘટનાક્રમને જોતાં ભાજપ સામે સહિયારી લડાઈ માટે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે તૃણમૂલ પણ જોડાશે કે કેમ એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જોકે રાજકીય ક્ષેત્રમાં કશું જ અશક્ય નથી. કેરળ અને પશ્ચિમ બંગાળમાં માર્ક્સવાદી નેતાઓ પણ ભાજપ સાથે ગઠબંધન પણ કરતા હોય તો મમતા ડાબેરીઓ અને કોંગ્રેસીઓ સાથે જોડાણ કરે એવી શક્યતા નકારી શકાય નહીં. જોકે ચૂંટણી નજીક આવશે તેમ આ ચિત્ર સ્પષ્ટ થશે. ભાજપના હોદ્દેદારો જાહેર કર્યા કરે છે કે તૃણમૂલના કાર્યકરો  હજારોની સંખ્યામાં ભાજપ ભણી હિજરત કરે છે. આ ચિત્ર હજુ પ્રવાહી છે. દરમિયાન, ભાજપના મોરચામાં રહેલા બિમલ ગુરુંગ પોતાના મૂળ ધ્વજ સાથે ગોરખા જનમુક્તિ મોરચા સાથે મમતાદીદી ભણી વળ્યાનો લાભ તૃણમૂલને થઇ શકે.

રાજ્યપાલની ભૂમિકા સામે પ્રશ્નો

અગાઉ ભાજપના નેતા રહેલા અને હવે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એવા જગદીપ ધનખડની ભૂમિકા વિશે સતત સવાલો ઊઠતા રહ્યા છે. છાસવારે મુખ્યમંત્રી મમતા વિરુદ્ધ નિવેદનો કરતા રહેલા અને કેન્દ્રના ગૃહમંત્રીના અખત્યાર હેઠળ આવતા રાજ્યપાલ પોતાના બંધારણીય હોદ્દાની ગરિમાને છોડીને પક્ષના કાર્યકર તરીકે વધુ વર્તી રહ્યા હોવાની ફરિયાદ તૃણમૂલના નેતાઓ કરતા રહ્યા છે. હવે તો  એમણે રાજ્યપાલનું રાજીનામું માંગવાનું પણ શરૂ કર્યું છે. રાજ્યપાલ કેન્દ્રના પ્રતિનિધિ ખરા અને એને રાજ્ય વિશે અહેવાલ મોકલે પણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગયાની વાત પત્રકાર પરિષદો ભરીને રાજ્યપાલ કરે ત્યારે એમના રાજકીય મનસૂબા નેક નહીં હોવાનું તૃણમૂલ નેતાઓને લાગવું સ્વાભાવિક છે.  ભાજપના કાર્યકરોની હત્યાઓ અને તેમના પર હુમલાઓ તૃણમૂલના કાર્યકરો દ્વારા કરવામાં આવતા હોવાની બૂમરાણ ભાજપ મચાવે છે. સામે પક્ષે તૃણમૂલના નેતાઓનું કહેવું છે કે કેન્દ્રની ઝેડ કે ઝેડ પ્લસ સિક્યોરિટી હેઠળ આવતા ભાજપના નેતાઓ આવા હુમલાઓનાં નાટક કરે છે. યેન કેન પ્રકારેણ કેન્દ્ર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાં રાષ્ટ્રપતિ શાસન લાદીને કે અન્ય રીતે  પોતાને અનુકૂળ ચૂંટણી પરિણામો મેળવીને રાઈટર્સ બિલ્ડિંગ પર કબજો મેળવી લેવા આતુર છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.

તિખારો

દેશ ઉપર કસૂંબા?- ખરો ઉદ્યમ કરો’

રડ્યાં કરે શૂં વળશે, ભાઈ, રડ્યાં કરે શૂં વળશે.

ભૂતતણો બહુ  શોક કરંતાં, ભવિષ્યમાં શૂં મળશે?

શરમાઈને બેસિ રેહતાં, દલદર તે શૂં ટળશે.

નહિં નહિં એમ કંઈ નહિ સધરે, ઉલટો જીવડો બળશે.

કમર કસી તજવીજો કરતાં, ઉદ્યમ ઝાઝા ફળશે?

ડહાપણ ચાનક હિંમત ધરતાં,વિઘનો સંધાં ગળશે.

ધીરજથી  દલગીરી કહાડે, નર્મદ ભાએગ ભળશે.

-     નર્મદાશંકર લાલશંકર, ડાંડિયો, ૧૫ જુલાઈ ૧૮૬૫

ઈ-મેઈલ: haridesai@gmail.com   (લખ્યા તારીખ: ૧ જાન્યુઆરી ૨૦૨૧)

No comments:

Post a Comment