Wednesday 23 September 2020

Farmers' Protests

           પંજાબ–હરિયાણાના ખેડૂતોમાં આક્રોશ અને ચૂંટણીલક્ષી રાજકારણ 

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         પાંચમી જૂનના ત્રણ કેન્દ્રીય અધ્યાદેશો સામે પંજાબના મુખ્યમંત્રીનો વડાપ્રધાન સમક્ષ વિરોધ

·         વિધાનસભા અને લોકસભામાં અલગ અલગ ભૂમિકાવાળા અકાલી દળને પાછળથી જ્ઞાન લાધ્યું

·         હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંતે ખેડૂતો પરના લાઠીમાર અંગે માફી માંગી પણ સત્તા સાથે

·         ખેડૂતોઆંદોલનને રાષ્ટ્રવ્યાપી બનાવવાનાં એલાનો છતાં કિસાન સંઘ ઝાઝો સક્રિય જણાતો નથી

·         ખેડૂતોને ખુલ્લા બજાર અને મોટાં ઉદ્યોગ ગૃહોના ઓશિયાળા બનાવવાને બદલે સમગ્રપણે વિચારાય

Dr.Hari Desai writes weekly column for Gujarat Samachar (London), Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand) and Gandhinagar Samachar (Gandhinagar). You may read the full text on haridesai.com and comment.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ખેતપેદાશો માત્ર કૃષિ પેદાશ વેચાણ સમિતિઓ (એપીએમસી)ને બદલે બહાર પણ વેચી શકવાની સ્વતંત્રતા બક્ષી સ્પર્ધાત્મક ભાવ મળે એ દ્રષ્ટિએ ખેડૂતોના હિતના દાવા સાથે ખેતપેદાશોની ખરીદી અંગેનાં ત્રણ વિધેયક સંસદમાં આણીને દેશભરમાં ભારે અજંપા ભરી સ્થિતિ નિર્માણ કરી છે. બંધારણમાં  કૃષિ રાજ્યોના અધિકારમાં આવતી બાબત હોવા ઉપરાંત  વેપાર-વાણિજ્ય એ કેન્દ્ર તથા રાજ્યોના સમવર્તી (કનકરંટ) યાદીમાં હોવા છતાં રાજ્યો સાથે ચર્ચા વિચારણા કર્યા વિના જ ખેડૂતોના હિતની આડશે કેન્દ્ર સરકારે ત્રણ વટહુકમ ગત ૫ જૂન ૨૦૨૦ના રોજ બહાર પાડ્યા. ગુજરાતમાં હજુ ખેડૂત આગેવાનો પણ કેન્દ્રની આ નીતિ ખેડૂતોના હિતમાં હોવાનું ગાણું ગાય છે, પણ સત્તારૂઢ ભાજપની ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘનાં પંજાબનાં મહામંત્રી સુશીલા બિશ્નોઈ તો કેન્દ્ર થકી લવાયેલા ત્રણેય વટહુકમને “અસ્વીકાર્ય અને ખેડૂતોના શોષણને નિરંકુશ કરનારા” ગણાવે છે. પંજાબના કોંગ્રેસી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ ત્રણેય વટહુકમ ખેડૂત વિરોધી અને પંજાબ વિરોધી હોવા ઉપરાંત બંધારણીય જોગવાઈઓનું પાલન નહીં કરતા હોવાનું જણાવીને એ રદ કરવા આગ્રહ કર્યો. પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતો ભારતીય કિસાન યુનિયનના નેજા હેઠળ આ વટહુકમો  વિરુદ્ધ આંદોલન આદરી બેઠા અને એ દેશભરમાં પ્રસરવાના સંજોગો નિર્માણ થયા. કેન્દ્રમાં ભાજપ અને એના જૂના મિત્ર અકાલી દળ માટે  સાપે છછુંદર ગળ્યા જેવા સંજોગો સર્જાયા છે. ખેડૂત અને કૃષિપેદાશોને લગતા કેન્દ્ર સરકારે આણેલા ત્રણ વટહુકમોનું હજુ હમણાં સુધી ખુલ્લેઆમ સમર્થન કરનારા અને પંજાબ વિધાનસભામાં પણ એ જ ભૂમિકા લેનારા  ભાજપીમિત્ર અકાલી દળને સંસદમાં આ ત્રણ વટહુકમને લગતાં વિધેયક મંજૂર કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે એકાએક જ્ઞાન લાધ્યું. પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતો કેન્દ્રની આ સંદર્ભે નીતિરીતિ સામે જંગે ચડ્યા છે તો વર્ષ ૨૦૨૨માં આવનારી વિધાનસભા ચૂંટણીમાં ફરીને પરાજય સહન કરવાનો વારો આવવાનો અકાલી દળને અંદેશો આવ્યો. બાદલ પરિવારનાં કેન્દ્રનાં મંત્રી હરસીમરત કૌરે મંત્રીપદેથી રાજીનામું આપ્યું.

પંજાબ-હરિયાણામાં ખેડૂતપ્રભાવ

જોકે હજુ અકાલી દળ સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ના ઘટક પક્ષ તરીકે ફારેગ થવાની તૈયારીમાં નથી. એની દ્વિધાપૂર્ણ સ્થિતિમાં પંજાબ ભાજપે તો અકાલી દળથી નારાજ થઈને છૂટા થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી સુખદેવસિંહ ઢીંઢસાના જૂથ સાથે નિકટતા કેળવી પંજાબમાં એકલેહાથે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી લડી લેવાની તૈયારી આદરી છે. હરિયાણામાં ભાજપની મનોહરલાલ ખટ્ટર સરકાર જનનાયક જનતા પાર્ટીના દુષ્યંત ચૌટાલાના સહારે ચાલે છે. નાયબ મુખ્યમંત્રી ચૌટાલાએ કુરુક્ષેત્રમાં ખેડૂત આંદોલનકારીઓ પર થયેલા પોલીસ લાઠીમારને વખોડ્યો અને ખેડૂતોની ક્ષમાયાચના પણ કરી. દુષ્યંત સત્તારૂઢ મોરચામાંથી આઘાપાછા થાય અને કોંગ્રેસ એમને મુખ્યમંત્રી બનાવે તો ભાજપ માટે નીચાજોણું થવાના સંજોગો સર્જાય એટલે મુખ્યમંત્રી મનોહરલાલે પાણી પહેલાં પાળ બાંધવાનો પ્રયાસ કર્યો છે. ૨૦૧૯માં હરિયાણાની ચૂંટણીમાં બીજીવાર ભાજપ સરકાર બનાવવા બહુમતી નહીં મળતાં રાજકીય વિરોધી  દુષ્યંત ચૌટાલા સાથે ભાજપે  સમજૂતી કરવી પડી છે. પંજાબ અને હરિયાણામાં ખેડૂત વર્ગ રાજકીય અને આર્થિક દ્રષ્ટિએ પણ પ્રભાવી છે. જો નાના ખેડૂતોને માથે દેવાં ઘણાં છે. કોઈપણ પક્ષને ખેડૂતોની ખફગી વહોરવાનું પરવડે તેમ નથી.વડાપ્રધાન મોદીએ સંસદમાં દાવો કર્યો કે વિપક્ષ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે, પરંતુ કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ, તૃણમૂલ કોંગ્રેસ જ નહીં; હવે તો સંઘ પરિવારના કિસાન સંઘને પણ કેન્દ્રના વલણમાં ખેડૂતોના શોષણની શક્યતા વધતી જણાતી હોય અને એ અંગે પુનર્વિચાર કરવાનો આગ્રહ કરાતો હોય તો ખેતીમાં કોર્પોરેટ ગૃહો પ્રવેશવાની અને સંઘરાખોરીની ક્ષમતા વધવાની શક્યતા નકારી શકાય તેવી નથી. ખેતપેદાશોમાં પંજાબ અને હરિયાણાને અવગણવાનું રાષ્ટ્રીય દ્રષ્ટિએ ભારે પડી શકે છે. એટલે માત્ર વિપક્ષોને દોષ આપવો કે પંજાબ અને હરિયાણામાં આડતિયાઓનાં હિત ખાતર આંદોલન કરાવાય છે એવું કહેવું વધુ પડતું છે. રાજ્ય સરકારોને એપીએમસી મારફત થતી આવક ઘટવાના સંજોગો પણ છે. એપીએમસી કાયદામાં જરૂરી સુધારા કરવામાં આવે અને એના વહીવટમાં પારદર્શકતા લવાય એ અનિવાર્ય છે; પરંતુ ખેડૂતોને કે રાજ્યોને કન્સલ્ટ કર્યા સિવાય મનસ્વીપણે બહુમતીના જોરે કાયદા કરી નાંખવા કે અમલી બનાવવા જતાં લાંબેગાળે એ કૃષિપ્રધાન દેશનું અહિત જ કરશે.   

ટેકાના નહીં, પોષણક્ષમ ભાવ

ખેડૂતોની આવક અનેકગણી વધારી દેવાનાં વચનો અગત્સ્યના વાયદા સાબિત થયાં છે. ખેડૂતોના આપઘાત  વધતા ચાલ્યાનું કેન્દ્ર સરકારે બહાર પાડેલા સત્તાવાર આંકડા જ પૂરવાર કરે છે. ખેડૂતોને પાક વીમાના કટુ અનુભવ પછી કોર્પોરેટ ખેતીના વિષચક્રમાં અટવાઈ જવાના સંજોગો સંબંધિત ત્રણેય વિધેયકો થકી સર્જાવાની શક્યતા વધુ છે. ખેડૂતોનાં દેવાં માફ કર્યા કરવા કરતાં તેમને નફાકારક ભાવો મળે એવી સંઘ પરિવારના કિસાન સંઘની ભૂમિકા આવકાર્ય છે, પણ નાના ખેડૂતોને ખેતીમાં ખર્ચ કે રોકાણ જેટલા ખેતપેદાશના ભાવ પણ મળતા નથી. ટેકાના ભાવ જાહેર કરીને ખરીદી કરાય છે. ટેકાના એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવ કરતાં સ્વામિનાથન સમિતિની ભલામણોના અમલ અન્વયે નફાકારક ભાવ મળે એવી વ્યવસ્થાનું તંત્ર ઊભું કરવાની જવાબદારી સરકારની હોવા છતાં એ માત્ર રાજકીય નિવેદનોમાં જ સમાઈ જાય છે. ૧૯૯૧ પછીના ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના યુગમાં કલ્યાણરાજ્યની કલ્પનાને બદલે ખુલ્લા બજારની નીતિરીતિ અપનાવવા જતાં નાના અને સીમંત ખેડૂતોની શી વલે  થશે, એનું પૂરતું ચિંતન અનિવાર્ય બને છે. ખેડૂતોને ખુલ્લા બજાર અને મોટાં ઉદ્યોગ ગૃહોના ઓશિયાળા બનાવવાને બદલે એમના અને દેશના હિતનો સમગ્રપણે વિચાર કરીને કાયદા ઘડવામાં આવે અને સંબંધિત રાજ્યો જ નહીં, ખેડૂત સંગઠનો સાથે  પણ પરામર્શ થાય એ અનિવાર્ય છે. બહુમતીના જોરે નિર્ણય કરવા જતાં જનસામાન્યનું અહિત થાય નહીં એ જોવાની જવાબદારી પણ શાસકોની જ છે.

માત્ર ચૂંટણીલક્ષી નિર્ણયો ઘાતક

પંજાબ અને હરિયાણામાં ખેડૂતોમાં વ્યાપેલો રોષ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ પ્રસર્યો છે. દિલ્હીમાં તો વિરોધ પ્રદર્શન કરવા માટેની મોકળાશ ના મળે ત્યારે હરિયાણાના કૈથલમાં તો વડાપ્રધાન મોદીના પૂતળાને બાળવાના કાર્યક્રમ સુધી ખેડૂત આક્રોશ વધ્યો છે.  છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ તો ખેડૂત આંદોલન રાષ્ટ્રવ્યાપી થવાની શક્યતા નિહાળે છે. સત્તાવાળાઓની ફરજ બને છે કે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સમાજ અને દેશના હિતમાં નિર્ણયો લેવામાં આવે, માત્ર ચૂંટણીલક્ષી નિર્ણયો જ લેવાતા રહેશે તો એ લાંબે ગાળે દેશ માટે પણ ઘાતક સાબિત થશે. બિહાર કે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી માથે હોય ત્યારે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના “કોઓપરેટીવ ફેડરલિઝમ”ને વિસારે પાડીને વર્તવામાં આવે તો એ યોગ્ય નથી. મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું જ છે કે જયારે પંજાબમાંના અસંતોષનો લાભ લેવા પાકિસ્તાન રાહ જોઇને બેઠું છે અને સરહદો પર તણાવ છે ત્યારે દેશમાં  અમારા અને પારકા પક્ષનો વિચાર કરવાને બદલે રાષ્ટ્રના હિતનો જ વિચાર કરવાની જરૂર છે. ખેડૂત અસંતોષને ઠારવો પડશે. પંજાબમાં વર્ષ ૨૦૨૨માં આવનારી વિધાનસભાની ચૂંટણી કોને ફળશે એના કરતાં અત્યારે પ્રજાજનોમાં કોરોનાના સંતાપના સમયમાં પણ હજારો ખેડૂતો આંદોલન માટે નીકળે ત્યારે એ માત્ર વિપક્ષના ઈશારે થઇ રહ્યું છે એવું કહેવું એ દેશને સૌથી વધુ અન્નધાન્ય પૂરાં પાડનાર રાજ્યોનું અપમાન છે. સમગ્ર દેશનો વિકાસ સૌના સહિયારા સાથથી જ શક્ય બને છે.

 

ઈ-મેઈલ: haridesai@gmail.com               (લખ્યા તારીખ: ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦) 

 

No comments:

Post a Comment