Wednesday 30 September 2020

Bihar Elections

 

બિહારમાં સત્તા કબજે કરવા આસમાની સુલતાનીના ભાજપી વ્યૂહ

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં ખેલ ખાલી ગયો એટલે “પલટૂ ચાચા” નીતીશ સાથે ઘર માંડ્યું હતું

·         નીતીશકુમારને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરીને જીત્યા પછી ત્રાગું કરવાની કવાયત

·         જેલવાસી લાલુ પ્રસાદના રાજકીય વારસ તેજસ્વી યાદવ  કંઈ સાવ ગાંજયા જાય તેવા નથી

·         જનહિતના મુદ્દાઓને બદલે અભિનેતા સુશાંતસિંહ અને બોલિવુડના વિવાદથી મત અંકે કરાશે  

Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Gandhinagar Samachar (Gandhinagar) and Gujarat Samachar (London).

દુનિયાભરમાં ભલે આપણે શેખી મારીએ કે લોકશાહી વ્યવસ્થા ભારતવર્ષમાં પહેલાંથી હતી અને અત્યારના બિહારની વૈશાલી સહિતનાં જનપદો  અને મહાજનપદો એ લોકશાહી શાસન વ્યવસ્થાનાં કેન્દ્રો હતાં, આજે એ વાતનો દાવો કરવામાં જોખમ છે. અત્યારે તો બાહુબલિ રાજનેતાઓની બોલબાલા હોવા છતાં વર્ષો પહેલાંના યાદવ મુખ્યમંત્રી લાલુ પ્રસાદના કથિત જંગલરાજને સમાપ્ત કરવાના નામે મત માંગવામાં આવે ત્યારે હસવું આવે. પ્રજાના હિતને લગતા મુદ્દાઓને બદલે ચૂંટણીમાં જાણે કે જાહેર મિમિક્રી કાર્યક્રમ યોજીને પ્રચાર કરાતો હોય ત્યારે દોષ કોને દેવો એ કહેવું મુશ્કેલ બને છે. હવે માથે બિહારની વિધાનસભાની ચૂંટણી છે. વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં પ્રજાએ જે ગઠબંધનને સત્તા સોંપવાનો ચુકાદો આપ્યો હતો એ સાથે મુખ્યમંત્રી નીતીશકુમારે વિશ્વાસઘાત કર્યો અને હવે વર્ષ ૨૦૨૦ની વિધાનસભાની ચૂંટણીમાં નીતીશકુમારને વરરાજા તરીકે આગળ કરીને ચાલનારા ભારતીય જનતા પક્ષના અણવર જ ઘાટ પડે તો વરરાજાની ભૂમિકામાં આવી જાય એવા સંજોગો છે. કોણ કોની સાથે છે અને હતું એ બિહારની રાજકીય પરિસ્થિતિમાં કળાવું મુશ્કેલ છે. હવામાન જોઇને પલટી મારવામાં નિષ્ણાત રામવિલાસ પાસવાન તો કેન્દ્રમાં જે સરકાર હોય એમાં મંત્રીપદ પાકું કરી લેવા માટે જાણીતા છે.એમનો મોરચો પુત્ર ચિરાગ સંભાળે છે.  બીજા પૂંછડિયા ખેલાડીઓ પણ એ જ કવાયતમાં છે. કેન્દ્રમાં અત્યારે ભાજપ સત્તામાં છે એટલે એના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચામાં જોડાઈને સત્તાનો  લાભ ખાટવા આતુર થનગનભૂષણો ઓછા નથી. જોકે બિહારમાં લોકનાયક જયપ્રકાશ નારાયણના તમામ ચેલકાઓ આજે નોખા પક્ષોમાં નેતૃત્વ કરનારા રાજનેતાઓ  છે. તેઓ ગાંધી- જેપી- લોહિયા-કર્પૂરી ઠાકુર સહિતના મહાનુભાવોનાં નામ ભલે લેતા હોય; એમના આદર્શો અલોપ થઇ ચૂક્યા છે. ચૂંટણી જીતવી અને સત્તા પ્રાપ્ત કરવી એ બે હેતુ જ હવે કેન્દ્રસ્થાને છે. વાતો અને ઘોષણાઓ ભલે ગમે તે થતી હોય, અમલની વાત આવે ત્યારે ઝાઝો ફરક પડતો નથી.

દગાખોર સાથે દગો માફ ગણાય

કોરોનાનો પ્રભાવ હજુ અખંડ હોવા છતાં ચૂંટણી પંચે બિહારમાં વિધાનસભાની મુદત પૂરી થાય એ પહેલાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજવાનું નક્કી કરીને ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ૨૮ ઓક્ટોબર, ૩ અને ૭ નવેમ્બરે મતદાન થશે. કોરોના પ્રભાવની વિપરિત અસરો મતદાન પર ના થાય એ માટે પૂરતી તકેદારી લેવામાં આવ્યાનું મુખ્ય ચૂંટણી આયુક્ત સુનીલ અરોડાએ ૨૫ સપ્ટેમ્બરે જાહેર કર્યું. આચારસંહિતા અમલી બની. આગામી ૧૦ નવેમ્બરના રોજ મતગણતરીને પગલે  ચૂંટણીનાં પરિણામ જાહેર થશે. ઓક્ટોબર – નવેમ્બર ૨૦૧૫માં જનતા દળ (યુ)ના નીતીશકુમાર અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના લાલુપ્રસાદની જોડીએ તરખાટ મચાવ્યો હતો અને સત્તા કબજે કરી. એ વેળા ચારા કૌભાંડમાં સંડોવાયેલા હોવાને કારણે ચૂંટણી લડવા માટે લાયકાત ગુમાવી બેઠેલા અને અત્યારે જેલવાસી  લાલુએ  નાના પુત્ર તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવાનો દુરાગ્રહ રાખ્યા વિના “ચાચા” નીતીશકુમારને જ મુખ્યમંત્રી બનાવવાની ભૂમિકા લીધી. તેજસ્વીને નાયબ મુખ્યમંત્રી તેમ જ લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપને કેબિનેટ મંત્રી બનાવાયા હતા. દોઢેક વર્ષમાં તેજસ્વીનું નામ ગેરરીતિઓના વિવાદમાં આવતાં નીતીશકુમારને બહાનું મળ્યું અને તેમણે પલટી મારીને ભારતીય જનતા પક્ષ સાથે ઘર માંડ્યું. “પલટૂ ચાચા” તરીકે વિરોધીઓમાં ચર્ચિત બનેલા નીતીશકુમાર મુખ્યમંત્રી તો રહ્યા પણ એમના નાયબ મુખ્યમંત્રી તરીકે વિધાનસભામાં વિપક્ષના નેતા એવા  ભાજપના સુશીલ કુમાર મોદીએ સ્થાન લીધું. તેજસ્વી વિપક્ષના નેતા બન્યા. હવે મુખ્યમંત્રી નીતીશકુમાર સાથે ભાજપ દગો કરે તો એનો દોષ ભાજપને દેવાય કે માફ ગણાય એ ચર્ચા અત્યારથી શરૂ થઇ ગઈ છે. સાથે જ નીતીશ ફરી પાછા લાલુના પક્ષ સાથે ઘર માંડવાની તૈયારી પણ રાખે તો બહુ આશ્ચર્ય ના પામતા. મહારાષ્ટ્રના ઘટનાક્રમને રાખે ભૂલીએ. ઓછામાં પૂરું, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેલા દેવેન્દ્ર  ફડણવીસ અહીં ભાજપના પ્રભારી તરીકે આવ્યા છે.  

નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ પર મદાર

બિહારની રાજકીય પરિસ્થિતિ ગમે ત્યારે ગમે તેવા પલટા લેવા માટે જાણીતી છે એટલે આ વખતની ચૂંટણી કેવાં પરિણામ લઇ આવશે એ કહેવાનું અત્યારે અકળ છે. એટલું નિશ્ચિત છે કે  આરજેડી  અને કોંગ્રેસ  સહિતનું તેજસ્વીના વડપણવાળા મહાગઠબંધનમાં બધું સમુસૂતરું નથી. જોકે ભાજપનાં વડપણવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)માં પણ કકળાટ તો છે પરંતુ કેન્દ્રમાં એ સત્તારૂઢ મોરચો હોવા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું પ્રભાવી વ્યક્તિત્વ એનું વડપણ કરતું હોવાથી ઘીના ઠામમાં ઘી પડ્યું રહેવાની શક્યતા વધુ છે. અત્યારના સંજોગોમાં એનડીએનો હાથ ઉપર જણાતો હોવા ઉપરાંત કોંગ્રેસને આરજેડી વધુ બેઠકો ફાળવવાની તૈયારીમાં નથી તેમજ ડાબેરી પક્ષોમાં પણ કલહ છે એટલે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી ફરી નીતીશકુમારને મુખ્યમંત્રી બનાવવાની ઘોષણા સાથે આગળ વધે છે. જેડી(યુ) કરતાં ભાજપને વધુ બેઠકો મળે અને બહુમતી અંકે કરવા માટે ભાજપને અન્ય વિકલ્પો હોય તો બિહારને પહેલો ભાજપી મુખ્યમંત્રી આપવાનો સંકલ્પ ખરો.વિધાનસભાની છેલ્લી ચૂંટણી વખતે જે માહોલ હતો એ અત્યારે નથી.રાજકીય મિત્ર અને શત્રુઓ બદલાયા છે, પરંતુ એક વાત સામાન્ય છે કે બધા પોતાને લોકનાયક જયપ્રકાશના અનુયાયી ગણાવવાનું પસંદ કરે છે. લાલુ, નીતીશ, શરદ યાદવ, સુશીલ મોદી સહિતના નેતાઓ તો ગુજરાતના નવનિર્માણ આંદોલન પછી બિહારમાં જે.પી.ના નેતૃત્વમાં ચલાવાયેલા સમ્પ્પોર્ણ ક્રાંતિ આંદોલનની જ પેદાશ છે, ભલે છાવણીઓ નોખી હોય.જેલવાસી લાલુ વર્ષોથી સક્રિય રાજકારણમાં નથી છતાં આજે પણ એમના વિરોધીઓ લાલુના જંગલ રાજનું  રટણ  કર્યા કરે છે. ચૂંટણી પ્રચારમાં પ્રજાહિતલક્ષી  મુદ્દાઓને બદલે અભિનેતા સુશાંત સિંહની આત્મહત્યાનો કે બોલિવુડનો મુદ્દો ચગાવાય એવી શક્યતા વધુ છે.

મુસ્લિમ-યાદવ સમીકરણ તોડાશે

બિહાર વિધાનસભાની કુલ બેઠકો ૨૪૩ છે. ગત ચૂંટણીમાં મહાગઠબંધનમાં સામેલ આરજેડીને સૌથી વધુ ૮૦ બેઠકો મળી હતી. જેડી(યુ)ને ૭૧ બેઠકો મળી હતી. કોંગ્રેસને ૨૭ બેઠકો અને અન્યને ૭ બેઠકો મળી હતી. એ વેળા એનડીએમાં સામેલ ભાજપને ૫૩, એલજેપીને ૨, રાલોસપા (કુશવાહા)ને ૨ અને હમ (માંઝી)ને ૧ બેઠક મળી હતી. રાજકીય પલટા આવ્યા પછી અત્યારે સત્તારૂઢ એનડીએની વિધાનસભામાં સભ્યસંખ્યા ૧૩૦ છે. વિપક્ષી મહાગઠબંધનની ૧૦૦ અને ૧૨ બેઠકો ખાલી છે. ઓવૈસીની એમઆઈએમની ૧ છે.  રાજ્યમાં મતદારોમાં ઓબીસી /ઈબીસી લગભગ ૫૦% જેટલાં છે. દલિત અને મહાદલિત ૧૫%, મુસ્લિમ ૧૬.૯%, આદિવાસી ૧.૩% અને સવર્ણ ગણાતી જાતિઓના ૧૯% છે.રાજ્યના મતદારોમાં જાતિગત સમીકરણો પ્રમાણે મતદાન કરવાની પરંપરા છે. ભાજપ અને સંઘ પરિવારે જે પ્રકારે સામાજિક સમરસતાનો પ્રયોગ કરવા માટે જોડાણો કર્યાં છે. ઉપરાંત મુસ્લિમ મતોમાં ભાગ પડાવવા માટે ઓવૈસીના પક્ષના ઉમેદવારો લાલુના પરંપરાગત “એમવાય” (મુસ્લિમ-યાદવ) સમીકરણને કનડે એવું લાગ્યા વિના રહેતું નથી. આમ છતાં, લાલુના ઘડાયેલ વછેરા તેજસ્વીને ઓછા આંકવા એ ભોંય ભૂલવા જેવું છે. લાખો લોકોને રોજગારીના સમયબદ્ધ વચન સાથે તેજસ્વી રાજ્યભરમાં ફરી વળ્યો છે. પ્રજાની સહાનુભૂતિ મેળવવામાં એ સફળ થાય તો મુખ્યમંત્રીપદ મેળવી શકે, પણ એના ગઢમાં ગાબડાં પાડવા માટે ભાજપ થકી સુરંગો ગોઠવાયેલી છે.   બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાતાં સૌની નજર તો એ બાબત પર છે કે કોરોના માર્ગદર્શિકાનું પાલન કરતાં રાજકીય પક્ષો પોતાનો પ્રચાર કઈ રીતે કરીને મતદારોને પ્રભાવિત કરે છે. તેજસ્વી અને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમ જ  રણદીપ સુરજેવાલા જેવા નેતાઓ ભલે દાવો કરતા હોય કે વર્તમાન શાસકોથી પ્રજા ત્રસ્ત છે અને સત્તા પરિવર્તન ઝંખે છે, પરંતુ વિપક્ષી એકતા મજબૂત ના હોય અને સત્તારૂઢ મોરચાને મતદારોને પ્રભાવિત કરવાની મોકળાશ હોય ત્યારે વિપક્ષનું સત્તાસ્વપ્ન સાકાર થવું જરા મુશ્કેલ લાગે છે. જોકે આ તો બિહાર છે. ગમે બાજુ પ્રજા ઢળી શકે કારણ કોરોના કાળમાં બિહારી શ્રમિકોની દેશભરમાં જે હાલત થઇ એનો વિચાર મતદાન વખતે આવે તો ચિત્ર બદલાઈ શકે. અત્યારે કોઈન નક્કી તારણ પર આવવું મુશ્કેલ છે.    

 

ઈ-મેઈલ: haridesai@gmail.com                     ( લખ્યા તારીખ: ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૦ )

No comments:

Post a Comment