Thursday 18 June 2020

Desperation to have majority in Rajya Sabha by hook or crook

રાજ્યસભામાં બહુમતી કરવાની કવાયતમાં લોકશાહીના વરવા ખેલ
અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ
·         બળવંતસિંહને રાજ્યસભે પાઠવવાનો ભાજપી દાવ ઊંધો પડ્યા છતાં કોંગ્રેસને તોડવાની મંછા હજુ અકબંધ
·         જયપુરમાં ય  ભોપાલવાળી કરીને  ફરી ભાજપની સરકાર સ્થાપિત કરવાની કોશિશ કરાઈ રહ્યાનો  થનગનાટ
·         માધવસિંહ સોલંકીની સરકારમાં મંત્રી રહેલા રાજકોટના રાજવી પરિવારના દાદાબાપુની એક ગૌરવવંતી વાત
·         કોંગ્રેસના બંને ઉમેદવાર શક્તિસિંહ અને ભરતસિંહને જીતાડવા ખૂટતા મતની વ્યવસ્થા હજુ શંકરસિંહ કરી શકે

ગુજરાત સહિતનાં વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની ખાલી પડતી બેઠકો કબજે કરવાની કવાયતમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની જે પ્રકારે કવાયત ચાલી રહી છે લોકશાહી મૂલ્યોને લૂણો લગાડી રહી છે. ભાજપની નેતાગીરી કોંગ્રેસમાંથી હિજરતને પોતાના પક્ષ સાથે સંબંધ નહીં હોવાનું કહીને કાને હાથ દે છે. જોકે ગુજરાતમાં વિધાનસભાની ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણી પહેલાંની રાજ્યસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસના નેતા અહમદ પટેલને પાડી દેવાના ઈરાદે શંકરસિંહ વાઘેલાને સાધીને સંખ્યાબંધ ધારાસભ્યોને તોડી  ભાજપના આયાતી ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને રાજ્યસભે પાઠવવાનો ભાજપનો દાવ ઊંધો પડ્યો હોવા છતાં કોંગ્રેસને તોડવાની એની મંછા હજુ અકબંધ છે. વખતે ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠક ખાલી પડી અને એની ચૂંટણી માટે સંખ્યાબળની દ્રષ્ટિએ બે બેઠક ભાજપને અને બે કોંગ્રેસને મળે એવું હતું,પણ ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે જૂના કોંગ્રેસી  નરહરિ અમીનને મેદાનમાં ઉતારીને અને આઠેક કોંગ્રેસી ઉમેદવારોને રાજીનામાં અપાવીને ભાજપના ત્રણ અને કોંગ્રેસનો એક ઉમેદવાર રાજ્યસભે જાય એવો કારસો રચ્યો છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને નાચવું ના હોય ત્યારે આંગણું વાંકું ન્યાયે છેલ્લી ઘડીએ પોતાના પક્ષની નેતાગીરી સામે વાંધા વચકા દેખાય છે.

જયપુરમાં ભોપાલવાળીનો વ્યૂહ

મધ્યપ્રદેશમાં તો કોરોનાગ્રસ્ત સમયગાળામાં કોંગ્રેસના કમલનાથની સરકારને ડૂલ કરવા માટે જે ઓપરેશન હાથ ધરાયું એમાં કોંગ્રેસના મોવડીમંડળના અત્યંત નિકટના ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયાની વિકેટ પાડીને એમના સમર્થક ધારાસભ્યોને રાજીનામાં અપાવી ભાજપે ભોપાલમાં ફરી શિવરાજસિંહ ચૌહાણની ભાજપ સરકાર સ્થાપિત કરી. અન્ય રાજ્યોમાં પણ ભાજપ થકી કોંગ્રેસ કે અન્ય પક્ષોમાં ધાડ પાડવાની નીતિ એટલી પ્રભાવી રહી છે કે જ્યાં કોંગ્રેસ કે અન્ય પક્ષની બહુમતી હોય ત્યાં પણ ભાજપની સરકાર બની જાય  છે. હવે રાજસ્થાનમાં પણ ધાડ પાડવાનો ખેલ રચાયો છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કે કોંગ્રેસના અપક્ષ ધારાસભ્યોને પટાવીને ભાજપ માત્ર રાજ્યસભામાં પોતાના વધારાના ઉમેદવારને જીતાડવાની વેતરણમાં નથી, પણ ઓપરેશન કમળ દ્વારા ભોપાલવાળી કરવાની વેતરણમાં છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટ વચ્ચેના અણબનાવનો લાભ લેવાની કોશિશ કરી જયપુરમાં ફરી ભાજપની સરકાર સ્થાપિત કરવાની કોશિશ કરવાનો થનગનાટ જોવા મળે છે. ગેહલોતે એમના ધારાસભ્યોને ૨૫ કરોડ રૂપિયાની ઓફર થયાની વાત કરી છે. એમણે ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્યોને સાચવવાની સાથે જ પોતાના ટેકેદારોને પણ અકબંધ રાખવાનો પડકાર છે.  જોકે અહીં   હવે રાજ્યસભામાં બહુમતી માટેનું ભાજપનું  લક્ષ્ય સહેતુક છે. લોકસભામાં તો ૫૪૫માંથી ૩૦૩ બેઠકો સાથે ભાજપ પોતાના બળે બહુમતી ધરાવે છે, પણ ૨૪૫ સભ્યોની રાજ્યસભામાં ભાજપના માત્ર ૭૫ સભ્યો છે એટલે એણે અન્ય પક્ષો પર અવલંબન રાખવું પડે છે. જૂન ૨૦૨૦માં જે ૫૫ + એટલે કે ૬૧ બેઠકોની ચૂંટણી છે તેમાં વધુને વધુ બેઠકો ભાજપને મળે એવી કોશિશ થઇ રહી છે. ૧૯ જૂનની ચૂંટણી પછી પણ રાજ્ય સભામાં ભાજપની બેઠકો બહુમતીને આંબવામાં નથી. જોકે જેટલી જલદી એ બહુમતી મેળવી શકે એટલે કે ૧૨૩ બેઠકો મેળવે એ દિશામાં પ્રયત્ન કરવામાં છે.

વાજપેયી-આડવાણી યુગ આથમ્યો
ભાજપની નેતાગીરી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી કને છે. ભલે  જે.પી.નડ્ડા ભાજપના અધ્યક્ષ હોય, વ્યૂહ તો મોદી-શાહની જોડી જ ઘડે છે. અગાઉ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ આડવાણી કને પક્ષનું નેતૃત્વ હતું ત્યારે આવી આક્રમક તોડફોડનો યુગ નહોતો. આડવાણી તો બ્રિટનમાં સંસદની બેઠકોની ક્યારેક બોલી બોલાતી હોવાની વાત કરતા અને સમયાંતરે એ લોકશાહી પરિપક્વ બન્યાની વાત જણાવતા હતા. ભારતીય લોકશાહી આઝાદીના સમયગાળામાં પરિપક્વ બની હતી અને હવે એ અધોગતિ પામી રહી હોય એવું અનુભવાય છે. સરકાર બનાવવા કે રાજ્યસભાના ઉમેદવારને ચૂંટવા માટે વિપક્ષના ધારાસભ્યોને પોતાના ઉમેદવારને મત આપવા પ્રેરવા કે  રાજીનામાં અપાવીને પોતાની સાથે જોડવા તેમજ માત્ર ચાર કલાક કે બાર કલાકમાં મંત્રીમંડળમાં સામેલ કરવા સહિતના ઘટનાક્રમને વર્તમાન યુગમાં મોકળાશ મળી છે. પક્ષાંતર વિરોધી ધારાની છટકબારીઓ કામે લગાડાય છે. વર્ષ ૨૦૦૨માં મોદીના નેતૃત્વમાં  ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઇ ત્યારથી અત્યાર સુધી ૬૨ જેટલા કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાયા અને બીજા નેતાઓની સંખ્યા તો બેસુમાર રહી છે. મંત્રીમંડળમાં અડધોઅડધ સભ્યો કોંગ્રેસમાંથી આવેલા છે. સત્તા સાથે સંધાણ સાધવા આતુર કોંગ્રેસીઓ થકી હવે તો ફરી એકવાર આડવાણીનું કથન સાચું પડી રહ્યું છે કે ભાજપનું કોંગ્રેસીકરણ થઇ ગયું છે. જોકે સત્તાસુંદરીનો ભોગવટો કરવામાં નીતિમૂલ્યો અને આદર્શો કોરાણે મૂકાય એ સ્વાભાવિક છે.
રાજકોટમાં દાદાબાપુની ગરિમા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ રહેલા ડૉ. હરેશ ઝાલાએ હમણાં માધવસિંહ સોલંકીની સરકારમાં મંત્રી રહેલા અને રાજકોટના રાજવી પરિવારના મનોહરસિંહ જાડેજા (દાદાબાપુ)ની એક ગૌરવવંતી વાત કરી હતી: ૧૯૮૧માં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ૨૬ અને કોંગ્રેસને ૨૫ બેઠકો મળી. ગાંધીનગરમાં સત્તા  કોંગ્રેસની હતી અને મગનલાલ સોનપાલ નામક ભાજપી નગરસેવક કોંગ્રેસ ભણી ગયા એટલે મહાનગરપાલિકામાં સત્તા કોંગ્રેસને મળે એવા સંજોગો ઊભા થયા. આની સામે વિરોધ નોંધાવવા ભાજપના નેતા ચીમનભાઈ શુકલ ઉપવાસ પર બેઠા. એ વેળા જામજોધપુરના ધારાસભ્ય ચીમનભાઈ પટેલ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. એ રાજકોટ આવ્યા અને ચીમનભાઈને ઉપવાસ નહીં કરવા સમજાવ્યા પણ એ માન્યા નહીં. રાજકોટમાં ભારે અજંપો સર્જાયો. છેવટે દાદાબાપુએ ચીમનભાઈ શુકલને પારણાં કરાવ્યાં અને પક્ષપલટો કરનાર નગરસેવક પરત ગયા. આવા આદર્શના ગુજરાતમાં અત્યારે તો ડિસેમ્બર ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પછી સંખ્યાબંધ કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામાં આપીને કાં તો ભાજપમાં જોડાઈને મંત્રી બન્યા કે પછી ભાજપમાં જોડાવાની વેતરણમાં છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા મોટાભાગના ધારાસભ્યો ચૂંટણી હાર્યા હોવા છતાં સત્તાપક્ષ સાથે રહેવાના ફાયદા પણ એ લણે છે.
શંકરસિંહ વાઘેલાની સક્રિયતા   
ક્યારેક ભાજપમાં બળવો કરીને ગુજરાતના મુખ્યમંત્રી બનેલા શંકરસિંહ વાઘેલાનું ગોત્ર તો સંઘ-જનસંઘ અને ભાજપ હોવા છતાં એમણે સત્તા મેળવવા માટે ભાજપ તોડી રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા) રચીને  કોંગ્રેસ સાથે નાતરું કર્યું હતું. એ પછી કોંગ્રેસમાં જોડાઈને કેન્દ્રમાં મંત્રી અને પછી વિધાનસભામાં વિપક્ષના નેતા પણ બન્યા હતા. કોંગ્રેસ સાથે ગોઠ્યું નહીં એટલે છૂટા થઈને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી)માં જોડાયા. ગુજરાતમાં પહેલાંથી શંકરસિંહ અને એનસીપી ભાજપની બી-ટીમ હોવાની છાપ ધરાવે છે. હવે રાજ્યસભાની ચૂંટણી ટાણે કાયમના બળવાખોર  બાપુને પવારે ગુજરાતના પ્રમુખના હોદ્દેથી દૂર કર્યા અને એમના પક્ષના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને મત આપે એવા સંજોગો છે ત્યારે બાપુ ફરી રાજપાને સજીવન કરવાની વેતરણમાં છે. જોકે ૭૯ વર્ષની વયે પણ આજકાલ વાઘેલા જે રીતે રાજ્યભરમાં પ્રવાસ ખેડીને સરકારને ભીંસમાં લઇ રહ્યા છે એ જોતાં ઘણાને બાપુના નવઅવતાર વિશે  આશ્ચર્ય થાય છે. કેટલાક એમને ફૂટી ગયેલી બંદૂક કહે તો છે પણ અત્યારના સંજોગોમાં કોંગ્રેસ જો તેમની મદદ માંગે તો કોંગ્રેસના બંને ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ  અને ભરતસિંહ સોલંકીને જીતાડવા ખૂટતા ચાર-પાંચ મતની વ્યવસ્થા શંકરસિંહ કરી શકે એ અશક્ય નથી. ભાંગ્યું ભાંગ્યું તો ય ભરૂચ જેવા બાપુ હજુ ભાજપના કેટલાક ધારાસભ્યોને રમાડી શકે છે. કોંગ્રેસ માટે દ્વિધા એ છે કે ક્યારેક કોંગ્રેસના નેતા રહેલા બાપુ સામે ચપણિયું લંબાવવું કે કેમ? જોકે વડાપ્રધાન સાથે સીધું સંધાણ ધરાવતા ભાજપી ઉમેદવાર  અભય ભારદ્વાજ અને રમીલા બારા એ બંને તો જીતશે. નરહરિ અમીને પોતાના બળે જીતવાનું છે. બાપુ કળા કરી શકે કારણ ભરતસિંહ જીતવાની વેતરણમાં છે ત્યારે શક્તિસિંહની ડૂબતી નૈયાને પાર લગાવવામાં વાઘેલા બાપુ વહારે આવે છે કે નરહરિભાઈનો મોરલો કળા કરે છે એ ભણી સૌની નજર છે.કોંગ્રેસ માટે હવે પોતાના અસ્તિત્વનો સવાલ છે.  ન જાણ્યું જાનકી નાથે ૧૯ જૂને શું થવાનું છે!
ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ:  ૯ જૂન ૨૦૨૦ )


No comments:

Post a Comment