Tuesday 14 April 2020

Gandhi-Sardar, Nobel-Bharat Ratna and Hindu Rashtra

દેશના ભાગ્યવિધાતાઓ ભણવા કરતાં ગણવામાં વધુ  તેજસ્વી
ડૉ.હરિ દેસાઈ
·         ગાંધીજી કે સરદાર પટેલને નોબેલ પારિતોષિક કે ભારતરત્ન મળે કે ના મળે એની ખેવના નહોતી
·         બિરલાએ પૂછ્યું: ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરીશુંને? સરદાર કહે : “હિંદુરાષ્ટ્ર પાગલોં કા ખયાલ હૈ.”
·         ગાંધીજી  સાથે મતભેદો પછી પણ નેતાજી સુભાષચંદ્ર બોઝે તો મહાત્માને રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા
·         સરદારની ભવિષ્યવાણી હતી કે પાકિસ્તાન બન્યું તો ખરું,પણ એ ભવિષ્યમાં ભારત સાથે મળી જશે


ફરી ફરીને પ્રજાને આઝાદીના જંગનું સ્મરણ કરાવવાની જરૂર છે. જે પ્રજા પોતાનો ઈતિહાસ ભૂલે છે એ વર્તમાન અને ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકાતી નથી. હા, માત્ર ઇતિહાસમાં જ રમમાણ રહેવાથી ભવિષ્ય ઉજ્જવળ નહીં બને. ઈતિહાસને સાચા સ્વરૂપે સમજીને ઉજ્જવળ ભવિષ્યની ઈમારતનું નિર્માણ થઇ શકે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની વાત આવે ત્યારે કેટલાંક વિરાટ વ્યક્તિત્વો આપણી નજર સામે તગે છે. એમનો વાસ્તવિક પરિચય ઘણીવાર નવી પેઢીને કરાવવો અનિવાર્ય બની જાય છે.ક્યારેક એવું પણ બને છે કે અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને એમની ટ્રેની મોનિકા લેવેન્સ્કીના પ્રકરણની જાણકારી ધરાવનાર અમારાં પત્રકારત્વનાં અંગ્રેજી માધ્યમનાં અનુસ્નાતક વિદ્યાર્થીઓને ગુજરાતના મુખ્યમંત્રીઓ વિશે જાણ ના હોય એવું પણ બન્યું છે. એવું પણ નથી કે માત્ર વિદ્યાર્થીઓને જ હકીકતોની જાણ ના હોય, મોટેરાં પણ કેટલીક હકીકતોથી અજાણ હોય છે અને એમનો ખાલીપો વોટ્સઅપ યુનિવર્સિટી ભરે છે!  રાષ્ટ્રપિતા બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી પોરબંદરમાં જન્મ્યા હતા ૨ ઓક્ટોબર ૧૯૬૯ના રોજ. બેરિસ્ટર વલ્લભભાઈ પટેલનો મનાવાતો જન્મદિવસ છે ૩૧ ઓક્ટોબર ૧૮૭૫, ભલે એ જન્મ્યા હોય ૧૮૭૬માં નડિયાદમાં. બહુ ઓછા નેતાઓ પોતાની જન્મતારીખ નક્કી કરવા જેટલા સ્વાવલંબી હોય છે. સરદારે ૧૮૯૭માં મેટ્રિકની પરીક્ષા માટેનું ફોર્મ ભર્યું ત્યારે ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ “ઠોકી દીધેલી”. બે ટ્રાયલે મેટ્રિક પાસ કરી. મોટાભાઈ અને ભારતીય રાષ્ટ્રીય ધારાસભાના પ્રથમ હિંદી પ્રમુખ ચૂંટાયેલા બેરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલ પણ બે ટ્રાયલે મેટ્રિક થયેલા. એમ તો પાકિસ્તાનના રાષ્ટ્રપિતા બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણા પણ જન્મતારીખ નક્કી કરવામાં સરદારની જેમ જ સ્વાવલંબી ખરા. મૂળ ઠક્કર અટકને બદલે એમણે પિતાના નામનું સંક્ષિપ્ત કરીને અટકમાં પણ સ્વાવલંબી થવાનું પસંદ કર્યું હતું. એ કરાંચીના મદરસામાં ભણવા બેઠા ત્યારે નોંધાયેલી જન્મતારીખ ૨૦ ઓક્ટોબર ૧૮૭૫ને બદલીને એમણે નાતાલના પ્રભાવમાં લંડનમાં બેરિસ્ટરીમાં પ્રવેશ વખતે ૨૫ ડિસેમ્બર ૧૮૭૬  કરી દીધી હતી.મેટ્રિક નહીં થયેલા મૂળ કાઠિયાવાડના મોટી પાનેલીના બેરિસ્ટર ઝીણા સામે બેરિસ્ટર ગાંધી મેટ્રિકમાં થર્ડ ક્લાસના એટલેકે ૩૯ % લાવીને પાસ થયેલા હતા. દેશના ભાગ્યવિધાતાઓ ભણવા કરતાં ગણવામાં તેજસ્વી હોય છે. અત્યારના નેતાઓની દ્રષ્ટિએ ગણવાનું એટલે કદાચ  નાણાં ગણવાનું લેખાતું હશે!
ગાંધી-સરદારની સાદગી સામે સાહ્યબી
દેશના મહાન સપૂત અને વિશ્વને શાંતિ અને અહિંસાનો સંદેશ આપીને આજે પણ માર્ગદર્શન કરનારા તેમ જ નોબેલ પારિતોષિક માટે ચાર-ચાર વાર નામનિયુક્ત થયા છતાં એનાથી વંચિત રહ્યા પછી પણ નોબેલ પારિતોષિકની સત્તાવાર વેબસાઈટ પર સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલા મહાત્મા ગાંધીનું  સાર્ધ શતાબ્દી વર્ષ ઉજવીને પાવન થવાનો અવસર હજુ હમણાં જ ગયો છે.મહાત્માના અહિંસા અને હૃદયપરિવર્તનના માર્ગનું દેશવાસીઓ અનુસરણ કરે તો સમગ્ર દેશની શકલ બદલાઈ શકે. “પરોપદેશે પાંડિત્યમ્ સર્વેષામ્ સુકુરમ્ નૃણામ્” (અન્યોને ઉપદેશ કરવામાં મણા કાં રાખવી?) જેવી ઉક્તિને સાર્થક કરવા માટે નવ-ગાંધીવાદી ઉપદેશકોના મારાને બદલે મહાત્માના વિચારોને સાચા અર્થમાં આચરણમાં મૂકીને દેશને નવપલ્લવિત કરાય તો જ ગનીમત. સરદાર પટેલને ભારતરત્ન વહેલો ના અપાયો એનાં રાજકારણ ખેલનારાઓ વલ્લભભાઈની સાદગી અને સચ્ચાઈથી જોજન દૂર ભાસે છે. એ પાછા સ્વાતંત્ર્યવીર સાવરકરને ભારતરત્ન આપવાનું ચૂંટણીસભાઓમાં ગજવે છે ખરા, પણ મહાત્મા ગાંધીને ભારતરત્ન આપવાની વાત કરવામાં એમનાં મોઢાં સિવાઈ જાય છે. પ્રજા સુપેરે જાણે છે કે ગાંધીજી કે સરદાર પટેલને નોબેલ કે ભારતરત્ન આપવામાત્રથી એ મહાન વિભૂતિઓની નહીં, પણ એ એવોર્ડની પ્રતિષ્ઠા વધે. એમને આવા એવોર્ડ મળે કે ના મળે, એની ખેવના હતી જ ક્યાં? વર્તમાન સમયગાળાના નેતાઓ પોતાનું રાજકારણ ચમકાવવા આ મહાન વિભૂતિઓની આડશ લે છે. એટલે જ તો સરદાર અને ગાંધીની સાદગી અને વિચારોને અપનાવીને વર્તમાન શાસકો પ્રજાના વિશાળ હિતમાં શાસન કરે એવું અપેક્ષિત લેખાય. 
હિંદુરાષ્ટ્ર તો પાગલોનો ખ્યાલ
સરદારને ઘણા હિંદુવાદી ઠરાવવાનો પ્રયાસ કરે છે, પણ એ ખરા અર્થમાં રાષ્ટ્રવાદી અને હિંદુસ્તાનવાદી હતા. મુસ્લિમોને પાકિસ્તાન આપવાનું નક્કી થયા પછી ઉદ્યોગપતિ એમ.પી.બિરલાએ વલ્લભભાઈને પૂછ્યું કે હવે તો  ભારતને આપણે હિંદુરાષ્ટ્ર જાહેર કરીશુંને? સરદાર ગિન્નાયા. કહે : “હિંદુરાષ્ટ્ર પાગલોં કા ખયાલ હૈ. આ દેશ હિંદુઓ, મુસ્લિમો, શીખો, પારસીઓ, જૈનો સહિતના એ બધાયનો છે.” ઝીણા ભણી એમને ખૂબ અણગમો હતો.એમની માંગણીને સડતા અંગ તરીકે લેખાવવાનું એ પસંદ કરતા. “સડતા અંગને કાપીને ફેંકી દેવું પડે છે”, એવું કહેનાર સરદાર પટેલે તો છેક ડિસેમ્બર ૧૯૪૬માં જ ભારતના ભાગલા માટેનું મન બનાવી લીધું હતું. ઝીણાની મુસ્લિમ લીગ સાથે વચગાળાની સરકાર ચલાવવામાં ત્રસ્ત એવા સરદારે, પંડિત નેહરુ પણ જયારે માઉન્ટબેટનની ભાગલાની યોજના વિશે સંમતિ આપવામાં સંકોચ અનુભવતા હતા અને ગાંધીજી દૂર નોઆખલીમાં હિંદુ-મુસ્લિમ રમખાણોના ઘા ભરવાના પ્રયાસોમાં વ્યસ્ત હતા ત્યારે જ, નેહરુને ભાગલા સ્વીકારવા લીલી ઝંડી આપી દીધી હતી. બાપુના બંને શિષ્યોએ જીભ કચરી જ દીધી હતી એટલે “મારો દેહ પડે તો પણ ભાગલા તો નહીં જ” અને છેવટે ભાગલા ટાળવા માટે ઝીણાને વડાપ્રધાન બનાવવાની ઓફર કરનાર મહાત્માએ કમને વિભાજનનો સ્વીકાર કરવો પડ્યો હતો. ભાગલા વખતે સરદારે ભવિષ્યવાણી કરી હતી કે પાકિસ્તાન બન્યું તો ખરું,પણ એ ભવિષ્યમાં ફરી ભારત સાથે મળી જશે. ઝીણાને તો જીવતેજીવ પસ્તાવો થયો અને એ પાછા આવવા ઈચ્છતા હતા,પણ એમને અલ્લાહે વહેલા તેડાવી લીધા.
સુભાષનાં પત્ની-પુત્રીની ચિંતા
સુભાષચંદ્ર બોઝ સાથે મતભેદ હતા અને મોટાભાઈ  વિઠ્ઠલભાઈ પટેલના બનાવટી વસિયતનામામાં સુભાષની ભૂમિકા અદાલતમાં સાબિત થઇ ગયા છતાં ક્યારેક કોંગ્રેસના અધ્યક્ષ રહેલા અને નેહરુની જેમ જ ડાબેરી ઝોક  ધરાવનારા નેતાજીના નામની આડશે  આજેય રાજકીય લાભ ખાટવા પ્રયત્નશીલો તેમને ચર્ચામાં લાવે છે. નેતાજી અને નેહરુ વચ્ચે ગાઢ સંબંધો રહ્યા. ૧૯૪૫માં સુભાષ બોઝના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પછી એમનાં પત્ની એમિલી અને દીકરી અનીતાની કાળજી લેવાનું અને એમને કોઈ તકલીફ ના પડે એ માટે દર મહિને અમુક રકમ તેમને મળતી રહે એવી વ્યવસ્થા સરદાર અને નેહરુએ મળીને કરી હતી. એના દસ્તાવેજી પત્રોમાં સ્પષ્ટ થતું હતું કે નેતાજીના મોટાભાઈ સરતચંદ્ર આ બાબતમાં કંઇ નહીં કરે એટલે નેતાજીના પરિવારની જવાબદારી વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાને નિભાવી હતી. બોઝ પરિવાર અત્યારે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસમાં વહેંચાયો ભલે હોય અને નેતાજીને મહાત્મા ગાંધી કરતાં મોટા કે સમાન સ્તરે મૂકવાનો આગ્રહ કરીને ભાજપીનેતા ચંદ્રકુમાર બોઝનો દાવો તો “આઝાદી ગાંધીને કારણે નહીં,પણ નેતાજીને કારણે મળી” હોવાનો રહ્યો છે. અત્રે એ યાદ રહે કે મહાત્મા ગાંધીએ ક્યારેય આઝાદી અપાવ્યાનો દાવો કર્યો નહોતો અને સુભાષ તો ૧૯૪૭માં દેશ આઝાદ થયો એના બે વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા.ગાંધીજી સાથે મતભેદો પછી પણ નેતાજીએ મહાત્માને રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા.એ વેળાના નેતાઓનાં વિરાટ વ્યક્તિત્વોનો એમાં પરિચય મળે છે. ચંદ્રકુમાર ભાજપની ટિકિટ પર વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનરજી સામે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. એમના પિતરાઈ અને હાર્વર્ડમાં પ્રાધ્યાપક એવા ડૉ. સુગત બોઝ લોકસભામાં તૃણમૂલના સભ્ય રહ્યા.
મમળાવવા જેવી સરદારવાણી
સરદાર પટેલને સમગ્ર રાષ્ટ્રના નાયક (હીરો) લેખવાનું કાંઈ અમસ્તુ નથી નક્કી થયું. અહીં પાછું “રાષ્ટ્રપિતા”ની જેમ “રાષ્ટ્રનાયક”નો હોદ્દો બંધારણ કે સરકારે નક્કી કરેલો ભલે ના હોય; યાવત્ ચન્દ્રદિવાકરૌ વલ્લભભાઈ ભારતના રાષ્ટ્રનાયક રહેવાના જ છે. સર્વસત્તાધીશ રહેલા સરદાર પટેલનું ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ મુંબઈના બિરલા હાઉસમાં નિધન થયું ત્યારે એમના અંગત બેંક ખાતામાં રોકડા ૨૬૨ રૂપિયાનું જ બેલેન્સ હતું ! એમના નામને વટાવનારાઓ સમયાંતરે બદલાતા જશે,પણ સરદારના વિચારો તો શાશ્વત સત્યની જેમ  મમળાવવા યોગ્ય રહેવાના જ છે. સાચા સરદારને સમજવા માટે કેટલાંક અવતરણો અહીં મૂકવાની લાલચ ખાળી શકાતી નથી.
·         હિન્દુસ્તાનમાં હિંદુનું નહીં, મુસલમાનનું નહીં; પણ હિંદુસ્તાનીઓનું રાજ ચાલવું જોઈએ.
·         કોમી એકતા એ રામરાજ્યનું પ્રથમ પગથિયું છે.
·         કુદરતમાં કદી નાતજાત કે ધર્મનો ભેદભાવ જોવામાં આવ્યો નથી અને આવશે પણ નહીં.
·         નબળાનું રક્ષણ કરવું એ રાજ્યનો ધર્મ છે.સબળા તો પોતાનું રક્ષણ કરી શકે છે, પણ જો નબળાનું રક્ષણ રાજ્ય ના કરે તો બીજું કોણ કરે?
·         જીતની ઘડીએ આપણે વધુ નમ્ર થવું જોઈએ.
·         જે માણસ અધ્ધર ચઢે છે તેને તો પડવાનો ભય છે,પણ જે જમીન પર ચાલે છે તેને ભય નથી.
·         સત્તાધીશોની સત્તા તેમના મૃત્યુ સાથે જ સમાપ્ત થાય છે, જયારે મહાન દેશભક્તોની સત્તા તેમના મૃત્યુ પછી જ ખરો અમલ ચલાવે છે.
·         સુંદર વસ્ત્રોથી માણસ શોભતો નથી પણ સુંદર આચરણ એ જ માણસની શોભા છે.
·         કેળવણી બે પ્રકારની છે : એક, કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે, બીજી, માણસની માણસાઈ લઇ લે છે.
·         તમે ખુશામત છોડી દેજો. તેના જેવો ઝેરી રોગ નથી.જેને ખુશામત પ્રિય હોય છે તેને સાચી વાત મીઠી ભાષામાં કહે તે પણ કડવી લાગે છે.
·         પહેલું ભણતર જ એ છે કે સભ્યતાથી બોલતાં શીખવું.
દેશના પ્રથમ માહિતી અને પ્રસારણ પ્રધાન રહેલા સરદાર પટેલનાં રેકર્ડ થયેલાં વ્યાખ્યાનો સાંભળનાર કે અધિકૃતપણે પ્રકાશિત ભાષણો અને તેમના પત્રાચારને વાંચનારાઓને સરદારનો અસલી મિજાજ અને તેમનો અસલી પરિચય મળે અને એ જ કેળવવાની વર્તમાનમાં સવિશેષ અનિવાર્યતા છે.

ઈ-મેઈલ : haridesai@gmail.com   (લખ્યા તારીખ: ૧૧ એપ્રિલ ૨૦૨૦)

No comments:

Post a Comment