Monday 27 April 2020

5.Sachchai Savarkarkee (27 April 2020)

5. Sachchai savarakarnee સચ્ચાઈ સાવરકરની. મણકો-૫ (૨૭ એપ્રિલ ૨૦૨૦)
આ મણકામાં સાવરકરલિખિત અંતિમ ગ્રંથ "ભારતીય ઈતિહાસા સહા પાને" (૧૯૬૩માં પ્રકાશિત) પુસ્તકમાં વર્ણવાયેલા ઈતિહાસ સંદર્ભે નીચેના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે:
(૧) "ગૌરવવંતા ઈતિહાસ"ને નામે બૌદ્ધો અને મુસ્લિમો પ્રત્યે દ્વેષભાવ સાથે ઇતિહાસનું વિકૃતીકરણ કરાયું છે.
(૨) ઈતિહાસનાં નીરક્ષીર કરવા માટે તુલનાત્મક અભ્યાસ અનિવાર્ય છે. અર્ધ સત્યો અને અનુકૂળ સત્યોને ગૌરવના વાઘા ચડાવીને મૂકવામાં સત્યનું ગળું ઘોંટાતું લાગે છે.
(૩) સાવરકર કૌટિલ્યની નીતિને ટાંકે છે પણ ગુજરાત સહિત દેશમાં આજે ય કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" મહદઅંશે ભણાવાતું નથી.શાળા-કોલેજોનાં પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમ ઘડવાનું સાત-સાત દાયકાથી સ્વદેશી અધ્યાપકોના હાથમાં હોવા છતાં હજુ મેકોલેને ભાંડવાની પરંપરા અખંડ છે.
(૪) સાવરકરને સમ્રાટ અશોક તેમજ અહિંસા માટે દ્વેષ છે, પણ અશોકના વંશજ સમ્રાટ બૃહદ્રથનો શિરચ્છેદ કરીને શૃંગ વંશની સ્થાપના કરી પાટલીપુત્રની ગાદીએ બેસનાર સેનાપતિ પુષ્પમિત્રનાં ઓવારણાં લેવાનું ગમે છે. બૌદ્ધ ધર્મ ભારતમાં કેમ નામશેષ બન્યો એનું પણ પોતાને અનુકૂળ વિશ્લેષણ કરે છે.
(૫) ગઝનીના સોમનાથ પરના આક્રમણની વાત સાવરકર કરે છે, પણ એનો ઈતિહાસ એ મૂકતા નથી.ગઝનીની સ્થાપના શ્રીકૃષ્ણના વંશજોએ કરી હતી. કૃષ્ણની ૮૨મી પેઢીએ થયેલા રાજા દેવેન્દ્રના ચાર પુત્રોમાંથી મોટા અસપતે ઇસ્લામ કબૂલ્યો હતો અને ખલીફાની શાહજાદી સાથે લગ્ન કર્યાં હતાં.બાકીના ત્રણ રાજકુમારો ગજપત, નરપત અને ભૂપતના વંશજો ચુડાસમા, જાડેજા અને ભાટી રાજપૂત થયાનો ઈતિહાસ જામ રણજીત સિંહે માવદાનજી રત્નું પાસે લખાવેલા ઈતિહાસ "યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસ"માં નોંધાયું છે.
(૬) મહમદ ગઝની તો હિંદુ કે બૌદ્ધ ગુલામમાંથી મુસ્લિમ થઈને ગઝનીના સુલતાન બનેલા સબક્તગીન (શાક્ત સિંહ )નો પુત્ર હતો, એવું "પ્રભાસ અને સોમનાથ"માં નોંધાયું છે.
(૭) સાવરકરના મતે, સોમનાથ પર સવારી કરવા ગઝનીની સેના આવી ત્યારે ગુજરાતનો રાજા ભીમદેવ (બીજો) ભાગી છૂટ્યો હતો અને એણે ભીમના નામને કલંકિત કર્યું હતું. સ્વાતંત્ર્યવીર આ ગ્રંથમાં એ નોંધવાનું ચૂકે છે કે ગઝનીની સેનાનો સેનાપતિ ટિળક (વાળંદ) હતો અને તેની સેનામાં જાટ સૈનિકો મોટી સંખ્યામાં હતા.આ વાત ઇતિહાસવિદ અને સદગત આઇએએસ અધિકારી શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈલિખિત અને મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની પ્રસ્તાવના સાથે ૧૯૬૫માં સોમનાથ ટ્રસ્ટે પ્રકાશિત કરેલા ગ્રંથ "પ્રભાસ અને સોમનાથ"માં વિસ્તારથી કહેવાઈ છે.
(૮) આક્રમણખોરો થકી હિંદુ મહિલાઓને ભ્રષ્ટ કરવાના રાક્ષસી કૃત્યનો "રામબાણ ઈલાજ" કે પ્રતિકાર સવાઈ રાક્ષસી કૃત્યથી કરવો જોઈએ, એવો ઉપદેશ આપતાં સાવરકર છત્રપતિ શિવાજી અને ચીમાજી અપ્પાએ દુશ્મનોની સ્ત્રીઓને સલામત તેમના પતિઓને પહોંચાડ્યાના દાક્ષણ્યને વખોડ્યું છે. ભ્રષ્ટ હિંદુ સ્ત્રીઓની શુદ્ધિ થકી તેમને પરત લાવવાની ભૂમિકા પણ એ માંડે છે.
(૯) સિંધના રાજા દાહિર પર મહંમદ કાસીમે આક્રમણ કર્યું ત્યારે બૌદ્ધોએ મુસલમાનોને પક્ષે રહીને ગદ્દારી કરી હતી. કાબુલના બૌદ્ધ રાજા કનિષ્ક વિશે પણ સાવરકર સૂગ ધરાવે છે અને એના પૌત્ર વસુદેવે વૈદિક ધર્મ અપનાવ્યો એને બિરદાવે છે. ૧૯૫૬માં બૌદ્ધ ધર્મ અપનાવનાર ડૉ.બાબાસાહેબ આંબેડકરને ૧૯૬૩માં એટલેકે પોતાના મૃત્યુનાં ત્રણ વર્ષ પહેલાં સુધી સાવરકર હિંદુદ્રોહી જ લેખાવે છે.
ઉપરોક્ત સંદર્ભમાં લંડનના અંગ્રેજી સાપ્તાહિક"એશિયન વૉઇસ"માં પ્રકાશિત કૉલમની લિંક વાંચવા માટે haridesai.com ની મુલાકાત લઈ શકો છો.
ઇતિહાસની સચ્ચાઈ જાણવા માટે જાગતા રહેવું એ આપનો અધિકાર છે. હવે વિ.દા. સાવરકર વિષયક ટૂંકા અને મુદ્દાસરના પ્રશ્નો આપના નામ અને ગામના નામ સાથે પાઠવતા રહેશો તો અમને ઉત્તર વાળવાનું ગમશે. રોજેરોજ સાવરકર અને અન્યોને લગતી નવતર વાતોની આ શ્રેણીમાં આપ સહભાગી થઈને અમારો ઉત્સાહ વધારી રહ્યા છો. આપને સાવરકર વિશે થતા પ્રશ્નો આપ યુટ્યુબ, એફબી, ટ્વીટર, ઇ-મેઈલ hari.cerlip@gmail.com, વોટ્સઅપ: ૯૬૨૪૨૯૮૪૭૦ પર પૂછી શકો છો. એકના એક પ્રશ્નો ના પૂછવા વિનંતી. અગાઉ જે પ્રશ્નોના ઉત્તર અપાઈ ગયા હોય એ અગાઉના મણકા જોઇને આપ જાણી શકો છો.

No comments:

Post a Comment