Tuesday 24 March 2020

After demolishing Congress Fort in MP, BJP Targets winning Bihar-West Bengal



મધ્યપ્રદેશનો કોંગ્રેસી ગઢ ધ્વસ્ત થતાં બિહાર-બંગાળ સર કરવાની ભાજપીમહેચ્છા
ડૉ.હરિ દેસાઈ
·         નાણાના જોરે ત્રિશંકુ વિધાનસભામાં સત્તા મેળવનાર કમલ નાથને જ્યોતિરાદિત્ય સિંધિયા નડ્યા
·         ભાજપમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ કે અન્ય કોઈ એની ગડમથલ વચ્ચે કોરોનાની આડશ લેવાઈ
·         ૨૪ બેઠકોની પેટા ચૂંટણીનાં પરિણામ ફ્ગારી એકવાર રાજ્યમાં અસ્થિરતા પેદા કરે એવી આશંકા
·         ઘરફૂટ્યે ઘર જાય એવા રાષ્ટ્રીય રાજકારણના માહોલમાં ધારાસભ્યો પોતાનો મોલ કરાવતા થયા

મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકોની ૨૬ માર્ચે ચૂંટણી યોજાય એ પહેલાં કમલનાથ સરકારને ગબડાવવાના વ્યૂહ અંતે સફળ રહ્યા. કુલ ૧૭ દિવસ સુધી ચાલેલી આ કવાયતમાં પોતાનો ગાઢ સાચવવામાં ઝીંક ઝીલનારા કોંગ્રેસી મુખ્યમંત્રી કમલ નાથે આખરે ૨૦ માર્ચે વાવટો સંકેલી લેવો પડ્યો અને સાંજે  વિધાનસભામાં બહુમતી સાબિત કરવામાં પોતે અસમર્થ હોવાનું લાગતાં રાજ્યપાલ લાલજી ટંડનને રાજીનામું ધરી દેવું પડ્યું. મામલો ૨૨ ધારાસભ્યો ખડી પડ્યાનો જ નહોતો, કમલ નાથને સુપ્રીમ કોર્ટમાં પણ ઝાઝી દાદ ના મળી ત્યારે છેલ્લી ઘડીએ પણ છ ઉપરાંતના કેટલાક મંત્રીઓએ પણ પલટી મારીને રાજકારણમાં કોઇકોઇનુ નથી એનો અનુભવ સહેવો પડ્યો. નવેમ્બર  ૨૦૧૮ની વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને ૨૩૦ સભ્યોની ધારાસભામાં સ્પષ્ટ બહુમતી નહોતી છતાં કોંગ્રેસી સાંસદ  કમલ નાથે નાણાના જોરે સત્તા મેળવી હતી. એ જ રીતે ૧૫ મહિના પછી નાણાના જોરે જ સત્તા ગુમાવવાનો આક્ષેપ કરીને મુખ્યમંત્રીપદેથી તેમણે વિદાય થવું પડ્યું. હવે ભાજપી  મુખ્યમંત્રી કોણ એ મહાપ્રશ્ન ડોકાય છે. શુક્રવારે રાતે પોતાના નિવાસસ્થાને તમામ સમર્થક ધારાસભ્યોને જમવા તેડાવવાનું ગોઠવનાર પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને એકએક કોરોના વાયરસનું સ્મરણ થયું અને એ જમણવાર રદ કરવો પડ્યો. મુખ્યમંત્રી હતા ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્પર્ધક લેખાતા સંઘના લાડકા ચૌહાણ હવે ફરી ચોથી વાર મુખ્યમંત્રી થવા વિશે શંકાકુશંકા છે. વિધાનસભાની છેલ્લી ચૂંટણી પછી ત્રિશંકુ અવસ્થાના પરિણામમાં પણ કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ ભાજપ માટે ફરી સરકાર બનાવવાનું અશક્ય નહોતું. એ વેળા ચૌહાણ તો ફરી ઘોડે ચડવા થનગનતા હતા,પણ મોવડીમંડળ એ માટે તૈયાર નહોતું. આ વખતે ગ્વાલિયરના “મહારાજ” જ્યોતિરાદિત્ય સિંધિયા નિમિત્તે કોંગ્રેસમાં ગાબડું પાડીને ભોપાલમાં ભાજપી સરકારનો માર્ગ પ્રશસ્ત કરાયા પછી ચૌહાણના અગાઉના નિષ્ઠાવંત લેખાતા કેન્દ્રના વર્તમાન મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને સમગ્ર ઓપરેશન પાર પાડવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા દતિયાના ધારાસભ્ય  ડૉ.નરોત્તમ મિશ્રા પણ મુખ્યમંત્રીપદના ઉમેદવાર હોવાનું ચર્ચાતું રહ્યું એટલે જ શુક્રવારની એ કતલની રાતે શિવરાજને મુખ્યમંત્રીપદના ઉમેદવાર ગણાવવાને બદલે મોવડીમંડળ એ નામ નક્કી કરશે એવું પ્રદેશના નેતાઓ કહેતા રહ્યા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્મા પણ રેસમાં છે, છતાં અંતે શિવરાજ પર પસંદગીનો કાળાશ ઢોળાય એવી ચર્ચા ભાજપ  અને સંઘનાં વર્તુળોમાં છે. આશા અમર છે.
કમલ ગબડાવો, કમળ લાવો  
કમલ નાથની સરકાર ગબડાવવાના ઓપરેશનની શરૂઆત સરકારસમર્થક ૯ ધારાસભ્યોનાં અપહરણ અને એમાંના અમુકની મુક્તિની ઘટનાથી બની. ત્રણેક મહિના પૂર્વે ભાજપ થકી “ઓપરેશન રંગપંચમી” કે ઓપરેશન કમળ” અન્વયે અસંતુષ્ટ કોંગ્રેસી અને એના ટેકેદાર ધારાસભ્યોને પોતાની સાથે જોડીને કોંગ્રેસ સરકારને ઉથલાવવાની યોજના બનાવાઈ હોવાનું ચર્ચામાં છે. ગુજરાત અને કર્ણાટક સહિતનાં રાજ્યોમાં સત્તાપ્રાપ્તિ માટે અગાઉ  ભરાઈ ચૂકેલી મંડીનો જ  વધુ એક અણસાર એમાં મળે છે. દેશ અને દુનિયા કોરોનાવાયરસસંકટ સામે ઝઝૂમી રહી છે ત્યારે ભોપાલમાં સરકાર ગબડાવો કે રાજ્યસભાચૂંટણી જીતો અભિયાન જોરમાં હતું. ક્રિકેટરો હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના બજારમાં વેચાવા મૂકાય છે. એવું જ ધારાસભ્યો અને સાંસદો પણ કોમોડિટી બનીને વેચાવા આવતા હોય એવું નઠારું દ્રશ્ય  જોવા મળે છે.  સાંસદો કે ધારાસભ્યોની બોલી બોલાય છે. વડાપ્રધાન પી.વી. નરસિંહરાવના યુગમાં ચાર-ચાર  સાંસદોની ખરીદી ૫૦-૫૦ લાખ રૂપિયામાં થઇ હતી. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં છેલ્લે કોંગ્રેસી ચાણક્ય અહમદ પટેલને હરાવવા માટે ધારાસભ્યનો ભાવ ૧૦ કરોડ રૂપિયા બોલાયો હતો. જોકે એ ખેલ ભલે ખાલી ગયો હોય,પણ સાગમટે અને છૂટકમાં કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને ભાજપમાં જોડાવા અને મંત્રીપદ મેળવવાનો રાજમાર્ગ ગુજરાત અને કર્ણાટકમાં કાયમ બેપાંદડે રહ્યો છે. મધ્યપ્રદેશના તાજા ઘટનાક્રમમાં એક ધારાસભ્યનો ભાવ રૂપિયા ૩૫ કરોડે પહોંચ્યાનું માનનીય મુખ્યમંત્રી અને સાંસદ રહેલા મહાનુભાવો ટાંકતા રહ્યા છે. રાજકારણમાં પણ છૂટક અને જથ્થાબંધના ભાવ બોલાતા હોય છે. જથ્થાબંધ બજારમાં તો ચાર ધારાસભ્યોને રૂપિયા ૧૦૦ કરોડ  (પ્રત્યેકને ૨૫-૨૫ કરોડ) અને છોગામાં  મંત્રીપદની બોલી પણ બોલાતી હોવાનું સ્ટિંગ થયું. બહુચર્ચિત વ્યાપમકાંડ પ્રકાશમાં આણનાર-વ્હીસલબ્લોઅર  ડૉ આનંદ રાયે ભાજપની સરકારમાં મંત્રી રહેલા ડૉ. નરોત્તમ મિશ્રાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કરીને ખરીદીકાંડની ઓફરોનો દાવો કર્યો. ભાજપ એને નકારતો રહ્યો  છે. આજે દુનિયાની સ્વસ્થ લોકશાહીનો દાવો કરનાર બ્રિટનમાં ક્યારેક સંસદની બેઠકોની બોલી બોલાતી. ઘરઆંગણે ભારતીય “લોકશાહીને પરિપક્વ કરવા માટે” આંતરાષ્ટ્રીય મહિલા દિવસ (૮ માર્ચ)ના અરસામાં જ લોકશાહીનું ખુલ્લેઆમ ચીરહરણ થતું જોવા મળ્યું. ભારતીય બંધારણના ઘડવૈયાઓનો આત્મા જરૂર કણસતો હશે. જોકે એ સંવેદના હવે રહી જ નથી.
કોંગ્રેસ-ભાજપમાં જૂથવાદ
પરાપૂર્વથી મધ્યપ્રદેશના રાજકારણમાં કોંગ્રેસ અને જનસંઘ-ભાજપમાં જૂથવાદ ખાસ્સો બોલકો રહ્યો છે. આજે પણ સ્થિતિ એ જ છે. કોંગ્રેસી મુખ્યમંત્રી કમલનાથ અને મુખ્યમંત્રીપદના આકાંક્ષી રહેલા ગ્વાલિયરના પૂર્વ રાજવી પરિવારના જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ગજગ્રાહ રહ્યો છે. મધ્યપ્રદેશના દસ-દસ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેલા દિગ્વિજયસિંહ કમલનાથ સાથે રહ્યા  છે. અર્જુનસિંહના પુત્ર અજયસિંહનો અલગ ચોકો છે. સત્તામાં ભાગીદારી સૌકોઈ ઝંખે છે. મંત્રીપદ ના મળે એટલે વંકાવું એ રાજકારણમાં સહજ છે. રાજકારણમાં આવનારા વાત ભલે સેવાની કરતા હોય પરંતુ સત્તાના મેવા માટે જ એ આવે છે. કોઈ મંજીરા વગાડવા આવતું નથી. છિંદવાડાના કાયમી સાંસદ રહેલા મ.પ્ર. કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ અને સાંસદ જ્યોતિરાદિત્યની જોડી ૧૫ વર્ષના ભાજપના શાસન પછી ભોપાલમાં નવેમ્બર ૨૦૧૮ની ચૂંટણીને પગલે રચાયેલી ત્રિશંકુ વિધાનસભા છતાં  કોંગ્રેસના સત્તામાં પુનરાગમનનું નિમિત્ત બની હતી.  ધારાસભ્યોને સાચવવા અને કોંગ્રેસની તિજોરીમાં નિધિ જમા કરાવવામાં નિષ્ણાત કમલનાથ મુખ્યમંત્રી બન્યા એટલે જ્યોતિરાદિત્ય નારાજ હોય એ સ્વાભાવિક છે. એમની બંને ફોઈઓ વસુંધરા રાજે (રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી) અને યશોધરા રાજે (મધ્યપ્રદેશની ભાજપી સરકારમાં મંત્રી અને ગુજરાતનાં પુત્રવધૂ રહેલાં) ભાજપમાં હોવાથી વડોદરાના જમાઈ જ્યોતિરાદિત્ય પણ ભાજપ ભણી ફંટાય એવી અટકળો છાસવારે વહેતી થતી હતી.. જોકે ચૂંટણીમાં ગુના લોકસભા બેઠક હારેલા મહારાજને રાજ્યસભા ચૂંટણીમાં ટિકિટ મળશે કે કેમ એ શંકા હતી એટલે એમણે પલટી મારીને કમળનો સાથ લઇ રાજ્યસભાના ઉમેદવાર બનવાનું પસંદ કર્યું. રાજ્યસભામાં રાજ્યની  ત્રણ બેઠકો ખાલી પડે છે. ૨૬ માર્ચે એની ચૂંટણી યોજાશે. ભાજપના બે નેતા સત્યનારાયણ જટિયા (રાજ્યસભાના ઉપસભાપતિ) અને પ્રભાત ઝા ઉપરાંત કોંગ્રેસના દિગ્વિજયસિંહ રાજ્યસભામાંથી નિવૃત્ત થાય છે. સરકારને ગબડાવી અથવા પક્ષાંતર કરાવીને ભાજપ એક બેઠક ગુમાવવી ના પડે એની  વેતરણમાં હતો અને હવે તો શુક્રવારે આખી સરકાર જ ગબડી ગઈ.
વિધાનસભાનું ચિત્ર
મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર તંગ દોરડા પર ચાલવાની સ્થિતિમાં હતી. ભાજપી મુખ્યમંત્રી  શિવરાજસિંહ ચૌહાણને સ્થાને કોંગ્રેસી મુખ્યમંત્રી કમલનાથ આવ્યા. એમની પાસે કુલ ૨૩૦ +૧ (નામનિયુક્ત)ની વિધાનસભામાં કોંગ્રેસના ૧૧૪ ધારાસભ્યો હતા. ભાજપના ૧૦૭ અને બે બેઠકો ખાલી હતી. કમલનાથના ટેકેદાર  બહુજન સમાજ પાર્ટી(બીએસપી)ના બે સભ્યોમાંથી એકને પક્ષે નિલંબિત કરેલા હતા. સમાજવાદી પક્ષના એક અને અપક્ષ ચાર સભ્યોનો કોંગ્રેસની સરકારને ટેકો હતો. વિધાનસભાના અધ્યક્ષ એન.પી.પ્રજાપતિ (કોંગ્રેસ)ને બાદ કરીને બહુમતી માટે ૧૧૪ સભ્યોની જરૂર પડે. એ સંજોગોમાં સરકારના ટેકેદાર ૯ ધારાસભ્યોને પહેલાં ખાસ વિમાનમાં દિલ્હી લઇ જવાયા. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે  ટ્વીટ કરીને સરકાર સમર્થક ૯ ધારાસભ્યોને ગુડગાંવની આઇટીસી મરાઠા હોટેલમાં બંધક બનાવાયાનું જાહેર કર્યું. મુખ્યમંત્રી કમલનાથે બે મંત્રીને મારતે વિમાને પાઠવ્યા. છ કોંગ્રેસી ધારાસભ્યો, બે બસપાના ધારાસભ્યો અને એક અપક્ષ ધારાસભ્યનો ખેલ પાડવા જતાં છ ધારાસભ્યોને મુખ્યમંત્રી નિવાસ પરત લાવી શકાયા. તેમાં રમાબાઈ, સંજીવ સિંહ કુશવાહ (બંને બસપા),રાજેશ શુક્લા (સપા) ઉપરાંત એંદલ સિંહ કંસાના, રણવીર જાટવ અને કમલેશ જાટવ (ત્રણેય કોંગ્રેસ)નો સમાવેશ હતો.   બાકીના ચાર( હરદીપ સિંહ, બીસાહૂ લાલ સિંહ અને રઘુરાજ કંસાના એ ત્રણ કોંગ્રેસી અને સુરેન્દ્ર સિંહ શેરા નામક  અપક્ષ)ને કર્ણાટક લઇ જવાયા હોવાનું બુધવાર, ૪ માર્ચે જણાવાયું. નારાજ ધારાસભ્યોના ”શિકાર” (પોચિંગ)માં ભાજપ રહ્યો.અંતે  ૨૨ કોંગ્રેસી ધારાસભ્યો ખડી પડ્યા. કમલનાથ પણ પહોંચેલી માયા છે. મામલો ગમે ત્યારે બિચકે એવી શક્યતા વચ્ચે અગાઉ જુલાઈ ૨૦૧૯માં ગૃહમાં  પક્ષવિરુદ્ધ મતદાન કરનારા  ભાજપના બે ધારાસભ્યો  નારાયણ ત્રિપાઠી અને શરદ કોલ પણ પક્ષની મહત્વની બેઠકમાં પહોંચ્યા નહોતા. જોકે હવે કમલ નાથે વિદાય થતાં જે આલાપ કર્યો એ પછી એ ડાઉન છે, પણ આઉટ નથી એવો સંકેત આપવાની કોશિશ કરતા રહ્યાનું અનુભવાય છે.જોકે વિધાનસભામાં વર્તમાન સંજોગોમાં ભાજપ સાથે બહુમતી છે. જે  ૨૪ (૨૨ રાજીનામાં આપનારા + ૨ મૃત્યુ પામેલા) ધારાસભ્યોની બેઠકો ખાલી છે. એની પેટા ચૂંટણી પછી ફરી એકવાર રાજ્યમાં કમલ નાથ કમાલ બતાવવા મેદાનમાં આવે તો પણ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાને કારણે એનું પલ્લું ભારે રહેવાનું. બિહાર અને પશ્ચિમ બંગાળની વિધાનસભામાં મેદાન મારવા થનગનતો ભાજપ ભોપાલનો ગઢ હાંસલ કર્યાં પછી પોરસાય એ સ્વાભાવિક છે.
ઇ-મેઈલ: haridesai@gmail.com     (લખ્યા તારીખ: ૨૧ માર્ચ ૨૦૨૦) 

No comments:

Post a Comment