Sunday 26 January 2020

Public Utilities and Erecting Statues

પ્રજાનાં હિત અનેપ્રતિમાનિર્માણના ધખારા
કારણ-રાજકારણ: ડૉ.હરિદેસાઈ
·         મુંબઈની વડી અદાલતનો અણિયાળો સવાલ
·         સરદાર પટેલનો સ્મારકો-પ્રતિમાઓનો વિરોધ
·         જનહિત અને જનભાવનાના ટકરાવના સંજોગ 
Dr.Hari Desai writes weekly column Kaaran-Raajkaaran” for Mumbai Samachar Daily’s Sunday Supplement “UTSAV”26 January 2020.
હજુ વિતેલા સપ્તાહમાં મુંબઈની વડી અદાલતે જનહિત યાચિકાના સંદર્ભમાં ખૂબ નિર્ણાયક અને સમગ્ર સમાજને વિચારતો કરી મૂકે એવાં નિરીક્ષણ હિંમતભેર કર્યાં: રાષ્ટ્રપુરુષોની પ્રતિમાઓના નિર્માણ માટે સરકાર પાસે વિપુલ પ્રમાણમાં નાણા છે,પણ બાળકો મૃત્યુ પામવાના કિસ્સા વધી રહ્યા છે એવા સંજોગોમાં ગરીબ-વંચિત પ્રજાના ઉપચાર માટે નાણા નથી.મામલો ભલે મુંબઈમાં દાદરસ્થિત ચૈત્યભૂમિ નિકટ ઈંદુ મિલ સંકુલમાં  અરબી સમુદ્રને કાંઠે કરોડોના આસ્થાસ્થાન એવા ભારતીય  બંધારણના મુખ્ય રચયિતા બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરની ૩૫૦ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા સહિતના ૪૫૦ ફૂટ ઊંચા ભવ્ય સ્મારક સામે નાણાના દુષ્કાળને કારણે બંધ થવાને આરે આવીને ઊભેલી વિતેલી સદીની ઐતિહાસિક વાડિયા હોસ્પિટલનો હોય; વાત તો માત્ર રાજકીય શાસકો અને રાજનેતાઓને જ નહીં, સમગ્રપણે દેશની પ્રજાને સ્પર્શતી છે.
મતબેંક અંકે કરી લેવાની દોટ
આજકાલ અમુક સમાજની કે અમુક રાષ્ટ્રપુરુષના સમર્થકોની મતબેંક અંકે કરી લેવાં માટે એમના નામે યોજનાઓ, સ્મારકો કે એમની પ્રતિમાઓ સ્થાપિત કરવાનીરાજકીય પક્ષોમાં રીતસરની ચડસાચડસી સવિશેષ જોવા મળે છે. હેતુ સત્તાપ્રાપ્તિનો જ હોય, રાષ્ટ્રપુરુષના આદર્શોનું આચરણ ગાઉ છેટે હોય પણ હાકલાદેકારા  કરે રાખીને સત્તાનાં સિંહાસન સુધી પહોંચવા પ્રયત્ન કરાય. મહામના ડૉ.આંબેડકરે વ્યક્તિપૂજાને ઘાતક લેખી,પરંતુ એમના દલિત સમાજના મત અંકે કરવા માટે એમની વિચારધારાને આચરણમાં મૂકવાને બદલે પ્રતિમાઓમાં સીમિત કરી નાંખવામાં આવતી હોવાનું જોવા મળે છે.બાબાસાહેબ હિંદુરાજના કટ્ટર વિરોધી રહ્યા,પણ એમનાં લખાણોમાંથી સંદર્ભ વિનાનાં કથનો ટાંકીને એમને હિંદુ નેતા જાહેર કરવાની ઝુંબેશો ચાલે છે.રાજકારણમાં ભક્તિ કે કોઈના ભક્ત થવું એટલે સરમુખત્યારશાહીને નોતરવાના માર્ગનું અનુસરણ કરવા સમાન હોવાનું ડૉ.આંબેડકરે ૨૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ સભામાં બંધારણનો અંતિમ મુસદ્દો મંજૂરી માટે રજૂ કરતાં કરેલા અદભુત વ્યાખ્યાનમાં કહ્યા છતાં તમામ રાજકીય પક્ષો રાજકીય નેતાઓની ભક્તિમાં રમમાણ રહીને લોકશાહીને લૂણો લગાડી રહ્યા છે. સમગ્ર દેશના ગૌરવ એવા છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક મુંબઈ પાસેના દરિયામાં હજારો કરોડ રૂપિયાને ખર્ચે કરવાની યોજના હાથ ધરાય કે સેંકડો કરોડ રૂપિયાના ખર્ચે ડૉ.આંબેડકરનાં સ્મારક મુંબઈ, લંડન કે દિલ્હીમાં કરવામાં આવે એ સામે વાંધો ના લેવાય તો પણ ૪૦ કે ૫૦ કરોડ રૂપિયાની ફાળવણીની પ્રતીક્ષામાં વાડિયા જેવી મહાપાલિકા-રાજ્ય સરકારની સંયુક્ત ભાગીદારીથી ચલાવતી હોસ્પિટલો ગરીબ બાળકો અને મહિલાઓ કે અન્યોનો ઉપચાર કરી ના શકે ત્યારે સરકારીતંત્ર અને શાસકો સામે પ્રશ્નો તો ઊઠવાના.એસોસિએશન ઓફ એઇડિંગ જસ્ટિસે મુંબઈની હાઇકોર્ટમાં બંધ થવાને આરે આવેલી વાડિયા હોસ્પિટલ અંગે કરેલી  જનહિત યાચિકાના સંદર્ભમાં ન્યાયાધીશો સત્યરંજન સી.ધર્માધિકારી અને રિયાઝ ઈકબાલ ચાગલા સમક્ષ સરકાર અને મહાપાલિકાએ અમુક નાણા ફાળવવાની ખાતરી ઉચ્ચારવી પડી,  જસ્ટિસ ધર્માધિકારીએ પ્રતિમાઓ માટે સરકાર પાસે નાણા છે જયારે નાનાં બાળકો મરી રહ્યાં છે છતાં  હોસ્પિટલો માટે નાણાંની તંગી છે, એવી ૨૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ  કરેલી ટિપ્પણ શાસકોની જવાબદારી સ્પષ્ટ કરે છે.
મહાપુરુષોના વિચારોનું આચરણ
મહાત્મા ગાંધી કે સરદાર પટેલ જેવા રાષ્ટ્રનાયકોના નામે રાજકારણ ખેલવાનું સૌને સુલભ બની ગયું છે, પણ તેમણે પ્રજાના હિત કાજે સર્વસ્વ ત્યાગ્યું હતું એ વાતને કોરાણે મૂકીને અનુકૂળતા મુજબ એમનાં અર્થઘટનો થાય છે. કેવડિયામાં હજારો કરોડ રૂપિયાના ખર્ચે સરદાર પટેલની ભવ્ય પ્રતિમા બને અને દુનિયાભરના લોકો માટે એ આકર્ષણ જમાવે એ સામે વાંધો ના હોય,પરંતુ જે આદિવાસીઓને વિસ્થાપિત કરીને આ ભવ્યાતિભવ્ય પ્રતિમાનું નિર્માણ થયું એ આદિવાસીઓને યોગ્ય વળતર અને સરકારી નોકરીઓ સહિતની સુવિધાઓ મળવી ઘટે.બાબાસાહેબ માત્ર દલિતોના જ નહીં, સમગ્ર રાષ્ટ્રના મહાન નેતા હતા. તેમના લંડનમાં અભ્યાસ દરમિયાન નિવાસના મકાનને સેંકડો કરોડ રૂપિયા ખર્ચી મહારાષ્ટ્ર સરકાર ત્યાં મ્યુઝિયમ બનાવે, ૧૦૭૦ કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈમાં ડૉ.આંબેડકરનું સ્મારક રચે કે દિલ્હીમાં બાબાસાહેબના નિવાસ ઉપરાંત અન્યત્ર એમની સ્મૃતિમાં સ્મારક અને આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવે ત્યારે સરદારપ્રેમીઓને સાહજિક પ્રશ્ન તો થાય કે સરદાર પણ મુંબઈ, લંડન અને દિલ્હીમાં વસ્યા હતા; તો એમની સ્મૃતિમાં ત્યાં કેમ સ્મારક કે મ્યુઝિયમ નહીં? અને એ પણ વાજપેયી સરકારે નિયુક્ત કરેલી ટી.એન.ચતુર્વેદી સમિતિના અહેવાલમાં ભલામણ કરાયા પછી પણ ના થાય ત્યારે સરદાર પ્રત્યેની આ ઉદાસીનતા સમજાતી નથી. સ્મરણ રહે કે  એ સમિતિમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સભ્ય હતા. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ હોય કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય, લાલબહાદુર શાસ્ત્રી હોય કે અટલબિહારી વાજપેયી; નામોનો અને પ્રતિમાઓનો જ જાણેકે મહિમા રહ્યો છે; એમના આદર્શો કે સાદગીનો તો લોપ થઇ ચૂક્યો છે.
મહાપુરુષો થી ઉલટી દિશા
ભારતમાં ચોફેર પ્રતિમાઓ અને સ્મારકોનો મહિમા જોવા મળે છે ત્યારે રાષ્ટ્રના નાયક સરદાર વલ્લભભાઈ પટેલના આ સંદર્ભમાં શા ખ્યાલ હતા એની શોધ ચલાવતાં જે જાણવા મળ્યું એ ચોંકાવનારું છે. સ્વયં મહાત્મા ગાંધી પણ પોતાનાં સ્મારકો અંગે કેવા વિચારો ધરાવતા હતા એ બાબત પણ હાથ લાગી.ડૉ.આંબેડકર તો પોતાનો જન્મદિવસ મનાવવા કે વ્યક્તિપૂજામાં માનતા નહોતા. આમ છતાં આ બધા મહાપુરુષોના મત કે તેમણે આપેલા ઉપદેશથી આખો દેશ ઉલટી દિશામાં ગતિ કરી રહ્યો હોય ત્યારે એમના જ શબ્દો જાણવા-સમજવાની સવિશેષ જરૂર છે. મહાત્મા ગાંધીએ ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૭ના “હરિજન”માં લખ્યું હતું :”જયારે લોકો પાસે પૂરતું ખાવા માટે ના હોય કે પૂરતાં કપડાં ના હોય ત્યારે મારી પ્રતિમાઓ પાછળ ખર્ચા કરવામાં આવે એની સામે મારો વિરોધ છે.  મારી પ્રતિમાઓને બદલે આ નાણા જાહેર જનતા માટે સવલતો ઊભી કરવામાં ખર્ચવામાં આવે એ વધુ આવશ્યક છે.” સરદાર પટેલે ગાંધીજીના અવસાન પછી ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૮ના  “હરિજન” (અંગ્રેજી) અને “હરિજનબંધુ” (ગુજરાતી)માં “નો મોર સોરોઈંગ” અને “શોક તજી હવે કામે વળગો” શીર્ષક હેઠળ લખેલા લેખમાં પણ રાષ્ટ્રપિતાના ભાવને જ વ્યક્ત કર્યો હતો.એના શબ્દો આવા હતા:
“ગાંધીજીને નામે મંદિરો ઊભાં કરવાના અથવા બુતપરસ્તીની ગંધ આવે એવાં તેમનાં બીજાં સ્મારકો ઊભાં કરવાના જે અનેક પ્રયાસો થઇ રહ્યા છે તેના પ્રત્યે મારો ભારે અણગમો છે.મને લાગે છે કે એનાથી તો બીજી કોઈ પણ વસ્તુ કરતાંયેગાંધીજીને વધારે દુઃખથાય. આવી બાબતો વિષે તેમણે ઘણી વાર  પોતાના વિચારો સ્પષ્ટ શબ્દોમાં દર્શાવ્યા છે.એથી કરીને,આવાં સ્મારકો કરવાને માટે આગળ પગલાંભરવાનો વિચાર કરનારાઓને એમ કરતાં અટકી જવા હું વિનંતિ કરું છું.સારામાં સારું અને ગાંધીજીને સૌથી  વધારે ગમે એવું સ્મારક તો તેમના ઉપદેશ પ્રમાણે ચાલવું તથા તેમણેઉપદેશેલા અને આચરેલા રચનાત્મક વિચારોનો અમલ કરવામાં કામે વળગવું, એ છે. એ રીતે જ, જ્યાં તેઓ સદા રહે એમ આપણેસૌ ઈચ્છીએ છીએ તે આપણા હૃદયમંદિરમાં સાચી રીતે આપણે તેમને સ્થાપી શકીશું.” (૧૪-૨-’૪૮) (અંગ્રેજી પરથી) - વલ્લભભાઈ પટેલ.
મહાત્મા ગાંધી અને પંડિત નેહરુ સાથે ખભેખભા મિલાવીને સદાય અહિંસાના માર્ગે આઝાદી અપાવવાના યજ્ઞના આ મહારથી સરદાર સાહેબની આ વાત સાંભળ્યા પછી બીજી  કોઈ ટિપ્પણ કરવાની જરૂર રહે છે ખરી
તિખારો
મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે !
ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂના રહી જાય છે !
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !
કામધેનુ ને મળે ના એક સુકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !
છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!!
કરસનદાસ માણેક


ઇ-મેઈલ: haridesai@gmail.com     (લખ્યા તારીખ:  ૨૪ જાન્યુઆરી ૨૦૨૦)

No comments:

Post a Comment