Sunday 15 September 2019

A Country of TWO CRORE Illegal Bangladeshi Immigrants

બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરની ભોમકા
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
·         ભારતમાં પોતાના નાગરિકો હોવાનું ઢાકા સાફ નકારે છે 
·         વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન ૧,૭૫૦ને ડિપોર્ટ કરાયા
·         મહારાષ્ટ્રના  કોંગ્રેસી મુખ્યમંત્રી અંતુલેનો અભિનવ પ્રયોગ

બાંગલાદેશી ઘૂસણખોરોની સમસ્યાએ કેન્દ્ર અને રાજ્યોની સરકારો માટે સાપે છછૂંદર ગળ્યા જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે: ભારત સરકારના સત્તાવાર અંદાજ મુજબ, દેશનાં ૧૭ રાજ્યોમાં બે કરોડ જેટલા બાંગલાદેશી ઘૂસણખોરો ગેરકાયદે વસવાટ કરે છે. સર્વોચ્ચ અદાલતના નિર્દેશ હેઠળ પાંચ વર્ષની મહેનત અને ૧૨૨૦ કરોડ રૂપિયાના ખર્ચે એકલા આસામ રાજ્યના પ્રકાશિત કરાયેલા “અંતિમ” રાષ્ટ્રીય નાગરિક પત્રકમાં ૩,૧૧,૨૧,૦૦૪ નિવાસીઓનો સમાવેશ થયો અને બીજા ૧૯,૦૬,૬૫૭ જણની નાગરિકતા વિશે પ્રશ્નાર્થ પેદા થયો છે. ચારેક મહિનાનો સમયગાળો આ વીસેક લાખ જેટલી વ્યક્તિઓને પોતાની નાગરિકતાના પુરાવા સાથે ૧૦૦ જેટલાં ટ્રિબ્યુનલો સમક્ષ અપીલ કરવા અપાયો છે. એમાં વર્તમાન હિંદુ ધારાસભ્યથી લઈને ભારતીય સૈન્યમાં સેવા બજાવી ચૂકેલા હિંદુ-મુસ્લિમનો સમાવેશ છે. અગાઉ ૩૦ જુલાઈ ૨૦૧૮ના રોજ  રાષ્ટ્રીય નાગરિક પત્રકનો જે મુસદ્દો પ્રકાશિત કરવામાં આવ્યો હતો એમાં તો ૨,૮૯,૮૩,૬૭૭ જેટલા લોકો જ વાજબી નાગરિક મનાયા હતા, જયારે ૪૦,૦૭,૭૦૭ જેટલાને વિદેશી અથવા શંકાસ્પદ લેખવામાં આવ્યા હતા.
આસામ કરારનું હાર્દ
આસામમાં ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસુ) અને ઓલ આસામ ગણ સંઘર્ષ પરિષદ (એએજીએસપી) થકી વિદેશી ઘૂસણખોરોને આસામવટો આપવાના ટેકામાં ૧૯૭૯થી ૧૯૮૫ લગી સતત આંદોલનને પગલે વડાપ્રધાન રાજીવ ગાંધીની ઉપસ્થિતિમાં કેન્દ્ર,આસુ અને એએજીએસપીએ આસામ કરાર પર હસ્તાક્ષર કરીને ૨૫ માર્ચ ૧૯૭૧ના રોજ અથવા એ પછી જે વિદેશીઓ ઘૂસી આવ્યા હોય તેમને તગેડી મૂકવા સહિતની સમજૂતી થઇ હતી. એ પછી તો આંદોલનકારી વિદ્યાર્થીઓ સત્તામાં આવ્યા હતા.વર્ષ ૨૦૧૬માં વિધાનસભાની ચૂંટણી થતાં અહીં એજીપીમાંથી ભાજપમાં આવેલા સર્વાનંદ સોનોવાલ મુખ્યમંત્રી બન્યા હતા. એ પહેલાંનાં ૧૫ વર્ષ કોંગ્રેસના તરુણ ગોગોઈએ મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળી હતી. છેક ૨૦૧૫થી રાષ્ટ્રીય નાગરિકતા પત્રક બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. એને જયારે અંતિમ સ્વરૂપ અપાયું ત્યારે ભાગ્યેજ કોઈપણ પક્ષને સંતોષ થયો છે.સત્તારૂઢ પક્ષ ભાજપ જ નહીં, એની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપરાંત તમામ પક્ષો અને સંગઠનોએ રોષ વ્યક્ત કર્યો છે. આમાં સંઘ-ભાજપની ભૂમિકાએ પણ વિવાદ સર્જ્યો છે: સંઘ-ભાજપના માટે બાંગલાદેશથી કે અન્યત્રથી ઘૂસી આવેલો હિંદુ શરણાર્થી છે, જયારે મુસ્લિમ ઘૂસણખોર છે. ઓછામાં પૂરું પાડોશના દેશોમાંથી આવનારા હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ સહિતના બિન-મુસ્લિમોને નાગરિકતા બક્ષવાની જોગવાઈવાળા નાગરિકતા સુધારણા વિધેયકને મંજૂર કરાવવાની વર્તમાન કેન્દ્ર સરકારની જીદે તો રીતસર ઈશાન ભારતમાં અજંપો સર્જ્યો છે.
ઇશાન ભારત એનડીએ સાથે
ઇશાન ભારતનાં આઠેય રાજ્યોને ભાજપની નેતાગીરીએ પોતાના પડખામાં લેવા માટે કોઈ કસર છોડી નથી.સામૂહિક પક્ષપલટા કે આક્રમક ચૂંટણી પ્રચાર થકી સેવન સિસ્ટર્સ (આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા) એન્ડ વન બ્રધર (સિક્કિમ)માં એનડીએ સરકારો રચવામાં ભાજપની નેતાગીરીને સફળતા મળી છે. હમણાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે ૯ સપ્ટેમ્બરે ગુવાહાટીમાં નોર્થ-ઇસ્ટ ડેમોક્રેટિક અલાયન્સ (નેડા)ની ચોથી પરિષદને સંબોધતાં દેશભરમાંથી તમામ બાંગલાદેશી ઘૂસણખોરોને તગેડી મૂકવાના સંકલ્પની સાથે જ નાગરિકતા સુધારણા વિધેયકને પણ સંસદમાં મંજૂર કરાવવાનો દ્રઢસંકલ્પ રજૂ કર્યો હતો. ગત ૮ જાન્યુઆરીએ લોકસભાએ મંજૂર કરેલા પણ ઇશાન ભારતમાં ભડકા થવાને કારણે રાજ્યસભામાં નાગરિકતા સુધારણા વિધેયકને રજૂ કરાયું નહોતું. શાહની તાજી મુલાકાત દરમિયાન પણ ઇશાન ભારતના ત્રણ-ત્રણ મુખ્યમંત્રીઓએ આ વિધેયક મંજૂર કરાવવા સામે વિરોધ નોંધાવ્યો હતો. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયૂ રિઓ, મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામ્થાંગા તથા મેઘાલયના કોનરાડ સંગમાએ  તો આ વિધેયકને સંસદમાં મંજૂર કરાવવાનાં દુષ્પરિણામોથી ગૃહમંત્રીને વાકેફ કર્યાં હતા. આ વિધેયકમાં બાંગલાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવીને વસેલા હિંદુ, જૈન,શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસી માટે ૧૨ વર્ષને બદલે તેઓ માત્ર સાત વર્ષથી ભારતમાં વસતા હોય તો પણ તેમને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. ઇશાન ભારતનાં રાજ્યોના શાસકોને પ્રશ્ન થાય છે કે આ વિધેયક મંજૂર થતાં કાયદો બન્યા પછી બાંગલાદેશ ભણીથી લોકોનો આવરો ચાલુ જ રહેશે કે કેમ?
હિંદુ-મુસ્લિમના નોખા રંગ
છેક જનસંઘના સમયથી સંઘ પરિવારમાં હિંદુ ઘૂસણખોરોને શરણાર્થી અને મુસ્લિમ ઘૂસણખોરોને ગેરકાયદે ઘૂસી આવેલા ગણવાની પરંપરા છે. કેન્દ્રની વર્તમાન સરકાર પણ ભાજપની આ નીતિ અખંડ હોવાની પ્રતીતિ કરાવે છે. આસામમાં પણ ભાજપ અને એજીપીનું જોડાણ થવા પહેલાં સુધી એજીપીનાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.અલકા દેસાઈ-સરમાએ સ્પષ્ટ કર્યું હતું કે અમારો પક્ષ તમામ ઘૂસણખોરોને તેમના દેશમાં પાછા તગેડવાના સમર્થનમાં છે. આનાથી ઉલટું, ભાજપ અને સંઘની ભૂમિકા તો હિંદુ ઘૂસણખોરોને શરણાર્થી તરીકે તેમનો સ્વીકાર કરવાની રહી છે. આસામના અબજોપતિ ઉદ્યોગપતિ અને ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના સ્થાપક વડા અને સાંસદ બદરુદ્દીન અજમલ તો અંતિમ યાદીને કબૂલવા તૈયાર છે,પણ વ્યથા ઠાલવે છે કે મારે હું ભારતીય છું એ સાબિત કરવા માટે કેટલીવાર અદાલતોનાં ચક્કર મારવાનાં?
બાંગલાદેશના કાને હાથ
ભારતીય સંસદમાં બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોર ભારતમાં વસતા હોવાનું વર્ષ ૨૦૧૬માં કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું છે. વર્ષ ૧૯૯૭માં એ વેળાના કેન્દ્રના ગૃહમંત્રી ઇન્દ્રજિત ગુપ્તાએ  સંસદમાં જણાવ્યું હતું કે ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલા ૧ કરોડ બાંગલાદેશી વસે છે. વાજપેયી સરકારના ગૃહમંત્રી લાલકૃષ્ણ આડવાણીએ દેશમાં કરોડ કરતાં વધુ  બાંગલાદેશી ઘૂસણખોરો રહેતા હોવાનું અને ડૉ.મનમોહન સરકારમાં ગૃહ રાજ્યમંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે વર્ષ ૨૦૦૪માં એકલા આસામમાં ૫૦ લાખ અને દેશમાં ૧.૨ કરોડ બાંગલાદેશી ઘૂસણખોરો વસતા હોવાનું જણાવ્યું હતું.  આસામનું  રાષ્ટ્રીય નાગરિકતા પત્રક તૈયાર કરતાં  લાખો બાંગલાદેશી ઘૂસણખોરો આસામમાં વસતા હોવાનું સ્પષ્ટ કરાયું છે.પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી તો માને છે કે ઘૂસણખોરોના ગણાવાતા આંકડાના એકાદ ટકા જ ગેરકાયદે ઘૂસી આવેલા બાંગલાદેશી હોવાની શક્યતા છે.ગૃહમંત્રી અમિત શાહે બાંગલાદેશી ઘૂસણખોરો માટે “ઊધઈ” જેવો શબ્દ વાપર્યો તો બાંગલાદેશના મંત્રી હસનુલ હક ઈનુ ભડકી ગયા. તેમણે કહ્યું કે આવી વાતોથી તો બંને દેશો વચ્ચેના સંબંધ પર અવળી અસર પડી શકે.  પાડોશી દેશના સત્તારૂઢ પક્ષ અવામી લીગના મહાસચિવ ઓબેઈદુલ કાદરે તો એટલે સુધી કહ્યું કે ૧૯૭૧ પછી કોઈ બાંગલાદેશી ભારત સ્થળાંતરિત થયો જ નથી. ૧૯૭૧માં ભારત-પાક યુદ્ધને પગલે પૂર્વ પાકિસ્તાન અલગ થતાં બાંગલાદેશ બનાવવામાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી અને લશ્કરી વડા જનરલ માણેકશાની નેતાગીરીએ મહામૂલું યોગદાન કર્યું હતું. છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ભારત કહે છે કે બાંગલાદેશીઓ બહોળી સંખ્યામાં ભારતમાં ગેરકાયદે ઘૂસી આવ્યા છે, પણ ભારતમિત્ર બાંગલાદેશ તો એવું માનવા પણ તૈયાર નથી કે કોઈપણ બાંગલાદેશી ગેરકાયદે ભારતમાં વસે છે. નવી દિલ્હીએ પણ ઢાકા સાથે આ બાબતમાં કોઈ સત્તાવાર વ્યવસ્થા કરી નથી. એટલે ગેરકાયદે ઘૂસી આવેલાં મનાતા લાખો બાંગલાદેશીઓને એમના દેશમાં મોકલવાનું મુશ્કેલ છે.
ગોકળગાય ગતિનાં દર્શન
વચનેષુ કિમ્ દારિદ્રમ્ જેવી ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. જે દેશમાં બે કરોડ જેટલા બાંગલાદેશી ઘૂસણખોરો વસતા હોય એની સુરક્ષા અને વ્યવસ્થા જોખમમાં મૂકાય એ સ્વાભાવિક છે. મે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી ટાણે વડાપ્રધાનપદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી મોદીએ જાહેરસભાઓમાં ઘોષણાઓ કરી હતી કે બાંગલાદેશી ઘૂસણખોરો ખળિયાપોટલા તૈયાર રાખે.અમે સત્તામાં આવતાંની સાથે જ તમામ ઘૂસણખોરોને એમના દેશમાં મોકલી આપીશું. એમની સરકારે સંસદમાં આપેલા આંકડા મુજબ, દેશમાં બે કરોડ બાંગલાદેશી ગેરકાયદે ઘૂસી આવીને વસે છે. હવે આ જ  કેન્દ્ર સરકારે જ કેટલા બાંગલાદેશી ઘૂસણખોરોને તગેડ્યા એના આંકડા પણ સંસદમાં આપ્યા હતા.તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજીજુએ ૨૯ મે ૨૦૧૭ના રોજ રાજ્યસભામાં આપેલા તગેડાયેલા એટલે કે ડિપોર્ટ કરાયેલા આવા ઘૂસણખોરોના આંકડા કંઇક આવા હતા: વર્ષ ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬ દરમિયાન ૨૫૦થી વધુ પાકિસ્તાની નાગરિકો અને ૧,૭૫૦ બાંગલાદેશી નાગરિકોને ડિપોર્ટ કરાયા હતા. ઘૂસણખોરોને સીધેસીધા ડિપોર્ટ કરવાનું શક્ય નથી. સૌથી પહેલાં તો એમની ઓળખની લાંબી પ્રક્રિયા હાથ ધરાય અને તે કાનૂની દાવપેચમાં અટવાયા કરે છે. જો ત્રણ વર્ષમાં માત્ર ૧,૭૫૦ જ બાંગલાદેશી નાગરિકોને પાછા કાઢયા હોય તો બે કરોડને ડિપોર્ટ કરવામાં કેટલો સમય લાગે!      
અંતુલેનો નોખો પ્રયાસ
આસામમાં ઘૂસણખોરોને પાછા કાઢવાના મુદ્દે ચૂંટણી લડાય છે. દેશમાં ૧૭ રાજ્યોમાં વિદેશી ઘૂસણખોરોને તગેડવાની તાતી જરૂરિયાત છે. જોકે ભારે ગાજવીજ થતી રહે છે પરંતુ આટલી મોટી સંખ્યામાં ઘૂસણખોરોને તગેડવાનો અભિનવ પ્રયાસ કરીને મુંબઈને બચાવી લેવા માટે નોખી પહેલ કરનાર હતા અબ્દુલ રહેમાન અંતુલે.૧૯૮૦-૮૨ના ગાળામાં એ સંજય ગાંધીના નિષ્ઠાવંત એવા કોંગ્રેસી મુખ્યમંત્રી હતા. માંડ બે વર્ષ પણ રાજ નહીં કરી શકનારા અંતુલેના અનેક અવનવા અભિગમોમાં મુંબઈની ફૂટપાથોને ગેરકાયદે ઘૂસી આવેલા બાંગલાદેશી લોકોથી મુક્ત કરવા માટે રીતસર ટ્રક તૈયાર કરાવીને, તેમાં આવા બાંગલાદેશી ઘૂસણખોરોને તેમના સામાન સાથે ખડકીને, બાંગલાદેશની સરહદ સુધી મૂકી આવવાનો સંકલ્પ કર્યો હતો.જોકે આ તબક્કે માનવાધિકારવાળા આડા ફાટ્યા અને અદાલતે ગયા એટલે અંતુલે મિશનને સફળતા મળી નહીં. બીજા કોઈ રાજ્યમાં આજ લગી આવી તૈયારી સાથે ગેરકાયદે ઘૂસણખોરોને ડિપોર્ટ કરવાનો પ્રયાસ  થયાનું સ્મરણમાં નથી. થોડાં વર્ષ પહેલાં અંતુલેનું ૮૭ વર્ષની વયે નિધન થયું ત્યારે આ બાબતનું સ્મરણ સહજ થઇ આવે છે. જોકે એકબાજુ, કેન્દ્ર સરકાર તમામ ઘૂસણખોરોને પાછા તગેડવાની વાત કરે છે તો સામે પક્ષે ભાજપની માતૃસંસ્થા આરએસએસના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી)નો સંઘનિષ્ઠ રાજકીય શાસકોને આદેશ છે કે ફરીને અખંડ ભારત બનાવવું. અખંડ ભારત એટલે ભારત,પાકિસ્તાન અને બાંગલાદેશનું એકીકરણ થાય. જોકે વર્તમાન શાસકો અખંડ ભારતની ઝાઝી વાત નથી કરતા,કારણ ઇસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાન અને લોકશાહી રાષ્ટ્ર બાંગલાદેશની વીસ-વીસ કરોડની મુસ્લિમ વસ્તી સાથે ભારતના ૨૦ કરોડ મુસ્લિમોની  વસ્તી એકાકાર થાય તો ૬૦ કરોડ મુસ્લિમો અને ૮૦ કરોડ હિંદુઓનો આ દેશ બની જાય. આવા સંજોગો વર્તમાન શાસકોને આવકાર્ય ના હોય છતાં  આવતાં વર્ષોમાં ત્રણેય દેશોના એકીકરણને નકારી શકાય નહીં. આપણી સામે બે દુશ્મન દેશ પૂર્વ અને પશ્ચિમ જર્મની એકાકાર થયાનો ઈતિહાસ ઝગારા મારે  છે. સાથે જ ઉત્તર યમન અને દક્ષિણ યમન પણ એક થયાં. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે અત્યારે દુશ્મનીને બદલે ઇલુ ઇલુ શરૂ થઇ ચૂક્યું છે. આવા સંજોગોમાં ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ વિભાજિત  થયેલા ભારત અને પાકિસ્તાન (વત્તા બાંગલાદેશ)ના એકીકરણની કલ્પના સાવ અશક્ય નથી. વિભાજનને ટાળવાના ગાંધીજીના ઉટોપિયા ખયાલ, ઈકબાલના સારે જહાં સે અચ્છા હિંદુસ્તાં હમારા, ઝીણાના પ્રાયશ્ચિત, સુભાષના સેક્યુલરવાદ, સાવરકરની સૈનિકી તાલીમ અને  ગુરુજીના અખંડ ભારતના વિચારના  સપ્તરંગી ઇન્દ્રધનુષ્યનો સુમેળ સાધી શકાય છે.
તિખારો
કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની;
અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા,
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે!
-      શૂન્ય પાલનપુરી
ઇ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ પ્રકાશન: મુંબઈ સમાચારદૈનિક રવિવારીય પૂર્તિ ‘ઉત્સવ’ ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૯)


No comments:

Post a Comment