Thursday 15 August 2019

On the occassion of 15 August 2019

આઝાદીના પર્વ ૧૫ ઑગસ્ટ ૨૦૧૯ નિમિત્તે
ગુજરાત પર ગાંધી-સરદારની અહિંસાનો પ્રભાવ:- ડૉ.હરિ દેસાઈ
મૃત્યુને ભેટવા સુધીની તૈયારી સાથે સત્યાગ્રહો જ
રાષ્ટ્રપિતાની અહિંસક સમાજરચનાની વિભાવના
ત્રણેક સદીની ગુલામી પછી ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારતની આઝાદીનું “અરુણું પરભાત” ઊગ્યું ત્યારથી આજ લગી સતત ચગડોળે ચડેલો પ્રશ્ન એ રહ્યો છે કે આઝાદી મેળવવાના અભિયાનમાં ગુજરાત હિંસાના મારગને અનુસર્યું કે અહિંસાના? સાત સાત દાયકા પછી પણ વારંવાર ઊઠાવાતા આ પ્રશ્નનો ઉત્તર તો આઝાદી મળ્યાનાં સોળ વર્ષ પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પટ્ટશિષ્ય અને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી રહેલા સરદાર વલ્લભભાઈ પટેલે કરાંચી ખાતેના કૉંગ્રેસ અધિવેશનમાં અધ્યક્ષસ્થાનેથી આપી જ દીધો હતો: “નવજવાન ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુને થોડા દિવસ ઉપર જ ફાંસી મળી છે. તેથી દેશને પારાવાર ઉકળાટ થયો છે. એ યુવકોની કાર્યપદ્ધતિની સાથે મારે નિસબત નથી. બીજા કોઈ પણ હેતુને માટે ખૂન કરવું તેના કરતાં દેશને માટે કરવું એ ઓછું નિંદ્ય છે એમ હું માનતો નથી. છતાં ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ, હિંમત અને બલિદાન આગળ મારું શીશ ઝૂકે છે. આ યુવાનોને થયેલી ફાંસીની સજા બદલીને દેશનિકાલની કરવામાં આવે એવી લગભગ આખા દેશની માંગણી છતાં સરકારે એમને ફાંસી દઈ દીધી છે, એ હાલનું રાજતંત્ર કેટલું હૃદયશૂન્ય છે એ પ્રગટ કરે છે.” (માર્ચ ૧૯૩૧) સરકારી અત્યાચાર ટાણે પણ “અહિંસાના ખાંડાની ધાર”નો મારગ ચૂકાય નહીં એ મહાત્માની શીખને સરદાર અને ગુજરાતે ગૂંજે બાંધી હતી. એવું નથી કે આઝાદીની ચળવળ સમગ્રપણે અહિંસક જ રહી છે, પરંતુ ચૌરીચૌરાની હિંસાને કારણે તો મહાત્માએ ૧૯૨૨માં અસહકારની ચળવળને સ્થગિત કરવી પડી હતી. ભગતસિંહ પોતે ક્રાંતિકારી અને હિંસાના માર્ગનું અનુસરણ કરનાર હોવા છતાં ફાંસીએ ચડતાં પહેલાં એમણે પણ અહિંસાના પ્રણેતા મહાત્મા ગાંધીના ખ્યાલનું સમર્થન કર્યું હતું. ગાંધીજીની અહિંસા નિર્વીર્ય નહોતી,પણ બલિદાન આપવાની તૈયારી સાથેની હતી. બળાત્કારીની હત્યા કરવામાં એમને હિંસાનાં દર્શન થતાં નહોતાં.
ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું નિષ્ઠાવંત રહ્યું હતું. સરદારના મોટાભાઈ અને ભારતની કેન્દ્રીય ધારાસભાના પ્રથમ હિંદી પ્રમુખ બૅરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલનું ૧૯૩૩માં વિયેનામાં મૃત્યુ થયા પૂર્વે નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથેના નિવેદનમાં “ગાંધીજીની નેતાગીરીની નિષ્ફળતા” અને “હિંસાના માર્ગના અનુસરણ થકી પણ” આઝાદી મેળવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. જોકે સરદાર આજીવન અહિંસાના પૂજારી જ રહ્યા. ઈતિહાસ પુનર્લેખનના નવા ધખારાના યુગમાં ક્રાંતિકારીઓ થકી જ આઝાદી મળ્યાનું ગાણું સવિશેષ ગવાતું થયું છે. બ્રિટિશ યુગના ગુજરાતથી આજ લગીના ગુજરાતમાં બહુમતી પ્રજા અહિંસક મારગનું અનુસરણ કરવા માટે પ્રેરાતી રહી છે. ક્યારેક અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ગાંધીજીપ્રેરિત “હિંદ છોડો”ના ૧૯૪૨ના ૮ ઑગસ્ટના ઐતિહાસિક ઠરાવને ટેકો આપ્યો. અમદાવાદનાં બધાં બજારો તથા અમદાવાદ અને સુરતની કાપડ મિલોએ ૧૦૫ દિવસની હળતાળ પાડી. ૯ ઑગસ્ટે અમદાવાદમાં ખાડિયામાં થયેલા ગોળીબારમાં ઉમાકાંત કડિયા મરણ પામ્યો. લૉ કૉલેજથી નીકળેલું વિદ્યાર્થીઓનું સરઘસ ગુજરાત કૉલેજમાં પ્રવેશતાં વિનોદ કિનારીવાલા સામી છાતીએ, ગોળીબારથી શહીદ થયો. એ પછી કિશોરલાલ મશરૂવાળાએ ૨૩ ઑગસ્ટના “હરિજન”માં ભાંગફોડની પરવાનગી આપતું લખાણ લખીને હિંસાને પ્રેરી હતી, કેટલાક ક્રાંતિકારીઓ બૉમ્બ બનાવવાની પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા હતા; પરંતુ મૂળે વેપારીબુદ્ધિના ગુજરાતીઓએ હિંસાના ચલણને પ્રભાવી થવા દીધું નહોતું. કાંતિલાલ ધિયા કે રતુભાઈ અદાણી જેવા જે યુવા નેતાઓએ ક્યારેક ગુપ્ત સંગઠન રચવા અને હિંસા આચરવા સુધી જતા હતા, એવા નેતાઓ પાછળથી ગાંધીજીના જ અનુયાયી બન્યા હતા. મૃત્યુને ભેટવા સુધીની તૈયારી સાથે સત્યાગ્રહોમાં ભાગ લેનારાઓ સામે ધરાસણાના સત્યાગ્રહમાં લાઠીઓ ખાઇ લોહીલુહાણ થયા છતાં કોઈ સત્યાગ્રહીએ સામો પ્રહાર કર્યો હોય એવો પ્રસંગ આવ્યો નહોતો. અહિંસક સમાજરચનાની ગાંધીજીની વિભાવનામાં ઉચ્ચ આત્મશક્તિ હાંસલ કરીને યુદ્ધો ટાળવા અને યુદ્ધસરંજામ મોટેભાગે નીરુપયોગી બને એવા “દિવાસ્વપ્ન” કે “બાલિશ મૂર્ખતા” દ્રશ્યમાન હતી. હવે કદાચ આપણે ઉલટી દિશા પકડી છે. ઇ-મેઈલ: haridesai@gmail.com
(આઝાદીના પર્વ ૧૫ ઑગસ્ટ ૨૦૧૯ નિમિત્તે)

No comments:

Post a Comment