Saturday 10 August 2019

Modi-Shah's Kashmir Revolution and Reactions

મોદી-શાહની કાશ્મીરક્રાંતિનું પ્રત્યાઘાતકારણ
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
·         ૩૭૦ની બે કલમો અને ૩૫ (એ)ને સમાપ્ત કરવાનું ચાણક્યપગલું
·         ૩૭૧ હેઠળની ઇશાન ભારતનાં રાજ્યોની જોગવાઇઓનો હવે પ્રશ્ન  
·         પાકના નાપાક ઈરાદા છતાં આતંકવાદને અંકુશમાં લાવવાની દિશા  
ડિસેમ્બર ૧૯૯૧ અને જાન્યુઆરી ’૯૨માં ભાજપના અધ્યક્ષ  ડૉ.મુરલી મનોહર જોશીની કન્યાકુમારીથી શ્રીનગર લગીની “એકાત્મતા યાત્રા”ના સંયોજક તરીકે સંઘપ્રચારકમાંથી ગુજરાત ભાજપના મહામંત્રી (સંગઠન) બનેલા નરેન્દ્ર મોદી હતા. આતંકવાદના ઓછાયા વચ્ચે પણ જોશી અને મોદીએ શ્રીનગરના લાલચોકમાં દેશની શાન સમો ત્રિરંગો લહેરાવ્યો હતો. એના બે વર્ષ પહેલાં ભાજપના અધ્યક્ષ લાલકૃષ્ણ આડવાણીની સોમનાથથી અયોધ્યા યાત્રાના સંયોજક પણ મોદી જ હતા. સ્વાભાવિક હતું કે વડાપ્રધાન તરીકે એમના હૈયે કાશ્મીર કોકડાના કાયમી ઉકેલ માટે પહેલ કરવાનો ધખારો હોય. તાજેતરમાં જ મોદી અને એમની સરકારના ગૃહમંત્રી અમિત શાહે અણધાર્યા ઑપરેશન તરીકે, સુરક્ષાનાં આગોતરાં પગલાં લઈને, દેશના મુગટમણિ સમા રાજ્યને વિશેષ દરજ્જો બક્ષતા ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૭૦ની બે કલમો દૂર કરવા ઉપરાંત ૩૫ (એ)ને પણ સમાપ્ત કરી દેવાનું ચાણક્ય પગલું ભર્યું. સાથે જ જમ્મૂ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી નાંખવા ઉપરાંત લદ્દાખને પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો. કેન્દ્ર સરકારના આ પગલાને દેશભરની જનતાનું વ્યાપક સમર્થન અને આવકારો મળવો સ્વાભાવિક હતો. વડાપ્રધાન મોદીએ ૮ ઓગસ્ટના દેશવાસીઓ જોગ સંબોધનમાં સરદાર પટેલ, ડૉ.બાબાસાહેબ આંબેડકર અને ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી ઉપરાંત અટલ બિહારી વાજપેયીના જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના વિકાસ અને સુખશાંતિના સ્વપ્નને સાકાર કરવાની હાકલ કરી છે. વર્ષ ૧૯૮૯થી સતત આતંકગ્રસ્ત રહેલા જમ્મૂ-કાશ્મીરને દેશની મુખ્યધારામાં લાવીને શાંતિ સ્થાપી એનો વિકાસ કરવો એ જ  કેન્દ્રની નેમ હોવાનું સંસદમાં પણ સ્પષ્ટ થયું. મહારાજા હરિસિંહ થકી ૨૬ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ ભારતમાં વિલય કરાયેલા એમના રજવાડાનો ૫૪ % હિસ્સો હજુ ગેરકાયદેસર રીતે પાકિસ્તાન અને ચીને ગપચાવેલો હોવાથી સ્વાભાવિક રીતે જ આ બંને મિત્રદેશોના પેટમાં તેલ રેડાય. ઘરઆંગણે પણ તાજા ઘટનાક્રમ વિશે રાજકારણમાં ગરમાટો આવ્યો છે ત્યારે એની ગઈકાલ અને વર્તમાનની ભૂમિકા પર આવતીકાલ કેવી હશે, એનો અંદાજ મેળવવો અનિવાર્ય બની જાય છે.
મહારાજાનું સ્વિત્ઝર્લેન્ડસ્વપ્ન
બ્રિટિશ શાસકોએ ભારતમાંથી વિદાય થતાં પહેલાં જે બે ઉંબાડિયાં મૂકીને જવાનું નક્કી કર્યું હતું,એમાં () બ્રિટિશ ઇન્ડિયામાંથી કાઇદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાન આપવા ઉપરાંત (૨) દેશી રજવાડાંને ભારત કે પાકિસ્તાન સાથે જોડાવા ઉપરાંત સ્વતંત્ર રહેવાનો વિકલ્પ અપાયો હતો. ૩ જૂન ૧૯૪૭ની વાઈસરૉય માઉન્ટબેટનની ભાગલાની જાહેરાત સાથે જ  સૌથી પહેલાં સ્વતંત્ર રહેવાની ઘોષણા ત્રાવણકોરના હિંદુ મહારાજા વતી કરાઈ. જોકે એમને સમજાવી લેવાયા, પણ મુસ્લિમ બહુલ જમ્મૂ-કાશ્મીરના હિંદુ મહારાજા હરિસિંહ પોતાના સ્વતંત્ર સ્વિત્ઝર્લેન્ડનું સ્વપ્ન આંખોમાં આંજી બેઠા હતા. વાઈસરૉય થકી એમને એની માન્યતા મળશે નહીં, એવું કહ્યા પછી અને સરદાર પટેલે તેઓ પોતાનું રજવાડું પાકિસ્તાન સાથે જોડે તો પણ ભારત  વાંધો  નહીં લે, એવો સંદેશો પાઠવ્યા છતાં મહારાજા દ્વિધામાં રહ્યા. (વી.પી. મેનનલિખિત ‘ઇન્ટિગ્રેશન ઑફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ’ પૃષ્ઠ: ૩૯૪). સરદારની ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ સુધીમાં નિર્ણય કરી લેવાની સલાહ છતાં એ નિર્ણય કરી શક્યા નહીં. ૨૨ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાની સેનાના રૅગ્યુલર્સ કબાઈલીઓના વેશમાં આ રજવાડા પર ત્રાટક્યા અને બારામુલ્લા સુધી આવી ગયા ત્યારે મહારાજાએ ૨૬ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ ભારત સાથે વિલયપત્ર પર અડધી રાતે હસ્તાક્ષર કર્યા. ૨૭ ઑક્ટોબરે એને ભારતીય ગવર્નર-જનરલ માઉન્ટબેટને મંજૂરી આપી. ભારતીય પ્રદેશ બનેલા આ રાજ્યને બાહ્ય આક્રમણ સામે બચાવવા સરદાર પટેલની પહેલથી ભારતીય લશ્કરી દળોની ખેપ રવાના કરી દેવાઈ.  એ મહાર રૅજિમૅન્ટે જાનની બાજી લગાવીને વર્તમાન ભારતીય હકૂમત હેઠળના જમ્મૂ-કાશ્મીરને બચાવી લીધું. ૨૭ સપ્ટેમ્બર ૧૯૪૭ના પત્રમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર પટેલને પાકિસ્તાન તરફથી તાયફાવાળાઓને ઘૂસાડવાના પ્રયાસો થવાના આગોતરા અહેવાલની જાણ કરી ત્યારથી લઈને છેક ડિસેમ્બર ૧૯૪૭ લગી નેહરુ અને સરદાર બેઉ કાશ્મીર મામલે સાથે જ હતા. પારસ્પરિક ચર્ચા કરીને નિર્ણયો લેતા રહ્યા. એ પત્રવ્યવહાર પણ ઉપલબ્ધ છે. મહારાજાને ભારત સાથે પોતાના રજવાડાને જોડવાથી લઈને રાષ્ટ્રહિતમાં ‘દેશવટો’ સ્વીકારવા સુધી સમજાવવાનું કામ સરદાર પટેલે શિરે લીધું હતું. (હરબંસ સિંહલિખિત ‘મહારાજા હરિસિંહ: ધ ટ્રબલ્ડ યર્સ’ પૃષ્ઠ: ૨૪૫-૨૫૯) પાકિસ્તાન સાથે જોડાણના વિરોધી અને ભારત સાથે રહેવાના પક્ષધર એવા લોકપ્રિય જનનેતા શેખ અબદુલ્લાને સમજાવવાનું કામ વડાપ્રધાન નેહરુને ભાગે આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં પણ શેખે ભારત સાથે જ રહેવાનું પસંદ કર્યું હતું,પણ ૧૯૪૯ પછી ‘સ્વતંત્ર કાશ્મીરનાં સ્વપ્ન જોવા માંડેલા શેખે ૧૯૫૩માં સ્વર ખૂબ બદલ્યા અને ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીનું મૃત્યુ તેમની અટકાયતમાં થયું ત્યારે નેહરુ સરકારે જ અબદુલ્લાને રાજ્યના શાસકમાંથી વર્ષો સુધી જેલવાસી કર્યા હતા.
૩૭૦ (૩૦૬-એ) અંગે સંમતિ
પ્રચલિત વાયકાઓથી વિપરીત જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા ભારતીય બંધારણમાં સામેલ કરવામાં આવેલા અનુચ્છેદ ૩૭૦ને બંધારણસભામાં ૩૦૬-એ તરીકે ૧૭ ઓક્ટોબર ૧૯૪૯ના રોજ મંજૂર કરાવાયા પહેલાં એન.ગોપાલસ્વામી આયંગરે એના મુસદ્દાને સરદાર પટેલ પાસે અંતિમ સ્વરૂપ માટે મંજૂર કરાવ્યો હતો.(ક.મા.મુનશીલિખિત ‘ઇન્ડિયન કૉન્સ્ટિટ્યૂશનલ ડૉક્યૂમૅન્ટ્સ’ વૉલ્યૂમ-૨ પૃષ્ઠ: ૫૧૮-૧૯).  બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ.બાબાસાહેબ આંબેડકર થકી એનો  મુસદ્દો તૈયાર કરવાનો નન્નો ભણાયા બાદ ડિસેમ્બર ૧૯૪૭થી કાશ્મીર બાબતોનો અખત્યાર સંભાળતા ખાતા વગરના પ્રધાન ગોપાલસ્વામીએ એને તૈયાર કર્યો હતો. બંધારણસભામાં મંજૂરી માટે મૂકાયેલા આ મુસદ્દા અંગે કૉંગ્રેસના સભ્યો સંમતિ આપવા તૈયાર નહોતા ત્યારે સરદાર સાહેબે એમને એ માટે સંમત કર્યા હતા.બંધારણસભામાં મૌલાના હસરત મોહાનીએ માત્ર મહારાજા કાશ્મીર માટે વિશેષ દરજ્જાની “ભેદભાવપૂર્ણ” જોગવાઈ કરાય એ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા,પરંતુ આયંગરે યુદ્ધ જેવી સ્થિતિ અને સરહદી પ્રદેશ સહિતના મુદ્દે આ હંગામી જોગવાઈ કરવાની વિગતે વાત કર્યા પછી એ પ્રસ્તાવને સ્વીકારીને અનુચ્છેદ ‘૩૦૬-એ’ને બંધારણમાં સામેલ કરાયો હતો. (‘કૉન્સ્ટિટ્યૂઅન્ટ અસેમ્બલી ડિબેટ્સ’ વૉલ્યૂમ-૧૦ પૃષ્ઠ: ૪૨૧-૪૨૯). નેહરુ સરકારના મંત્રીઓ ડૉ.આંબેડકર કે ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીએ એ સામે વિરોધ નોંધાવ્યો નહોતો.
ઘિસતે ઘિસતે ઘિસ ગઈ
માત્ર ઇતિહાસમાં જ રમમાણ રહેવાને બદલે વર્તમાન સંજોગોમાં પણ આવીને તપાસીએ તો અનુચ્છેદ ૩૭૦ અન્વયે જીએસટી, રાઇટ ટુ ઇન્ફર્મેશન, રાઈટ ટુ ઍજ્યુકેશન સહિતના ભારતના કાયદાઓ કે સુપ્રીમ કૉર્ટ, ચૂંટણી પંચના અધિકારક્ષેત્ર સહિતની અન્ય જોગવાઈઓ સમયાંતરે મહદઅંશે જમ્મૂ-કાશ્મીરમાં લાગુ કરી શકાઈ છે. (અમિતાભ મટ્ટૂલિખિત ‘અન્ડરસ્ટૅન્ડિંગ ૩૭૦’). કેટલાક કાયદા હજુ લાગુ નહોતા તે તાજેતરમાં રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવાના કેન્દ્રના નિર્ણયને પગલે લાગુ થઇ જશે. ક્યારેક વડાપ્રધાન નેહરુએ સંસદમાં કહ્યું હતું તેમ ૩૭૦ ‘ઘિસતે ઘિસતે ઘિસ ગઈ’ છે. તાજેતરમાં કરાયેલા સુધારા પહેલાં સુધી ૩૭૦ અન્વયે રાજ્યમાં જે પ્રકારની જોગવાઈઓ હતી એવી જ, રાજ્યની ધારાસભાની સંમતિ વિના કાયદા લાગુ ના કરી શકાય તેવી જોગવાઈઓ, હજુ બંધારણના અનુચ્છેદ ૩૭૧ અન્વયે ઇશાન ભારતનાં રાજ્યોમાં અમલી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ અસ્તિત્વમાં છે. આવતા દિવસોમાં એ બંધારણીય સુધારા કરવાનો વખત આવતાં જે તે રાજ્યની પ્રજાની અસ્મિતાના જતનનો પ્રશ્ન પણ સામે આવશે.
૩૫ (એ)નાં મૂળ ક્યાં છે?
મહારાજા હરિસિંહ ૨૩ સપ્ટેમ્બર ૧૯૨૫ના રોજ ગાદીએ બેઠા. એ પછી પંડિત શંકરલાલ કૌલના નેતૃત્વમાં ‘કશ્મીર ફૉર કશ્મીરીઝ’ આંદોલન થયું. આ આંદોલનને પગલે ‘બહારનાઓને’ જમીન ખરીદવાનો હક્ક  કે સરકારી નોકરીઓ કે શિક્ષણમાં લાભ ના મળે એવી જોગવાઈ કરતા બે કાયદા ‘સ્ટેટ સબ્જૅક્ટ લૉ’ મહારાજાએ ૧૯૨૭ અને ૧૯૩૨માં અમલી બનાવ્યા હતા. (દુર્ગાદાસ સંપાદિત સરદાર પટેલ્સ કૉરસ્પૉન્ડન્સ ૧૯૪૫-૫૦ વૉલ્યૂમ-૧ પૃષ્ઠ: lxxiv). પંજાબીઓ  જમ્મૂ-કાશ્મીરની જમીન પર કબજો ના જમાવે કે શિક્ષણ માટેની સરકારી શિષ્યવૃત્તિ કે સરકારી નોકરીઓ પર સ્થાનિકોને બદલે પંજાબીઓ સહિતના અન્ય પ્રદેશોના લોકો એકાધિકાર ના જમાવે એટલા માટે આ કાયદાઓ કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં ૩૭૦ હેઠળ રાષ્ટ્રપતિ થકી જાહેરનામું બહાર પાડીને આને આનુષાંગિક ‘૩૫-એ’ ની જોગવાઈ કરવામાં આવી હતી. મહિલાઓને સમાન સંપત્તિ અધિકાર કે અન્ય લાભ માટે એમાં ફેરફાર કરવાની સત્તા રાજ્યની વિધાનસભાને હતી. જોકે રાજ્ય બહાર પરણનાર મહિલાઓમાં સ્વયં પૂર્વ મુખ્યમંત્રી ડૉ.ફારુક અબદુલ્લાની દીકરી સારા સચિન પાઈલટ (રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીનાં પત્ની)ને પોતાની સંપત્તિમાં અધિકાર આપવામાં કોઈ કાયદો અવરોધક બન્યો નહીં હોવાનું આ નેતાએ પોતે જાહેર કર્યું હતું.
રાજ્યનો દરજ્જો બહાલ થશે
છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન કેન્દ્ર અને રાજ્યમાં મહદઅંશે ભાજપના નેતૃત્વવાળા એનડીએની સરકાર રહ્યા છતાં આતંકવાદ અટક્યો નહીં, કાશ્મીરી પંડિતોનું પુનર્વસન શક્ય ના બન્યું  અને સ્થિતિ સામાન્ય નહીં થતાં કેન્દ્ર થકી અણધાર્યાં પગલાં લેવામાં આવ્યાં. રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું. કેન્દ્ર તરફથી દેશને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે સ્થિતિ સામાન્ય થતાં એને રાજ્યનો દરજ્જો પાછો આપી શકાય છે. જમ્મૂ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની ધારાસભાની આવતા દિવસોમાં ચૂંટણી થશે. હવેના જમ્મૂ કેન્દ્રિત રાજકારણમાં ભાજપ સત્તારૂઢ થવાની શક્યતા છે. આમ પણ, ડિસેમ્બર ૨૦૧૪માં છેલ્લી વિધાનસભા ચૂંટણી થઇ અને ૨૦૧૫ના પ્રારંભમાં મુફ્તી મહમ્મદ સઈદની પીડીપી સાથે ભાજપની સંયુક્ત સરકાર બની ત્યારથી આજ લગી રાજ્યપાલ-રાષ્ટ્રપતિના શાસન દરમિયાન પણ ભાજપ કને જ સત્તા છે. અત્યારે બંને કેન્દ્રશાસિત પ્રદેશ કરફ્યૂ કે ૧૪૪ હેઠળ છે. થોડા સમયમાં સ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા છે. પાકિસ્તાન અને ચીન ભડક્યાં છે. વાજપેયી સરકારના કાશ્મીર બાબતોના સલાહકાર અને ભારતીય ગુપ્તચર એજન્સી ‘રૉ’ના વડા રહેલા એ.એસ.દુલાતનું કહેવું છે કે રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવાતાં આતંકવાદ વકરશે. વડાપ્રધાન મોદીના ટીકાકાર રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાનું કહેવું છે કે દેશની લોકસભાની ચૂંટણી વર્તમાન સમયમાં થાય તો ૫૪૩માંથી ભાજપને ૫૦૦ બેઠકો મળે. કેન્દ્રનું આ પગલું રાજકીય દ્રષ્ટિએ ખૂબ  લોકપ્રિય ગણાવી શકાય. જમ્મૂ-કાશ્મીર માટે મોદી-શાહની નીતિ પાકિસ્તાને ગપચાવેલા કે ચીને ગપચાવેલા ભારતીય પ્રદેશને ફરી પ્રાપ્ત કરવા માટે કઈ દિશામાં આગળ લઇ જશે, એ ભણી સૌની નજર રહેવાની. ભાજપની માતૃસંસ્થા આરએસએસના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી)ના સ્વપ્નનું અખંડ ભારત હજુ સાકાર કરવાનું બાકી છે: ભારત સાથે પાકિસ્તાન અને બાંગલાદેશને એકાકાર કરવાનું. આજકાલ ભાગ્યેજ આ સ્વપ્નને સાકાર કરવાની વાત કોઈ કરે છે. અખંડ ભારતને સાકાર કરાતાં અખંડ ભારતની વસ્તી ધાર્મિક દ્રષ્ટિએ ૮૦ કરોડ હિંદુઓ અને ભારત, પાક અને બાંગલાદેશના મળીને ૬૦ કરોડ મુસ્લિમ થાય. એ શક્યતા આ વિશે મૌનનું મુખ્ય કારણ હોઈ શકે. આવતા દિવસોમાં પાકિસ્તાન કાશ્મીરમાં ઝાઝું કંઈ કરવાની સ્થિતિમાં ભલે ના હોય, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના આજીવન રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભણી નજર રાખવી પડશે. અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળી જવા માટે વૉશિંગ્ટનને ઇસ્લામાબાદનો ખપ છે, પણ કાબુલ ભણીથી તાલિબાનનો ડોળો જમ્મૂ-કાશ્મીર ભણી મંડાય એવી શક્યતાના પડકારને ઝીલવા પણ દેશવાસીઓએ સજ્જ રહેવું પડશે.
તિખારો
ધમકી, જેહાદ કે નારોં સે, હથિયારો સે
કશ્મીર કભી હથિયા લોગે, યહ મત સમઝો
હમલોં સે, અત્યાચારોં સે, સંહારો સે
ભારત કા ભાલ ઝુકા લોગે, યહ મત સમઝો.
-     અટલ બિહારી વાજપેયી  
ઇ-મેઈલ: haridesai@gmail.com(લખ્યા તારીખ: ૮ ઑગસ્ટ ૨૦૧૯ મુંબઈ સમાચાર ઉત્સવ પૂર્તિ ૧૧ ઓગસ્ટ ૨૦૧૯)

No comments:

Post a Comment