Saturday 13 July 2019

Sedition Cases: From Lokmanya and Mahatma to Vaiko



રાજદ્રોહના ખટલા લોકમાન્ય અને મહાત્માથી વાયકો સુધી
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ
·         લૉર્ડ મૅકોલેની કેળવણી સામે વિરોધ,પણ તેણે ઘડેલી ૧૨૪(એ)ની જોગવાઈ હજુ આજે ય અકબંધ
·         ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના મોરચામાં રહેલા તમિળ ટાયગર્સના સમર્થક નેતાને એક વર્ષની કેદ થઇ   
·         “સરકારનું ડોકું ઠેકાણે છે કે” શીર્ષકવાળ તંત્રીલેખ ૧૮૯૭માં ટિળકની ધરપકડનું નિમિત્ત બન્યો
·         ગાંધીજીને “યંગ ઇન્ડિયા”માં ચાર લેખ લખવા બદલ  જુલાઈ ૧૯૨૨માં છ વર્ષની  કેદ પડી હતી

ત્રણ-ત્રણ વાર રાજ્યસભાના સભ્ય અને બબ્બે વાર લોકસભાના સભ્ય રહેલા “ટાયગર ઑફ પાર્લામૅન્ટ” તરીકે મશહૂર તમિળ નેતા વાયકોને હમણાં અદાલતે રાજદ્રોહના એક ખટલામાં દોષિત ઠરાવીને એક વર્ષની કેદની સજા ફરમાવી એટલે દેશભરમાં ફરી એકવાર એ ચર્ચામાં ઝળક્યા છે. ફરી એકવાર એ દ્રમુક સાથેના મોરચાના ઉમેદવાર તરીકે ૧૮ જુલાઈએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર છે. ૭૫ વર્ષીય આ નેતા ફરી રાજ્યસભે જશે. ૨૦૦૯માં કરુણાનિધિ સરકારે દાખલ કરેલા રાજદ્રોહના ખટલામાં તેમને વધુ વર્ષની સજા થઇ શકે તેવી જોગવાઈ હોવા છતાં એક વર્ષની સજા થઇ એટલે રાજ્યસભા ચૂંટણી માટે એમનું ઉમેદવારીપત્ર મંજૂર રખાયું છે. બે વર્ષની સજા થઇ હોત તો એ ઉમેદવારી માટે અપાત્ર ઠર્યા હોત. જોકે અદાલતે તેમને સજા સામે ઉપલી અદાલતમાં અપીલમાં જવા માટે છૂટ આપીને અમુક મુદત માટે જેલમાં પાઠવ્યા નથી. વાયકો આગ ઓકતાં ભાષણ કરવા માટે કાયમ વિવાદમાં રહ્યા છે. શ્રીલંકામાં અલગ તમિળ ઇલમ એટલે કે અલગ તમિળ દેશના તેઓ સતત ટેકેદાર રહ્યા છે. વાયકો તમિળોને સિંહાલી અત્યાચારમાંથી બચાવવા અને અલગ દેશ મેળવવા માટે લડતા એવા દુનિયાભરમાં ક્યારેક સૌથી ખૂનખાર લેખાતા ત્રાસવાદી સંગઠન “લિબરેશન ટાઇગર્સ ઓફ તમિળ ઇલમ” (એલટીટીઇ) અને ૨૦૦૯માં માર્યા ગયેલા એના સુપ્રીમો વી.પ્રભાકરનના ખુલ્લેઆમ સમર્થક પણ રહ્યા છે. સાંસદ તરીકેની લાંબી કારકિર્દી દરમિયાન અનેકવાર જેલવાસ ભોગવવાનો વારો આવ્યો, અનેક રાજકીય જોડાણોમાં સામેલ થયા, છૂટા થયા, પરંતુ પ્રધાન થવાનો પ્રસંગ આવ્યો ત્યારે સાથીઓને આગળ કર્યા. 
તમિળ હત્યાકાંડનું દોષારોપણ
વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની ૧૯૭૫-’૭૭ની ઈમર્જન્સીનો વિરોધ કરતાં વાયકોએ જેલવાસ પણ ભોગવ્યો, પણ શ્રીમતી ગાંધી જ શ્રીલંકાના તમિળોને ન્યાય અપાવી શકશે; એવું પણ એ દ્રઢપણે માનતા રહ્યા છે. કમનસીબે રાજીવ ગાંધીને સલાહકારોએ ગેરમાર્ગે દોર્યા અને ટાઇગર્સ થકી તેમની હત્યા થયાનું વાયકો કહે છે. આ આક્રમક નેતા એમ.કરુણાનિધિના દ્રમુક પક્ષમાં હતા. જયારે પોતાના અનુગામી તરીકે કરુણાએ પોતાના પુત્ર એમ.કે. સ્ટાલિનને આગળ કર્યા ત્યારે સ્ટાલિનના નેતૃત્વ માટે પડકાર મનાતા વાયકોએ દ્રમુક સાથે છેડો ફાડવો પડ્યો અને ૧૯૯૪માં પોતાનો અલગ પક્ષ “મારુમલારચી દ્રવિડ મુનેત્ર કળગમ”(એમડીએમકે) સ્થાપ્યો. ક્યારેક કોંગ્રેસના વડપણવાળા યુપીએ સાથે તો ક્યારેક ભાજપના નેતૃત્વવાળા એનડીએમાં રહેલા વાયકો વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થક હતા. જાન્યુઆરી ૨૦૧૪માં એમણે ટંકાર કર્યો હતો કે મોદી જ વડાપ્રધાન બનશે. જોકે ડિસેમ્બર ૨૦૧૪માં મોદી સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવતાં એનડીએમાંથી પણ તેઓ અળગા થયા હતા. ક્યારેક જે સ્ટાલિનની નેતાગીરી સાથે વાંકું પડ્યું હતું, એ જ સ્ટાલિનના દ્રમુક પક્ષ સાથેના કોંગ્રેસના વડપણવાળા મોરચામાં એ પાછા ફર્યા છે. એક દાયકા પહેલાં પોતાના પુસ્તક “નાન કુટુરમ સત્તુગિરેન” (હું આરોપ લગાવું છે)ના લોકાર્પણ વખતે તેમણે કરેલા ભાષણમાં ભારત સરકારની શ્રીલંકા અંગેની નીતિઓની ટીકા કરી હતી. શ્રીલંકાના તમિળોના મોટાપાયે હત્યાકાંડ માટે તેમણે ભારત સરકારને જવાબદાર લેખાવી હતી એટલે તેમની સામે ભારતીય ફોજદારી ધારા ૧૨૪(એ) અન્વયે રાજદ્રોહનો ખટલો દાખલ કરાયો હતો. પ્રભાકરન માર્યા ગયાના બે જ મહિના પછી ભારત સરકાર સામે ઉશ્કેરણી કે અપ્રીતિ સર્જનારું ભાષણ કરવા બદલ કેસ થયો હતો. ૫ જુલાઈ ૨૦૧૯ના રોજ સેશન્સની ખાસ અદાલતનાં ન્યાયાધીશ જે.શાંતિએ પોતાના ૪૩ પાનાંના ચુકાદામાં વાયકોને તકસીરવાર ઠરાવીને એક વર્ષની કેદની સજા કરી હતી. દેશની સુપ્રીમ કોર્ટ છેક ૧૯૬૨ના કેદારનાથ ખટલાના ચુકાદાથી લઈને લગાતાર અનેકવાર ૧૨૪(એ) હેઠળની રાજદ્રોહની કાર્યવાહીને વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સહિતના નાગરિકના મૂળભૂત અધિકારો પર તરાપ મારનાર ગણાવવા ઉપરાંત સરકારની ટીકા કરવી એ રાજદ્રોહ નથી, એ ભૂમિકા પર આ કલમને  રદ કરવાની તરફેણમાં ચુકાદા આપતી રહી છે. એટલું જ નહીં, ભારતીય કાયદા પંચની ભૂમિકા પણ આ કલમને રદબાતલ કરવાની હોવા છતાં દેશભરમાં સર્વપક્ષી સરકારો થકી એનો દુરુપયોગ થતો રહ્યો છે. વાયકોને રાજદ્રોહ ખટલામાં કેદની સજા થતાં સમગ્રપણે ૧૨૪(એ)ને નિરસ્ત કરવા બાબતની રાષ્ટ્રવ્યાપી ચર્ચાએ જોર પકડ્યું છે. કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદી, જેએનયૂના કનૈયા કુમાર, ગુજરાતના હાર્દિક પટેલ, લેખિકા અરુંધતિ રોય તેમજ  આસામ, મણિપુર  અને કાશ્મીરના નેતાઓ-કાર્યકર્તાઓ સામે રાજદ્રોહના ખટલા દાખલ કરાયાની ચર્ચા પણ સાર્વત્રિક છે ત્યારે વાયકો સામેના કેસમાં ચુકાદો આવ્યાનું મહાત્મ્ય ઘણું છે. 
રાજદ્રોહની કલમનો ઈતિહાસ
અંગ્રેજ શાસકોએ દેશી પ્રજાના અવાજને કચડવા અને આઝાદીની ચળવળને દબાવી દેવા માટે લૉર્ડ મૅકોલેએ સૌપ્રથમ રાજદ્રોહનો આ કાયદો ભારતીય દંડ સંહિતાની કલમ ૧૧૩ અન્વયે છેક ૧૮૩૭માં બનાવ્યો હતો. અંગ્રેજ હકૂમત સામે લડવા કે બળવો કરનારાઓને જેલભેગા કરવા માટે એ વપરાતો રહ્યો.૧૮૬૦માં જે ભારતીય દંડ સંહિતા અમલમાં આવી તેમાં શરૂઆતમાં રાજદ્રોહની જોગવાઈ રાખવામાં આવી નહોતી,પરંતુ ૧૮૭૦માં બ્રિટિશ સરકારે એમાં સુધારો કરીને કલમ ૧૨૪ (એ) જોડી “ભારતમાં એવું કોઈપણ કામ જે પ્રજામાં અસંતોષ નિર્માણ કરે છે તેને રાજદ્રોહ ગણી લેવાની જોગવાઈ કરીને બેછૂટ ધરપકડની સત્તાવાળાઓને મોકળાશ કરાઈ હતી. જોકે આ જોગવાઈમાં એ વાત સ્પષ્ટ છે કે આવા અસંતોષ સાથે હિંસા ભડકી ઊઠે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે ત્યારે જ રાજદ્રોહની આ કલમ ૧૨૪(એ) લાગુ કરી શકાય.ત્યારથી લઈને આજ સુધી આવા સંયમને જાળવ્યા વિના સત્તાવાળાઓ હજારો લોકોને રાજદ્રોહમાં સંડોવી દેતા રહ્યા છે. એ માટે આજીવન કારાવાસ સુધીની જોગવાઈ છે. નવાઈ એ વાતની છે કે બંધારણ ઘડતી વખતે ૧૨૪(એ) જેવી અમાનુષી જોગવાઈનો ભારતીય ફોજદારી ધારામાંથી દૂર કરવાની તરફેણ સ્વયં પંડિત નેહરુ અને  ક.મા.મુનશીએ પણ કર્યા છતાં હજુ આજ સુધી મૅકોલેની આ દેન જળવાઈ છે. મૅકોલેની શિક્ષણ પદ્ધતિની વિરુદ્ધમાં ખૂબ ચર્ચા થતી રહે છે,પણ રાજદ્રોહની જોગવાઈ મૅકોલેનું પ્રદાન હોવાની ભાગ્યેજ ચર્ચા થાય છે. 
ટિળકની સામે રાજદ્રોહ
અંગ્રેજ શાસન દરમિયાન દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના બે મહાન સપૂતો લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધી વિરુદ્ધ રાજદ્રોહની આ વિવાદાસ્પદ કલમ અન્વયે ખટલા ચાલ્યા એટલું જ નહીં, બંનેને છ-છ વર્ષના કારાવાસની સજા પણ રાજદ્રોહના બહુચર્ચિત ૧૯૦૮ અને ૧૯૨૨ના ખટલાઓમાં થઇ હતી. બંને મહાપુરુષોએ હિંસા ભડકાવવા જેવાં લખાણો પોતાનાં પ્રકાશનો અનુક્રમે “કેસરી” અને “યંગ ઇંડિયા”માં કર્યાં નહીં હોવા છતાં અંગ્રેજ ન્યાય પદ્ધતિ વાસ્તવમાં પૂર્વ નિર્ધારિત ચુકાદા માટે જાણીતી હોવાને કારણે અપેક્ષિત ચુકાદા આવ્યા હતા. જોકે એ વેળાના અંગ્રેજ કે દેશી ન્યાયાધીશો કલાકો સુધી આરોપી મહાનુભાવોને પોતાનું સંબોધન કરવાની અને એ વેળાની સરકારની કડકમાં કડક ટીકા કરવાની મોકળાશ જરૂર બક્ષતા હતા. ટિળકે ‘કેસરી’માં “સરકારચે ડોકે ઠિકાણાવર આહે કાય” (સરકારનું ડોકું ઠેકાણે છે કે) શીર્ષક હેઠળ તંત્રીલેખ લખ્યો અને સરકારને ચટી ગઈ. ૨૯ જુલાઈ ૧૮૯૭ના રોજ રાજ્દ્રોહનું આરોપનામું દાખલ કરીને એમની ધરપકડ કરાઈ. શિવાજીઉત્સવમાં ટિળકે ભાષણ કરીને સરકાર વિરુદ્ધ અસંતોષ નિર્માણ કરવાનો પ્રયાસ કર્યાની વાત એને હાથવગી લાગી હતી.આગલા સપ્તાહે જ એમણે ‘કેસરી’માં ‘રાજદ્રોહ કશાલા મ્હણતાત?’ એ તંત્રીલેખ લખીને ટીકા કરવાથી રાજદ્રોહ થાય નહીં, એ બાબત સમજાવી હતી. ૨૭ જુલાઈએ અટક થઇ. હાઇકોર્ટમાં એમને જામીન ના મળ્યા.૨ ઓગસ્ટે કેસ સેશન્સમાં કમિટ થતાં તેમના વકીલ બૅરિસ્ટર દાવરે ન્યાયમૂર્તિ બદરુદ્દિન તૈયબજી સમક્ષ જામીન માટે અરજી કરી અને જામીન મળ્યા. ખટલો ચાલ્યો અને ટિળકને ન્યા. સ્ટ્રેચીએ ૧૮ મહિનાની સખત મજૂરી સાથેની કેદની સજા ફરમાવી. ફરી જૂન ૧૯૦૮ના ત્રણ તંત્રીલેખોના સંદર્ભમાં ૨૪ જુલાઈ ૧૯૦૮ના રોજ ટિળકની અટક કરાઈ અને તેમને ડોંગરી જેલમાં રાખવામાં આવ્યાં.આ વખતે તેમની સામે રાજદ્રોહની કલમ ૧૨૪(એ) ઉપરાંત ૧૫૩(એ) લગાડાઈ. બૅરિસ્ટર મોહમ્મદ અલી ઝીણાએ ટિળકના વકીલ તરીકે જામીન અરજી રજૂ કરી,પણ ન્યા.દાવરે (જે અગાઉ ટિળકના વકીલ રહ્યા હતા) એ અરજીને ફગાવી દીધી. ખટલો ચાલ્યો અને ટિળકની ૨૧ કલાક ૧૦ મિનિટ જુબાની લેવાઈ, જેમાં સતત આઠ દિવસ ટિળકે રીતસર ભાષણ કરી સરકારની રેવડીદાણાદાણ કરી. ન્યા.દાવરે “ટિળક મનોરોગી અને વિકૃત હોવાથી આવા પ્રકારના લેખ લખે છે અને તેમનાં લખાણ અખબારી આલમ માટે શાપ છે” એવી ટિપ્પણ સાથે છ વર્ષની કાળાપાણીની સજા ફરમાવી. એમને મુંબઈથી અમદાવાદ સાબરમતી જેલ લાવીને બ્રહ્મદેશ માંડલે લઇ જવાયા હતા. સાડા પાંચ વર્ષે એ છૂટ્યા હતા.
ગાંધીજીને છ વર્ષની કેદ
ટિળકની સામે રાજદ્રોહનો મુંબઈમાં ખટલો ચાલ્યાનાં ૧૪ વર્ષ પછી એટલે કે ૧૯૨૨માં મહાત્મા ગાંધીના જૂન ૧૯૨૧થી ફેબ્રુઆરી ૧૯૨૨ દરમિયાન “યંગ ઇન્ડિયા”માં તેમના ચાર લેખોના સંદર્ભે અમદાવાદના શાહીબાગ ખાતેના સર્કિટ હાઉસમાં સેશન્સ જજ બ્રૂમફિલ્ડે ગાંધીજી અને તેમના પ્રકાશક શંકરલાલ બૅન્કર સામે માર્ચ ૧૯૨૨માં રાજદ્રોહનો ખટલો  ચલાવ્યો. મહાત્માએ અહીં સુનાવણીમાં બ્રિટિશ સરકારનો રીતસરનો ઉધડો લીધો. તેમના શબ્દો હતા: ‘જે ૧૨૪(એ) કલમનું સદભાગ્યે મારા પર તહોમત મૂકવામાં આવ્યું છે કલમ હિંદી નાગરિકોની સ્વતંત્રતા કચડી નાખવા  સારુ ઘડવામાં આવેલી રાજકીય કલમોમાં કદાચ સર્વોપરી છે. પ્રીતિ કંઈ કાયદાથી પેદા થનારી કે નિયમમાં રહેનારી વસ્તુ નથી...જે સરકારે અગાઉના બીજા કોઈ પણ રાજતંત્ર કરતાં સરવાળે હિંદુસ્તાનનું અહિત જ વધારે કર્યું છે તેની સામે અપ્રીતિ થવી એને તો હું સદગુણ જ સમજું છું.’ જજે બારેક વર્ષ પૂર્વે ટિળકને આ જ કલમ હેઠળ થયેલી સજાને યાદ કરીને ગાંધીજીને છ વર્ષની આસાન કેદની સજા ફરમાવીને ઉમેર્યું: “ભવિષ્યમાં સરકાર તમારી સજા ઓછી કરીને તમને છોડી મૂકશે તો એ દિવસ મારા માટે આનંદનો હશે.” મહાત્માના શબ્દો હતા: “મારી ઉપર સજા ફરમાવતાં સ્વર્ગસ્થ લોકમાન્ય બાળગંગાધર ટિળકના મુકદ્દમાની યાદ દેવડાવીને  આપે મને મોટું માન આપ્યું છે. હું એટલું જ કહેવા માગું છું કે એ મહાન પુરુષના નામ સાથે મારું નામ જોડાય એને હું મારું મોટામાં મોટું ભાગ્ય અને મોટામાં મોટી ઈજ્જત સમજું છું.” ગાંધીજીને યરવડા જેલ લઇ જવાયા હતા.  માંદગીને કારણે તેમને ફેબ્રુઆરી ૧૯૨૪માં જ છોડી મૂકાયા હતા. 
સોલી સોરાબજીનું મંતવ્ય
તમિળનાડુમાં આંદોલન કરનારા ૨૩,૦૦૦ લોકોની ૨૦૧૨માં ધરપકડ કરાઈ હતી એટલું જ નહીં, ૯,૦૦૦ લોકોની સામે તો રાજદ્રોહના ખટલા દાખલ કરાયા હતા. આ વેળા કેન્દ્રમાં કોંગ્રેસના વડપણવાળી સરકાર હતી.નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ, ૨૦૧૪માં એટલેકે કેન્દ્રમાં ભાજપના વડપણવાળી સરકાર હતી ત્યારે દેશનાં નવ રાજ્યોમાં ૪૭ જેટલા  રાજદ્રોહના ખટલા નોંધાયા હતા. હમણાં મણિપુરના મુખ્યમંત્રીની ટીકાને રાજદ્રોહ ગણી ટીકાકારની ધરપકડની વખોડવાલાયક ઘટના બની. બંધારણવિદ સોલી સોરાબજી કહે છે કે સરકારની માત્ર ટીકા  કરવી દેશદ્રોહ કે રાજદ્રોહ નથી, પરંતુ એણે કારણે હિંસા ફાટી નીકળે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડે  તો રાજદ્રોહની શ્રેણીમાં આવી શકે. ઉમેરે છે કે પાકિસ્તાન ઝિંદાબાદ”ના નારા લગાવવા પણ દેશદ્રોહ નથી, પરંતુ ભારત તેરે ટુકડે હોંગે” જેવા નારા દેશદ્રોહની શ્રેણીમાં આવી શકે. જયારે એકાદ દાયકા પહેલાં બ્રિટને પણ આ કાયદાકીય જોગવાઈને રદ કરી છે ત્યારે વાયકોના રાજદ્રોહ ખટલા નિમિત્તે પણ દેશભરમાં રાજદ્રોહના સંદર્ભમાં લોકશાહીને દ્રઢ કરતી ચર્ચા થાય એ અપેક્ષિત છે.
તિખારો
ઇન્કલાબ આયા ભી તો ક્યા હોગા હમકો ફાયદા,
એક લુચ્ચે કો હટાકર દૂસરા આ જાએગા;
અપની કિસ્મત મેં તો મરના હી લિખા હૈ દોસ્તો,
શેર સે જો બચ ગએ તો ભેડિયા ખા જાએગા.
- ગિરગિટ અહમદાબાદી
ઇ-મેઈલ : haridesai@gmail.com                 (મુંબઈ સમાચાર ૧૪ જુલાઈ ૨૦૧૯  લખ્યા તા .૧૦ જુલાઈ ૨૦૧૯)                                                

No comments:

Post a Comment