Wednesday 3 July 2019

Kashmir Problem Can't be resolved by abusing Nehru

કાશ્મીર કોકડું ઉકેલવાની પહેલ આવકાર્ય,પણ નેહરુની ભાંડણલીલા થકી ઉકેલ ના મળે
ડૉ.હરિ દેસાઈ
·         વર્તમાન સત્તાધીશો વિભાજન માટે કોંગ્રેસને ભાંડે ત્યારે સરદાર અને ગાંધીજી પર દોષારોપણનો ચાલાકવ્યૂહ
·         જાન્યુઆરી ૨૦૧૫થી અત્યાર લગી ભાજપ કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ રહ્યા છતાં સ્થિતિ અંકુશમાં આવી નથી
·         આયંગરે દીર્ઘદ્રષ્ટિવાળા સરદારની નિગરાનીમાં હંગામી કલમ ૩૭૦ને ડ્રાફ્ટ કરી બંધારણમાં આમેજ કરાવી
·         ડૉ.મુકરજી જેવા હિંદુવાદીઓ મુસ્લિમ લીગ સાથે અને આઝાદીના અંતિમ સંગ્રામની વિરોધી છાવણીમાં હતા

કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે જમ્મૂ-કાશ્મીરની બે દિવસની મુલાકાત લઈને કાશ્મીર કોકડું ઉકેલવાની દિશામાં પહેલ આદરવાને પ્રાથમિકતાની કરેલી ઘોષણાને જરૂર આવકારીએ. સાથે જ વર્ષ ૨૦૦૬થી અલગતાવાદી હુર્રિયત સાથે મંત્રણા થઇ નથી, એ શરૂ થાય એ દિશામાં રાજ્યપાલ સત્ય પાલ મલિકે આદરેલા અને આપેલા સાનુકૂળ સંકેતો પણ સ્વાગત યોગ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાલ કિલ્લાની “ગોલી સે નહીં, બોલી સે”ની તથા સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની “ઈન્સાનિયત, જમ્હૂરિયત ઔર કશ્મીરિયત”ની ભૂમિકા પર કાશ્મીર કોકડું ઉકેલવાની દિશામાં  આગેકૂચ થાય એ અપેક્ષિત છે. જોકે ગૃહમંત્રી શાહ ૨૮ જૂને લોકસભામાં જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની અવધિ છ મહિના લંબાવવા અને સરહદી પ્રદેશમાં વસતા લોકોને ૩ ટકા અનામતનો લાભ મળે એ દરખાસ્ત સાથે રાજ્યની વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત પૂર્વે કરવાનું જાહેર કરવાની સાથે જે ઈતિહાસ-પ્રબોધને ચડી ગયા એ કાશ્મીરીઓનાં દિલ જીતવાની વાતને બદલે ચૂંટણી જીતવા ભણીનો જ આલાપ વધુ લાગ્યો. જમ્મૂ-કાશ્મીર સમસ્યા એ કંઇ હિંદુ-મુસ્લિમ સમસ્યા નથી. ૩૭૦ અને ૩૫(એ)ની પાર્શ્વભૂ પ્રજાને જણાવ્યા વિના જ પંડિત નેહરુ વિરુદ્ધ સરદાર પટેલનું બરકતવાળું રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે એ માત્ર ઈતિહાસ સાથે ચેડાં કરવા સમાન છે એટલું જ નહીં પણ દેશનાં હિત માટે પણ ઘાતક છે. બહુ ઓછાને જાણ હશે કે ૩૭૦ (મુસદ્દામાં ૩૦૬-એ)ની કલમ યોગ્ય કારણસર અને દીર્ઘદ્રષ્ટિ થકી સરદાર પટેલે જ બંધારણ સભામાં મંજૂર કરાવી હતી અને ભાજપના આરાધ્યપુરુષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી જ્યાં લગી નેહરુ સરકારમાં મંત્રી હતા ત્યાં લગી એમણે ક્યારેય તેનો વિરોધ કર્યો નહોતો! ડૉ.મુકરજીથી વિપરીત નેહરુ સરકારમાં કાયદા મંત્રી જ નહીં,બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે પણ ડૉ.બાબાસાહેબ આંબેડકરે સૈદ્ધાંતિક વિરોધને કારણે એ કલમ ઘડવાનો સ્પષ્ટ નન્નો ભણી દીધો હતો. નેહરુ સરકારમાં કાશ્મીર બાબતોનો હવાલો સંભાળતા મંત્રી અને અગાઉ આ રજવાડાના “પ્રાઈમ મિનિસ્ટર” રહેલા આયંગરે  સરદાર સાહેબની નિગરાનીમાં  એ ડ્રાફ્ટ કરી મંજૂર કરાવી હતી.
મહારાજાની  સ્વિત્ઝરલેન્ડ કલ્પના 
મહારાજા હરિ સિંહ પોતાના મુસ્લિમ બહુલ રાજ્યને અલગ સ્વિત્ઝરલેન્ડ બનાવવા માંગતા હતા ત્યારે એને ભારત સાથે જોડવાનું ભગીરથ કાર્ય મૂળ કાશ્મીરી પંડિત એવા પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ, નાયબ વડાપ્રધાન અને ગૃહ તથા રિયાસત ખાતાના પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને આ રજવાડાના લોકપ્રિય નેતા શેખ અબદુલ્લાના  સંયુક્ત પ્રયાસોથી થયું હતું. એક તબક્કે એટલે કે ૩જૂન ૧૯૪૭ના રોજ ભાગલાની ફોર્મ્યૂલા જાહેર કરનાર વાઈસરોય માઉન્ટબેટન ૧૮-૨૨ જૂન ૧૯૪૭ દરમિયાન મહારાજાને મળવા શ્રીનગર ગયા ત્યારે તેમની સાથે તેમની વચગાળાની સરકારના ગૃહ-સભ્ય (મંત્રી) સરદાર પટેલે સંદેશ પાઠવ્યો હતો કે જમ્મૂ-કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડવાનો મહારાજા નિર્ણય કરે તો પણ આઝાદ ભારતની સરકાર એ સામે વાંધો નહીં લે. એ વેળા મહારાજા દ્વિધામાં હતા. તેમના “પ્રાઇમ મિનિસ્ટર” રામચંદ્ર કાક  અને માઉન્ટબેટન તેમને પાકિસ્તાન સાથે જોડવા માટે સમજાવી રહ્યા હતા. ૩ જુલાઈ ૧૯૪૭ના રોજ સરદારે મહારાજા અને કાકને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સુધીમાં વિલય પ્રશ્ને નિર્ણય કરી લેવા અને ભારત સાથે વિલય રાજ્યના હિતમાં હોવાનો મત વ્યક્ત કરતા પત્રો લખ્યા હતા. મહાત્મા ગાંધીએ ઓગસ્ટ ૧૯૪૭ની કાશ્મીરની મુલાકાત દરમિયાન માત્ર રાજવી જ નહીં,પ્રજાના મતનું મહાત્મ્ય જાહેર કરીને દ્વિધામાં રહેલા મહારાજાની રૈયતની ભારત સાથેના જોડાણની ઈચ્છાને આગળ કરી હતી. સામાન્ય છાપથી વિપરીત નેહરુ અને સરદાર બંને કાશ્મીર મામલે છેક ડિસેમ્બર ૧૯૪૭ સુધી સાથે જ હતા.  ૨૨ ઓક્ટોબરે પાકિસ્તાનના કબાઈલીઓના વેશમાં લશ્કરી અધિકારી-સૈનિકોએ આક્રમણ કર્યું. એને પગલે મહારાજાએ ૨૬ ઓક્ટોબરે ભારત સાથેના વિલયપત્ર હસ્તાક્ષર કર્યા અને ૨૭ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ ગવર્નર-જનરલ માઉન્ટબેટનના સંમતિ હસ્તાક્ષર થતાં જ તેનો ભારતમાં વિલય થયો. એ પછી પણ નેહરુ-સરદાર સાથે મળીને કાર્યરત હતા. બંધારણનો અનુચ્છેદ (કલમ) ૩૭૦ હંગામી ધોરણે દાખલ કરાવવા અને આ રાજ્યને અલગ દરજ્જો  અપાવવા પાછળ નેહરુ અને સરદાર બંનેની દીર્ઘદ્રષ્ટિ હતી. નેહરુએ જેમ સંસદમાં કહ્યું હતું એમ આ જોગવાઈ અત્યારે “ઘિસતે ઘિસતે ઘિસ ગઈ”ની અવસ્થામાં છે. છેલ્લે છેલ્લે અમલી બનાવાયેલા જીએસટી સહિતના કેન્દ્રના મોટાભાગના કાયદા આ રાજ્યમાં લાગુ કરવામાં કોઈ અડચણ આવી નથી.આમ છતાં, ૩૭૦ના નામે રાજકારણ ખેલીને દેશની પ્રજાને  ભ્રમિત કરનારા રાજનેતાઓ જમ્મૂ-કાશ્મીરની પ્રજાની  નિરર્થક ઉશ્કેરણી કરવાનું રાજકારણ પણ ખેલે છે.એ વિસરી જાય છે કે ૩૭૦ જેવી જ ૩૭૧ કલમ ઇશાન ભારતનાં કેટલાંક રાજ્યોમાં જ નહીં, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ બંધારણમાં અમલી છે.
‘હત્યારાઓ’ સાથે સત્તાસંવનન
ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને રાજ્યમાં એના બે પૂર્વ અવતાર અખિલ જમ્મૂ અને કાશ્મીર રાજ્ય હિંદુ સભા તથા અખિલ ભારતીય જનસંઘ ક્યારેય આ મુસ્લિમ બહુલ અને આઝાદી પૂર્વે હિંદુ રાજવી થકી શાસિત રાજ્ય માટેની પોતાની એકરાગવાળી નીતિ અપનાવી શક્યા નથી. હજુ પણ એની નીતિ માત્ર હિંદુ લક્ષી છે કે ખરા અર્થમાં “સબ કા સાથ, સબ કા વિકાસ”ની છે એ કળવું કાશ્મીરી પ્રજાને મુશ્કેલ લાગે છે. હા, જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીની જે “શેર-એ-કશ્મીર” શેખ અબદુલ્લાના શાસન દરમિયાન અટકાયતમાં મૃત્યુ થયું હતું, એ માટે દોષનો ટોપલો તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને “પ્રાઈમ મિનિસ્ટર” શેખ અબદુલ્લાના શિરે ઓઢાડવામાં  વર્તમાન શાસકો કાયમ શૂરા રહ્યા છે. “શેર હમારા મારા હૈ. અબદુલ્લાને મારા હૈ”નો આલાપ દાયકાઓથી જપતા રહ્યા છે, પરંતુ એ જ અબદુલ્લા પરિવારના અને કોંગ્રેસ-પીડીપી પરિવારના ડૉ.ફારુક અબદુલ્લા અને ઓમર અબદુલ્લા કે મુફ્તી મોહમ્મદ સઈદ અને મહેબૂબા મુફ્તી સાથે સત્તાનું સંવનન કરવામાં ભાજપને જરાય સંકોચ થયો નથી. “મતલબ નિકલ ગયા કિ પહચાનતે નહીં”ની ભૂમિકા એને ખૂબ માફક આવે છે, એ વાત વાજપેયી યુગથી મોદી યુગ સુધી સતત દ્રશ્યમાન રહી છે. કોંગ્રેસ, અબદુલ્લા કે મુફ્તીને રાષ્ટ્રદ્રોહી કહેવા સુધી જનારા ભાજપને એ જ છાવણીમાંથી કોઈ બહાર આવીને ભાજપનો ખેસ ગ્રહણ કરે કે ચૂંટણીલક્ષી હાથ મિલાવે તો એમને પારસમણિ સ્પર્શી ગયો મનાય અને એમનાં સઘળાં રાષ્ટ્રદ્રોહી પાપ માફ થઇ જાય ! 
ઈતિહાસ નહીં,વર્તમાનનો હિસાબ
કેન્દ્રમાં મે ૨૦૧૪માં સત્તામાં આવેલા ભાજપ કને જમ્મૂ-કાશ્મીરની સંપૂર્ણ સત્તા જાન્યુઆરી ૨૦૧૫થી આજ લગી રહી છે.ઇતિહાસમાં જ રમમાણ રહેવાને બદલે એણે વિતેલાં સાડા ચાર વર્ષમાં કેન્દ્ર અને રાજ્યમાં સંપૂર્ણ સત્તા ભોગવી ત્યારે કાશ્મીર કોકડું ઉકેલવામાં કેટલી પ્રગતિ કરી, આતંકવાદને સંપૂર્ણ નામશેષ કરવાને બદલે હજુ પણ ભારતીય સેનાના વધુને વધુ અધિકારીઓ અને જવાનો કેમ શહીદ થાય છે, ચૂંટણી ટાણે આપેલાં ૩૭૦ની કલમ દૂર કરવામાં કેમ પ્રગતિ ના થઇ શકી, ૩૭૦ને દૂર કરવાની વાત કરનારાને ‘રાષ્ટ્રદ્રોહી’ છે એવું કહેનારાં મહેબૂબા મુફ્તીની પીડીપી સાથે કેમ ત્રણ વર્ષ સરકાર ચલાવી, કાશ્મીર ખીણ પ્રદેશમાંથી ૩૦ વર્ષ પહેલાં હિજરત કરવા મજબૂર લાખો કાશ્મીરી પંડિતોના પુનર્વસનની વાતો વાતો જ કેમ રહી, પાકિસ્તાની મુસ્લિમ ગાયક અદનાન સામીને ભારતીય નાગરિકતા તાસક પર આપનાર મોદી સરકારે આટલા લાંબા ગાળામાં પાકિસ્તાનથી ૭૦ વર્ષ પહેલાં જમ્મૂ આવીને વસેલા બે લાખ જેટલા હિંદુ-શીખ લોકોને નાગરિકતા કેમ ના આપી, જેવા અનેક અણિયાળા સવાલોના જવાબો સત્તાધીશોએ આપવા પડે.
સાચો ઈતિહાસ ખૂબ કડવો
ફરીને ભારે બહુમતીથી સત્તામાં આવવા બદલ અભિનંદન,પણ સત્તાપ્રાપ્તિ જે ઉકેલ લાવવા માટે હોય એની સ્પષ્ટતા કરવાને બદલે નવી ગિલ્લી નવો દાવ રમતા રહેવાથી સમસ્યા ઉકેલાઈ જવાની નથી. લોકોનું ધ્યાન આ સમસ્યાઓ ભણીથી અન્યત્ર દોરવા માટે નેહરુનો આલાપ જપવામાં તો, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી કહેતા રહ્યા છે તેમ, ભાજપનું કોંગ્રેસીકરણ થતું ચાલ્યું છે. સાચો ઈતિહાસ ખૂબ કડવો હોય છે. એનું સ્મરણ કરવા જતાં ક્યારેક બૂમરેંગ થવાની શક્યતા રહે છે. સત્તાધીશો પોતાને અનુકૂળ ઈતિહાસનું પુનર્લેખન જરૂર કરાવી શકે,પણ ઇતિહાસના ઘટનાક્રમને બદલી શકાતો નથી. સ્વાતંત્ર્યસંગ્રામ અને ભાગલાના ઈતિહાસબોધમાં રમમાણ વર્તમાન શાસકો પોતાની અનુકૂળતા મુજબનો ઈતિહાસ રજૂ કરવા જતાં આયનામાં પોતાનું પ્રતિબિંબ જોવાનું ચૂકી જાય છે. કોંગ્રેસના મંચ પરથી વર્ષ ૧૯૪૨માં મહાત્મા ગાંધીની આગેવાનીમાં જયારે “હિંદ છોડો” અંદોલન આદરવામાં આવ્યું ત્યારે મહાત્મા, કસ્તુરબા, સરદાર પટેલ, મણિબહેન, પંડિત નેહરુ, ઇન્દિરા ગાંધી,મૌલાના આઝાદ સહિતનાં નેતાઓ બ્રિટિશ જેલોમાં બંધ હતા. આ તબક્કે હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ ડૉ.મુકરજી સહિતના હિંદુવાદી નેતાઓ પાકિસ્તાનવાદી મુસ્લિમ લીગ સાથે બંગાળ, સિંધ સહિતના પ્રાંતોમાં પ્રધાનપદ ભોગવતા હતા કે બ્રિટિશ વાઈસરોયની કારોબારીમાં રહીને આઝાદીના અંતિમ સંગ્રામની વિરોધી છાવણીમાં હતા. કોંગ્રેસે ધર્મ આધારિત ભાગલા પડાવ્યાનો સંસદમાં આલાપ જપતા શાસકો વિસરી જાય છે કે એમના રાજકીય પૂર્વજો તો અંગ્રેજ શાસકોની ખિદમતમાં હતા. કોંગ્રેસે સાત દાયકા પહેલાં ભાગલા સ્વીકારવા પડ્યા ત્યારે નેહરુ પહેલાં તો છેક ડિસેમ્બર ૧૯૪૬માં સરદાર પટેલે એનો સ્વીકાર કર્યાની કબૂલાત બંધારણસભામાં અને અન્યત્ર આપી છે. નેહરુ,સરદાર અને મહાત્માએ તો નાછૂટકે એનો સ્વીકાર કરવો પડ્યો હતો; અન્યથા સઘળું ગુમાવવાના સંજોગો હતા. આ વાત વલ્લભભાઈ પટેલે બંધારણસભામાં કહ્યા પછી પણ નેહરુને ભાંડનારા વાસ્તવમાં સરદાર પટેલ અને મહાત્માને પણ ભાંડવાનું પસંદ કરે છે, એ પ્રજાએ સમજી લેવાની જરૂર ખરી.
ઈમેઈલ: haridesai@gmail.com

   

No comments:

Post a Comment