Thursday 2 May 2019

The Indian Prime Ministers from Gujarat


ભારતના વડાપ્રધાનપદ સાથે ગુજરાતનો  ખટ્ટમીઠો સંબંધ
ડૉ.હરિ દેસાઈ
  • મૂળે કાશ્મીરી પંડિત એવો અલાહાબાદનો નેહરુ પરિવાર લગ્નસંબંધે ગુજરાત સાથે ગાઢ રીતે સંકળાયેલો રહ્યો
  • જે વડાંપ્રધાને મોરારજીભાઈને જેલમાં પૂર્યા એ ઇન્દિરા ગાંધી માટે એમણે ક્યારેય હલકા શબ્દો વાપર્યા નહોતા
  • ૩૧ ઓક્ટોબર ૧૯૮૪એ સુરક્ષા કર્મચારીઓએ ઇન્દિરાજીને ગોળીએ દીધાં અને રાજીવ ગાંધી વડાપ્રધાન થયા
  • ૧૯૯૯થી વડાપ્રધાન રહેલા વાજપેયી ૨૦૦૪માં “ઇન્ડિયા શાઈનિંગ”ના રથ પર આરૂઢ થઈને  પરાજિત થયા
ભારતના મોટાભાગના વડાપ્રધાનો ઉત્તરપ્રદેશમાંથી આવ્યાની પ્રચલિત હકીકત સંદર્ભે આજે જરા નોખી વાત કરવી છે. માથે લોકસભાની ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે ગુજરાતે કેટલા વડાપ્રધાન ભારતને આપ્યા? હાજરજવાબી બિરબલોનો ઉત્તર “માત્ર બે” હોય એ સ્વાભાવિક છે: મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી. જોકે આ ઉત્તર સાવ સાચો નથી એવું અમે કહીએ તો કદાચ તમને આશ્ચર્ય થાય પણ વાત જરા માંડીને કરવી છે. અત્યારના ભારતીય વડાપ્રધાન  મોદી વાસ્તવમાં ૧૪મા “કન્ફર્મ” વડાપ્રધાન છે અને મે ૨૦૧૯ પછી ઓછી બહુમતીએ પણ એ વડાપ્રધાન રહેવાની શક્યતા વચ્ચે અમે આ લખી રહ્યા છીએ. ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ (ફૂલપુરના સાંસદ) અને વર્તમાન વડાપ્રધાન મોદી (વારાણસીના સાંસદ) વચ્ચે  દાયકાઓનું અંતર હોવા છતાં બંનેના ગુજરાત કનેક્શનની વાતનું સ્મરણ કરવું પડે. મૂળે કાશ્મીરી પંડિત એવા અલાહાબાદના નેહરુ પરિવાર અને ભરૂચના પારસી કે જરથોસ્ત્ર પરિવારના કૌટુંબિક સંબંધ કોઈ નકારી શકે તેમ નથી. નેહરુ-પુત્રી પ્રિયદર્શિની ઇન્દિરા નેહરુ-ગાંધીનાં લગ્ન વૈદિક વિધિથી બંને પરિવારોની હાજરીમાં અલાહાબાદના આનંદ ભવનમાં ૧૯૪૨માં થયાં હતાં. નેહરુનાં બહેન કૃષ્ણા રાજા (ગુણોત્તમ) હઠીસિંહ અને વિજયાલક્ષ્મી રણજિત પંડિતના પારિવારિક સંબંધો ગુજરાત સાથે  રહ્યા.
નેહરુ  કરતાં સરદાર  વધુ પ્રભાવી
નેહરુએ સરદાર પટેલને વડાપ્રધાન બનવા દીધા નહીં એવું ગાણું કે ભાવનાશીલ ગપગોળા બહુ ચલાવાય છે, પણ ૧૯૫૨ની પહેલી લોકસભાની ચૂંટણીથી લઈને નેહરુની કોંગ્રેસનાં અને ઇન્દિરાની કોંગ્રેસ સામે મોરારજીની કોંગ્રેસ અને જનતા પાર્ટીનાં  એમ કુલ ૨૭ વર્ષ સાંસદ રહેલાં સરદાર-પુત્રી મણિબહેન પટેલ સ્વયં દુર્ગા દાસસંપાદિત સરદાર પટેલની ગ્રંથશ્રેણીના આમુખમાં નોંધે છે કે “સરદાર પટેલ ક્યારેય વડાપ્રધાન બનવાની મહેચ્છા ધરાવતા નહોતા.” પહેલા નાયબ વડાપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન નેહરુ  કરતાં પણ વધુ પ્રભાવી હતા. એટલું જ નહીં, જમ્મૂ-કાશ્મીર મામલા સહિત તમામ બાબતોમાં નેહરુ સતત સરદારની સલાહ લઈને જ આગળ વધતા હતા. નેહરુ-સરદાર યુગનાં વિરાટ વ્યક્તિત્વો પારસ્પરિક ગરિમા જાળવીને મતભિન્નતા છતાં રાષ્ટ્રહિતને કેન્દ્રસ્થાને રાખીને સાથે મળીને કામ કરતાં હતાં. 
નેહરુનિષ્ઠ મોરારજી-જગજીવન રામ
ક્યારેક સરદારના નિષ્ઠાવંત લેખાતા મોરારજી દેસાઈએ તો સરદારને બદલે પંડિતજી સાથે જ વલ્લભભાઈની હયાતીમાં જ ગોઠવી લીધું હતું. સરદારની વાત નહીં માનવા માટે ઘણીવાર મહાત્મા ગાંધીનો આશ્રય લેતા રહ્યાની વાત એમણે આત્મકથામાં નોંધેલા પ્રસંગો પરથી ફલિત થાય છે. વડાપ્રધાનપદના આકાંક્ષી મોરારજીભાઈ  નેહરુ-પુત્રી ઇન્દિરા ગાંધીની સરકારમાં નાયબ વડાપ્રધાન રહ્યા.ખુદ મોરારજીની ૧૯૭૭વાળી સરકારમાં બે નાયબ વડાપ્રધાનોમાંથી જગજીવન રામ રહી ગયા અને ચૌધરી ચરણ સિંહ વડાપ્રધાન બની ગયા હતા. બાબુ જગજીવન રામનું નેહરુ પરિવારના નિષ્ઠાવંત હોવું એમને છેક નેહરુની ૧૯૪૬માં વચગાળાની સરકારમાં સામેલ કરાયા ત્યારથી અંત સુધી ફળ્યું હતું. વાઇસરોયની કારોબારીમાં જુલાઈ ૧૯૪૨માં હિંદુ મહાસભાના નેતાઓ સાથે જ સામેલ બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરને વચગાળાની સરકારમાં લેવાનું ટાળવામાં આવ્યું હતું. ઇન્દિરાજીની ઈમર્જન્સીમાં મંત્રીપદ ભોગવ્યા પછી બાબુ જગજીવન રામ  વંડી ઠેકી ગયા અને નાયબ વડાપ્રધાન થયા હતા.
નેહરુ પછી વડાપ્રધાનપદે કોણ ?
ભારતને ૧૯૪૭માં આઝાદી મળી અને ૧૯૫૦માં નાયબ વડાપ્રધાન સરદાર પટેલનું નિધન થયું હતું. સમયાંતરે નેહરુ પછી વડાપ્રધાનપદે કોણ આવશે, એવો પ્રશ્ન સતત પૂછાતો રહ્યો હતો. નેહરુની સરકારમાં ઘણા વરિષ્ઠો હતા અને તેમાં જગજીવન રામથી લઈને મોરારજી દેસાઈ જેવા મહારથી હતા. મોરારજી પોતાને નેહરુના અનુગામી ગણાવવા માંડ્યા હતા. જોકે ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધમાં નાલેશીભરી હારને પગલે નેહરુને લકવો પડ્યો. ૧૯૬૪માં જયારે નેહરુનું અવસાન થયું ત્યારે એમનાં પુત્રી અને કોંગ્રેસનાં અધ્યક્ષ રહી ચૂકેલાં ઇન્દિરા ગાંધીને બદલે નેહરુ-નિષ્ઠ લાલબહાદુર શાસ્ત્રી (અલાહાબાદના સાંસદ) વડાપ્રધાન વરાયા. ૧૯૬૫નું પાકિસ્તાન સાથેનું યુદ્ધ ટાંચાં સાધનો છતાં જીતવામાં એમના નેતૃત્વે મહત્વનું યોગદાન કર્યું,પણ તાશ્કંત ખાતે પાકિસ્તાનના સુપ્રીમો અયુબ ખાન સાથે મંત્રણાઓ માટે ગયેલા લાલબહાદુરનું નિધન થતાં ૧૯૬૬માં ફરીને દેશના વડાપ્રધાનની વરણીનો મામલો સામે આવ્યો.
ઇન્દિરા કોંગ્રેસ અને સંસ્થા કોંગ્રેસ
નેહરુ અને શાસ્ત્રીના નિધન વખતે હંગામી વડાપ્રધાન તરીકે તેર-તેર દિવસ માટે વરાયેલા  ગુલઝારીલાલ નંદા (સાબરકાંઠાના સાંસદ) વડાપ્રધાનના હોદ્દે પસંદગી પામે એ માટે ઉત્સુક હતા, પણ નસીબે તેમને ઘણી બધી ધાર્મિક વિધિઓ છતાં યારી આપી નહીં. છેવટે શાસ્ત્રીની કેબિનેટમાં માહિતી અને પ્રસારણ મંત્રી રહેલાં શ્રીમતી ઇન્દિરા ગાંધી (રાયબરેલીનાં સાંસદ) અને મોરારજીભાઈ વચ્ચે સ્પર્ધા થઇ. મોરારજી હાર્યા. જોકે તેમને નાયબ વડાપ્રધાન અને નાણામંત્રી તરીકે  રહેવા સમજાવી લેવામાં આવ્યા. ભાંગેલું મોતી રેણ થકી સંધાય નહીં, એટલે આખરે ૧૯૬૯માં રાષ્ટ્રપતિની ચૂંટણીના મુદ્દે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. ઇન્દિરા કોંગ્રેસ અને સંસ્થા કોંગ્રેસ અસ્તિત્વમાં આવી.મોરારજી દેસાઈ (સુરતના સાંસદ)ની વડાપ્રધાન થવાની મહેચ્છા ઇન્દિરા ગાંધીએ લાદેલી ઈમરજન્સી દરમિયાન  જેલવાસ પછી છેક માર્ચ ૧૯૭૭માં બર આવી તો ખરી,પણ પૂર્ણ મુદત માટે એ હોદ્દે રહી શક્યા નહીં. જે વડાંપ્રધાને મોરારજીભાઈને જેલમાં પૂર્યા એ ઇન્દિરા ગાંધી માટે એમણે ક્યારેય હલકા શબ્દો વાપર્યા નહોતા, એ આ ગાંધીવાદી નેતાની ખાનદાની એમની આત્મકથામાં પણ જોવા મળે છે. એમણે કાયમ શ્રીમતી ગાંધી માટે આદરથી ઈન્દિરાબહેન જેવા શબ્દો વાપર્યા છે.એ ઉમેરે છે કે હું ઈન્દિરાબહેનનો આભારી છું કે એમણે મને અટકાયતમાં રાખ્યો એ દરમિયાન મને મારામાં રહેલી ખામીઓ અંગે આત્મનિરીક્ષણ કરવાની તક મળી. મોરારજીભાઈ કાયમ દક્ષિણ ગુજરાતની બેઠક પરથી જ લોકસભા માટે ચૂંટણી લડ્યા અને ગુજરાતની બેઠક પરથી જ વડાપ્રધાન થયા હતા. એમના વડપણ હેઠળની જનતા  પાર્ટીની સરકારના બે નાયબ વડાપ્રધાનોમાંથી ચૌધરી ચરણ સિંહ (બાગપતના સાંસદ) છૂટા થયા અને ઇન્દિરા ગાંધીની કોંગ્રેસના ટેકે વડાપ્રધાન થયા તો ખરા,પણ એકપણ દિવસ માટે લોકસભાનો મુકાબલો કર્યા વિના ૧૭૦ દિવસ વડાપ્રધાન રહ્યા.
ઈન્દિરાજી પછી રાજીવ વડાપ્રધાન
વર્ષ ૧૯૮૦માં લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતી સાથે કોંગ્રેસનાં શ્રીમતી ગાંધી (મેડક–તેલંગણનાં સાંસદ) સત્તામાં પાછાં આવ્યાં. જોકે ભિંડરાણવાલે કાંડને પગલે ઓપરેશન બ્લ્યૂ-સ્ટાર હેઠળ અમૃતસરના પવિત્ર સુવર્ણ મંદિર સંકુલમાં લશ્કર મોકલવાના કેન્દ્રના પગલાના પ્રત્યાઘાતરૂપે ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ  વડાપ્રધાન નિવાસ પર જ તેમના સુરક્ષા કર્મચારીઓએ ઇન્દિરા ગાંધીને ગોળીએ દીધાં એટલે એમના પુત્ર રાજીવ ગાંધી (અમેઠીના સાંસદ) વડાપ્રધાન થયા. બોફોર્સની હોવિત્ઝર તોપોની ખરીદીમાં ૬૪ કરોડ રૂપિયાની દલાલીના પ્રકરણે રાજીવ માટે માઠા દિવસ આણ્યા. આજ દિવસ સુધીની તમામ સરકારોએ આ દલાલીના ૬૪ કરોડ રૂપિયા કોના ખિસ્સામાં ગયા એ શોધવામાં ૫૫૦ કરોડ રૂપિયા કરતાં વધુ ખર્ચ કર્યાં છતાં એ  માહિતી મળી નથી. હા, એ મુદ્દે રાજીવ સરકાર ડૂલ થઇ અને વી.પી.સિંહ (ફતેહપુરના સાંસદ) વડાપ્રધાન બન્યા.એમની સરકાર આવી અને ગઈ. એ પછી તો “આકસ્મિક” વડાપ્રધાનોની જાણે કે વણઝાર ચાલી. ક્યારેક જનતા પાર્ટીના પ્રમુખ રહીને વડાપ્રધાન મોરારજી દેસાઈની સરકારમાં જોડાવાનો ઇનકાર કરી દેનારા ચંદ્રશેખરે (બલિયાના સાંસદ) કોંગ્રેસના  ટેકે ૨૨૩ દિવસ વડાપ્રધાનપદ ભોગવ્યું. વચ્ચે રાજીવ ગાંધીની મે ૧૯૯૧માં ચૂંટણી પ્રચાર દરમિયાન હત્યા થતાં કોંગ્રેસના નેતા પી.વી.નરસિમ્હા રાવ (નાડ્યાલ-તેલંગણના સાંસદ)ની લઘુમતી સરકાર પાંચ વર્ષ ચાલી. એ પછી ભાજપના અટલ બિહારી વાજપેયી (લખનઊના સાંસદ)ની  સરકાર આવી અને ગઈ. એ પછી ભાજપી નેતા અટલ બિહારી વાજપેયીની સૌથી પહેલીવાર ૧૩ દિવસની સરકાર આવી અને ગઈ. એ પછી એચ.ડી.દેવેગૌડા (રાજ્યસભામાં કર્ણાટકના સાંસદ) અને આઈ.કે.ગુજરાલ (રાજ્યસભામાં પંજાબી સાંસદ)ની અલ્પજીવી સરકારના તેઓ બંને “આકસ્મિક” વડાપ્રધાન બન્યા.
ઇન્ડિયા શાઈનિંગ”નો રથ ભપ્પ
પહેલાં તેર દિવસ, પછી ૧૩ મહિના અને પછી ઓક્ટોબર ૧૯૯૯થી વડાપ્રધાન રહેલા વાજપેયી વર્ષ ૨૦૦૪માં “ઇન્ડિયા શાઈનિંગ”ના રથ પર આરૂઢ થઈને ફરી વડાપ્રધાન બનવા ઈચ્છુક હતા ત્યારે એમનો મોરચો હાર્યો અને કોંગ્રેસના નેતૃત્વવાળો મોરચો સત્તામાં આવ્યો. યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની પસંદથી વડાપ્રધાનપદે ડૉ.મનમોહન સિંહ (રાજ્યસભામાં આસામના સાંસદ) આવ્યા.વર્ષ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં વાજપેયી સરકારના નાયબ વડાપ્રધાન રહેલા ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ આડવાણીને વડાપ્રધાનપદ માટે આગળ કરીને ભાજપના વડપણવાળો મોરચો લડ્યો,પણ ફરીને કોંગ્રેસના વડપણવાળો મોરચો જીત્યો અને ડૉ.મનમોહન સિંહ ફરી વડાપ્રધાન થયા. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ કરીને ભાજપી મોરચો લડ્યો અને વિજયી બન્યો. જોકે વડોદરા અને વારાણસી બંને બેઠકો પરથી લડેલા મોદીએ વડોદરાની બેઠક પરથી રાજીનામું આપીને, ૧૯૯૬માં અટલજીએ ગાંધીનગર છોડીને લખનઊ બેઠક જાળવી હતી તેમ, ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ કર્યું.આ વખતે તો મોદી વારાણસી બેઠક પરથી લડી રહ્યા છે.એટલે એ  ગુજરાતના પનોતા પુત્ર ખરા પણ બંને વાર લોકપ્રતિનિધિ તો ઉત્તર પ્રદેશના જ ગણાય. આ જ ફોર્મ્યૂલા કામે લગાડીએ તો મૂળ પંજાબમાં જન્મેલા પણ સાબરકાંઠાના સાંસદ એવા ગુલઝારીલાલ નંદા  ઉપરાંત ઉત્તરપ્રદેશના રાયબરેલી કે અત્યારના તેલંગણ પ્રદેશના મેડકનાં સાંસદ રહેલાં “ગુજરાત કી બહૂ” ઇન્દિરા ગાંધી અને અમેઠીના સાંસદ અને ગુજરાતના ભરૂચના લાલ રાજીવ ગાંધી પણ ગુજરાતી પરિવારના હોવાને કારણે ગુજરાતને વડાપ્રધાનપદનું ગૌરવ અપાવનાર ગણાવી તો શકાયને? કોંગ્રેસના આ કથિત નામદારો સાથે જ ભાજપમાં જે નેહરુ-ગાંધી પરિવારનાં કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી અને ભાજપી સાંસદ ફિરોઝવરુણ ગાંધી (બંને છો ઉત્તરપ્રદેશનાં સાંસદ હોય) પણ ગુજરાતનાં જ ગણાય કે નહીં? હમણાં તો ઇન્દિરા ગાંધીનાં સાસરિયાંના ભરૂચમાંના મકાનની ચર્ચા પણ મીડિયામાં ચાલી છે અને ડિસેમ્બર ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પછી રાહુલનું વ્યક્તિત્વ બદલાયેલું લાગ્યું અને રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિજયી થતાં સરકારો આવ્યા પછી તેમની નેતાગીરીમાં પક્ષના કાર્યકરોમાં આશાવાદ જાગ્યો છે. એમાં પક્ષનાં મહામંત્રી તરીકે પ્રિયંકા ગાંધી-વાડરા જોડાતાં ભાજપના મોરચા સામે ટક્કર લેવા વધુ સજ્જ જણાય છે.
 ઇ-મેઈલ : haridesai@gmail.com


No comments:

Post a Comment