Wednesday 15 May 2019

The Forgotten giant Historian and Literary figure : B. K. Thakore

 બ.ક.ઠા.ની શતાબ્દી ઉજવી પણ ૨૦૧૯માં સાર્ધ-શતાબ્દી ભૂલાઈ
ડૉ.હરિ દેસાઈ
·         કવિવર્ય ઠાકોર કાઠિયાવાડમાં શિક્ષણાધિકારી અને  મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડના અંગત શિક્ષક રહ્યા
·         સ્વભાવે કડક અને સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં કરનારું  રૂઆબદાર અને ઠસ્સાદાર ભરૂચી ‘ઘમંડી’ વ્યક્તિત્વ
·         ૧૯૨૨માં “ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેશન ટુ ધ ડોન ઑફ રિસ્પોન્સિબલ ગવર્નમેન્ટ ૧૭૬૫-૧૯૨૦” મહાગ્રંથ લખ્યો
·         વિશ્વવંદનીય પૂજ્ય મહાત્મા ગાંધીને “ત્હને પવન” નામે ઠાકોર સંબોધે એનાથી કવિ ખબરદાર ખૂબ ગિન્નાયા  

ગર્વ લઇ શકાય એવાં ગૂર્જર રત્નોને આપણે ભૂલવા માંડ્યા છીએ: સમાજના ઘડતરમાં યોગદાન કરનારાં મહાન વ્યક્તિત્વોને બદલે વામણાં રાજકીય વ્યક્તિત્વોનો જ જયજયકાર કરવાનો માહોલ રચાય ત્યારે સમજવું કે સમાજ અધઃપતનને મારગ જઈ રહ્યો છે. ક્યારેક નર્મદ અને દલપતરામ જેવાં નોખી ભૂમિકા પરનાં વ્યક્તિત્વોનો આદર થતો હતો. મતભિન્નતાનો આદર થતો હતો, ભિન્ન મત સાંભળવા કે એની સાથે તાર્કિક દલીલો સાથે સંવાદ સધાતો હતો. અત્યારની જેમ ભિન્ન મત ધરાવનારને દુશ્મન ગણવાની પ્રકૃતિ કે પ્રવૃત્તિ છેક હમણાંના દાયકાઓ સુધી નહોતી.મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવી વિરાટ પ્રતિભાઓ સાથે ભારે મતભેદ હોવા છતાં ૧૯૨૦ના ગાળામાં રાષ્ટ્રીય કેળવણીની સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ સ્થાપતી વેળા સાક્ષરવર્ય અને પૂણેની ડેક્કન કૉલેજમાં ઈતિહાસ અને રાજકીય અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક એવા ઇન્ડિયન ઍજ્યુકેશન સર્વિસ (આઈઇએસ)માં સક્રિય રહેલા પ્રા. બળવન્તરાય કલ્યાણરાય ઠાકોર(૨૩ ઑક્ટોબર ૧૮૬૯-૨ જાન્યુઆરી ૧૯૫૨)નો સહયોગ લેવામાં આવતો હતો. સ્વયં ગાંધીજીએ આ વાત લખેલી છે. સમાજમાં ભિન્ન મતનો આદર કરીને સમાજઘડતરમાં સૌનો સાથ લઈને જ વિકાસ સાધી શકાય, માત્ર મામકાઓ અને કહ્યાગરા ભક્તોના સહારે મજબૂત સામાજિક માળખું તૈયાર ના જ થાય. 
ઋણ ફેડવું એ સમાજની ફરજ
જે સમાજ પોતાનાં મહાન રત્નોને વિસારે પડે છે એ નગુણો ગણાય. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના વર્ષની ઉજવણી કરતાં આપણે રાષ્ટ્રમાતા કસ્તૂરબા અને આદિવાસી, દલિત અને તમામ પછાતોના ઉત્થાનમાં ભવ્ય યોગદાન કરનાર ઠક્કરબાપાની દોઢસોમીને વિસારે પાડ્યાની સાથે જ ગુજરાતીઓનું મહામૂલું ઘરેણું લેખાય એવા ઇતિહાસવિદ, કવિ-સર્જક-વિવેચક અને મહા-પ્રાધ્યાપક ઠાકોરની સાર્ધ-શતાબ્દીને ભૂલવાનો અપરાધ કરીએ તો એ ગુજરાતીઓને માથે મહેણું જ રહે. શાળાજીવન દરમિયાન ભણેલા બ.ક.ઠા.ની મંદાક્રાન્તામાં લખાયેલી કૃતિ “બેઠી ખાટે ફરી વળી બધે” અડધી સદી વીત્યા પછી પણ હજુ વારંવાર મમળાવવાનું મન થયા કરે છે. 
આખ્ખાબોલા-સાચ્ચાબોલા સર્જક-વિવેચક 
૧૯૬૯માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડાની એક પરસાળ સમાન ખંડમાં બ.ક.ઠા.ની શતાબ્દી નિમિત્તે એમના હસ્તાક્ષરિત-પ્રકાશિત  સાહિત્ય અને પત્રચારનું પ્રદર્શન નિહાળ્યાનું સ્મરણ હજુ તાજું જ છે. “ભાઈ મોહન” કે “પ્રિય મોહન”થી મોહનદાસ કરમચંદ ગાંધીને સંબોધીને તેમણે લખેલા પત્રો, હમણાં ડૉ.હંસા મહેતા લાઈબ્રેરીમાં જતાં એ ખંડની બાજુમાંથી પસાર થતાં, જાણે કે હાક મારતા લાગ્યા હતા.એમએસના ગુજરાતી વિભાગે ચાર દાયકા પહેલાં પ્રકાશિત કરેલાં “પ્રો.બ.ક.ઠાકોરની દિન્કી” અને “વ્યક્તિપરિચય”માંથી પસાર થતાં ડૉ.હર્ષદ મ.ત્રિવેદીની જહેમતની સાથે જ બ.ક.ઠા. સાથે ભરૂચથી ભાવનગર, મુંબઈ, વડોદરા, પૂણે, અજમેર, અમદાવાદ અને કાઠિયાવાડના સહ-પ્રવાસની અનુભૂતિ થયા વિના રહેતી નથી. અમારા બ.ક.ઠા.અંગેના અજ્ઞાનનાં પડળ પણ દૂર થયાં. સામાન્ય માન્યતા એવી હતી કે બ.ક.ઠા. તો આખ્ખાબોલા-સાચ્ચાબોલા સર્જક-વિવેચક  અને ભાષાના જ પ્રાધ્યાપક; પણ અભ્યાસે જાણ્યું કે એ તો મૂળે ઇતિહાસના ગહન અભ્યાસી અને પ્રાધ્યાપક રહ્યા. રાજનીતિશાસ્ત્ર, અંગ્રેજી સાહિત્ય, ફિલસૂફી, તર્કશાસ્ત્ર  સહિતના વિષયોના વડોદરા, પૂણે અને અજમેરમાં  પ્રાધ્યાપક રહ્યા; એટલું જ નહીં કાઠિયાવાડમાં શિક્ષણાધિકારી પણ રહ્યા. મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડના શિક્ષક (ટ્યૂટર) પણ ખરા. સ્વભાવે કડક અને સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં કરનારું  એમનું વ્યક્તિત્વ  કંઈકઅંશે એમની છબીમાં રૂઆબદાર અને ઠસ્સાદાર ચહેરાને નિહાળીને જ અનુભવાય. 
મહાત્માથી નાના છતાં વડીલ
“મ્હારાં સોનેટ”થી જાણીતા બ.ક.ઠા. ભલે “મહાત્મા ગાંધીના બાવીસમા વાસે” ભરૂચમાં જન્મ્યા હોય,પણ ગાંધીજીના મોટાભાઈના સહાધ્યાયી હોવાને નાતે “અભ્યાસમાં નબળા મોહન”ના રાજકોટ અને ભાવનગરમાં માર્ગદર્શક પણ રહ્યા. પિતા કલ્યાણરાય રાજકોટમાં ન્યાયાધીશ હતા અને દીકરો બળવન્તરાય પણ વકીલાતનું ભણે એવું અપેક્ષિત માનતા હતા. એલએલબીના વર્ગોમાં જોડાયા તો ખરા પણ ગોઠ્યું નહીં. વિલાયત જઈને આઇસીએસ થવાની ધગશ ખરી,પણ ઉંમર આડે આવી અને વિલાયત જવાનું શક્ય ના બન્યું. અધ્યયન અને અધ્યાપનનો નાદ તો હતો. બહુમુખી પ્રતિભા હોવાને કારણે પૂણેમાં હતા ત્યારે લોકમાન્ય ટિળકે પોતાના પ્રકાશનમાં જોડાવા નિમંત્ર્યા,પણ પોતાની વિચારધારા નોખી હોવાનું બહાનું કરીને એ નિમંત્રણ પાછું ઠેલ્યું. ઠાકોરનું લગ્ન ઇ.સ. ૧૮૮૭માં ચંદ્રમણી સાથે થયું અને એ તેમને ઘરે ઇ.સ. ૧૮૮૯ની આખરે રહેવા આવ્યાં. ૧૯૧૫માં વિધુર થયેલા સમાજસુધારક બ.ક.ઠા. ઝંડાધારી નહોતા,પણ “બ્રહ્મક્ષત્રિય”માં તેમણે લખેલા જ્ઞાતિસુધારાવાદી અને મહિલા સશક્તિકરણ વિષયક લેખો એમના વિચારોનું પ્રતિબિંબ પાડે છે. સમાજસુધારા સાથે જ રાજકારણમાં પણ કૉલેજકાળથી તેઓ રસ લેતા હોવાનું તેમની ડાયરીની નોંધો દર્શાવે છે. ડૉ.ત્રિવેદી નોંધે છે કે, “જાહેર લખાણોમાં ગાંધીજી માટે માનવાચક વિશેષણો વાપરનાર અને તેમની સાથેના મતભેદને મોળી ભાષામાં રજૂ કરનાર ઠાકોરને, પોતે વિદ્યાર્થી હતા ત્યારે, વિદ્યાર્થી ગાંધીજી માટે બહુ માન નહોતું.” 
બ્રિટિશ શાસકો માટે કૂણી લાગણી
“પંચોતેરમે”માં બ.ક.ઠા. પોતાના રાજકીય વિચારોને ખુલ્લા મૂકે છે. બ્રિટિશ શાસકો માટે એમને કૂણી લાગણી હોવાનું ઘણી વાર તગે છે. અંગ્રેજપ્રજાના આભિજાત્ય અને ઔદાર્યને એ બિરદાવે છે. બહુધા, ઠાકોરે ગાંધીજી અને તેમના નેતૃત્વ હેઠળની કૉંગ્રેસનાં વિચારવલણો, પ્રવૃત્તિઓનો સરિયામ વિરોધ કર્યો છે અને તમામ માન, વિશ્વાસ, યશના અધિકારી તેમણે બ્રિટિશરોને ગણ્યા હોવાનું તારણ નીકળે છે. “બ્રિટિશ શાસનના દીર્ઘ ઈતિહાસ દરમિયાન અંગ્રેજોએ ભારતનો અનેક દિશામાં સંગીન વિકાસ સાધી આપ્યો છે તેવી ઠાકોરની દ્રઢ માન્યતા હતી અને ભાવિમાં પણ ઇંગ્લેન્ડ ભારતના હિતમાં રહેશે, એવો તેમને વિશ્વાસ હતો.મધ્યકાલમાં મોગલોએ ગુજરાતમાં સ્થાપેલી વ્યવસ્થાને ઠાકોરે રાજકીય શાંતિની સ્થાપક, તેથી સાહિત્યાદિની પ્રગતિ માટે પ્રોત્સાહક, અને ‘અપૂર્વાનન્ય’ કહી છે,પરંતુ બ્રિટિશ શાસનથી સ્થપાયેલી વ્યવસ્થાને તેમણે એથીએ ‘વધારે ઊંડાં મૂળ નાખતી, વધારે ટકાઉ અને ઉદાર સુવ્યવસ્થા’ કહી છે.” 
એવો ‘હિંદુમાર્ગ’ પોતાનો માર્ગ નથી
“કોઈ કથાકૃતિ વાંચવાથી રસાનુભવ થઇ શકે તે મનાય પરંતુ મૂર્ખતાઓ, કપટપ્રપંચો, નીચતાઓથી ભરેલી અવતારકથાઓના શ્રવણથી “પાવન” થવાય એમ એક ‘અર્વાચીન’ માણસ કેમ માની શકે? ઈશ્વરની આપણી વિભાવના સાથે આપણી અવતારકથાઓમાંના ‘ઈશ્વરો’ અને દેવી પાત્રોને કશો મેળ નથી પડતો,” એવો બ.ક.ઠા.નો અભિપ્રાય હતો. પ્રા.ત્રિવેદી આ સંદર્ભે નોંધે છે: ઘણા લોકો માટે તેમનો ધર્મ પરંપરાગત  ચમત્કારકથાઓને, દંતકથાઓને  સ્થૂળ અર્થમાં માની લેવામાં, વિધિવિધાનોને બેસમજ રહી, સ્થૂળ રીતે પાળવામાં અને બુદ્ધિજડ  મગજથી અનેક વહેમોને વળગી રહેવામાં સમાઈ રહે છે. અને માણસોને મન ધર્મ “વ્યક્તિગત અસાવધતાની ને નિર્બળતાની ક્ષણોમાં, ભ્રમમાં પડીને કે મોહમાં તાણીને કે મોટી આફતથી ચગદાયા હોય ત્યારે આશરો લઇ લેવા જેવી એક વસ્તુ” બની જતો હોય છે.એવો ધર્મ કદાચ બિનનુકસાનકારક  ને તેથી નિર્દોષ હોય, તથાપિ વસ્તુ જેમ વધુ નિર્દોષ જણાય તેમ ઘણીવાર વધુ ચેતતા રહેવું પડે તેવી ખંધી પણ હોય છે, એમ માનીને ઠાકોરે એવા ધર્મને પણ તરછોડ્યો છે. એવો ધર્મ પાળનારા હિંદુઓ જેવા પોતે ‘હિંદુ’ નથી, એવો ‘હિંદુમાર્ગ’ પોતાનો માર્ગ નથી; એવો ઠાકોરે ખુલાસો કર્યો છે. બ.ક.ઠા.એ ૧૯૨૨માં “ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેશન ટુ ધ ડોન ઑફ રિસ્પોન્સિબલ ગવર્નમેન્ટ ૧૭૬૫-૧૯૨૦” નામક મહાગ્રંથ લખ્યો.એના રચયિતા ઠાકોર એ જ ડેક્કન કૉલેજમાં ઇતિહાસ અને રાજકીય અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક હતા, જે કૉલેજમાં એમ.એ. કરવા ગયા અને અધૂરું મૂકીને એ પાછા ફર્યા હતા. બ.ક.ઠા.ના વ્યક્તિત્વને કવિ-સર્જક અને વિવેચકમાં જ આપણે સીમિત કરી દેતા હોવાથી એમના આ મહામૂલા યોગદાન તેમજ “ઍન અકાઉન્ટ ઑફ ફર્સ્ટ માધવરાવ પેશવા” કે “અભિજ્ઞાન શાકુંતલ” નાટકના ભાષાંતર ભણી ઝાઝું ધ્યાન આપતા નથી. 
ખબરદાર થકી ઠાકોરનો ઉધડો
આજકાલ સાહિત્યક્ષેત્રમાં  “અહો રૂપમ્ અહો ધ્વનિ” કે “દરબારી સંસ્કૃતિ”ના યુગના ચલણથી વિપરીત બ.ક.ઠા.ના યુગમાં એ ઘણાનો ઉધડો લેતા અને કેટલાક  તો એમનો પણ ઉધડો લેવામાં સંકોચ કરતા નહીં. ”જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત” જેવી અમરકૃતિ આપનાર કવિ અરદેશર ફરામજી ખબરદારે “ગુજરાતી”ના સંવત ૧૯૯૫ના દીપોત્સવી અંકમાં જે ઉધડો લીધો છે, એવી હિંમત ભાગ્યેજ કોઈએ ઠાકોર સાથે બાખડવામાં કરી હશે. ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયના કોપીરાઇટ વિભાગમાંથી અમને પ્રાપ્ત ખબરદારની એ લેખની ૨૦ પાનાંની વર્ષ ૧૯૩૯માં અલગથી પ્રકાશિત પુસ્તિકા વાંચીને બ.ક.ઠા.ને પણ કોઈ માથાનો મળ્યાની અનુભૂતિ થઇ હતી. એ વેળા ૭૦ના ઠાકોરને વિશે નામ પાડીને ખબરદારે “એ વૃદ્ધ સાક્ષરની મનોદશા” વર્ણવતાં ઘા પર ઘા માર્યા છે.”બહારથી જુદું બતાવવા છતાં કીર્તિ, મહત્તા, લોકપ્રિયતા વગેરેની પાછળ એ કેટલા દોડ્યા છે, અને તે માટે કેટલું પ્રચારકાર્ય મહાખંતથી એમણે કર્યું છે તે તો એમનું જ એક કહેવાતું ‘સોનેટ’ ‘સર્જક કવિ અને લોકપ્રિયતા’ બતાવી આપે છે.” સદગત નરસિંહરાવ (દિવેટિયા)ને ‘પારસી-વા’ (હડકવા, ધનુર્વા, તેમ પારસી-વા Parsiphobia) હતો, તેનો મને અનુભવ થયો હતો; પણ નરસિંહરાવ મરી ગયા એટલે હવે રા.ઠાકોરને પણ એ વા ઉપાડ્યો લાગે છે....એ સાક્ષર (બ.ક.ઠા.) એમના અનુયાયીઓને મતે એવા મહાકવિ, મહાવિવેચક, મહાજ્ઞાની,મહાભક્ત, મહાઇતિહાસકાર, મહાઋષિ વગેરે થઇ ગયેલા છે કે આપણા વિશ્વવંદનીય પૂજ્ય મહાત્મા ગાંધીને “ત્હને પવન” નામે સંબોધીને તેમની સંયમવાણીને ‘ભૂંક ગધાતણી’તરીકે વર્ણવે છે.” ખબરદાર ઠાકોરને ખુલ્લો પડકાર ફેંકવાનું પણ ચૂકતા નથી:”શેરની સાથેના યુદ્ધનો સ્વાદ લેવો હોય તો એ ભલે આવે.હું બધાં સાધનો સાથે તૈયાર છું.આટલી વૃદ્ધ ઉંમરે પણ પ્રભુ એમને સદબુદ્ધિ આપે.” (૯-૧૦-૧૯૩૯) 
ખ્રિસ્તી થવાનું વિચારી માંડી વાળ્યું
બ.ક.ઠા. જેવી બહુમુખી પ્રતિભા ગાંધીજીના વિચારો અને પગલાંનો વિરોધ કરે તો પણ એમનાં અહિંસા વગેરે મૂલ્યોની પ્રતિષ્ઠાવાળી નૈતિક ચારિત્ર્યમત્તાના પાસાને તેમણે હંમેશાં માન આપ્યું છે, પરંતુ રાજકીય તખ્તા પરનાં તેમનાં ને તેમના અનુયાયીઓનાં કર્મોને તેમણે વખતોવખત સ્તુતિનિંદાનાં વિવિધ વલણોથી નવાજ્યાં છે; બ્રિટિશરો પ્રત્યેના તેમના અતિમાને તેમને આપણી રાજકીય વિભૂતિઓની નિંદા કરવા પ્રેર્યા છે. બ.ક.ઠા.એ ગાંધીજીની દાંડી કૂચને “ફૂલણજી અને નબળા ગુજરાતીઓના ફૂલણજીપણા અને નબળાઈઓને પોષનારી-પ્રદર્શનારી કહી છે. તેમ છતાં, છેવટનાં વર્ષોમાં તેમણે ગાંધીજી અને જવાહરલાલને કવિતામાં અપાર માનાંજલિ પણ આપી છે. ક્યારેક મિત્ર મણિશંકર રત્નજી ભટ્ટ “કાન્ત” સાથે ગાઢ મૈત્રી ધરાવનાર બ.ક.ઠા. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનું વિચારીને પછી  માંડી વાળે છે. કવિ કાન્ત ખ્રિસ્તી થયા પછી પાછા હિંદુ થયા,પણ એ બ.ક.ઠા.ને દોસ્ત તરીકે ગુમાવી બેસે છે. ક.ન.જોષી પરના ૨૭ જુલાઈ ૧૯૨૮ના પત્રમાં સરદાર પટેલને “અત્યંતાત્યંત વલ્ગર જીભવાળો માણસ” કહેવા સુધી જાય છે. બ.ક.ઠા.ના નિવૃત્તિ વય પછીના દિવસોમાં તેમના ત્રણ પુત્રોમાંના એકે દેવું કર્યું એ ફેડવા માટે આવા સ્વમાની માણસે ૮૦મે “ફરી નોકરીની શોધમાં નીકળવું પડ્યું હતું”, એ દર્દનાક ઘટનાક્રમે એમને મૃત્યુ માટે ઝૂરતા કરી મૂક્યા હતા. આ મહાન સર્જક એ વેદનાઓ વચ્ચે પણ અણમોલ સર્જનો મૂકીને ૧૯૫૨માં મુંબઈમાં આ ફાની દુનિયાને અંતિમ જુહાર કહીને વદાય થયા અને  કાયમ માટે અમર થઇ ગયા. આપણે કેવા ભૂંડા કે એમને સાર્ધ-શતાબ્દી ટાણે સાવ જ વિસરી ગયા!
ઇ-મેઈલ:  haridesai@gmail.com

No comments:

Post a Comment