Thursday 14 March 2019

Vanishing Humour and Wit from Indian Parliament


ભારતીય સાંસદો હળવાફૂલ રહેવાને બદલે વાકબાણમાં રમમાણ
ડૉ.હરિ દેસાઈ 
ક્યારેક નાની ઉમરે જ કેટલીક વ્યક્તિઓ વૃદ્ધત્વનો અનુભવ કરતી હોય છે, જયારે અમુક લોકો એવા હોય છે જેમને હળવાફૂલ રહેવામાં કે બાળસહજ જીવવામાં ઉમર અવરોધક બનતી નથી. સામાન્ય રીતે માનસિક સંતાપ કે તણાવ  વિના જીવનારી વ્યક્તિ લાંબુ જીવતી હોવાનું જોવા મળ્યું છે. કોઈ વ્યક્તિ ધારાસભ્ય બને કે સંસદસભ્ય થાય ત્યારે જરા ગંભીર રહેવાનો પ્રયાસ કરવા માંડે અને મંત્રી બન્યા પછી તો જાણે ગંભીર ચહેરે જ ફરવું પડે, એવું માની લે કે ખોટું ખોટું હસવાની કવાયત કરે ત્યારે પોતાના માંહ્યલાને મારીને જીવવા જેવો ઘાટ થાય. અહીંથી દંભની શરૂઆત થાય. મહાત્મા ગાંધી કે સરદાર પટેલ જેવી મોટા ગજાની વ્યક્તિઓ ઘણાં રાષ્ટ્રીય મહત્વનાં કામોમાં હતી, જેલવાસ પણ ભોગવ્યો અને છતાં હળવાફૂલ રહેવાનું અને એકમેકની ઠઠ્ઠામશ્કરી કરવા જેવી હળવાશ પણ અનુભવતી હતી. હમણાં કર્ણાટક રાજભવને ગંભીર ભૂમિકામાં પૂરાયેલા વજુભાઈ વાળા ગુજરાતના મંત્રી કે વિધાનસભાના અધ્યક્ષ હતા ત્યાં લગી ક્યારે ય સોગીયું મોઢું લઈને ફરતા અમે નિહાળ્યા નથી.એ ગાંધીનગર હોય કે રાજકોટ, એમનો ડાયરો અને હસાયરો “ભેળો જ હાલે”. એકવાર મંત્રી વજુભાઈ કહે કે ગાંધીનગરથી ગાડીમાં રાજકોટ જાઉં ત્યારે ગાડીમાં સૂઈ જઈ નિરાંતની  ઊંઘ ખેચી લઉં છું. મને તો ગાડી ઘોડિયા જેવી લાગે છે અને ઘોડિયામાં મને હીંચોળે ચડવાની મજા આવે છે. ગુજરાતના નાણાપ્રધાન તરીકે અનેકવાર બજેટ રજૂ કરવાનાં આવ્યાં, વિધાનસભામાં જ પોતાના જમીનના ધંધાની કબૂલાત પણ આપે; પણ દુનિયા આખીનો ભાર એમના શિરે હોય એવું ક્યારેય એમના ચહેરે કે વ્યવહારમાં વરતાયું નહીં. કોણ જાણે કેમ હમણાં જે લોકસભાની મુદત પૂરી થવામાં છે એ ૧૬મી લોકસભામાં વિનોદ કે ઠઠ્ઠામશ્કરીનો માહોલ રાજકીય વિરોધીઓ પર વાકબાણ ચલાવવામાં વધુ ફેરવાયેલો લાગ્યો.જોકે લોકસભાના સચિવાલય આવી ગંભીરતાની વચ્ચે પણ જ્યાં હળવી મજાકમસ્તી થઇ હોય એવા પ્રસંગોને નોંધીને એ સંકલિત કરવાનું ચુક્યું નથી.  
પીલુ મોદી અને લાલુની ખોટ વરતાય
રાજનેતાઓ અને રાજકીય શાસકો આજકાલ હળવાફૂલ રહેવાનું જાણેકે ભૂલવા માંડ્યા છે.સંસદનાં બંને ગૃહોમાં પણ માહોલ વધુ ગંભીર અને એકમેકને સુણાવી દેવાનો કે વારો કાઢી લેવાનો વધુ અનુભવાઈ રહ્યો છે.સોળમી લોકસભામાં આ બાબત સવિશેષ જોવા મળી.એટલું જ નહીં,સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનુભવ્યું કે અગાઉ જે વિનોદ (હ્યુમર) કે વ્યંગ્ય કે ઠઠ્ઠામશ્કરી (વિટ) સંસદનાં બંને ગૃહોમાં જોવા મળતી હતી, એ ક્યાંક ઓસરી રહી છે. મે ૨૦૧૪માં લોકસભામાં પહેલી વાર ચૂંટાઈને વડાપ્રધાનપદે વરાયેલા મોદીએ ઓગસ્ટ ૨૦૧૪માં ત્રણ સાંસદો અરુણ જેટલી, ડૉ.કર્ણ સિંહ તથા શરદ યાદવને વિશેષ યોગદાન કરનારા સાંસદ તરીકે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને હસ્તે પુરસ્કૃત કરવાના સમારંભમાં જ આ ચિંતા વ્યક્ત કરી હતી.૧૬મી લોકસભાની અવધિ પૂર્ણ થવાનો સમય આવી પહોંચ્યો છે ત્યારે મોદીએ ચૂંટાયાના ચાર જ મહિનામાં વ્યક્ત કરેલી ચિંતા સાચી પડી હોવાનું જરૂર સાબિત થયું છે.જોકે લોકસભામાં પીલુ મોદી કે લાલુપ્રસાદ જેવાના હસાયરાનો અભાવ ખટક્યો અને ડૉ.રામમનોહર લોહિયા જેવા મહારથી થકી વ્યંગ્યમાં વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ ભણી ફેંકાતાં વાકબાણની ઉણપ જરૂર વર્તાઈ; પણ ગૃહમાં શેરોશાયરી થતી રહી અને કાવ્ય પંક્તિઓમાં ઘણું બધું કહેવાનું ચલણ વધુ જોવા મળ્યું. 
કવિહૃદય વડાપ્રધાનના કાવ્યપ્રેમી સાથી
ફેબ્રુઆરી અને મે ૨૦૧૬ દરમિયાન લોકસભામાં ૪૩ કવિતાઓ સાંસદોએ પેશ કરી હતી. વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૫ની લોકસભાની બેઠકોમાં રજૂ થયેલી કવિતાઓના સહિયારા આંકડા કરતાં આ પ્રમાણ વધુ હતું. વર્ષ ૨૦૧૩માં ૪૨ કવિતાઓનું પઠન થયાનું નોંધાયું છે. નવાઈ એ વાતની છે કે કવિતાઓ પ્રસ્તુત કરનારા સાંસદોમાં ૬૪ ટકા તો ભારતીય જનતા પક્ષના હતા. કવિહૃદય વડાપ્રધાન મોદી પણ એમાં અગ્રક્રમે હતા. જોકે એકંદરે સંસદની બેઠકો આક્ષેપ-પ્રતિઆક્ષેપની ગંભીરતાથી ભરેલી અને દાઢમાં ઘણું બધું કહીને વટ પાડવાની વૃત્તિ સવિશેષ ચલણી બન્યાનું અનુભવાયું. આમછતાં, સાવ એવું પણ નહોતું કે લોકસભા સાવ સોગીયું વાતાવરણ ધરાવતી હતી. પ્રત્યેક લોકસભા સત્રમાં વિનોદના પ્રસંગો નોંધાય છે. બંને ગૃહોના મહાસચિવો દ્વારા ગૃહમાં વિનોદ અને ઠઠ્ઠામશ્કરીના જે પ્રસંગો બને છે એનું પ્રકાશન પણ થતું હોય  છે. 
બિરબલની જેમ હાજરજવાબી  
લોકસભામાં ૧૪ જુલાઈ ૨૦૦૯ના રોજ “ઝીરો અવર”માં ઓડિશામાં વર્ષ ૨૦૦૭-૨૦૦૮માં પૂરને કારણે થયેલી નુકસાની જાણવા માટે અર્જુન ચરણ સેઠી ખૂબ આગ્રહી હતા.ગૃહમાં નાણાપ્રધાન પ્રણવ મુખરજી હાજર હતા.સ્પીકર મીરા કુમારે કહ્યું કે હું મંત્રીશ્રીને ઉત્તર  વાળવા માટે ફરજ પાડી ના શકું. જોકે સભ્યે પોતાનો દુરાગ્રહ ચાલુ રાખ્યો એટલે પ્રણવદા ઊભા થયા અને કહ્યું:”હું વિગતો ચકાસ્યા વગર ઈન્સ્ટન્ટ કોફીની જેમ ઝીરો અવરમાં ઉત્તર વાળી શકું નહીં.” આખા ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ક્યારેક અંગ્રેજી શબ્દપ્રયોગ અર્થનો કેવો અનર્થ સર્જે અને સૌને હસાવી મૂકે એવું સ્પીકર મીરા કુમારની એક ટિપ્પણ થકી ૨૯ એપ્રિલ ૨૦૦૯ના રોજ બન્યું હતું. સચ્ચર સમિતિની ભલામણોમાં લઘુમતિ સમાજના કલ્યાણ માટેના પ્રશ્નના પેટા પ્રશ્નમાં પી.કે.બિજુ આંકડાઓની લાંબીલચક વિગતો રજૂ કરી રહ્યા હતા ત્યારે સ્પીકર મહોદયાએ સમય ઓછો હોવાથી કહ્યું:”કમ ફાસ્ટ” અને ગૃહમાં સૌ હસી પડ્યા કારણ અંગ્રેજીમાં એનો અર્થ  ભૂંડો થાય છે. 
કાનડી અને મણિપુરીનું હિંદી
લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એકવાર સ્પીકર સુમિત્રા મહાજનને ઉદ્દેશીને શુદ્ધ હિંદીમાં કહ્યું કે મહોદયા, મારા સ્થગન પ્રસ્તાવને તમે સ્વીકાર્યો નથી.મહાજને તરત જ કહ્યું કે તમારો પ્રસ્તાવ નકારાયો છે. ખડગે ઉવાચ: “મેં હિંદીમાં એ જ કહ્યું. હું પણ થોડુંઘણું હિંદી જાણું છું.” સુમિત્રાજીએ કહ્યું: “તમારું હિંદી તો મારા હિંદીથી  પણ સારું છે. શક્ય છે કે મને સાંભળવામાં તકલીફ થઇ.તમે કાયમ જોરથી  વિરોધ કરતા હો છો એટલે.” હાજરજવાબી ખડગેએ કહ્યું: “હું તમને કોઈ સારા ડોક્ટરની ભલામણ કરી શકું.” અને બધા હસી પડ્યા. એકવાર મહાજને મણિપુરના સાંસદ ડૉ.થોકચોમ મૈન્યાનું નામ પોકાર્યું ત્યારે ગૃહમાં થોડી ધાંધલધમાલ હતી. એટલે સભ્યને સંભળાયું નહીં અને પછી તેમણે પોતાને બોલવા દેવા અનુરોધ કર્યો. તેમણે કહ્યું : “મહોદયા, મને  હિંદી થોડી ઓછી સમજાય છે.” મહાજને કહ્યું: “મેં તમારું નામ પોકાર્યું હતું. બીજું કશું કહ્યું નથી.એમાં હિંદી અને અંગ્રેજી ક્યાંથી આવ્યું? અંગ્રેજીમાં તમારું નામ જુદું છે?” સ્વાભાવિક હતું કે બધા હસી પડે. 
સિદ્ધુની એન્ટ્રી જ હસાવી શકતી  
ભાજપના ત્રણ-ત્રણ વાર સાંસદ રહેલા અત્યારે પંજાબની કોંગ્રેસ સરકારમાં મંત્રી એવા નવજોતસિંહ સિદ્ધુ તો લોકસભામાં પ્રવેશતા કે જાણે કે તમામ સભ્યોને ક્રિકેટરમાંથી રાજનેતા થયેલા આ સભ્ય કોમેડિયનનો અવતાર જણાતા અને સૌના ચહેરા પર હાસ્ય ઝલકતું. ૨૪ જુલાઈ ૨૦૦૯ન રોજ ગૃહમાં ચર્ચામાં ભાગ લેતાં પૂર્વ નાણામંત્રી જસવંતસિંહ કહે કે નાણામંત્રી (પ્રણવદા)એ નવા કર લાદવાનાં પગલાં લીધાં છે એ એમની મુશ્કેલી વધારશે.  મારા જાતઅનુભવે કહી શકું છું કે મેં આવી મુશ્કેલી અનુભવીને મારા માથાના વાળ ગુમાવી દીધા છે. હાજરજવાબી પ્રણવ મુખરજીએ કહ્યું: “મારા તો માથાના વાળ હવે રહ્યા જ નથી.” ગૃહમાં ખડખડાટ હસવાનું મોજું ફરી વળ્યું હતું.
નેહરુ પોતાનાં ઠઠ્ઠાચિત્રો પર હસતા
ક્યારેક એવો જમાનો પણ હતો જયારે વડાપ્રધાન નેહરુ શંકર્સ વિકલીના શંકરનેડોન્ટ સ્પેર મીકહેતા. નેહરુનાં ઠઠ્ઠાચિત્રો જોઇને હસી પડાય એવા સર્જક ઠઠ્ઠાચિત્રકાર હતા. નેહરુ પોતે પણ એનો આનંદ માણતા.અત્યારના શાસકોમાં આવી દરિયાદિલી ભાગ્યેજ જોવા મળે છે.કાર્ટૂનિસ્ટો હવે તો રાજકારણીઓ અને એમાંય ખાસ કરીને શાસકોનાં  કાર્ટૂન્સ બનાવતાં એક પ્રકારના છૂપા ડરનો અનુભવ કરે છે. રખેને એમનાં કાર્ટૂન કે ચિત્ર માટે કોઈ શાસક જેલની હવા ખવડાવે! પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ તો એક કાર્ટૂનિસ્ટને જેલની હવા ખવડાવી પણ હતી. જેમ લેખકો અને પત્રકારોએ બિગ-બ્રધર ઈઝ વોચિંગનો અનુભવ કરવો પડે છે,એમ સંસદમાં બોલવા કે વ્યંગ્ય-વિનોદ કરવામાં જોખમ આવી પડવાની ધાસ્તી જરૂર રહે છે. શાસકોને નારાજ કરીને તેમનો ખોફ વહોરવાને બદલે મીઠડાં વચન વદવાનું લાભદાયી હોય છે. આવું પસંદ કરનારાઓમાં હવે તો મુલાયમ સિંહ યાદવ જેવા ક્યારેક પોતાને ડૉ.લોહિયાના શિષ્ય ગણાવનારા મહારથીઓ પણ સામેલ થતા હોય ત્યારે નવા નિશાળિયાનું તો શું ગજું કે સંસદ કે સંસદની બહાર વિનોદ કે ઠઠ્ઠામશ્કરી કરે?અહો રૂપમ્ અહો ધ્વનિના મહિમામંડનમાં હાસ્ય, વિનોદ, વ્યંગ્ય કે ઠઠ્ઠામશ્કરીની સરવાણી સુકાઈ જાય સ્વાભાવિક છે.વડાપ્રધાન મોદીએ સંદર્ભે ૧૬મી લોકસભાની શરૂઆતમાં વ્યક્ત કરેલી ચિંતા યથાર્ય સાબિત થઇ  છે. 
લાલુના  આલુથી ઇવીએમ લગી
ક્યારેક લોકનાયક જયપ્રકાશ નારાયણના બિહાર આંદોલનના કાર્યકરમાંથી મુખ્યમંત્રી અને કેન્દ્રમાં પણ મંત્રી રહેલા લાલુપ્રસાદ યાદવ અત્યારે ભલે જેલવાસ ભોગવી રહ્યા હોય,એમની હળવી શૈલી માટે હજુ પણ લોકો એમને યાદ કરે છે. “જબતક સમોસે મેં રહેગા આલુ, બિહાર મેં રહેગા લાલુ” જેવી એમની ઉક્તિ આજે ય વિસારે પાડી શકાય તેમ નથી.સંસદમાં લાલુ બોલવા ઊભા થાય કે પત્રકારો સામે નિવેદન આપવા દેશી વેશમાં એ પ્રગટ થાય ત્યારે સૌની નજરો એમના તરફ જ મંડાયેલી રહેતી અને આજે પણ સ્થિતિ જુદી નથી. હમણાં વડાપ્રધાન મોદીની પટણા રેલી સંદર્ભે લાલુએ ટ્વિટ કર્યું કે અમે ખાલી પાન ખાવા જતા ત્યારે ય ત્યાં આના કરતાં વધુ લોકો ભેગા થતા હતા! સંસદમાં લાલુએ ૩૧ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ  ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) વિશે યાદગાર સંવાદ કહ્યો હતો: “હમ કહ રહે હૈં કિ લાલટેન કે સામને વાલા બટન દબાના, વહ લાલટેન કા દબાતા હૈ ઔર વોટ સાઇકલ કો પડ જાતા હૈ . સાઇકલ કા વો દબા રહા હૈ , વહ કમલ મેં જા રહા હૈ; જો હાથ પર દબા રહા હૈ, વહ હાથી પર જા રહા હૈ..”. લાલુ બોલે એટલે હસાયરો જ સમજો. લાલટેન એ લાલુની આરજેડી પાર્ટીનું ચિહ્ન, સાઇકલ એ મુલાયમ-અખિલેશનીસમાજવાદી પાર્ટીનું, કમલ એ ભાજપનું અને હાથ એ કોંગ્રેસનું તેમ જ હાથી એ માયાવતીની બહુજન સમાજ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન. વર્ષ ૨૦૧૦માં ભાજપ પણ ઈવીએમ સાથે ચેડાં થતાં હોવાની ફરિયાદ કરતો હતો અને પુસ્તકો પ્રકાશિત કરતો હતો. હવે સ્થિતિ નોખી છે. લાલુ કે અટલજી જેવા લોકસભે નહીં હોવાને કારણે અને કમરપટ્ટા નીચે વાર કરવાનું રાજકારણ ફૂલ્યુંફાલ્યું ત્યારથી સંસદમાં હાસ્યના ફુવારા ઓછા ઊડે છે.   ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment