Monday 3 December 2018

Kartarpur Corridor and Indo-Pak Relations


ભારત-પાક વચ્ચેની વસંત: કરતારપુર કરિડોર
ડૉ. હરિ દેસાઈ
શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવ (૧૫ એપ્રિલ ૧૪૬૯-૨૨ સપ્ટેમ્બર ૧૫૩૯)ના  જીવનનાં અંતિમ ૧૮ વર્ષના નિવાસ અને નિર્વાણની ભોમકા કરતારપુર જવા માટેના કરિડોરના વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનો ૫૦ વર્ષ પહેલાંનો સંકલ્પ સાકાર થવાના સંજોગો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં આખરે પેદા થયા. એનું નિમિત્ત બન્યા પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ. ક્રિકેટરમાંથી રાજકારણમાં આવેલા સિદ્ધુ હજુ તો ગયા ઓગસ્ટ મહિનામાં “ક્રિકેટર-યાર”માંથી પાકિસ્તાનના વડાપ્રધાન બનેલા ઇમરાન ખાનના શપથવિધિમાં  ગયા અને કરિડોર માટે લીલી ઝંડી લઇ આવ્યા. આખરે ભારત અને પાકિસ્તાન બંને બાજુ અનુક્રમે ૨૬ અને ૨૮ નવેમ્બરે શિલાન્યાસ થયો. વિશ્વભરના કરોડો શીખોના આસ્થાસ્થાન એવા પાકિસ્તાનસ્થિત કરતારપુર સાહિબ પર માથું ટેકવવા ભારતથી વગર વીસાએ જવાની સુવિધા ઉપલબ્ધ થશે. આ ઐતિહાસિક  કરિડોરનું  આગામી છ મહિનામાં નિર્માણ થવા આડે હવે કોઈ અવરોધ રહ્યા નથી. સંયોગ પણ કેવો કે ગુરુ નાનક દેવનું જન્મસ્થળ નાનકાના સાહિબ પણ પાકિસ્તાનમાં જ છે.
હજુ ત્રણ મહિના પહેલાં જ ઈસ્લામાબાદથી ત્યાંની સરકારના રિમોટ એવા જનરલ કમર જાવેદ બાજવા કનેથી કરિડોર માટેની સાનુકૂળતાનો સંદેશ લઈને સિદ્ધુ પાછા ફર્યા હતા.એમના પાકિસ્તાન જવા અંગે દ્વિધા અનુભવતા મુખ્યમંત્રી અને “પતિયાળાના મહારાજા” કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્ર સરકારને કરિડોર અંગે લખ્યું. એ પછી પંજાબમાં વિપક્ષે બેસતા અને ભાજપના મિત્ર એવા બાદલ પરિવારના અકાલી દળે વડાપ્રધાન મોદી સમક્ષ રજૂઆત પણ કરી. પાકિસ્તાન સરકારે કરિડોર માટે અગાઉ તૈયારી દર્શાવી પછી ગત ૨૨ નવેમ્બરે  કેન્દ્ર સરકારે કેબિનેટમાં ભારત તરફથી કરિડોરને મંજૂરી આપી.ગુરુ નાનકની ૫૦૦મી જયંતી નિમિત્તે ૨૧ નવેમ્બર ૧૯૬૯ના રોજ નવી દિલ્હીમાં એક સભામાં વડાંપ્રધાન શ્રીમતી ગાંધીએ કરતારપુર જવાની સુવિધા માટે સાટામાં જમીન આપવી પડે તો એ માટે પણ તૈયારી દર્શાવી હતી.૧૯૮૮માં કરતારપુર કરિડોર માટેની દરખાસ્ત પર બંને દેશોએ વિચાર કર્યો. ભારત બાજુ ડેરા બાબા નાનકથી પાકિસ્તાનના કરતારપુર વચ્ચે રાવી નદી પર થઈને માંડ ચારેક કિલોમીટરનો કરિડોર બાંધવા બાબત સૈદ્ધાંતિક સંમતિ પણ સધાઈ હતી.વળી, પાછા બંને દેશ વચ્ચે સંબંધો કથળ્યા અને વાત ઠેલાતી ગઈ. કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે ૧૯૯૯માં વડાપ્રધાન બસ લઈને  લાહોર ગયા હતા. તેમણે પણ કરિડોરની દરખાસ્ત કરી હતી,પણ કારગિલ યુદ્ધ આવી પડતાં એ વાત હવાઈ ગઈ હતી.આ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન ખાન અને લશ્કરી વડા બાજવા  પણ “ભારત સાથે યુદ્ધ હવે ક્યારેય નહીં” એવો રાગ આલાપતા તો થયા છે,પણ આતંકવાદની નિકાસ ચાલુ હોવાથી ભારતને એમનામાં ભરોસો બેસતો નથી.
હજુ ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર વચ્ચે અબોલાં છે. જોકે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના પયગામ સમા કરિડોરના સૂચિત પ્રકલ્પે વડાપ્રધાન ઇમરાન ખાનના હસ્તે કરિડોરના શિલાન્યાસ વિધિમાં કરતારપુરમાં સિદ્ધુ ઉપરાંત મોદી સરકારનાં બે કેબિનેટ પ્રધાનો હરસિમરત કૌર બાદલ અને હરદીપ એસ.પુરી માટે સહભાગી થવાના સંજોગો સર્જ્યા.ભારતમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને હરસિમરત કૌરની હાજરીમાં કરિડોરનો શિલાન્યાસ કર્યો. ઘરઆંગણે રાજકીય દાવપેચને પ્રતાપે  ભાજપી સાંસદ તરીકે રાજીનામું આપીને  કોંગ્રેસમાં જોડાઈ  પંજાબમાં પક્ષને જીતાડનાર સિદ્ધુ પર “ગદ્દાર” કે “રાષ્ટ્રદ્રોહી” જેવાં વિશેષણોની વર્ષા થતી રહી છે. ઈમરાનના શપથ સમારંભમાં વિશ્વ જાટ મહાપરિષદના અધ્યક્ષ સિદ્ધુ પાકિસ્તાનના લશ્કરી વડા અને જાટ સમાજના જ  જનરલ કમર જાવેદ બાજવાને જાહેરમાં ભેટ્યા એટલે એમને શિરે માછલાં ધોવામાં કશું બાકી રખાયું નહોતું.  જોકે અંતે અપેક્ષિત હતું એમજ કરિડોરનો નિર્ણય પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુનો માસ્ટરસ્ટ્રોક સાબિત થયો.
હકીકતમાં વિદેશી સંબંધોમાં ઘરઆંગણાના રાજકારણની સેળભેળ ટાળવી ઘટે. પોતાને અખંડ ભારતના પ્રણેતા ગણાવનારાઓ હવે બે જર્મની કે બે યમનની જેમ ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશના એકીકરણને વિસારે પાડવા માંડ્યા છે. કરતારપુરમાં વડાપ્રધાન ખાન કે જનરલ બાજવા ફ્રાંસ અને જર્મનીનાં ઉદાહરણ આપીને ઇસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચે શાંતિની વસંત મહોરાવવાની વાત કરે ત્યારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ઉતાવળિયાં નિવેદન કરવાથી બચવાની જરૂર હતી. પાડોશી દેશો વચ્ચેના  રાજદ્વારી સંબંધોમાં એકાએક ગળે મળવાથી સુધારા થઇ જતા નથી.એકાએક સંબંધો વણસી શકે,પણ એ પાછા પાટા પર લાવવા બંને પક્ષે તૈયાર રહેવું પડે. ઇન્દિરા ગાંધીના યુગમાં ભારત-પાક યુદ્ધ પછી શ્રીમતી ગાંધી અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે સિમલા મંત્રણા થઇ હતી. એ પછી કોલંબોથી સ્વદેશ પાછા ફરતાં પાકિસ્તાની શાસક ભુટ્ટો પોતાના મિત્ર પીલૂ મોદીને મળવા ખાસ મુંબઈ આવે એનું મહાત્મ્ય ઓછું નથી.બંને સહાધ્યાયી હતા. સંસદમાં પીલૂ વિપક્ષે બેસતા હતા; પણ એ વેળા વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ એમને ગદ્દાર કે રાષ્ટ્રદ્રોહી કહ્યા નહોતા. હા, પીલૂ સંસદમાં “આઈ એમ અ સીઆઈએ એજન્ટ”નું ફલક ગળે લટકાવીને શ્રીમતી ગાંધીની બધી બાબતોમાં સીઆઈએ પર દોષ ઢોળવાની નીતિ સામે વિરોધ નોંધાવતા હોવા છતાં.
પીલૂએ “ઝુલ્ફી માય ફ્રેન્ડ” નામક નાનકડી પુસ્તિકામાં બંને મુંબઈની શાળામાં સાથે ભણતાં એ અનુભવોથી લઈને વિદેશમાં અભ્યાસ દરમિયાન બંનેના ખાનગી ખૂણાઓની વાતોનું પણ એમાં બયાન કર્યું છે.જોકે બંને અલગ અને દુશ્મન ગણાતા દેશોની સંસદમાં બેસતા હોવા છતાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધરે એ દિશામાં ગરિમાપૂર્ણ વાણી અને વર્તન દાખવતા હતા.એ વેળા રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રદ્રોહીના ઈલકાબનું રાજકારણ ભાગ્યેજ ખેલાતું હતું.  અત્યારે નિમ્ન કક્ષાનો રાજકીય સ્તર વિદેશીઓ અને શત્રુ રાષ્ટ્રોને  હરખાવે તેવો છે. વિદેશી બાબતો અને લશ્કરી બાબતોમાં એલફેલ બોલવા જતાં ક્યારેક વડાપ્રધાન અટલજીના અંતરંગ સાથી પ્રમોદ મહાજન જેવી અવસ્થા આવી પડે. બટકબોલા મહાજને ચીન વિશે  ટિપ્પણ કરી હતી કે “સો ચૂહે માર કર બિલ્લી ચલી હજ કરને.” ચીન એવું તો ભડકી ગયું હતું કે વિદેશી બાબતોમાં કાયમ ગરિમાપૂર્ણ વ્યવહાર કરવા માટે જાણીતા વાજપેયીના આ સાથીએ બોલેલા શબ્દો પાછા ખેંચવા પડ્યા, એટલું જ નહીં, માફી માગવાની મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું. છેલ્લાં બે વર્ષથી સાર્ક દેશોનું સંગઠન લગભગ મરણતોલ અવસ્થામાં છે. પાકિસ્તાન સાથેના અતિપ્રેમ અને અતિરોષ વચ્ચે ઝોલાં ખાઈને એને નામશેષ કરવાને બદલે મંત્રણાના મેજ પર આવીને તમામ પ્રશ્નો ઉકેલવાની પહેલ અનિવાર્ય છે.
ઈ-મેઈલ : haridesai.gmail.com

No comments:

Post a Comment