Friday 23 November 2018

Political Blunder of J&K Assembly being Dissolved


જમ્મૂ-કાશ્મીરમાં આત્મઘાતી ઉંબાડિયાં
ડૉ.હરિ દેસાઈ
વાજપેયીની “ઈન્સાનિયત, જમ્હૂરિયત અને કશ્મીરિયત”ની 
વાતનું રાજકીય પક્ષો અને પ્રજા થકી આદરથી સ્મરણ

       પવિત્ર ઇદ-એ-મિલાદના તહેવારની રાતે જ જમ્મૂ-કાશ્મીરમાં એકાએક રાજકીય ગરમાટો સર્જાયો. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની કજોડા સરકારને છેક જૂન ૨૦૧૮માં ભાજપ થકી ટેકો પાછો ખેંચી લેવાતાં મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને ઘરભેગાં થયાં હતાં. એ  પછી અન્ય પક્ષોને તોડીને પોતીકી સરકાર રચવામાં ભાજપને સફળતા નહીં મળી નહીં. અંતે મૂર્છિત રખાયેલી વિધાનસભાને રાજ્યપાલ સત્ય પાલ મલિકે બરખાસ્ત કરી. છેલ્લા છ મહિના લગી રાજ્યપાલ શાસન હેઠળ કેન્દ્રની ભાજપના વડપણવાળી એનડીએ સરકારના રિમોટ થકી જ શ્રીનગરમાં શાસન ચાલતું હતું. બુધવાર,૨૧ નવેમ્બરે એકાએક પીડીપીનાં અધ્યક્ષા મહેબૂબાએ રાજ્યપાલને પત્ર લખીને ૮૯ (૮૭ ચૂંટાયેલા+૨ નામનિયુક્ત) સભ્યોની વિધાનસભામાં પોતાના પક્ષના ૨૯ ધારાસભ્યો ઉપરાંત નેશનલ કોન્ફરન્સ (એનસી)ના ૨૫ તથા કોંગ્રેસના ૧૨ ધારાસભ્યો મળીને પોતાની પાસે ૫૬ ધારાસભ્યોનું સમર્થન હોવાથી સરકાર રચવાનો લિખિત દાવો કર્યો. ભાજપને સંબંધિત ત્રણ પક્ષો સાથે આવવામાં “પાકિસ્તાનની રમત” દેખાઈ. ચક્રો ગતિમાન થયાં. હજુ વીતેલાં વર્ષોમાં પાકિસ્તાનમાં રહીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિમાં સક્રિય એવા સજ્જાદ લોન નામક પીપલ્સ કોન્ફરન્સના ધારાસભ્યે રાજ્યપાલને પત્ર લખીને પોતાને ભાજપ અને પીડીપીના અમુક ધારાસભ્યોનો ટેકો હોવાનું લિખિત જણાવી સરકાર રચવાનો દાવો કર્યો. રાજ્યપાલ મલિકે બુધવારની રાતે જ  વિધાનસભા વિસર્જિત કરવાનું જાહેરનામું બહાર પડાવ્યું. ગૃહમાં સૌથી મોટા પક્ષ પીડીપીના દાવાને કોંગ્રેસ અને એનસીના ટેકાની બાબતને બોમ્માઈ ચુકાદા મુજબ ધારાગૃહમાં ચકાસવી પડે. એ ચકાસ્યા વિના જ ધારાસભા ભંગ કરવાનું આ પગલું સંવેદનશીલ રાજ્યમાં નવું ઉંબાડિયું ગણી શકાય. 
          જમ્મૂ-કાશ્મીરનો તાજો ઘટનાક્રમ પણ ધ્યાને લેવા જેવો ખરો. હજુ આતંકી હુમલા રોકાયા નથી. પાલિકાઓ અને પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજની  ચૂંટણીઓમાં મોટેભાગે પીડીપી અને એનસીએ અળગા રહેવાનું નક્કી કર્યું એનો ફાયદો ભાજપ અને મિત્રપક્ષો લઇ શક્યા. જોકે લડાખમાં એના લોકસભાના સભ્ય હોવા છતાં એની દાળ ગળી નહીં,એટલું જ નહીં બૌદ્ધબહુલ લડાખના ભાજપના લોકસભાના સભ્ય થુપસ્તાન થેવાંગે તો ૧૫ નવેમ્બર ૨૦૧૮ના રોજ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી જ રાજીનામું આપી દીધું છે. વિધાનસભાની નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને મળેલી ૨૫ બેઠકો હિંદુબહુલ જમ્મૂમાંથી જ હતી, જયારે પીડીપીને મળેલી ૨૮ બેઠકો મુસ્લિમબહુલ ખીણ પ્રદેશમાંથી જ હતી.વિધાનસભા ત્રિશંકુ થતાં ત્રણ મહિના પછી પીડીપી અને ભાજપની સંયુક્ત એવી “ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના મિલન સમી” મુફ્તી મોહમ્મદ સઈદના વડપણવાળી સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાક્ષીએ, બની હતી. જાન્યુઆરી ૨૦૧૬માં મુફ્તીના નિધન પછી એમનાં શાહજાદી મેહબૂબા મુફ્તીના વડપણવાળી સરકાર ઘણા વાંધાવચકા પછી ત્રણ મહિને રચાઈ હતી. બંને સરકારમાં નાયબ મુખ્યમંત્રીપદ ભાજપને મળ્યું હતું,પણ દીર્ઘદ્રષ્ટિ રાખીને વિધાનસભાના અધ્યક્ષનો હોદ્દો ભાજપે પોતાની કને રાખ્યો હતો. મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી બંધારણના અનુચ્છેદ ૩૭૦ અને ૩૫(એ)ના મુદ્દે ભાજપ સાથે છેડો ફાડવાની વેતરણમાં હોવાની ગંધ આવતાં જ ૧૯ જૂન ૨૦૧૮ના રોજ ભાજપે પહેલો ઘા રાણાનો એ ન્યાયે ટેકો પાછો ખેંચી લઈને મુફ્તી સરકારને ગબડાવી હતી.એ વેળા રાજ્યપાલ એન.એન.વોહરા હતા. રાજ્યપાલનું શાસન લદાયું તો ખરું,પણ પીડીપીને તોડીને બહુમતી કરી લેવાની અપેક્ષાએ વિધાનસભા બરખાસ્ત કરવાને બદલે મૂર્છિત અવસ્થામાં રખાઈ હતી.છ મહિને રાજ્યપાલનું શાસન લંબાવવાનો વખત આવ્યો ત્યાં લગી ભાજપનો મેળ પડ્યો નહીં. રાજ્યના સૌથી સમૃદ્ધ ધારાસભ્ય અને મહેબૂબા મુફ્તીની પાર્ટીના નેતા અલ્તાફ બુખારી તેમજ ભાજપની છાવણીના સજ્જાદ લોન મુખ્યમંત્રી બનવા થનગનવા માંડ્યા ત્યાં જ વિધાનસભા બરખાસ્ત થઇ ગઈ ! 
        વાજપેયી યુગથી જ કાશ્મીર મામલે ભાજપે ઝેરનાં પારખાં કરવા માંડ્યાં હતાં. જોકે આજે પણ સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની “ઈન્સાનિયત, જમ્હૂરિયત અને કશ્મીરિયત”ની વાતને તમામ રાજકીય પક્ષો અને પ્રજા ખૂબ આદરથી યાદ કરે છે.મુફ્તી-મોદી જોડાણમાં પણ અટલજીની જ “ગુડવિલ” ખૂબ નિર્ણાયક બની હતી. ભાજપી નેતા વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યાં લગી જનસંઘ-ભાજપના નેતાઓ અને કાર્યકરો  “શેર હમારા મારા હૈ, અબદુલ્લા ને મારા હૈ”નો નારો લગાવતાં થાકતા નહોતા. શેખ અબદુલ્લાની સરકાર વખતે અટકાયત દરમિયાન જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી મૃત્યુ પામ્યા હતા એટલે સંઘ-જનસંઘ-ભાજપને અબદુલ્લા પરિવાર સાથે બાપે માર્યાં વેર હતાં. જોકે અટલજીની સરકાર વખતે ડૉ.ફારુક અબદુલ્લાની પાર્ટી  એનડીએનો ભાગ હતી.એ વેળા ડૉ.અબદુલ્લા મુખ્યમંત્રી અને એમના શાહજાદા ઓમર અબદુલ્લા વિદેશ રાજ્ય મંત્રી હતા.એ જોડાણ પણ તૂટી ગયું હતું. એ પછી “બાપ-બેટી કી સરકાર”ની જોરદાર ટીકા કર્યા પછી માર્ચ ૨૦૧૫માં મોદીના ભાજપ અને મુફ્તીની પીડીપીની સંયુક્ત સરકાર રચાઈ હતી.
        મુફ્તી જયારે વી.પી.સિંહની સરકારમાં ગૃહમંત્રી હતા ત્યારે કેટલાક ત્રાસવાદીઓને મુક્ત કરાવવા માટે તેમની દીકરી ડૉ.રૂબિયાનું “બનાવટી” અપહરણ અને ગાંધીનગરના અક્ષરધામ પરના ૨૦૦૨ના આતંકી હુમલાનું કાવતરું મુખ્યમંત્રી મુફ્તીના એક મંત્રી ઝરગરના ઘરમાં ઘડાયું હોવાનું રાજ્યપાલ રહેલા લેફ્ટ.જનરલ (નિ.) એસ.કે.સિંહાએ “મિશન કાશ્મીર”માં નોંધ્યું છે. જમ્મૂ-કાશ્મીરની પીડીપી અને ભાજપની સરકારમાં મંત્રી રહેલા અને ભાજપના ટેકે મુખ્યમંત્રી બનવા માટે તાજેતરમાં પ્રયત્ન કરનાર સજ્જાદ લોનનો અતીત પણ ત્રાસવાદ સાથેના સીધા સંબંધનો છે. પાકિસ્તાનમાં રહીને ભારતવિરોધી ત્રાસવાદી પ્રવૃત્તિમાં સામેલ રહ્યા પછી “રિફોર્મિસ્ટ” તરીકે કાશ્મીરના રાજકારણમાં એ પ્રવેશ્યા. સજ્જાદ પાકિસ્તાનના રાવલપિંડીમાં એપ્રિલ ૨૦૧૬માં મૃત્યુ લગી જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) ચલાવતા રહેલા ભારતના મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ અમાનુલ્લા ખાનના જમાઈ છે. અગાઉ સજ્જાદ અને તેમના મોટાભાઈ બિલાલ લોન બંને ત્રાસવાદી પ્રવૃત્તિમાં સામેલ રહ્યા છે. પિતા અબ્દુલ ગની લોનની ૨૦૦૨માં હત્યા થતાં સજ્જાદે તેમના પક્ષ પીપલ્સ કોન્ફરન્સના નોખા ચોકાનું સુકાન સંભાળ્યું. ભાઈ બિલાલ હુરિયત કોન્ફરન્સ સાથે રહીને ભાગલાવાદી પ્રવૃત્તિમાં આજે ય સક્રિય છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સજ્જાદની પાર્ટીએ ભાજપ સાથે જોડાણ કર્યું હતું. એને બે બેઠકો મળી હતી. વિધાનસભા બરખાસ્ત થયા પછી નવી ચૂંટણી યોજાય એ માટે હવે સૌ ઉત્સુક છે.અપેક્ષા કરીએ કે રાજ્યમાં હિંસાના વાતાવરણને બદલે પ્રજાને સુખચેનની અનુભૂતિ થાય.
ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment