Wednesday 11 July 2018

Victory of Bavaliya in the Political Bargaining with BJP


Dr. Hari Desai’s weekly column in Gujarat Samachar( London), Sanj Samachar (Rajkot), Hamlog (Patan), Gandhinagar Samachar (Gandhinagar), Sardar Gurjari (Anand) and Gujarat Guardian (Surat ). You may read the full text here and comment.

ચૂંટણીપૂર્વે નાક દબાવવાની કવાયતમાં બાવળિયા ફાવી ગયા : ડૉ. હરિ દેસાઈ
·         હવે મુખ્યમંત્રી રૂપાણી કુલ માત્ર છ વ્યક્તિને જ મંત્રી,રાજ્ય મંત્રી કે સંસદીય સચિવ બનાવી શકે 
·         ઑફિસ ઑફ પ્રૉફિટે ધારાસભ્યોને બૉર્ડ-નિગમના ચૅરમૅનપદે નિયુક્ત કરવાનું સાવ અશક્ય બનાવ્યું 
·         સંબંધિત અસંતુષ્ટ ધારાસભ્યો સામેના ફોજદારી ખટલાનો સળવળાટ થતાં અમુક સમય શાંતિ વર્તાશે
·         મોદી-શાહની જોડી પોતીકા ઉત્તર ગુજરાતમાં ઈજ્જત બચાવવા ઠાકોર સેના સાથે નક્કી  બાજી માંડશે

રાજકારણમાં આજનું મહત્ત્વ હોય છેઃ આજના સંજોગોમાં જેટલું મહત્ત્વનું સ્થાન કે હોદ્દો મળ્યો એ સાચો, ભવિષ્યના તમામ વાયદા ખોટા. લોકસભાની આગામી ચૂંટણી ૨૦૧૮માં આવે કે ૨૦૧૯માં, એ ચૂંટણી જીતવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દેશભરમાં તો જે બાંધછોડો કરવી પડે એ તો સમજ્યા; પણ ઘરઆંગણે ગુજરાતના ભડકા ઓલવવા માટે પણ ભારે જહેમત કરવી પડે છે.પોતીકા ત્રણ ધારાસભ્યોએ પ્રધાનપદા માટે નારાજગીનો દાવ ખેલી જોયો.પાસો એવો ઉલટો પડ્યો કે સામે પક્ષેથી પાંચ-પાંચ મુદતથી ધારાસભ્ય અને પૂર્વ સાંસદ રહેલા જસદણના ભણેલા ગણેલા કોળી આગેવાન કુંવરજી બાવળિયાને સવારે પક્ષમાં લીધા અને સાંજ પહેલાં તો કૅબિનેટ મંત્રી બનાવી દેવાયા.પેલા વડોદરા જિલ્લાના ત્રણ ધારાસભ્યોમાંના  બોલકા પૂર્વ મંત્રી મધુ શ્રીવાસ્તવે તો મંદિરે જઈ મંજીરા વગાડવાની તૈયારી ય કરી લીધી. ભાજપમાં પ્રવેશવા માટે હજુ બીજા કેટલાક ધારાસભ્યો બારણે ટકોરા મારી રહ્યા છે અથવા કેટલાકને માટે ગાજર લટકાવાઈ રહ્યાં છે એટલે અસંતુષ્ટો સાનમાં સમજી જાય એવા સંકેતો જરૂર મળે છે.લોકસભાની ચૂંટણી પહેલાં પટેલોની નારાજગી ખાળવાની ભાજપની કવાયત સાથેજ ઓબીસી  વોટબૅંક મજબૂત કરવા માટે હજુ પણ કૉંગ્રેસના કેટલાક કોળી અને ઠાકોર ધારાસભ્યો ભાજપ સાથે ઘર માંડશે.ભાજપના નેતાઓ પણ ખાનગીમાં કબૂલે છે કે ગુજરાતની તમામ ૨૬ બેઠકો આગામી લોકસભા ચૂંટણીમાં મળવી મુશ્કેલ છે.
જરૂરી નથી કે ધારાસભ્યો જ મંત્રી બને
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સર્વમિત્રની છબિ ભલે ધરાવતા હોય, એમના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ છાસવારે વંકાયા કરે છે. અસંતુષ્ટોને મોવડીમંડળના મળેલા સંકેતો જોતાં હવે એ પણ જરા વધુ હરખપદુડા દેખાય છે,પણ એમની આ છેલ્લી ટર્મ હોવાનું તેમણે સ્વીકારી લીધું લાગે છે. વિપક્ષ કૉંગ્રેસની અવસ્થા તો નબળી ગાયને બગાઈઓ ઝાઝી જેવી છે, પણ હવે તો શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં પણ નીતિનભાઈને પગલે પગલે રૂસણે બેસનારા ધારાસભ્યોની સંખ્યા ઓછી નથી.ચિંતા માત્ર પતી જવાની જ સતાવે છે.ચૂંટણી આવે ત્યાં લગી રાહ જોઇને સોગઠી મારવાના વેત છે. ગુજરાત વિધાનસભાના કુલ ધારાસભ્યો ૧૮૨ છે. એમાંથી ૧૫ ટકાને જ પ્રધાનપદાં કે સંસદીય સચિવના હોદ્દા આપી શકાય. અત્યાર લગી ભાજપના કુલ ૯૯ સભ્યોમાંથી ૨૦ જણાને કેબિનેટ પ્રધાન અને રાજ્યકક્ષાના પ્રધાન બનાવાયા છે.વિધાનસભામાંથી રાજીનામું આપનારા બાવળિયા આવ્યા એવા જ મંત્રી બન્યા. છ મહિનામાં એમને ધારાસભામાં ચૂંટાવું પડે.બાવળિયા પક્ષપ્રવેશ ટાણે બોલ્યા કે હું કૉંગ્રેસને કારણે નહીં,મારા પોતીકા કારણે જ ચૂંટાતો હતો. હવે એ એવું નહીં કહી શકે કે ભાજપમાં હું મારે કારણે ચૂંટણી જીત્યો છું. વળી, એમનાં દીકરી ભાવનાબહેને વટાણા વેરી નાંખ્યા કે મારા પિતાને વિપક્ષના નેતા, જાહેર હિસાબ સમિતિનું અધ્યક્ષપદ કે પ્રદેશ કૉંગ્રેસનું અધ્યક્ષપદ અપાયું નહીં એટલે એમણે પક્ષ છોડ્યો. ભાજપમાં એમની વાણીને કેટલી સ્વતંત્રતા મળશે, એના સંકેત શરૂઆતમાં જ મળ્યા છે.
 હવે માંડ છ  ધારાસભ્યોને પ્રધાનમંડળમાં સમાવી શકાય. વર્તમાન ધારાસભાના એક સભ્ય એ  વિધાનસભાના અધ્યક્ષ છે અને મંત્રી કક્ષામાં છે. ત્રણ ભાજપી ધારાસભ્યોને દંડક તરીકે મંત્રી કે રાજ્ય મંત્રી કક્ષાના લાભ મળે છે.જોકે હજુ એક હોદ્દો નાયબ અધ્યક્ષનો આપી શકાય છે. અધ્યક્ષ, નાયબ અધ્યક્ષ  અને દંડકને પેલા ૧૫ ટકામાં ગણાતા નથી.વિરોધપક્ષના નેતાને મંત્રી સમકક્ષ ગણવામાં આવે છે, પણ સત્તારૂઢ ભાજપે પોતાના દંડક માટે રાજ્ય મંત્રી સમકક્ષ વ્યવસ્થા કરી ત્યારે ઘોરતી રહેલી કૉંગ્રેસ પોતાના દંડક માટે એ વ્યવસ્થા કરાવી શકી નથી.વર્તમાન સંજોગોમાં મુખ્યમંત્રી હવે માત્ર છ ભાજપી ધારાસભ્યો કે બાવળિયાની જેમ કૉંગ્રેસમાંથી આવીને સીધા મંત્રી થઇ શકે એવા માત્ર છ જણને જ મંત્રીમંડળમાં સમાવી શકે છે. કોઈને મંત્રી,રાજ્ય મંત્રી કે સંસદીય સચિવનું પદ આપી શકાય,પણ હવે માત્ર છ જ હોદ્દા છે. સર્વોચ્ચ અદાલતના સંસદીય સચિવો અંગેના ચૂકાદા પછી માત્ર કેજરીવાલની દિલ્હી સરકાર જ નહીં, તમામ રાજ્ય સરકારો માટે મુશ્કેલી સર્જાઈ છે. હા,રાજ્યમંત્રી સમકક્ષ બૉર્ડ કે નિગમના ચૅરમૅનપદની લહાણી કરી શકે,પણ એમાં કાર્યકરો સંતુષ્ટ થવા કરતાં અસંતુષ્ટ થવાની શક્યતા વધુ રહે.
રાજ્ય સરકારનાં ૮૦થી વધુ બૉર્ડ-નિગમોમાં ધારાસભ્યોને સ્થાન આપવાનું અશક્ય બને કારણ એ ઑફિસ ઑફ પ્રૉફિટના હોદ્દા બનતાં ગેરલાયક ઠરે. વળી બૉર્ડ-નિગમો અને સરકારની ઉચ્ચ સમિતિઓમાં થઈને ૧૨૦૦ જેટલા કાર્યકરોને સમાવી શકાય, પણ મુખ્ય પ્રધાનપદે નરેન્દ્ર મોદી હતા ત્યારથી મોટા ભાગનાં બૉર્ડ-નિગમ અધિકારીઓ થકી ચલાવાય છે. લોકસભા ચૂંટણી આડે માંડ એકાદ વર્ષ પણ રહ્યું નથી, ત્યાં મંત્રીપદ કે પ્રધાનપદ માટે લટકાવી રાખેલાં ગાજર અસંતોષના નવા ભડકા કરે તેમ છે. મુખ્ય પ્રધાન રૂપાણીના સદનસીબે કેન્દ્રમાં ભાજપ સત્તારૂઢ છે. જોકે, વડા પ્રધાન મોદીનાં નિષ્ઠાવંત આનંદીબહેન પટેલે મુખ્ય પ્રધાનપદ છોડવું પડ્યું હતું એ તાજા જ ઘટનાક્રમને યાદ રાખવો પડે તેમ છે.
નારાજ ધારાસભ્યોએ પલ્ટી મારી
વડોદરા જિલ્લાના કોઈ ધારાસભ્યને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું નથી. છેલ્લે છેલ્લે ઉત્તર પ્રદેશીય બ્રાહ્મણ ગોત્રના રાજેન્દ્ર ત્રિવેદીને વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા એટલે અસંતોષનો ઉકળાટ શમી જશે, એવી અપેક્ષા હતી. બન્યું એનાથી સાવ ઊલટું. છ-છ ટર્મથી માંજલપુરના ભાજપના ધારાસભ્ય એવા મૂળ સંજય ગાંધીના નિષ્ઠાવંત મનાતા યોગેશ પટેલને પ્રધાનપદું નહીં અપાયું. અગાઉ શંકરસિંહ વાઘેલાના બળવામાં સાથ આપીને પ્રધાનપદાનો સ્વાદ ચાખી ચૂકેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તો બગાવતી સૂર પ્રગટ કરીને ગઈ ડિસેમ્બર ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ટિકિટ આપવા વિવશ કર્યો હતો. અગાઉ ભાજપની ટિકિટ નહીં મળતાં સાવલીથી અપક્ષ ચૂંટણી લડીને વિજેતા થયેલા કેતન ઈનામદારને ભાજપે ટિકિટ આપવી પડી હતી.
આ ત્રણેય ભાજપી ધારાસભ્યો નારાજ હોવાનું ખુલ્લેઆમ ટીવી ચૅનલો-અખબારોમાં એમનાં નિવેદનોથી સ્પષ્ટ થયા પછી દિલ્હીએ કળા કરી. ત્રણેય પોપટવાણી બોલતા થયા અને પક્ષ કે સરકારથી પોતે નારાજ નથી, પરંતુ આઈએઍસ અને આઈપીઍસ અધિકારીઓ થકી એમની અવગણના થતી હોવાથી નારાજ હોવાનું કહેવા માંડ્યા. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પોતે જ નારાજ રહેતા આવ્યા છે, પણ નારાજ ધારાસભ્યોને ટાઢા પાડવાનું એમના શિરે આવ્યું. ત્રણમાંથી બે મળ્યા. વડા પ્રધાન મોદીના ખાસ દૂત એવા મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન નિવૃત્તિ પછી પણ મુખ્ય પ્રધાન કાર્યાલયનું સંચાલન કરે છે. હવે આ બંને એટલે કે મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદારે કહ્યાની વાત વહેતી થઈ છે કે કૈલાસનાથન એમનાં કામ થવા દેતા નથી. હજુ અસંતુષ્ટ ધારાસભ્ય-ત્રિપુટી મુખ્ય પ્રધાન રૂપાણી કને ન્યાય માટે ધા નાંખવાની છે.રૂપાણી ઇઝરાયલ હતા ત્યારે બોલકા થયેલા આ ધારાસભ્યોની બોલતી બંધ થઇ છે.


દુઃખે પેટ અને કૂટે માથું
ભાજપના ત્રણ ધારાસભ્યો રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ થકી દુઃખી હોવાની વાત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ભાવિ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથેનાં મનામણાં પછી કહે છે. વાત ભલે અધિકારીઓની થતી હોય, અસંતોષ તો રાજ્યની ભાજપ સરકાર વિરુદ્ધ છે. પ્રધાનપદાનું લટકાવી રાખેલું ગાજર એમને કનડે છે. એમને જ કેમ, બાબુભાઈ બોખીરિયા (પોરબંદર), જેઠા ભરવાડ (શહેરા) સહિતના ભાજપી ધારાસભ્યોને પ્રધાન થવાનો થનગનાટ છે. વિધાનસભાની ચૂંટણી પત્યાને ૭ મહિના થયા પણ ના તો રાજ્યકક્ષાના પ્રધાન પરસોત્તમ સોલંકીને કૅબિનેટ પ્રધાનપદ મળ્યું કે ના એમની સાથે રૂસણે બેઠેલા બીજા ધારાસભ્યોને પ્રધાનપદ મળ્યું. ઊલટાનું મોવડીમંડળે સંબંધિત ધારાસભ્યો સામેના ફોજદારી ખટલા ફરી જીવંત કરવાની ધમકી આપ્યાથી તેઓ અમુક સમય શાંત રહ્યા છે, પણ ક્યાં સુધી આવી ચીમકીઓને એ વશ થશે? સત્તારૂઢ ભાજપમાં અસંતોષનો દાવાનળ ગમે ત્યારે ભભૂકી ઊઠે તેમ છે અને માત્ર સાત ધારાસભ્યો આઘાપાછા થાય કે સરકાર ગબડી શકે છે. જોકે, મોદી-શાહની બાજનજર આવા સંજોગો પૂર્વે આગોતરાં પગલાં લઈ શકે એટલે બધું શિસ્તમાં છે.
હવે ભાજપના અધ્યક્ષ શાહ અને વડાપ્રધાન મોદી ગુજરાત આવે છે એટલે દુખિયારાઓની દવા કરશે અને કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ફેરો મારવાના છે ત્યારે એમના વાડામાં હા-જી-હા કરનારા કયા નેતા બાવળિયાની જેમ પગ કરી જશે, એની ચિંતામાં રાજીવ ગાંધી ભવન છે.
સૌરાષ્ટ્રની ચર્ચામાં ઉત્તર ગુજરાતનો ખેલ પડશે
વિધાનસભામાં ૮૨માંથી ૯૨ થતાં વાર લાગે તેમ નથી. કૉંગ્રેસનું મોવડીમંડળ લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યની ભાજપી સરકારને ગબડાવવાના પક્ષે નથી, અન્યથા સાત-આઠ જણાને આઘાપાછા કરવાનું અશક્ય નથી. ખાળે નંખાયેલા શંકરસિંહ વાઘેલા જૂથના કૉંગ્રેસી ધારાસભ્યોમાં સળવળાટ વધ્યો છે. બળવાખોર બાપુએ હવે રાજ્યની આખી પ્રજાને બદલે ક્ષત્રિય સમાજના હિતની ચિંતા કરવા માંડી છે. ચોટલી વડા પ્રધાન મોદીની સીબીઆઈ અને ઈડીની ફાઈલોના હાથમાં હોવા છતાં બાપુ લડી લેવાના મૂડમાં હોવાના મીડિયા સંકેતો આપે છે. જોકે રાજકીય વ્યૂહ ખાનગી ખૂણે જ ઘડતા હોય છે.  હજુ પુત્ર-પ્રેમમાં લોકસભાની ચૂંટણી લગી શંકરસિંહ ખમૈયા કરે એવું લાગે છે. જોકે, વિપક્ષી એકતાના સંયુક્ત ઉમેદવાર શરદ પવાર બને તો શંકરસિંહબાપુ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ ભણી ઢળે એવું ય બને. કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને એવી માતૃશિખ મળ્યાની ચર્ચા છે કે પવારને વડા પ્રધાન તરીકે આગળ કરીને જ વિપક્ષી એકતા શક્ય બનશે.
રાજકોટમાં સામે ચાલીને મુખ્ય પ્રધાન રૂપાણી સામે લડી શહીદ થયેલા અબજોપતિ કૉંગ્રેસી આગેવાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. એમના પક્ષમાંના પ્રતિદ્વંદ્વી કુંવરજી બાવળિયા ભાજપમાં જઉં જઉં કરતાં છેવટે પક્ષ છોડી ગયા પછીનું ચિત્ર કેવું ઉપસે છે, એ ભણી સૌની નજર ખરી. જામનગર જિલ્લાના  કૉંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માડમ પણ ફરી લોકસભે જવા ભત્રીજી પૂનમ માડમ સામે ટકરાવાની તૈયારીમાં રહેશે કે વિધાનસભામાં રહીને સંતોષ અનુભવશે, એ નક્કી થવામાં છે. ખેલ બધો સૌરાષ્ટ્ર ભણી મંડાયેલો હોય ત્યારે મોદી-શાહની જોડી પોતીકા ઉત્તર ગુજરાતમાં ઈજ્જત બચાવવા ઠાકોર સેના સાથે કેવી બાજી માંડે છે,એ રખે નજરથી ઓજલ થાય. ભાજપ હોય કે કૉંગ્રેસ, આગામી લોકસભાની આવનારી ચૂંટણી લગી આયારામ-ગયારામનો નવો ખેલ ગુજરાતમાં જરૂર દેખા દેશે. અંતે તો સત્તા એ જ સર્વસ્વ છે.
ઈ-મેઈલ : haridesai@gmail.com                    (લખ્યા તારીખ : ૬ જુલાઈ ૨૦૧૮)

No comments:

Post a Comment