Wednesday 4 July 2018

The Political Games to get the Kashmir Tangle More Confused


Dr.Hari Desai’s weekly column in Gujarat Samachar (London), Sanja Samachar (Rajkot),Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Hamlog ( Patan) and Gandhinagar Samachar (Gandhinagar). Read the full text and comment.
કાશ્મીરના કોકડાને વધુ ગૂંચવવાના રાજકીય ખેલની મોસમ
The Political Games to get the Kashmir Tangle More Confused
Dr.Hari Desai’s weekly column in Gujarat Samachar (London), Sanja Samachar (Rajkot),Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Hamlog ( Patan) and Gandhinagar Samachar (Gandhinagar).
કાશ્મીરના કોકડાને વધુ ગૂંચવવાના રાજકીય ખેલની મોસમ : ડૉ.હરિ દેસાઈ
·         એનસીના સોઝના ટેકે વાજપેયી સરકાર રચાયા પછી ૨૦૦૩માં એ કૉંગ્રેસમાં જોડાતાં ભાજપને વાંધો પડ્યો
·         અટલજીના પ્રધાન જેઠમલાણી મુશર્રફની ફૉર્મ્યુલા,કાનોમાત્રાનો ફેરફાર કર્યા વિના, સ્વીકારવા સહમત હતા !
·         મુશર્રફ-વાજપેયી-મનમોહન ફૉર્મ્યુલાની ભૂમિકાથી સતત સંવાદ થકી કાશ્મીર કોકડું ઉકેલવાની સોઝની વાત
·         વિધાનસભા મૂર્છાવસ્થામાં રખાઈ છે  એટલે ભાજપના નેતૃત્વમાં રાજ્યમાં સરકાર રચવાનો વિકલ્પ ખુલ્લો છે

ત્રણ-ત્રણ વડા પ્રધાનોના નેતૃત્વવાળી ભારત સરકારમાં પ્રધાન રહેલા અને જાણીતા અર્થશાસ્ત્રી એવા ૮૦ વર્ષીય કાશ્મીરીનેતા પ્રા.સૈફુદ્દીન સોઝના કાશ્મીર વિષયક નવપ્રકાશિત પુસ્તકને વાંચ્યા વિના જ  આંધળેબહેરું કૂટવાની રાજનીતિ ભારતના બંને મુખ્ય પક્ષો સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ(ભાજપ) અને વિપક્ષી કૉંગ્રેસ ખેલી રહ્યા છે. કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદ તો એકદમ આક્રોશમાં આવીને “કૉંગ્રેસી નેતા સોઝને કાશ્મીર બાબતમાં પાકિસ્તાની સરમુખત્યાર રહેલા જનરલ મુશર્રફ માટે પ્રેમ જાગ્યો છે” એવી વાત માધ્યમોમાં કરી રહ્યા હતા,ત્યારે અનુકૂળતાએ વીસરી ગયા કે હજુ થોડા વખત પહેલાં જ ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા ડૉ.મોહનજી ભાગવતે ગર્વ અનુભવ્યો હતો કે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પાકિસ્તાનના શાસક મુશર્રફ સાથે વાટાઘાટમાં  કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવાની અણી પર  હતા. પ્રા.સોઝ અગાઉ વાજપેયીને ટેકો આપનારી જમ્મૂ-કાશ્મીરની નેશનલ કૉન્ફરન્સના સાંસદ હતા.તેઓ વર્ષ ૨૦૦૩માં કૉંગ્રેસમાં જોડાયા અને ડૉ.મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં જળસંસાધન પ્રધાન હતા. પ્રા.સોઝ એચ.ડી.દેવેગોવડા(૧૯૯૬-૯૭) અને આઈ.કે. ગુજરાલ (૧૯૯૭-૯૮)ની સરકારોમાં પણ પ્રધાન રહ્યા હતા.
સોઝની દીકરીનું પણ અપહરણ થયું હતું
વધુ નવાઈ તો એ વાતની છે કે સોઝના પોતાના પક્ષના નેતાઓ પણ એમના બચાવમાં આવવામાં કાચા પડ્યા છે. સામાન્ય રીતે અભ્યાસી ગણાતા કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ તો સોઝના પુસ્તકમાં શું લખાયું છે એનો ખ્યાલ કરવાને બદલે “પુસ્તક વેચાય એટલા માટે સોઝ આવાં હલકી કક્ષાનાં ગતકડાં કરી રહ્યા છે” એવું જણાવીને તો હદ જ કરી દીધી.હકીકતમાં આ લખનારે છેક ૨૪ મે ૨૦૧૮ના રોજ ખરીદીને વાંચેલા પ્રા.સોઝના પુસ્તક “Kashmir: Glimpses of History and the Story of Struggle”માં પ્રા.સોઝે જમ્મૂ-કાશ્મીરના ઇતિહાસથી લઈને રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિ વધ્યાની અને પંડિતોની હિજરતના ઘટનાક્રમ સાથે જ તેમની પોતાની દીકરી નાહીદ સોઝનું ૨૭ ફેબ્રુઆરી ૧૯૯૧ના ઇખ્વન-ઉલ-મુસ્લિમીન થકી કરાયેલા અપહરણ અને ૯ દિવસ સુધી એને ગોંધી રખાયા સુધીને યાતનાનું બયાન પણ કર્યું છે. અત્રે એ યાદ રહે કે કેન્દ્રમાં જયારે ભાજપના ટેકાવાળી વી.પી.સિંહના નેતૃત્વવાળી સરકાર હતી ત્યારે એમાં ગૃહ મંત્રી રહેલા મુફ્તી મોહમ્મદ સઈદની દીકરી ડૉ.રૂબિયાનું આતંકવાદીઓએ કથિત અપહરણ કર્યું હતું.આ અપહરણ પાંચ આતંકીઓને જેલમુક્ત કરાવવા માટે બનાવટી અપહરણ હોવાનું રાજ્યના રાજ્યપાલ રહેલા લૅફ્ટનન્ટ જનરલ એસ.કે.સિંહાએ “મિશન કશ્મીર”માં નોંધ્યું છે.
મહારાજાની ઝંખના, સરદારની ભૂમિકા 
સામાન્ય છાપથી વિપરીત જમ્મૂ-કાશ્મીર મુદ્દે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને નાયબ વડા પ્રધાન સરદાર પટેલ વચ્ચે કામની રીતસર વહેંચણી થયેલી હતી.નેહરુ રાજ્યના સૌથી લોકપ્રિય નેતા શેખ અબદુલ્લા સાથે કામ પાર પાડી રહ્યા હતા,જયારે સરદાર સતત મહારાજા સાથે સંપર્ક રાખીને કામ કરતા હતા.છેક જૂન ૧૯૪૭થી લઈને ડિસેમ્બર ૧૯૪૭ લગી કે એ પછી પણ સરદાર અને નેહરુ બંને કાશ્મીર મામલામાં સક્રિય હતા, એ વાત એમની વચ્ચેના પત્રવ્યવહારથી પણ ફલિત થાય છે. બંને ભારતીય નેતાઓની નેમ ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ પહેલાં જમ્મૂ-કાશ્મીરનો યોગ્ય તે નિર્ણય થઇ જાય એ હતી.મહારાજા હિંદુ શાસક હતા અને બહુમતી વસ્તી મુસ્લિમ હતી એટલે નિર્ણય કરવામાં દ્વિધા અનુભવતા હતા. તેઓ ત્રીજા વિકલ્પ તરીકે સ્વતંત્ર  રહેવા ઈચ્છુક હતા. જમ્મૂ-કાશ્મીર પાકિસ્તાનને સુપરત કરવાની નાયબ વડા પ્રધાન અને રિયાસત ખાતાના પ્રધાન  સરદાર પટેલની વાત પ્રા.સોઝ પત્રકારશિરોમણિ અને લંડનમાં ભારતીય હાઈકમિશનર રહેલા કુલદીપ નાયરની આત્મકથા “Beyond the Lines- An Autobiography” સહિતનાં વિવિધ મહાનુભાવોનાં પુસ્તકોને ટાંકીને મૂકે ત્યારે એ વાત સોઝના નામે ચડાવી દેવામાં તો નરી વિકૃતિ જ જોવા મળે છે.
એ વાત સર્વવિદિત છે કે જૂન ૧૯૪૭માં કાશ્મીરની ચાર દિવસની મુલાકાતે ગયેલા વાઈસરોય લૉર્ડ માઉન્ટબેટન સાથે વલ્લભભાઈએ મહારાજા હરિસિંહને પાઠવેલો સંદેશ  સરદારના અત્યંત વિશ્વાસુ એવા આઈસીએસ અધિકારી અને રિયાસત ખાતાના  સચિવ વી.પી.મેનન “Integration of Indian States“માં નોંધે છે. એટલુંજ નહીં, ઇતિહાસકાર પ્રા. હરબંસ સિંહલિખિત મહારાજા હરિસિંહની અધિકૃત જીવનકથા “Maharaja Hari Singh : The Troubled Years”માં એ વિશે મહારાજાએ પણ નોંધેલી વાતને અનુકૂળતાએ વિસારે પાડીને દોષનો સમગ્ર ટોપલો સોઝના શિરે નાંખવામાં તથ્ય કરતાં રાજકીય ચાલ વધુ જણાય છે.મેનન નોંધે છે : “Lord Mountbatten spent four days discussing the situation and arguing with the Maharaja. He told him that independence was not, in his opinion, a feasible proposition and that the State would not be recognized as a Dominion by the British Government… He went so far as to tell the Maharaja that, if he acceded to Pakistan, India would not take it amiss and that he had a firm assurance on this from Sardar Patel himself.” (p.394) પ્રા.સોઝ અનેક દેશી અને વિદેશી મહાનુભાવોનાં અધિકૃત પુસ્તકોના સંદર્ભ ટાંકે છે, પણ એ બધાં વગરવાંચ્યે કે જાણી જોઇને “સોઝે કહ્યું કે સરદાર કાશ્મીર પાકિસ્તાનને આપવા માંગતા હતા”એવું ગતકડું  એમના નામે ચડાવી દેવાના પ્રયાસ થતા વધુ લાગે છે. સોઝને ખલનાયક સાબિત કરવા માટે આ મુદ્દો આગળ કરીને એમના વિરોધમાં દેખાવો પણ યોજાય છે.પ્રજાને ઈતિહાસનાં વિકૃત ચિત્રણોમાં રમમાણ રાખીને રાજકીય હેતુ સાધવાના પ્રયાસો અંતે તો જમ્મૂ-કાશ્મીરના કોકડાને વધુ ગૂંચવશે.
મુશર્રફની ફૉર્મ્યુલાના મુદ્દા કયા હતા?
દિલ્હીમાં ૧૯૪૩માં જન્મેલા પાકિસ્તાનના લશ્કરી શાસક જનરલ પરવેઝ મુશર્રફની વડા પ્રધાન વાજપેયી સમક્ષ રજૂ થયેલી ૪ મુદ્દાની કાશ્મીર ઉકેલ ફૉર્મ્યુલા આવી હતી: (૧) બંને પક્ષે તબક્કાવાર લશ્કરીદળો પાછાં ખેંચીને જમ્મૂ-કાશ્મીરનું ડિમિલિટરાઇઝેશન કરવું.(૨) કાશ્મીરની સરહદોમાં કોઈ ફેરફાર નહીં કરાય,પણ જમ્મૂ-કાશ્મીરના લોકોની અંકુશરેખા ઓળંગી મુક્ત અવરજવરને મંજૂર રખાશે. (૩) આઝાદી (ઇન્ડિપેન્ડેન્સ) વિના સ્વશાસન (સેલ્ફ-રૂલ) અને  (૪) ભારત,પાકિસ્તાન અને કાશ્મીરનું સંયુક્ત નજર રાખવાનું તંત્ર સ્થાપિત કરવામાં આવે. મંત્રણાનો દોર સતત ચાલતો રહે અને ભારત તથા પાકિસ્તાન વચ્ચેના બીજા વિવાદિત મુદ્દા પણ ઉકેલવાની દિશામાં આગળ વધીને અથડામણો ટળે, શાંતિ સ્થપાય અને બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય બને એ રીતે કાશ્મીરી પ્રજાનાં દિલ જીતવામાં આવે. વાજપેયીની સરકારમાં પ્રધાન રહેલા અને ભાજપના સંસ્થાપક ઉપાધ્યક્ષ એવા અને અત્યારે પાકિસ્તાનમાં આવેલા શિકારપુર (સિંધ)માં ૧૯૨૩માં જન્મેલા રામ જેઠમલાણીએ પોતાના પુસ્તક “Maverick Unchanged, Unrepentant”માં નોંધ્યું છે : “…jingoistic elements have spoiled the constitutional relationship with Kashmir…The Kashmir problem is not insurmountable and could have been solved long back, but the political will and adroitness to do so has been lacking.” પ્રા.સોઝ નોંધે છે કે ૧૧ એપ્રિલ ૨૦૧૭ના રોજ એક જાહેર પરિસંવાદમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી ખુરશીદ મહમૂદ કસુરી, ભારતના પૂર્વ વિદેશમંત્રી મણિશંકર ઐય્યર અને ટ્રૅક-ટુ ડિપ્લોમેટ ઓ.પી.શાહની હાજરીમાં કહ્યું હતું કે “મુશર્રફની ફૉર્મ્યુલામાં કાનોમાત્રાનો પણ ફેરફાર કર્યા વિના સ્વીકાર કરવા પોતે સહમત હતા એવું મુશર્રફની શાંતિ અને લાંબાગાળાની મૈત્રી માટેની એ ફૉર્મ્યુલા રજૂ કરાઈ ત્યારે મેં મુશર્રફને જણાવ્યું હતું.”

મુશર્રફની પહેલ,વાજપેયી અનુકૂળ  
પુસ્તકમાં વારંવાર વડા પ્રધાન વાજપેયીની કાશ્મીર કોકડું ઉકેલવામાં “ઈન્સાનિયત,જમ્હૂરિયત અને કશ્મીરિયત”ની ભૂમિકાને આવકારી છે.સોઝને, પ્રસાદ કહે છે એવો, મુશર્રફ માટે કોઈ પ્રેમ જાગ્યો હોય એવું પુસ્તક વાંચતાં લાગ્યું નહીં,પણ એમણે છેલ્લા પ્રકરણ “Kashmir- A Way Forward”માં મુશર્રફ-વાજપેયી-મનમોહન ફૉર્મ્યુલાની ભૂમિકા મૂકીને સતત સંવાદ થકી કાશ્મીર કોકડું ઉકેલવા સુધીની વાત કરી છે,એમાં તો વાજપેયી અને તેમના પ્રધાન રામ જેઠમલાણીએ પણ મુશર્રફની સાથેની ચાર મુદ્દાની ઉકેલ ફૉર્મ્યુલા બાબત સકારાત્મક વલણ દાખવ્યાની વિશાળ છણાવટ કરી છે.વડા પ્રધાન વાજપેયી અને વડા પ્રધાન નવાઝ શરીફ વચ્ચે ૨૩ ફેબ્રુઆરી ૧૯૯૯ના રોજ લાહોર જાહેરનામા પર થયેલા હસ્તાક્ષર,એ પછી આગ્રા શિખર પરિષદ માટે (૧૧-૧૬ જુલાઈ ૨૦૦૧) ભારત આવેલા મુશર્રફ સાથે અટલજીની મુલાકાત અને જાન્યુઆરી ૨૦૦૪માં ઈસ્લામાબાદમાં વાજપેયી અને મુશર્રફ વચ્ચે થયેલી મંત્રણાનો ઉલ્લેખ કરીને સોઝ તો કાશ્મીર કોકડું ઉકેલવા બાબત બંને દેશના નેતાઓ કેટલા ગંભીર પ્રયાસ કરી રહ્યા હતા, એની વિગતો આપે છે.જુલાઈ ૨૦૦૭માં વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહ પાકિસ્તાનની મુલાકાતે જાય એ માટે મુશર્રફે જ નિમંત્રણ આપ્યા પછી ઘરઆંગણે ન્યાયતંત્ર સાથે વિવાદ તથા લાલ મસ્જિદ પ્રકરણને પગલે હિંસક અથડામણોને કારણે  રાજકીય સંકટ આવી પડતાં એમણે  મુલાકાતને મોકૂફ રખાવી હતી.મનમોહન પાકિસ્તાન જઈ શક્યા નહોતા.
મોદી સકારાત્મક, સંઘ અવરોધક
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૧૫ ઑગસ્ટ ૨૦૧૭ના ભાષણમાં કાશ્મીરી પ્રજાના દિલ અને દિમાગને સૌહાર્દપૂર્ણ સંબંધો થકી જીતવાની વાતે કાશ્મીરમાં નવી આશાનો સંચાર થયાનું સોઝ નોંધે છે.એમણે ઉમેર્યું છે કે મોદીએ ઉપરોક્ત વાત કરીને માત્ર બળપ્રયોગથી કાશ્મીરની મડાગાંઠને ઉકેલવાનું અશક્ય હોવાનું સ્વીકાર્યું હોય તેવું લાગ્યું હતું.કાશ્મીરની પ્રજાને કેન્દ્રની સરકારમાં નવી આશા જાગી અને તે પોતાની કાશ્મીર નીતિમાં યોગ્ય ફેરફાર કરશે, એવું અપેક્ષિત માન્યું હતું.સંબંધિતો સાથે નિર્ણાયક મંત્રણા કરવાનું સ્વીકારાય અને સમય વેડફ્યા વિના હુર્રિયત કૉન્ફરન્સ સાથે પણ હેતુપૂર્ણ સંવાદ સધાય એ દિશામાં કેન્દ્રની કાશ્મીર નીતિમાં અનુકૂળ ફેરફાર આવે તો ઉકેલ ઝડપી બને. “કમનસીબે આરએસએસની વિચારધારા અને કાશ્મીર અંગેનો દ્રષ્ટિકોણ અવરોધક બન્યો.આ સંગઠન ક્યારેય ઉકેલ લાવવાની દિશામાં ભાગીદાર થવા પ્રયત્નશીલ રહ્યું નથી,” એવું કાશ્મીરની વણસેલી તાજી સ્થિતિનો ઉલ્લેખ કરતાં સોઝ નોંધે છે.
મુફ્તી સરકારના પતન પછીનું ચિત્ર
૨૨ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ કબાઈલીઓના વેશમાં પાકિસ્તાનીઓએ કાશ્મીર પર આક્રમણ કર્યું અને તેઓ છેક બારામુલ્લા સુધી આવી ગયા ત્યારે મહારાજા હરિસિંહે ભારત સાથેના  વિલયપત્ર પર ૨૬ ઑક્ટોબર ૧૯૪૭ના  રોજ હસ્તાક્ષર કર્યા અને ભારતીય લશ્કરી કુમક શ્રીનગર આવી પહોંચી ત્યારથી આ રાજ્ય સાથે સંબંધ ધરાવતા અને છેલ્લે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ જેમને રાજ્યપાલ નિયુક્ત કર્યા હતા એ લૅફ્ટેનન્ટ જનરલ એસ.કે.સિંહાએ  “પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી (પીડીપી)ના સર્વેસર્વા મુફ્તી મોહમ્મદ સઈદના ભાગલાવાદીઓ સાથેના સંબંધ હોવા ઉપરાંત મુફ્તી અગાઉ ભારતના ગૃહ મંત્રી હતાં ત્યારે તેમની દીકરી ડૉ.રૂબિયાનું બનાવટી અપહરણ પાંચ ત્રાસવાદીઓને છોડાવવા થયું હોવા ઉપરાંત ગાંધીનગરના અક્ષરધામ પરના આતંકી હુમલાનું કાવતરું મુફ્તીની સરકારમાં પ્રધાન રહેલા ઝરગરના ઘરમાં ઘડાયા સહિતની વાતો એમણે અગાઉની કેન્દ્ર સરકારના ધ્યાને મૂકી હતી.આમ છતાં વર્ષ ૨૦૧૫માં ભાજપ થકી પીડીપી સાથે સરકાર રચવાનું બન્યું, ત્યારથી આ જોડાણ લાંબુ નહીં ચાલે એવું અપેક્ષિત હતું.
મુખ્યમંત્રી મુફ્તીના મૃત્યુ પછી તેમનાં દીકરી મેહબૂબા મુફ્તી મુખ્યમંત્રી બન્યાં.ભાજપે અગમચેતી તરીકે વિધાનસભાનું અધ્યક્ષપદ અને નાયબ મુખ્યમંત્રીપદ પોતાની પાસે રાખ્યું હતું.ભાજપના પૂર્વ અવતાર જનસંઘ અને માતૃસંસ્થા આરએસએસની વિચારધારાથી વિપરીત ભૂમિકા ધરાવતી પીડીપી સાથે ગત ૧૯ જૂને ભાજપે છેડો ફાડ્યો.ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવે ટેકો પાછો ખેંચતાં કબૂલ્યું કે અમારી સંયુક્ત સરકારના શાસનમાં  ત્રાસવાદ,હિંસાચાર અને ઉગ્રવાદમાં વધારો થયો અને પ્રજાના મૂળભૂત નાગરિક અધિકારો જોખમમાં આવી પડ્યા હતા.”જમ્મૂ અને લડાખને અન્યાય થઇ રહ્યાના દોષનો ટોપલો મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીના શિરે લાદ્યો હતો. રાજ્યપાલનું શાસન આવ્યું પણ વિધાનસભાને મૂર્છાવસ્થામાં રખાઈ એટલે આગામી દિવસોમાં ભાજપના નેતૃત્વમાં રાજ્યમાં સરકાર રચવાનો વિકલ્પ અનુકૂળતાએ ખુલ્લો છે.અત્યારે રાજ્ય કેન્દ્ર સરકારના અંકુશ હેઠળ છે.અપેક્ષા એવી કરીએ કે ખૂબ સંવેદનશીલ એવાં રાજ્યમાં સ્થિતિ અંકુશ બહાર જાય નહીં.વળી, જમ્મૂ-કાશ્મીરનો પ્રશ્ન માત્ર હિંદુ મુસ્લિમ પ્રશ્ન નથી એટલે રાજ્યની પ્રજા અને એના  પ્રતિનિધિઓ સાથેમાત્ર ગોળીથી નહિ,પણ બોલીથી પણમામલો થાળે પાડવાનો પ્રયાસ થાય જરૂરી છે.
-મેઈલ : haridesai@gmail.com                                      
(લખ્યા તારીખ: ૨૮ જૂન ૨૦૧૮)

No comments:

Post a Comment