Saturday 30 June 2018

Bihar Politics facing Rough Weather


Dr.Hari Desai's column in Divya Bhaskar Daily 29 June 2018. Read the full text on here and comment
બિહારમાં સખળડખળ રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
ફિલ્મી પટકથાઓના ભંડાર સમા પાટલિપુત્રમાં  કોણ નાયક અને કોણ ખલનાયક બને  એ કલ્પનાતીત

બિહારમાં અત્યારે તો લોકનાયક જયપ્રકાશ નારાયણના ચેલકાઓ વચ્ચે જ જંગ જામ્યો છે : એમની નવી પેઢી પણ હવે તો સંસદસભ્ય (મીસા ભારતી કે ચિરાગ પાસવાન) અને નાયબ મુખ્યમંત્રી કે વિધાનસભામાં વિપક્ષના નેતાપદે (તેજસ્વી યાદવ) આવ્યા છતાં અત્યારના કોઈ જેલવાસી ચેલકા,નામે લાલુ પ્રસાદ યાદવ, કે કોઈ સત્તારૂઢ ચેલકાઓ, નામે નીતીશ કુમાર કે રામવિલાસ પાસવાન,ને સત્તા કાજે કાળી ડિબાંગ ઈમર્જન્સી(૧૯૭૫-’૭૭)ના નિષ્ઠાવંત કોંગ્રેસીઓ કે ઇન્દિરા ગાંધીના યુગમાં લોકનાયકના નામ સાથેના સંકળાયેલા ગુજરાત આંદોલન કે બિહાર આંદોલન સાથે નહાવા કે  નીચોવાનો સંબંધ પણ નકારનારાઓ, નામે સંઘનિષ્ઠ સુશીલ મોદી, સાથે ઘર માંડવામાં કોઈ છોછ રહ્યો નથી.વર્ષ ૨૦૧૫માં વિધાનસભાની ચૂંટણી થઇ હતી. ૧૭ વર્ષ જૂનું જેડી(યુ) અને ભાજપને જોડાણ તૂટ્યા પછી નીતીશ કોંગ્રેસવાળા મોરચામાં પ્રવેશ્યા હતા. નીતીશ કુમારના જનતા દળ (યુનાઇટેડ), લાલુના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને રાહુલ ગાંધીની કોંગ્રેસના મહાગઠબંધને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરીને અને સંઘ-ભાજપને અનામતવિરોધી ગણાવીને સ્પષ્ટ બહુમત મેળવી સરકાર બનાવી હતી. આરજેડીને સૌથી વધુ બેઠકો મળી,પરંતુ નીતીશ મુખ્યમંત્રી અને લાલુના નાના પુત્ર તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.લાલુના મોટાપુત્ર તેજ પ્રતાપ આરોગ્યમંત્રી બન્યા હતા.જોકે આ જોડાણ પણ તૂટ્યું અને નીતીશે ભાજપ સાથે મળીને જુલાઈ ૨૦૧૭માં સરકાર બનાવી એટલે ભાજપના સુશીલ કુમાર  નાયબ મુખ્યમંત્રી બન્યા.તેજસ્વી વિધાનસભામાં વિપક્ષના નેતા થયા. કેન્દ્રમાં મંત્રી રામવિલાસ પાસવાનની લોક જન શક્તિ (એલજેપી) અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી પણ એનડીએમાં હોવાથી એ પણ નવી સરકારનો ભાગ બની. હવે ફરી પાછું અનેક મુદ્દે નીતીશ કુમાર ભાજપ સાથેના જોડાણથી નારાજ જણાવા માંડ્યા છે એટલે ગમે ત્યારે નવાજૂની થઇ શકે છે.

કર્ણાટકમાં જનતા દળ(સેક્યુલર) અને કોંગ્રેસના જોડાણવાળી કુમારસ્વામી સરકારના શપથવિધિ વખતે વિપક્ષી એકતાનાં દર્શન થયાં. એ પછી નીતીશ કુમાર અને સુશીલ કુમારને ભીંસમાં લેવા માટે ૨૪૩ સભ્યોની બિહાર વિધાનસભામાં સૌથી મોટા પક્ષ  આરજેડી (૮૧ સભ્યો)ના નેતા તેજસ્વી પ્રસાદે તો રાજભવનમાં  બિહારના મુખ્યમંત્રી તરીકે પોતાનો દાવો પણ રજૂ કર્યો હતો.ગૃહમાં જેડી(યુ)ના ૭૦ સભ્યો છે અને ભાજપના ૫૩ સભ્યો સહિત સત્તારૂઢ એનડીએના ચાર પક્ષો ઉપરાંત ૪ અપક્ષ સહિત કુલ ૧૩૧ સભ્યો છે. વિપક્ષમાં ૧૧૨નું સંખ્યાબળ છે.તેમાં આરજેડીના ૮૧ ઉપરાંત કોંગ્રેસના ૨૭, સીપીઆઈ(એમએલ-લિબરેશન)ના ૩ અને પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના હિન્દુસ્તાની આવામ મોરચા (સેક્યુલર)ના એક સભ્યનો સમાવેશ છે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવામાં નીતીશને સફળતા મળી નથી.એમની નારાજગી છાછવારે ઝળકે છે,પણ છેલ્લે છેલ્લે તો વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં એ અનુપસ્થિત રહ્યા અને એ સંદર્ભે તેમણે કરેલાં નિવેદનો થકી ભાજપ સાથે બદ્ધેબદ્ધું બરાબર નથી,એના  સંકેત મળે છે.

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી ભલે પોતાના પુરોગામી તેજસ્વીને “જિન્દાલ સ્ટીલ એન્ડ પાવરના હેન્ડલિંગ એજન્ટ” ગણાવાતા હોય,આજે વિપક્ષી નેતા તરીકે તેજસ્વી પ્રસાદે સત્તા મોરચાની નીંદર હરામ કરી દીધી છે. એ સુશીલ મોદીનાં જ નહીં, “કાકા” નીતીશ કુમારનાં ય  કારનામાં રોજેરોજ પ્રજા સમક્ષ મૂકે છે.સરકારની નિષ્ફળતાઓ પ્રકાશમાં લાવે છે.પ્રજા સાથે જોડાવા માટે રેલીઓ કરે છે.સમગ્ર લાલુ પરિવાર સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એજન્સીઓએ ખટલાઓ દાખલ કરવામાં અને તપાસ માટે તેડાં પાઠવવામાં જરાય મણા રાખી નહીં હોવા છતાં આરજેડી પરિવાર અને એનું કોંગ્રેસ સાથેનું જોડાણ જરાય ઢીલું પડ્યું નથી. લાલુની તબિયત લથડી રહ્યાના સમાચારે મુખ્યમંત્રી નીતીશ કુમારને લાલુ સાથે ફોન પર વાત કરવા પ્રેર્યા. અગાઉ રાહુલ ગાંધીના સામાન્ય માણસાઈભર્યા આવા વિવેકને ભાજપના પ્રવક્તાઓએ  રાજકીય વિવાદનો મુદ્દો બનાવ્યો હતો. એવા સંજોગોમાં પણ નીતીશ પોતાના જૂના મિત્રના ખબર પૂછવા માટે ફોન કરે એ ઘણી મોટી વાત છે. આ ફોનની ઘટનાએ બિહારમાં રાજકીય તોફાન સર્જ્યું છે અને ભાજપની ચિંતા પણ વધારી દીધી છે.નીતીશ કુમાર અને લાલુની પાર્ટી ફરીને હાથ મિલાવી શકે છે.કારણ નીતીશને સમજાઈ ચૂક્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વધુ બેઠકોનો આગ્રહ કરીને જનતા દળ (યુ)ને મહારાષ્ટ્રની  શિવસેનાની અવસ્થાએ લાવી મૂકવાનાં આયોજન કરે છે.

એનડીએના ભાજપથી નારાજ ઘટકપક્ષો પણ એકમેકના સંપર્કમાં છે.આંધ્રમાં મુખ્યમંત્રી નર ચંદ્રબાબુ નાયડુએ તો ભાજપ સાથે છેડો ફાડ્યો છે.જમ્મૂ-કાશ્મીરમાં પીડીપી સાથે ભાજપે છેડો ફાડ્યો. તમિલનાડુમાં ભાજપનો  દત્તક પક્ષ અન્નાદ્રમુક લઘુમતી છતાં સરકાર ચલાવે છે. જે ૧૮ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે એમને જો હાઇકોર્ટના ત્રીજા ન્યાયાધીશ બહાલ કરે તો અન્નાદ્રમુકની સરકાર ગબડી શકે છે. વ્યૂહના ભાગરૂપે જ કોંગ્રેસ નાના ભાઈની  ભૂમિકા સ્વીકારીને પણ વિપક્ષનું  મહાગઠબંધન રચીને કેન્દ્રની એનડીએ સરકારને પડકારવા તૈયાર છે.ડાબેરી-જમણેરી જ નહીં, અમુક રાજ્યોમાં પોતાના વિરોધી મનાતા પક્ષો સાથે સમજૂતી સાધીને પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિપક્ષી સંઘને  કાશીએ લઇ જવા ઝંખે છે. જોકે એ માટે જરૂરી પરિશ્રમ વિના એમના મોઢામાં પતાસું આવીને પડવાનું નથી.

બિહારમાં જૂન મહિનામાં વિપક્ષી નેતા તેજસ્વી પ્રસાદની સક્રિયતા ઘણી બોલકી છે.એકબાજુ, એ રાજ્યની પ્રજાએ ગત વિધાનસભાની ચૂંટણીમાં જે જનાદેશ આપ્યો,એનું ઉલ્લંઘન કરનારા પાટલીબદલુઓ (એટલેકે નીતીશ કુમાર સહિતના) માટે વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે નોતરું આપવાના દરવાજા બંધ હોવાનું જાહેર કરે છે.બીજીબાજુ,નીતીશ કુમારની સરકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ઉપરાંત વહીવટમાં ય નિષ્ફળ રહ્યાને કારણે બિહારમાં રાષ્ટ્રપતિનું શાસન લાગુ કરવા માટે રાજ્યપાલ સત્યપાલ મલિકને અનુરોધ કરે છે.આનાથી વિપરીત મુખ્યમંત્રી નીતીશ ભાજપથી નારાજ હોવાના સઘળા સંકેત આપવા ઉપરાંત  લાલુ પ્રસાદનો સંપર્ક સાધે છે.ભાજપ આ વિશે ચિંતિત જરૂર છે.બિહારમાં તેજસ્વી પ્રસાદને મુખ્યમંત્રી બનાવવાના સાથી પક્ષોના પ્રયાસો સાથે જ નીતીશ ભાજપનો સાથ છોડે તો રાષ્ટ્રીય રાજનીતિમાં પાછા ફરે,એવી ગણતરીઓ મંડાય છે.

ક્યારેક લાલુ પ્રસાદ યાદવ બિહારના સુપર-સ્ટાર ગણાતા હતા.એમનો પ્રત્યેક શબ્દ મીડિયામાં નાયક-વાણી તરીકે પેશ થતો હતો.આજે એમના માઠા દિવસો જણાય છે,પણ કોણ જાણે ક્યારે દિવસો બદલાય; કંઇ કહેવાય નહીં. બિહારના મુખ્યમંત્રી અને કેન્દ્રમાં પણ મંત્રી રહેલા લાલુ પ્રસાદને તેમના વિશે  ફિલ્મ બને એવી ઘણી મહેચ્છા હતી. હવે જયારે એ ચાર કૌભાંડમાં સજા પામીને જેલવાસી છે ત્યારે કદાચ એમણે એ વિચાર માંડી વાળ્યો હોય.લાલુએ પોતાના જીવન પરની ફિલ્મમાં નાયક(હીરો)નું પાત્ર પોતેજ ભજવવા ઈચ્છુક હોવાનું ટીવી ચેનલોને આપેલા ઇન્ટર્વ્યૂમાં પણ જણાવ્યું હતું.આજે એ નાયક કે ખલનાયક એ બે વચ્ચે ઝોલા ખાતા હોવાથી ફિલ્મમાં કામ કરવાનો વિચાર મુલતવી રાખવો પડે એવા સંજોગો પેદા થયા છે. જોકે એમના મોટા પુત્ર તેજ પ્રતાપે હમણાં ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા પછી ફિલ્મી કચકડે કંડારાવાનું કબૂલ્યું છે.બિહારનું રાજકારણ જ જ્યાં ફિલ્મી પટકથાઓનો ભંડાર છે,ત્યારે કાલ ઊઠીને કોણ નાયક અને કોણ ખલનાયક બને, એની કલ્પના કરવી મુશ્કેલ છે.

ઈ-મેઈલ : haridesai@gmail.com                 (HD-DB-Bihar 28-6-2018)

No comments:

Post a Comment