Wednesday 7 March 2018

Congress has to get geared up from scratchesDr. Hari Desai’s Column in Divya Bhaskar 7 March 2018  Web Link :
Read the full text here  and do comment.
કોંગ્રેસ માટે તંબૂરો સરખો કરવામાં રાવણું ઊઠી જવાના સંજોગો
ડૉ.હરિ દેસાઈ

મહાત્મા ગાંધીએ કહેલા શબ્દોનું વિકૃતીકરણ કરીને તેમના કોંગ્રેસ વિસર્જનના કથિત સ્વપ્નને સાકાર કરવાની ગુલબાંગો મારનારાઓને સાચા પાડવા ભણીના સંજોગો આકાર લઇ રહ્યા છે. બાપુને સાવ વીસરી બેઠેલી કોંગ્રેસની નેતાગીરી રાષ્ટ્રપિતાના એ શબ્દો પોતાના કાર્યકર્તાઓ સમક્ષ રજૂ કરવામાં પણ ઊણી ઉતરી રહી છે કે કોંગ્રેસ મરે તો દેશ મરી જાય. ગાંધી-સરદારની ભોમકા ગુજરાતમાં ડિસેમ્બર ૨૦૧૭માં કોંગ્રેસ માટે એક સુવર્ણતક દરવાજે ટકોરા મારતી આવી ઊભી. સત્તા હાથવેંતમાં ગુમાવ્યા પછી પણ વિધાનસભામાં ૯૯ વિરુદ્ધ ૮૧ ની સ્થિતિએ પહોંચી આવતા દિવસોમાં રાહુલ ગાંધીના ગરિમાપૂર્ણ નેતૃત્વમાં ફરી કોંગ્રેસ દેશમાં સત્તારૂઢ થવાની આશાના સંકેત આપતી હતી.સામે પક્ષે કોંગ્રેસના નેતાઓને ટેકે ભારતવિજયના અશ્વમેધને આગળ વધારી રહેલી ભારતીય જનતા પાર્ટી સામે ૧૯૮૦ના ઇન્દિરા ગાંધીયુગનું પરિપક્વ આયોજન થકી પુનરાવર્તન કરવાને બદલે કોંગ્રેસની નૈયામાંથી હજુ ઉંદરડા ભાગી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયાને ત્રણેક મહિના થયા પછી પણ રાજ્યમાં “પરોપજીવી” કોંગ્રેસ હજુ આગવી રીતે પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહી છે. રાહુલબાબાના પ્રવાસો અને આંદોલનકારી યુવા ત્રિપુટીના ટેકે એણે ગજું કર્યું. વિધાનસભા સત્ર શરૂ થયા પહેલાં વિપક્ષના નેતાપદે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલના આગ્રહથી ૪૧ વર્ષીય અમરેલીકર પરેશ ધાનાણી વિપક્ષના નેતા થયા તો ખરા પણ પોતાના પક્ષમાં શૈલેશ પરમાર અને  નૌશાદજી સોલંકી સહિતના તેજસ્વી  દલિત ધારાસભ્યો હોવા છતાં અપક્ષ ધારાસભ્ય કોમરેડ જીજ્ઞેશ મેવાણીને ભાનુભાઈ વણકરના આત્મવિલોપન મુદ્દે માહિતી આપવા આગળ કરાય છે. છ દિવસ પહેલાં ભાનુભાઈના પરિવારને સરકારી સહાયનો ચાર લાખ રૂપિયાનો ચેક પહોચી ગયા છતાં આઠ પૈસા પણ નહીં પહોંચ્યાની વાત ધારાસભ્ય અને ધારાશાસ્ત્રી કોમરેડ મેવાણી કોંગ્રેસના ધારાસભ્યો જ નહીં,વિપક્ષી નેતા ધાનાણી વતી કહેતા જોવા મળે,પછી ભાજપવાળા કોંગ્રેસીઓને ખોટ્ટાડા ગણાવે એમાં નવાઈ શી? વાત એટલે અટકતી નથી.જે ઊંઝાના ભાજપી ધારાસભ્ય નારણ લલ્લુ પટેલ ક્યારેક રાજ્યમંત્રી તરીકે “મારો પીએ જે મૌખિક આદેશ આપે એને પણ મારો આદેશ ગણવો” એવું કહેતા હતા, એ જ  ઊંઝાનાં ભણેલાં ગણેલાં કોંગ્રેસી ધારાસભ્ય ડૉ.આશાબહેન પટેલ વિધાનસભામાં “ભાજપ કી લુખ્ખાગીરી નહીં ચલેગી”ના નારા લગાવવામાં ગૌરવ અનુભવે ત્યારે તો કોંગ્રેસ ભગવાન ભરોસે જ લાગે.બહેન વિસનગરની એમ.એન.કોલેજમાં રસાયણશાસ્ત્ર ભણાવતાં હતાં, પણ સંસદીય રાજકારણના રસાયણશાસ્ત્રથી વિમુખ લાગ્યાં.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાલુકા વડનગરનાં ૧૭ ગામોમાં ભાજપને હરાવીને જીત્યાનો હરખ કરનાર યુવા ધારાસભ્યને દીવડાનું પતંગિયું થઈ રાજકીય આગમાં કૂદવાનું મન હોય એવું વધુ લાગ્યું. ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા કહે કે લુખ્ખાગીરી શબ્દ ગૃહમાં ના જ વપરાય. ઉપરાંત જે ક્ષણે વિધાનસભાના અધ્યક્ષ એ નહીં વાપરવાનું ફરમાવે ત્યારથી જ તે અસંસદીય ગણાય, છતાં નવાં ધારાસભ્ય ઘોષણા કરે કે લુખ્ખાગીરી શબ્દનો પર્યાય નથી અને ધાનાણી એમણે વારે પણ નહીં.

બાકી હતું તે હાર્દિક પટેલે ભાજપને મૂછે તાવ દેવાનો વધુ એક મુદ્દો આપ્યો કે કોંગ્રેસી ધારાસભ્યો દલિત અન્યાયના મુદ્દા જરૂર ઊઠાવે,પણ એમને જે 14 નિર્દોષ પટેલ યુવકો મોતને ઘાટ ઉતારાયા એ મુદ્દાને ઉઠાવવાનો સમય કેમ મળતો નથી? યુવાત્રિપુટીમાંથી કોંગ્રેસી ધારાસભ્ય થયેલા અલ્પેશ ઠાકોર રાહુલબાબાને મળવામાં વ્યસ્ત રહેતા હોવાથી ઓછા વિવાદમાં આવે છે.સત્તારૂઢ ભાજપની સરકારને ઘેરવાના ઘણા પ્રજાકીય મુદ્દા હોવા છતાં વિપક્ષી નેતા પોતાના ધારાસભ્યો અને નેતાગીરી વચ્ચે સંકલન જાળવી શકતા નહીં હોવાથી એમણે જાહેર કરેલી “છાયા પ્રધાનમંડળ”ની વાત પણ ઊલી ગયેલી લાગે છે.આટલી ભવ્ય બહુમતી સાથે કોંગ્રેસ વિધાનસભામાં આવ્યા પછી પણ આટલી ઓશિયાળી તો ક્યારેય નહોતી.બજેટની ચર્ચામાં સરકારને ઘેરવાના અનેક મુદ્દા હોવાને કારણે પૂર્વ મુખ્યમંત્રી મહેતાએ સામેથી ઓફર કર્યા છતાં કોંગ્રેસના ધારાસભ્યોને અભ્યાસ કરવામાં ખાસ રસ લાગતો નથી.ફરી એકવાર વિપક્ષના નેતા તરીકે શંકરસિંહ યુગના સભાત્યાગો જોવા મળે છે.

ગુજરાતની પ્રજાની  કોંગ્રેસને સમર્થન કરીને પ્રજાના પ્રશ્નોને ગૃહમાં અને ગૃહ બહાર વાચા આપવાની મહેચ્છા એળે જતી લાગે છે. ભાજપનું અનુસરણ કરતા હોય તેમ ધારાસભ્યોના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું વિધિવિધાન તરીકે આયોજન તો થયું,પણ સંઘ-ભાજપની જનસંપર્કની કાર્યશૈલીનું  ધારાસભ્યોમાં આરોપણ થઇ શક્યું  નહીં.રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તો થયા,પણ એમણે હજુ નેતાગીરી માટે પરિપક્વ થવાની જરૂર હોવાની જમ્મૂ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડૉ.ફારુક અબદુલ્લાએ કહ્યું છે. એમના અનુગામી તથા શાહજાદા ઓમર અબદુલ્લાએ તો ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે તો નરેન્દ્ર મોદીની વિજયપતાકા લહેરાવી દીધી છે અને વિપક્ષને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીની તૈયારી કરવાની સુફિયાણી સલાહ આપી હતી. હકીકતમાં કોંગ્રેસ માટે “ટાઇમ ઈઝ રનીંગ આઉટ”.ગુજરાતમાં તો પરાજયની પરંપરા સર્જનારા ચાર વરિષ્ઠો અર્જુન મોઢવાડિયા,શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ અને તુષાર ચૌધરી માર્ગદર્શક મંડળમાં જોડાવાને બદલે હજુ રાજ્યસભે જવાના ધખારા ધરાવે છે. કોંગ્રેસના માધવસિંહ સોલંકીએ સ્થાપેલા વિધાનસભામાં ૧૮૨માંથી ૧૪૯ બેઠકોના વિક્રમને આંબવાનાં લક્ષ ભાજપવાળા પણ રાખે છે,પણ મોદી યુગમાં પણ એ સતત ઘટતાક્રમમાં બેઠકો મેળવતા રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી વિશે કોઈ ગમે તે કહે,એમના પિતાશ્રી માધવસિંહે ૧૯૯૦માં જે કોંગ્રેસને માત્ર ૩૩ બેઠકોની ગર્તામાં ધકેલીને  નામું નાંખી દેવાનું કામ કર્યું હતું, એને સત્તાની લગોલગ પહોંચાડી છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી થવાની હોંશ ધરાવતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતનું બધાને સાથે રાખીને ચાલવાની નીતિ પક્ષને ફળી હોવા છતાં લોકસભાની ચૂંટણી પહેલાં એમના કર્યાકારવ્યા પર પાણી ના ફરી જાય એની ચિંતા રાહુલ ગાંધીએ કરવાની છે.ગુજરાતમાં નવી અને યુવા નેતાગીરી પર એમણે મદાર રાખ્યા સિવાય છૂટકો નથી.

ગુજરાત કોંગ્રેસમાં યુવા નેતાગીરી માટે કોંગ્રેસપ્રમુખના દરબારી અહેમદ પટેલ મોકળાશ કરી આપે અથવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ નક્કી કરે તો ભાજપવાળા ધાડ પાડી જાય એ પહેલાં યુવા નેતાઓને કામે જોતરવાની અનિવાર્યતા છે. સૌપ્રથમ તો પ્રદેશ કોંગ્રેસનું ગામડા સુધી માળખું રચવાની અને પ્રજાના પ્રશ્નોનો સતત અભ્યાસ કરી, નક્કર હકીકતો પર આધાર રાખી, જનસંઘર્ષ આદરવાની જરૂર ખરી.માત્ર હાકલા દેકારા કરવાથી પરજ પ્રભાવિત થતી નથી,એની સાથે સતત જોડાયેલા રહેવાની જરૂર છે અને સત્તાધીશો સમક્ષ રજૂઆત અને પ્રશ્નો ના ઉકલે ત્યારે આંદોલન માટેની તૈયારી અનિવાર્ય છે.સંઘ પરિવાર અને ભાજપના માળખાની સામે કોંગ્રેસે એકડેએકથી શરૂઆત કરવાની છે.વિરોધપક્ષના નેતા અને બીજાં નામો ઉપરાંત નવી યુવા ટીમનાં કેટલાંક તેજસ્વી નામો અમે ખૂબ ચર્ચાને આધારે તારવ્યાં છે.એ કંઈક આવાં છે:આનંદ ચૌધરી(આદિવાસી ધારાસભ્ય),ઋત્વિક મકવાણા(કોળી ધારાસભ્ય), બ્રિજેશ મેરજા (પટેલ ધારાસભ્ય), લાલજી દેસાઈ(રબારી-માલધારી ચળવળકાર), અમીત ચાવડા(ચરોતરના ધારાસભ્ય), ઇમરાન ખેડાવાલા (મુસ્લિમ ધારાસભ્ય),અમરીશ ડેર(આહીર ધારાસભ્ય), ગેનીબહેન ઠાકોર(ઠાકોર ધારાસભ્ય), પુષ્પાબહેન ડાભી, કપિલાબહેન ચાવડા(જિલ્લા પંચાયત પ્રમુખ),જયશ્રી શાહ,ડોલીબહેન દવે,અવનિ ઓઝા,(મહિલા કાર્યકર),પાલ આંબલીયા (આહીર), હર્ષદ રીબડીયા(પટેલ ધારાસભ્ય), બાબુ માંગુકિયા (પટેલ ધારાશાસ્ત્રી), જગત શુકલ , ભાવિન વ્યાસ, નીતિન શાહ ઉપરાંત ઉત્સાહી પ્રવક્તાઓ અને બીજા ઘણા બધાને સામેલ કરીને કોર ટીમ બનાવી તાકીદે કામે વાળવાની જરૂર છે,અન્યથા “અબ પછતાયે હોત ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત” જેવી અવસ્થાએ પહોંચવું પડે.

ઈ-મેઈલ : haridesai@gmail.com 
(HD-DB-CongressRavanu05032018)

No comments:

Post a Comment