Wednesday 14 February 2018

Niranjan Bhagat: A Celebrated Gujarati Poet and Life-long Teacher




Dr.Hari Desai’s Column in Gujarat Times (New York), Sanj Samachar (Rajkot) and  Sardar Gurjari (Anand). You may read the full text here  and comment.

આજીવન અધ્યાપક એવો ઑલિયો નગરકવિ નામે નિરંજન ભગત

ડૉ.હરિ દેસાઈ 

·         ભગત સાહેબડૅવિડ કૉપરફિલ્ડ’ ભણાવે ત્યારે આખો વિક્ટોરિયન યુગ સામે દ્રશ્યમાન થાય
·         સાહેબને ભણાવતાં નથી આવડતું એ ફરિયાદે દિલ તોડ્યું અને સૅન્ટ ઝેવિયર્સને વહાલી કરી
·         બત્રીસ વર્ષની પત્ની  અને ત્રણ સંતાનોને મૂકીને પિતા નરહરિ ભગતે  ગૃહત્યાગ કરેલો
·         સ્વમાનને રેઢું મૂકીને એક ક્ષણ પણ જીવ્યા હોય એવું ૯૨ વર્ષમાં ક્યારેય નહીં જ બન્યું હોય
·         “લગ્ન કરું તો, ારી એકલતા આવનારની એકલતાથી  બેવડાય  નહીં તેની શી ખાતરી?”
·         લઘરવઘર રહીને જ સાહિત્યકાર ગણાવાય એવા તુચ્છ ખ્યાલનો એ આજીવન અપવાદ

આ પૃથ્વી પર ‘બસ ફરવા’ આવેલા ગુજરાતી કવિ નિરંજન ભગત ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ પૃથ્વીપ્રવાસની લીલા સંકેલીને અન્યત્ર વિહાર કરવા નીકળી પડ્યા.એ હતા નહીં, છે જ આપણી વચ્ચે. અમે એમના વિદ્યાર્થી રહ્યા.આજીવન વિદ્યાર્થી રહેવું ગમે એવા અંગ્રેજીના અધ્યાપક પાસે માત્ર વર્ષ ૧૯૭૪-૭૫ના એક વર્ષ માટે ભણ્યા,પણ જાણે એવું લાગે કે આખા આયખાનું ભાથું એમણે ચાર્લ્સ ડિકન્સની કૃતિ ‘ડૅવિડ કૉપરફિલ્ડ’ ભણાવતાં બક્ષ્યું. ભગત સાહેબ અમદાવાદની જીઍલઍસ આર્ટ્સ કૉલેજમાં ઍફ.વાય.બી.એ.માં અમને ‘ડૅવિડ કૉપરફિલ્ડ’ ભણાવે ત્યારે નજર સામે જાણે કે આખેઆખો વિક્ટોરિયન યુગ દેખાવા માંડે અને તમે એ યુગની વચ્ચે જીવતા હો  એવું  અનુભવાય. જોકે આવા અમારા, બ.ક.ઠા.(બળવંતરાય કલ્યાણરાય ઠાકોર) સમા, ઠસ્સાદાર અધ્યાપક વિશે વર્ગ આખાનાં વિદ્યાર્થી એ વેળાના આચાર્ય પ્રિ..પી.વી.મંગળવેઢેકર પાસે ફરિયાદ કરવા જાય કે ભગત સાહેબને ભણાવતાં આવડતું નથી,ત્યારેય એમાં અમે અપવાદ હોવાનો ગર્વ આજેય અનુભવાય છે.અમે કહ્યું હતું: “સર,ડૅવિડ કૉપરફિલ્ડ તો અમે વાંચી લઈશું,પણ ભગત સાહેબ જે રીતે વિક્ટોરિયન યુગની વાતો અમને કહે છે એ બીજું કોણ કહેવાનું?” વાત તો પ્રિ.મંગળવેઢેકર પણ સમજતા હતા.જોકે એ પ્રસંગે ભગત સાહેબનું દિલ તોડ્યું અને બીજા વર્ષે એમણે સૅન્ટ ઝેવિયર્સને વહાલી કરી. અમારે પણ એ જ વર્ષે ઝેવિયર્સમાં પાછા ભણવા જવાનું થયું.હા,સ્નાતકકક્ષાએ અમે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી. એ પછીના દાયકાઓમાં અમે મુંબઈ હોવા છતાં અલપઝલપ સંબંધ જળવાયો ખરો.૧૯૮૬માં ઝેવિયર્સમાંથી  જ એ નિવૃત્ત થયા.એ કૉલેજમાંથી નિવૃત્ત થયા, પણ આજીવન એમના કૅરટેકર જગતસિંહ રાજપૂતના દીકરાઓથી લઈને સમાજના તમામ જ્ઞાનપિપાસુને પોતાની જ્ઞાન-પરબનો લાભ આપતા જ રહ્યા. આવા ભગત સાહેબ આ પૃથ્વીલોકમાં ગામતરે ગયા ત્યારે અમે ઓલ્યા આચાર્ય રજનીશ કે ઓશો માટે વપરાયેલા  શબ્દોની જેમજ નોંધવાનું પસંદ કર્યું  : “Niranjan Bhagat, Never Born, Never Died, Only visited the Planet Earth between 18 May 1926 and 1 February 2018.”
 
ગુજરાતી સર્જકોમાં મરાઠી સર્જકોની જેમ વિચારધારાનો અનુબંધ, સમય આવ્યે સત્તાધીશો સામે અવાજ ઊઠાવવાની તૈયારી  અને સમાજ સાથેની નિસબત સામાન્ય રીતે ઝાઝી અનુભવાતી નથી, ત્યારે ભગત સાહેબ એમાં નોખા પડે. જથ્થાબંધ ઘસડી કાઢનારા લેખકો કે લહિયાઓની જેમ એમણે થોકબંધ લખ્યું નથી,પણ જે લખ્યું એ એવું ચોટદાર લખ્યું કે આજેય કવિને નહીં ઓળખતો ગુજરાતી પણ “ચલ મન મુંબઈનગરી...” ગણગણતો હશે.વર્ષો પછી કે સુધી કોઈ કૃતિ લખવામાં ગાળનાર કો’ક જ ભગત સાહેબ જેવો વીરલો મળે.ચિંતન-ચિરંતનનાં બોદા ઉપદેશ થકી સમાજને પ્રબોધન કરવાવાળાઓમાં એ ક્યારેય સામેલ નહીં. સ્વનાં ઢોલ પીટવામાં સ્વાવલંબી સર્જક થવાને બદલે ભગત સાહેબ વિષયવસ્તુ પર જ કેન્દ્રિત રહે.જાહેરમાં બોલવાનું હોય ત્યારે એ પોતાના ભાવવિશ્વમાં એવા તરબોળ હોય કે દુનિયાથી સાવ પર લાગે.વડોદરાના ડિસેમ્બર  ૧૯૯૭ના ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ચં.ચી.મહેતા સભાગૃહમાં બોલતા ગુરુવર્ય હજુ નજર સામે તગે છે. 

ભગત સાહેબ એટલે વટનો કટકો.લઘરવઘર રહીને જ સાહિત્યકાર ગણાવાય એવા તુચ્છ ખ્યાલનો એ આજીવન અપવાદ.મૂળે એ નગરનો જીવ.અમદાવાદની કાળુપુર મ્યુનિસિપલ સ્કૂલમાં ભણીને,વાયા દીવાન બલ્લુભાઈ શાળા (પ્રોપરાઇટરી સ્કૂલ)  એ મુંબઈની  ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણીને  પરત અમદાવાદ આવી એસ. આર.ભટ્ટ જેવા મહારથી અધ્યાપક સાથે જોડાવામાં ગર્વ અનુભવતા રહ્યા. વિદેશમાં બે-ચાર વ્યાખ્યાનો ગોઠવાય એ માટે રીતસર ભીખતા કેટલાક અધ્યાપકો કે સર્જકોમાં એ મહા-અપવાદ,પણ  લંડનમાં રહીને યુરોપ ફરવાના પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે કોઈ પ્રકાશનગૃહના ટેબલ પર બેસીને અનુવાદ કરવામાં કે તંત્રીને નામે લેખો લખવામાં એ નાનમ ના અનુભવે. સ્વમાનને રેઢું મૂકીને એક ક્ષણ પણ જીવ્યા હોય એવું ૯૨ વર્ષમાં તો ક્યારેય નહીં જ બન્યું હોય. ક્યારેક પ્રેમભગ્ન થઈને આજીવન કુંવારા રહેલા ભગત સાહેબ મુંબઈ યુનિવર્સિટીમાં અમારા ગુરુ ડૉ.પી.આર.બ્રહ્માનંદ તોલે આવે. બેઉ ગુરુમાં બીજું સામ્ય પણ એ હતું કે બેઉના જીવનમાં આજીવન માતા પ્રત્યેનો સમર્પણભાવ હતો.

વર્ષ ૧૯૯૭માં ડૉ.ટીના દોશીએ મુંબઈમાં ઍક્સપ્રેસ ગ્રુપના દૈનિક “સમકાલીન” માટે નિરંજન ભગતની વિસ્તૃત મુલાકાત લીધી હતી.એમાં કવિના વ્યક્તિત્વને સરસ ઉઘાડ મળ્યો હતો.લેખિકાએ ભગત સાહેબ સહિતના વિવિધ ગણમાન્ય સર્જકોના લીધેલા ઇન્ટરવ્યૂના સંગ્રહ “ગૂર્જર ગરિમા”ને સાહિત્ય પરિષદના પારિતોષિકથી પોંખવામાં પણ આવ્યો હતો.ભગત સાહેબે આ મુલાકાતમાં  શૈશવ, અટક, શિક્ષણથી લઈને બંગાળી,અંગ્રેજી અને ફ્રેંચ સહિતની છ ભાષાઓ પરના પ્રભુત્વ અને સર્જન પ્રક્રિયા જ નહીં,પણ પિતાના ગૃહત્યાગ, માતૃપ્રેમ, અપરિણીત જીવન, એકલતા તેમજ વાર પ્રમાણેના મિત્રો સાથેના સમયપત્રકની પણ મોકળાશથી વાતો કરી હતી. “હું નગરનું સંતાન છું.આધુનિક ઔદ્યોગિક નગરનું...૧૯૨૬ના  મે મહિનાની ૧૮મી તારીખે મારો જન્મ અમદાવાદમાં પણ એની  બરોબર વચ્ચોવચ, મધ્યભાગમાં હૃદયસમા ખાડિયામાં લાખા પટેલની પોળમાં, દેવની શેરીમાં, મહાદેવના ખાંચામાં, મોસાળના ઘરમાં.આજુબાજુના વિસ્તારમાં નરસિંહરાવ-આનંદશંકર-કેશવલાલ આદિનાં વિદ્વતા અને વ્યવસ્થા માટે પ્રસિદ્ધ એવાં નાગર કુટુંબોનું વાતાવરણ. માતામહ વિદ્યમાન હતાં....બાપદાદાનું ઘર કાળુપુરમાં દોશીવાડાની પોળમાં સાચોરાના ખાંચામાં.પિતામહ વ્યાપારી.આજુબાજુના વિસ્તારમાં વાણિજ્ય અને વ્યવહાર માટે પ્રસિદ્ધ એવાં જૈન કુટુંબોનું વાતાવરણ. વળી પિતાનું ઘર અને મોસાળનું ઘર બંને વચ્ચે પાંચેક મિનિટનું અંતર. જીવનના આરંભનાં દસ વર્ષ લગભગ રોજ મારે બંને ઘર વચ્ચે આવવા-જવાનું, બંને ઘરમાં અરધું અરધું વસવાનું થયું હતું.” એમના વર્ણનમાં કેટલી ચોકસાઈ અને સરળતાથી વાતની માંડણી ! મંદિરોના વાતાવરણમાં ઉછરેલા ભગત સાહેબનું  નાસ્તિક હોવું એ પણ સંયોગ જ કહેવો પડે.

પિતામહ હરિલાલની મૂળ અટક ગાંધી અને એ તજલવિંગના વેપારી,પણ એ મગન ભગતની ભજનમંડળીમાં જોડાયા એટલે ભગત કહેવાયા. વંશજોની અટક ભગત થઇ ગઈ.માંડ દશ વર્ષના ભગત સાહેબના પિતા નરહરિ ભગતે એકાએક ગૃહત્યાગ કરેલો.એ ક્યાં ગયા એની કોઈને જાણ નહીં. “મારા પિતાનો ગૃહત્યાગ એ મારા જન્મ પછી મારા કુટુંબની અને મારા જીવનની સૌથી મોટી કરુણ ઘટના હતી..” પરિવારના જેમની સાથે  ગાઢ સંબંધ હતા તે  કસ્તુરભાઈ લાલભાઈ (ઉદ્યોગપતિ) સાથે કોઈ કારણે નરહરિ ભગતને સંઘર્ષ થયો. બત્રીસ વર્ષની પત્ની મેનાંબહેન અને ત્રણ સંતાનોને રેઢાં મૂકીને નરહરિ ભગત ચાલ્યા ગયેલા. એ વખતે રૂપિયાની આવક નહીં અને રોકડ કે મિલકત પણ નહીં. “માતા અમને ત્રણ સંતાનોને લઈને પિયરમાં હવે ઍલિસબ્રિજમાં ઍલિસ પુલના નાકે ‘ચંદનભવન’માં આવીને વસી.એ ભવનમાં અઢાર ઓરડા હતા.નાનકડો મહેલ જ જાણે જોઈ લ્યો.અહીં માતાએ પાંચ નાના ભાઈઓ અને પાંચ ભાભીઓ સાથે જીવવાનું તથા હિંદુ સંયુક્ત કુટુંબનું સુખદુઃખ જીરવવાનું. માતાને તેમના પિતાનું પીઠબળ અને પોતાનું આત્મબળ.તેથી એ કંઈક શક્ય થયું,  કંઈક સહ્ય થયું.પણ મને હવે અહીં દસ વર્ષની વયે એકાંત અને એકલતાનો પ્રથમ અનુભવ થયો.તે એકાંત જીવવા અને એકલતા જીરવવા મેં માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયમાં જવાનું શરૂ કરી દીધું.ત્યાં હું સતત વાંચતો ને વિચારતો, વિચારતો ને વાંચતો...”

નિરંજન ભગતના વ્યક્તિત્વના ઘડતર અને માતા માટેના અનુરાગની ઝલક એમના બાળપણના અનુભવોમાંથી મળે છે.માતા પાસેથી સહનશક્તિ અને પિતા પાસેથી ક્રોધી સ્વભાવ વારસામાં મળ્યાનું પણ એ કહે છે : “મને માતાની સહનશક્તિ વારસામાં મળી.મારા પિતા અત્યંત ક્રોધી સ્વભાવના.ઉગ્ર મિજાજ,ઊંચો અવાજ.મેં તેમણે ઘણીવાર ગુસ્સે થતા જોયા છે.જોકે મારા પર તો તેમણે ક્યારેય ગુસ્સો કર્યો નથી, પરંતુ મને લાગે છે કે મારામાં જે દુર્વાસા છે તે પિતાનો વારસો છે.” દાંત ભીંસીને ગુસ્સો પ્રગટ કરતા ભગત સાહેબ અમને વિદ્યાર્થીઓને ક્યારેક જોવા મળ્યા છે,પણ દિલના એ એટલાજ માયાળુ હતા. “તમે લગ્ન નથી કર્યાં તો એકલતા સહન થાય છે?” એવા પ્રશ્નનો ઉત્તર હતો: “ હું એકાંત, એકલતાથી ટેવાઈ ગયો છું. ધારો કે લગ્ન કરું તો, મારી એકલતા તો મારી પાસે જ છે.આવનાર વ્યક્તિ તેની એકલતા લઈને આવે. એટલે લગ્ન પછી એકાંત દૂર થવાને બદલે એકલતા બેવડાઈ નહીં જાય તેની શી ખાતરી?”

ઈ-મેઈલ : haridesai@gmail.com                                              (HD-Niranjan Bhagat  9  February 2018)

No comments:

Post a Comment