Sunday 18 February 2018

Facts about Jammu & Kashmir when Myths are being Spread

જમ્મૂ-કાશ્મીર વિશે ફેલાવાતી ભ્રમજાળનાં ચોંકાવનારાં તથ્ય


Dr. Hari Desai presents a factual historical chronological picture about the events which led to accession to India in October 1947 where PM Pandit Nehru Vs Dy PM Sardar Patel scenario is being wrongly painted. Read Gujarat Today Daily 18 February 2018 Meghdhanush Suppliment Pp:17-18 

જમ્મૂ-કાશ્મીર વિશે ફેલાવાતી ભ્રમજાળનાં ચોંકાવનારાં તથ્ય
અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ
·         સરદારને વડા પ્રધાનપદ કે બીજા કોઈ ઊંચા હોદ્દાની ઝંખના ક્યારેય નહોતી એ વાતને મણિબહેને ય નોંધી છે
·         ઑક્ટોબર ૧૯૪૭માં કાશ્મીર ભારતમાં ભળ્યું એ પછીય છેક ડિસેમ્બર સુધી પટેલ કાશ્મીર બાબતોમાં સક્રિય
·         નેહરુ અને સરદાર વચ્ચે કામની વહેંચણી: મહારાજા સાથે વલ્લભભાઈનો અને શેખ સાથે જવાહરનો પનારો
·         હરિ સિંહનું સ્વિટ્ઝર્લૅન્ડ જેવા સ્વતંત્ર કાશ્મીરનું ખ્વાબ, પાકિસ્તાનમાં જાય તોય  સરદારને  વાંધો નહોતો 
·         ડૉ. શ્યામા પ્રસાદ મુકરજી નેહરુ સરકારમાં હતા ત્યાં લગી ૩૭૦ (૩૦૬-એ)નો ક્યારેય વિરોધ નહોતો કર્યો  
·         રાજ્યમાં ભાજપ-જનસંઘના પૂર્વઅવતાર અને મુસ્લિમ કોન્ફરન્સે તો ભારત સાથે નહીં જોડવા દબાણ કર્યું હતું

કાશ્મીર કોકડા વિશે દાયકાઓથી રાજકીય પક્ષો આંધળેબહેરું  કૂટીને પોતાની અનુકૂળતા મુજબનાં રાજકીય તરભાણાં ભરતા રહ્યા છે.ભારતીય બંધારણના હંગામી અનુચ્છેદ ૩૭૦ (બંધારણ સભા વખતના ૩૦૬-એ) થકી જમ્મ્મૂ -કાશ્મીર માટે અલગ બંધારણીય વ્યવસ્થા કરવામાં આવ્યા વિશે અનુકૂળતા મુજબનાં ઉચ્ચારણો નિવેદનશૂર રાજનેતા કરતા રહ્યા છે.મૂળે કાશ્મીરી પંડિત એવા સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને શિરે સઘળો દોષ મઢીને કાશ્મીર આજે પણ સળગી રહ્યું છે એ માટે નેહરુ પરિવારને ભાંડવાની ફૅશન ચાલે છે. છેલ્લા બ્રિટિશ વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનની ૩ જૂન ૧૯૪૭ની જાહેરાત મુજબ, બ્રિટિશ ઇન્ડિયાના ભારત અને પાકિસ્તાન એ બે સંઘમાં ભાગલા કરવા ઉપરાંત ૫૬૫ કરતાં પણ વધુ દેશી રજવાડાંને બેમાંથી એક સંઘ સાથે જોડાવાનો કે સ્વતંત્ર રહેવાનો વિકલ્પ આપીને અંગ્રેજ શાસકો લંડન ભેગા થવાના હતા.આઝાદીના દીર્ઘ સંગ્રામમાં હિંદુ અને મુસ્લિમ ખભેખભા મિલાવીને સામેલ હતા. રજવાડાંના શાસકો રાજા-મહારાજાઓ અને નવાબો પ્રજા સાથે સારો-નરસો વ્યવહાર કરી રહ્યા હતા.જમ્મૂ-કાશ્મીર રજવાડામાં મહારાજા હરિસિંહ હિંદુ ડોગરા હતા.વર્ષ ૧૯૪૧ની વસ્તી ગણતરી મુજબ, જમ્મૂ સહિતના રજવાડાના તમામ પ્રદેશમાં બહુમતી પ્રજા મુસ્લિમ હતી.નેશનલ કૉન્ફરન્સના વડા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્નાતક એવા લોકપ્રિય નેતા શેખ અબદુલ્લાના નેતૃત્વમાં મહારાજા સામે કાશ્મીર છોડો આંદોલન ચલાવાતું હતું.

કશ્મીરીઓ માટે જ કશ્મીરની ચળવળ

આ પહેલાં ૧૯૨૫માં ગાદીએ આવેલા મહારાજાના શાસનની હિંદુ-મુસ્લિમ પ્રજાએ કાશ્મીરી પંડિત શંકરલાલ કૌલના નેતૃત્વમાં “કશ્મીર ફૉર કશ્મીરીઝ” આંદોલન કર્યું હતું.એને પગલે ૧૯૨૭ અને ૧૯૩૨માં મહારાજાએ રાજ્યની પ્રજા સિવાયની કોઈ વ્યક્તિને રાજ્યમાં સંપત્તિ ખરીદવા તથા સરકારી નોકરી મેળવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.એને સ્ટેટ સબજૅકટ લૉ કહેવાય છે.(Sardar Patel Correspondence 1945-50 Volume-I Ed. Durga Das, Navjivan, Ahmedabad, 1971) જમ્મૂ-કાશ્મીરના એ વેળાના ઘટનાક્રમને હિંદુ-મુસ્લિમ ચશ્માં ચડાવીને જોવાને બદલે તથ્યોનાં પરીક્ષણ થકી પીછાણીએ તો કેટલાંક સ્ફોટક રહસ્યો બહાર આવે છે. કશ્મીરીઓ માટે જ કશ્મીરની ચળવળ મુસ્લિમોએ શરૂ કર્યાની પ્રચલિત માન્યતાનો ભાંગીને ભુક્કો કરવા જેવાં તથ્ય પ્રેમનાથ બજાજે કશ્મીર ઇન ક્રુસિબલમાં નોંધ્યાનું દુર્ગાદાસના પ્રથમ ગ્રંથમાં વિગતે નોંધાયું હોવા છતાં કાશ્મીરી બાબતોના સંશોધકોનું એ ભણી ઝાઝું ધ્યાન ગયું નથી. શંકરલાલ કૌલ નામના કાશ્મીરી પંડિત નેતાના નેતૃત્વમાં ૧૯૨૦-૨૫ના ગાળામાં કશ્મીર ફૉર કશ્મીરીઝચળવળના પરિપાકરૂપે જ આજે જમ્મૂ-કાશ્મીરમાં પરપ્રાંતીયોને સંપત્તિ ખરીદવાના હકથી વંચિત રાખવાની જોગવાઇને નિહાળવી પડશે. કૌલની ચળવળની સ્થાનિકો (સન ઑફ ધ સૉઇલ)માટેની એ વેળાની જે મુખ્ય પાંચ માંગણીઓ હતી તે કાંઇક આવી હતીઃ () સરકારી નોકરીઓમાં સ્થાનિકોને જ લેવામાં આવે () બહારની વ્યક્તિઓને જમીન વેચાણ પર બંધી મૂકાય () અખબારી આઝાદી () સંગઠન અને હળવામળવા તથા સભાઓ યોજવાની આઝાદી તથા () ચૂંટાયેલી ધારાસભા અસ્તિત્વમાં લવાય. આજકાલ રાજ્યના બંધારણની કલમ ૩૫ના સુપ્રીમ કોર્ટે પહોંચેલા વિવાદનાં મૂળ અહીં છે.દેશમાં આજે પણ જમ્મૂ-કાશ્મીર ઉપરાંત બીજાં ઘણાં રાજ્યોમાં આવી અલગ બંધારણીય જોગવાઈઓ છે
.
ભાજપનો  પૂર્વઅવતાર અલગ કાશ્મીર દેશના પક્ષે 

સરદાર, નેહરુ અને કાશ્મીરના ભારત સાથેના જોડાણ કે વિલયના ઘટનાક્રમને ઇતિહાસનાં તથ્યો સાથે નવી નજરે નિહાળવાની જરૂર વધારે છે. જમ્મૂ-કાશ્મીરના મહારાજા હરિસિંહની ભારત સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાવાની દ્વિધાની સાથે જ સ્વિટ્‌ઝર્લેન્ડની જેમ સ્વતંત્ર રહેવાની મહેચ્છા હતી.મહારાજાએ પોતે પણ આ વાત નોધી છે એટલું જ નહીં,૧૯૫૨માં પુણેથી મહારાજાએ રાષ્ટ્રપતિને પાઠવેલા આવેદનમાં પોતાના રાજ્યના હિંદુ અને મુસ્લિમ તરફથી સ્વતંત્ર રહેવા, ભારત સાથે જોડવા અથવા પાકિસ્તાન સાથે જોડાવાનું દબાણ હોવાની વાત લખી છે.જોકે કાશ્મીરની બાબતોના નિષ્ણાત એવા બલરાજ પુરીએ તો “Kashmir: Insurgency and After”, (Orient Longman,Hyderabad,2008)માં તો સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું છે કે  “ He was supported by loyal Hindu leaders in Jammu who vociferously argued that a Hindu State, as Jammu and Kashmir claimed to be, should not merge its identity with a secular India. The working committee of the All Jammu and Kashmir Rajya Hindu Sabha (the earliest incarnation of the present Bharatiya Janata Party in the state) formally adopted a resolution in May 1947 reiterating its faith in the Maharaja and extended its support to whatever he was doing or might do on the issue of accession.” મુસ્લિમ કૉન્ફરન્સના કાર્યવાહક પ્રમુખ ચૌધરી હમીદુલ્લાહ ખાન પણ મહારાજાને સ્વતંત્ર રહેવા વિનવી રહ્યા હતા. મહારાજાની દ્વિધાને પ્રતાપે પાકિસ્તાની કબાઇલીઓ ચઢી આવે ત્યાં લગીનો વિલંબ થયો. બારામુલ્લા સુધી ધસી આવેલા પાકિસ્તાનીઓથી રહ્યા સહ્યા કાશ્મીરને બચાવવા માટે ભારત સાથેના વિલયપત્ર કે  જોડાણખત પર હસ્તાક્ષર કરવા સિવાયનો બીજો કોઇ વિકલ્પ મહારાજા પાસે બચ્યો નહોતો. જોકે આરએસએસના સાહિત્યમાં એવો દાવો થાય છે કે મહારાજાને સમજાવવા માટે સરદારના કહેવાથી સંઘના એ વેળાના વડા માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી) શ્રીનગર ગયા હતા અને ૧૮ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ ભારત સાથે વિલય માટે મહારાજા તૈયાર થયા હતા.આ વાતમાં તથ્ય જણાતું નથી, કારણ સરદારે ગુરુજીને પાઠવ્યા, એ પરત આવીને નેહરુ તથા સરદારને મળ્યાના સંદર્ભો મણિબહેનની ડાયરી કે અન્યત્ર મળતા નથી.૧૮ ઑક્ટોબરે મહારાજા માની ગયા હોય તો ૨૨ ઑક્ટોબરે પાકિસ્તાની કબાઈલીઓ આક્રમણ કરે ત્યાં લગી સરદાર અને નેહરુ બેસી ના રહે !

ઘણા હિંદુ રાજવીઓ પાકિસ્તાનમાં જવા લલચાયા

નવાનગર(જામનગર)ના મહારાજા જામસાહેબથી લઇને કાશ્મીરના મહારાજા હરિસિંહ સુધીનાએ સ્વતંત્ર અસ્તિત્વ જાળવવા અથવા પાકિસ્તાન સાથે જોડાણ કરવા છેલ્લી ઘડી સુધીના  પ્રયાસો કર્યા હતા. ત્રાવણકોર (અત્યારના કેરળ)ના મહારાજાએ તો પોતાના રજવાડાને  સૌપ્રથમ, ૧૧ જૂન ૧૯૪૭ની જાહેરાત દ્વારા,  ૧૫ ઑગસ્ટ ૧૯૪૭થી સ્વતંત્ર દેશ જાહેર કરીને પોતાના વાણિજ્ય-દૂતને કરાંચી (એ વેળાની પાકિસ્તાનની રાજધાની) ખાતે પાઠવી પણ દીધો હતો. એટલે  માત્ર હૈદરાબાદના નિઝામના સ્વતંત્ર રહેવાના  કે જૂનાગઢના નવાબના પાકિસ્તાન સાથે જોડાવાની  વાત કરી, ઇતિહાસને ધાર્મિક રંગે રંગવાનો પ્રયાસ કરનારાઓ ભોપાલ યોજનાને અનુકૂળતાએ વીસારી દે છે. સરદારના નિષ્ઠાવંત એવા નેહરુ સરકારના પ્રધાન અને ગુજરાતી અસ્મિતાના પ્રણેતા નવલકથાકાર ક.મા.મુનશીલિખિત “Pilgrimage to Freedom Part I” ( Bharatiya Vidya Bhavan, Mumbai, 2012)માં નોંધાયેલી હકીકતો ભણી ધ્યાન આપવા જેવું છે. ભોપાલના નવાબ હમીદુલ્લાખાનની ચાલમાં ઇન્દોરના મહારાજા હોલકર, વડોદરાના મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડ ઉપરાંત જોધપુર અને બિકાનેરના મહારાજા તેમજ જેસલમેરના મહારાજકુમાર બરાબરના ફસાયા અને પાકિસ્તાન સાથે જવા લલચાયા. જોકે મેવાડના સિસોદિયા વંશના રાજવી મહારાણા પ્રતાપના વંશજ મહારાણા ભુપાલસિંહે ભોપાલ યોજના હેઠળ ઝીણાના પાકિસ્તાન સાથે જોડાવા માટે થનગની રહેલા હિંદુ મહારાજાઓની ચાલને ઊંધી વાળી. ટીબીને કારણે બંને પગ બાળપણથી અવિકસિત રહેતાં ભુપાલસિંહને ઊંચકીને ઘોડે બેસાડી નીચેથી બેઉ પગ બાંધી દેવા પડતા હતા,પરંતુ એમનું મગજ ખૂબ તેજ હતું. વિચાર રાષ્ટ્રવાદી હતા.

 મુનશીએ ભુપાલસિંહના ટાંકેલા શબ્દો કાંઇક આવા હતાઃ ‘‘મારી પસંદગી તો મારા પૂર્વજોએ કરી જ રાખેલી છે. એમણે સોદાબાજી કરી હોત તો આજના હૈદરાબાદ(સૌથી મોટા રજવાડા) કરતાં પણ મોટું રજવાડું અમને વારસામાં આપતા ગયા હોત. એમણે એવું કર્યું નહીં, અને હું પણ એવું કરવાનો નથી. હું ભારત સાથે જ રહીશ.’’  નવાનગરના રાજવી જામસાહેબ સૌરાષ્ટ્રનાં ૨૨૨ રજવાડાંના નેતા તરીકે માઉન્ટ આબુ પર બેઠક કરીને બેડી બંદરના વિકાસની આડશે ઝીણા સાથે સોદાબાજી કરવાની વેતરણમાં હતા, પણ સરદાર પટેલ અને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે એમની બાજી પણ ઊંધી વાળી. પછી જામ સાહેબ તો સરદારના એવા વિશ્વાસુ બની ગયા કે દેશના બીજા રાજવીઓને પણ ભારત સંઘમાં જોડાવા માટે પ્રેરિત કરવા ઉપરાંત રાષ્ટ્રીય અસ્મિતાના પ્રતીક સમા સોમનાથના જીર્ણોદ્ધારના સરદાર પટેલના સ્વપ્નને સાકાર કરવામાં તન, મન અને ધનથી ક.મા.મુનશી સાથે જોડાઇ ગયા. ઇતિહાસને વિવિધ રંગે રંગવાને બદલે હકીકતોથી નિહાળીએ તો એ નોખો લાગે છે. બહુચર્ચિત બંધારણની કલમ(અનુચ્છેદ) ૩૭૦ પણ દીર્ઘદૃષ્ટા સરદાર પટેલે જ દાખલ કરાવી હતી, એ હકીકતને  રખે કોઇ ચૂકે.

નેહરુ સાથે શેખ અબ્દુલ્લાની મૈત્રી લાભદાયી

૫ જુલાઇ ૧૯૪૭ના રોજ રિયાસત ખાતું અસ્તિત્વમાં આવ્યું. સરદાર પટેલને એનો અખત્યાર સોંપાયો ત્યારથી સરદારે સફરજનની ટોપલીનાં તમામ સફરજનભારતનાં કરી લેવાની કવાયત આદરી. ૩ જૂન ૧૯૪૭ની  માઉન્ટબેટનની ઘોષણાથી સ્વતંત્ર થઇ ગયેલાં બ્રિટિશ ઇંડિયાનાં ૫૬૫માંથી ૫૬૨ રજવાડાંને ભારત સાથે જોડીને  વલ્લભભાઇએ વર્તમાન ભારતનો નકશો બનાવ્યો. એકલા સૌરાષ્ટ્રમાં જ નાનાં મોટાં ૨૨૨ રજવાડાં હતાં. રિયાસત ખાતાની રચનાની સાથે જ જમ્મૂ-કાશ્મીર માટે વલ્લભભાઇએ વિશેષ પ્રયત્ન શરૂ કર્યા હતા. સરદાર પટેલે મહારાજા હરિસિંહના પાકિસ્તાન તરફ ઢળતા પ્રધાનમંત્રી પંડિત રામચંદ્ર કાકને ૩ જુલાઇ ૧૯૪૭નો પત્ર લખી જણાવ્યું :  તમે જાણો છો કે ૧૫મી ઑગસ્ટે ભારત, ભલે વિભાજિત છતાં, સંપૂર્ણ સ્વતંત્ર થશે. તમને એની પણ ખબર છે કે અત્યાર સુધીમાં ઘણાં, મોટા ભાગનાં, દેશી રાજ્યો ભારતની બંધારણસભામાં જોડાયાં છે. કાશ્મીરની વિશિષ્ટ મુશ્કેલીઓ હું સમજું છું, પણ એનો ઇતિહાસ અને એની પરંપરા જોતાં મારે મતે એને માટે બીજો કોઇ વિકલ્પ નથી.’  એટલે કે ભારત સાથે જોડાવા સિવાયનો વિકલ્પ જમ્મૂ-કાશ્મીર વિચારે નહીં એવું સરદાર સ્પષ્ટ કહે છે. લૉર્ડ માઉન્ટબેટનની ૩ જૂન ૧૯૪૭ની જાહેરાત ભારત સંઘ અને પાકિસ્તાન સંઘની રચના સાથે જ દેશી રાજ્યોને ભારત સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાવાની કે પછી સ્વતંત્ર રહેવાની મોકળાશ આપતી હતી. એક બાજુ સરદાર અને બીજી બાજુ મોહમ્મદ અલી ઝીણા દેશી રાજ્યોના રાજવીઓને પોતાના કરવા મેદાને પડ્યા હતા. સરદારે ભારતીય દેશી રજવાડાંમાં જે વિશ્વાસ પેદા કર્યો, એનાથી મહારાજા હરિસિંહ જ નહીં, તેમના તેજસ્વી વછેરાકર્ણસિંહ સાથે પણ એમનો ઘરોબો બંધાયો.

મહારાજાના પેટના દર્દનો “અણધાર્યો હુમલો”

મહારાજા હરિસિંહને માઉન્ટબેટન પોતાની ચાર દિવસની કાશ્મીર મુલાકાત દરમિયાન નિર્ણય કરી લેવાનો આગ્રહ કરવા સંકેત આપવા માંગતા હતા, પણ વાઇસરૉય તે નિર્ણાયક રવિવારે આપની સાથે પૂરેપૂરી અને નિખાલસ ચર્ચા કર્યા સિવાય પાછા ફર્યા ત્યારે હું(સરદાર) ખૂબ નિરાશ થઇ ગયો હતો. આપે એમને તે દિવસે મુલાકાતની તારીખ આપેલી પણ આપને પેટના દર્દનો અણધાર્યો હુમલો થઇ આવતાં એ મુલાકાત થઇ શકી નહીંએવું મહારાજા હરિસિંહને ૩ જુલાઇ ૧૯૪૭ના જ પત્રમાં જણાવતાં સરદાર પટેલે સ્વતંત્ર ભારતના નેતાઓ સાથે આપે મૈત્રીભાવ રાખવો જોઇએ. તેઓ પણ આપના પ્રત્યે મૈત્રીભાવ રાખવા ઇચ્છે છે.’  એવી વાત લખીને ઘણું બધું કહી દીધું હતું. સામે પક્ષે નેહરુ સાથે શેખ અબ્દુલ્લાની મૈત્રી પણ ભારત સાથે જમ્મૂ-કાશ્મીરને જોડવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી હતી. મહારાજા અને શેખ અબ્દુલ્લા વચ્ચેના અણબનાવ, મે ૧૯૪૬ના ક્વિટ કશ્મીરઆંદોલનને કારણે શેખ અબ્દુલ્લાની મહારાજા દ્વારા ધરપકડ છતાં જમ્મૂ-કાશ્મીરની પ્રજામાં શેખ અબ્દુલ્લાની લોકપ્રિયતાને અવગણવાનું પાલવે તેમ નહોતું. ઝીણાના પાકિસ્તાનમાં પોતાનો ભાવ નહીં પૂછાય, એવું માનતા શેખ અબ્દુલ્લાને ભારત સાથે અથવા તો સ્વતંત્ર જમ્મૂ-કાશ્મીરમાં જ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ દેખાતું હતું.સરદાર પોતે મહારાજા સાથે મંત્રણા કરી રહ્યા હતા.નેહરુ અને સરદારની જોડી વચ્ચે આ કામની વહેંચણી (ડિવિઝન ઑફ લેબર) જેવું હતું.

કાશ્મીરને પાકિસ્તાન સાથે જતાં અવરોધ નહીં

ઇતિહાસની ઘટનાઓમાં આમ થયું હોત તો આમ થાત, એને સ્થાન નથી. જે થયું એની આસપાસનાં તથ્યોને તપાસવાં પડે. જે ડૉ.આંબેડકર જમ્મૂ-કાશ્મીરને અલગ બંધારણીય જોગવાઇ કરી આપતી કલમ ૩૭૦ના પક્ષધર નહોતા, એ જ ડૉ.બાબાસાહેબ જમ્મૂ-કાશ્મીરનો મુસ્લિમ બહુલ પ્રદેશ- કાશ્મીર ખીણને, ત્યાંની બહુમતી મુસ્લિમ પ્રજાની આમસહમતિ લઇને, પાકિસ્તાનને સોંપી દેવાના આગ્રહી હતા. માત્ર હિંદુ બહુલ જમ્મૂ અને બૌદ્ધ બહુલ લદાખને જ ભારત સાથે જોડવાનો એમનો ખ્યાલ હતો. એ ભૂમિકા પણ પાછી આઝાદી પછી  તેમના પક્ષના પહેલી લોકસભાની ૧૯૫૧-૫૨ની ચૂંટણીના  ઢંઢેરામાં પ્રગટતી રહી છે. એવું નથી કે ડૉ.આંબેડકર જ કાશ્મીર ખીણ પ્રદેશને પાકિસ્તાનને સોંપવાના પક્ષધર હતા. સી.રાજગોપાલાચારી (રાજાજી) પણ જમ્મૂ-કાશ્મીર પાકિસ્તાન સાથે જોડાવાના મતના હતા. ખુદ સરદાર પટેલે પણ મહારાજા હરિસિંહ ઇચ્છતા હોય તો પાકિસ્તાન સાથે જમ્મૂ-કાશ્મીરને જોડી શકે તેવું છેલ્લા બ્રિટિશ વાઇસરૉય અને ગવર્નર-જનરલ લૉર્ડ માઉન્ટબેટન મારફત કહેવડાવ્યું હતું. મહારાજા હરિ સિંહે અને રિયાસત ખાતાના સચિવ વી.પી.મેનને સ્પષ્ટ લખ્યું છે કે લૉર્ડ માઉન્ટબેટન મારફત મહારાજાને સંદેશ પાઠવ્યો હતો કે તેઓ પાકિસ્તાન સાથે જોડવા માંગતા હોય તો ભારત સરકાર એને અમિત્ર-પગલું નહીં ગણે.  જોકે સરદારે માઉન્ટબેટને તેમની વતી મહારાજાને જે કહેણ મોકલ્યું એ વિશે પ્રગટપણે કાંઇ બોલવાનું ટાળ્યું છે, પરંતુ દેશી રજવાડાંને ભારત સાથે જોડવામાં સરદાર પટેલના હનુમાનવી.પી.મેનન ઇન્ટિગ્રેશન ઑફ ઇન્ડિયન સ્ટેટ્‌સમાં લૉર્ડ માઉન્ટબેટને મહારાજાના દીવાન (પ્રીમિયર) પંડિત રામચંદ્ર કાક અને ઝીણાની વચ્ચે મુલાકાત કરાવી હોવાનું નોંધ્યું છે. મેનન પણ સ્વીકારે છે કે માઉન્ટબેટનને સરદારે ખાતરી આપી હતી કે જમ્મૂ-કાશ્મીર જો પાકિસ્તાન સાથે જોડાવા ઇચ્છતું હોય તો વાંધો નથી.

આ જ સંદર્ભને આગળ વધારતાં સરદારઃ સાચો માણસ, સાચી વાતમાં ઉર્વીશ કોઠારી નોંધે છેઃ કાશ્મીર અંગે શરૂઆતમાં સરદારની એવી ગણતરી હતી કે મુસ્લિમ બહુમતી ધરાવતું કાશ્મીર વેળાસર જાહેરાત કરીને પાકિસ્તાન સાથે ભળી જાય તો ભલે.’  આ વાત મહારાજાના પાટવીકુંવર ડૉ.કર્ણસિંહને હસ્તે વર્ષ ૨૦૧૧માં લોકાર્પણ પામેલા હરબંસ સિંહલિખિત “Maharaja Hari Singh : Troubled Years ( Brahaspati Publications, New Delhi,2011)માં  પણ નોંધાઇ છે. કાશ્મીરવટો ભોગવતા મહારાજા હરિસિંહે પુણેથી ઑગસ્ટ ૧૯૫૨માં રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને લખેલા પત્રમાં તો એટલે સુધી કહ્યું છે કે માઉન્ટબેટન મહારાજાને પાકિસ્તાન સાથે ભળવા સમજાવી રહ્યા હતા. લોર્ડ માઉન્ટબેટને વધુમાં કહ્યું હતું કે નવરચિત રિયાસત ખાતું એવી ખાતરી આપવા તૈયાર છે કે કાશ્મીર જો પાકિસ્તાન સાથે જોડાવા ઇચ્છતું હોય, તો ભારત સરકાર તરફથી એને અ-મૈત્રીભર્યું પગલું લેખવામાં નહીં આવે... લોર્ડ માઉન્ટબેટન સાથેની મારી ચર્ચા પરથી એવા તારણ પર આવ્યો હતો કે તેમણે આયોજન અને નકશા બતાવીને સ્થિતિનું જે રીતે વર્ણન કર્યું, એ મને પાકિસ્તાન સાથે જોડાણ કરવાની સલાહ આપવા સમાન હતું.’  

ધનરાજ ડાહાટે ડૉ.અમ્બેડકર ઔર કશ્મીર સમસ્યામાં કાયદા પ્રધાનના હોદ્દેથી રાજીનામું આપ્યા પછી ડૉ.આંબેડકરે ૧૦ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ કહેલા શબ્દોને ટાંક્યા છેઃ કાશ્મીર સમસ્યાનું સાચું સમાધાન રાજ્યના વિભાજનમાં છે, જેવું હિંદુસ્તાનના સંદર્ભમાં કર્યું. હિંદુ અને બૌદ્ધ વસ્તીવાળા જમ્મૂ અને લડાખનો પ્રદેશ ભારતને અને મુસલમાન વસ્તી ધરાવતો પ્રદેશ પાકિસ્તાન સાથે જોડવામાં આવે.જોકે મહારાજા હરિસિંહ ભણી કૂણી લાગણી ધરાવનાર હરબંસ સિંહે મહારાજાની ઇચ્છા વિશે કહ્યું છેઃ તેઓ એ બાબતે દૃઢ મત ધરાવતા હતા કે ભારત અને પાકિસ્તાને જમ્મૂ-કાશ્મીરને પૂર્વના સ્વિટ્‌ઝર્લેન્ડ તરીકે સ્વીકારી લેવું ઘટે.... જો નાજુક દેશ નેપાળ સ્વતંત્ર રહી શકતો હોય અને ચીન અને ભારત બંને એના સ્વતંત્ર અસ્તિત્વનો આદર કરતાં હોય તો એવું જ વલણ જમ્મૂ-કાશ્મીર વિશે ભારત અને પાકિસ્તાન અપનાવી શકે.

નેહરુએ પાકના ઈરાદા સરદારને જણાવ્યા હતા

જમ્મૂ-કાશ્મીરને ભારત સાથે જોડવાની કવાયત દરમિયાન વડા પ્રધાન નેહરુ પોતાના નાયબ વડાપ્રધાન સરદાર પટેલ પર કેટલા અવલંબિત હતા, એ નેહરુના ૨૭ સપ્ટેમ્બર ૧૯૪૭ના પત્રમાં સ્પષ્ટ થાય છે : મને માહિતી મળી છે કે પાકિસ્તાન કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની વેતરણમાં છે અને એ કોઇ મોટા પેંતરાનો વિચાર કરી રહ્યું છે. શિયાળામાં કાશ્મીર થોડું ઘણું અલગ પડી જાય કે આવો કોઇ દાવપેચ અજમાવવા માંગે છે. શેખ અબ્દુલ્લાનો સહકાર લઇને શક્ય એટલું વેળાસર જમ્મૂ-કાશ્મીરને ભારત સાથે જોડવાની કોશિશ કરવાની વાત નેહરુ જ્યારે સરદારને લખે, ત્યારે એમને સરદારના વ્યૂહમાં કેટલો ભરોસો છે એનો અણસાર મળે છે. નેહરુની માહિતી સાચી જ હતી. ૨૨ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાની કબાઇલીઓએ જમ્મૂ-કાશ્મીર પર આક્રમણ કર્યું. રિયાસતી ખાતાના સચિવ (પાછળથી સલાહકાર) વી.પી. મેનનને ૨૬ ઑક્ટોબરના રોજ શ્રીનગર મોકલાયા. ભારત સાથે જોડાણખત કે વિલયપત્ર પર મહારાજા હરિસિંહ હસ્તાક્ષર કરે નહીં, ત્યાં લગી જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય લશ્કરને મોકલવાનું અશક્ય બને કારણ એ બીજો સ્વતંત્ર દેશ હતો. ગાંધીજીએ પણ મહારાજાને મળીને માઉન્ટબેટનની ૧૯ જૂન ૧૯૪૭ની મુલાકાતની જેમ જ ભારત સાથે વિલયનો નિર્ણય કરવા સમજાવ્યા હતા, પણ દ્વિધામાં રહેલા હરિસિંહ માટે કબાઇલીઓના આક્રમણ પછી ભારતની મદદ મેળવવા ભારત સાથે ભાવિ જોડવા સિવાય આરો નહોતો. ૨૭ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ ભારત સાથેના મહારાજા જમ્મૂ-કાશ્મીરની સહીવાળા જોડાણખત પર માઉન્ટબેટને હસ્તાક્ષર કરતાં જ એમનું રાજ્ય હવે ભારત સાથે જોડાયું. સરદારે તૈયાર રાખેલી ભારતીય લશ્કરની વિમાની ટુકડીઓ શ્રીનગર માટે રવાના થઇ. ત્યાં લગી તો પાકિસ્તાની કબાઇલીઓ બારામુલ્લા સુધી આવી પહોંચ્યા હતા. આ સમયગાળામાં કાકને સ્થાને જસ્ટિસ મહેરચંદ મહાજન જમ્મૂ-કાશ્મીરના પ્રધાનમંત્રીપદે આરૂઢ હતા એટલે ભારત સાથેના જોડાણની અનુકૂળતા વધી હતી.સરદાર છેક ડિસેમ્બર ૧૯૪૭ સુધી કાશ્મીરની બાબતો સાથે સંકળાયેલા રહ્યાં હતાં.એ પછી નેહરુએ એમને દખલ નહીં કરવા જણાવ્યાથી એમણે પોતાની જાતને સંકેલી લીધી હતી.જોકે આ બધી બાબતો પત્રવ્યવહારમાં મોકળાશથી લખી છે.કાશ્મીર મામલે સંયુક્ત રાષ્ટ્રમાં જવા વિશે નેહરુ અને સરદાર વચ્ચે મતભેદ હતા,પણ સરદાર, ડૉ.આંબેડકર, ડૉ.મુકરજી સહિતના તમામે એ પગલાને સમર્થન આપ્યું હતું.

જમ્મૂ-કાશ્મીરને ભારત સાથે જોડવામાં સરદાર પટેલ, પંડિત નેહરુ, શેખ અબ્દુલ્લા, મહારાજા હરિસિંહ, લૉર્ડ માઉન્ટબેટન,વી.પી. મેનન અને ભારતીય લશ્કરની જાંબાઝ ટુકડીઓ સવિશેષ યશની અધિકારી ગણાય. જમ્મૂ-કાશ્મીરના પ્રધાનમંત્રી બન્યા પછી છાકટા થયેલા શેખ અબ્દુલ્લાને સ્વતંત્ર જમ્મૂ-કાશ્મીરના અભરખા જાગ્યા. મહારાજાને રાજ્યનિકાલ કરાવવામાં તેમને સફળતા મળી. આખરે એમના મિત્ર નેહરુએ શેખને ૧૯૫૩માં પદભ્રષ્ટ કરી બંદી બનાવવા પડ્યા. આ ઘટના કૉંગ્રેસી ધારાસભ્ય તરીકે બંગાળની ધારાસભામાં ૧૯૨૯માં રાજકીય કારકિર્દી શરૂ કરનાર હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ, નેહરુ સરકારમાં ઉદ્યોગપ્રધાન અને જનસંઘ(ભાજપના પૂર્વઅવતાર)ના સંસ્થાપક અધ્યક્ષ રહેલા ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી શેખ અબ્દુલ્લાની કેદમાં ૧૯૫૩માં મૃત્યુ પામ્યા એ પછી બની હતી. ડૉ.મુકરજીની શેખ અબદુલ્લાએ હત્યા કરાવ્યાની કાગારોળ મચાવતા જનસંઘ-ભાજપના આગેવાનો “શેર હમારા મારા હૈ, અબદુલ્લાને મારા હૈ”ના નારા લગાવતા હતા.જોકે ભાજપના નેતા અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા ત્યારે એમના નેતૃત્વવાળા એનડીએમાં અબદુલ્લા પરિવાર હતો અને શેખ અબદુલ્લાના પૌત્ર ઓમર અબદુલ્લા વિદેશ રાજ્ય મંત્રી હતા!

સરદારની વડા પ્રધાન બનવાની મહેચ્છા નહીં

સરદારની વાત આવે ત્યારે મહાત્મા ગાંધીએ વલ્લભભાઇને વડા પ્રધાન નહીં બનાવ્યાનો અન્યાય કરવાનો  દોષ દેવાની વૃત્તિ સામાન્યપણે સરદાર પ્રેમીઓમાં જોવા મળે છે. પંડિત જવાહરલાલ નેહરુ ભણીની ભાંડણલીલા પણ ખૂબ પ્રચલિત છે. સરદાર વડાપ્રધાન હોત તો? જેવા પ્રશ્નો સરદારને અન્યાય થયાની વાત રજૂ કરવા જે લોકો આગળ ધરતા રહે છે તેઓ  સરદારપુત્રી અને અંગત સચિવ રહેલાં મણિબહેન પટેલે નોંધેલી વાતને જાણી જોઇને અવગણે છેઃ ‘‘સરદારને ક્યારેય વડાપ્રધાન થવાની મહત્ત્વાકાંક્ષા નહોતી કે બીજા કોઇ ઊંચા હોદ્દાની પણ અપેક્ષા નહોતી.’’ મણિબહેને પોતાનાં સંસ્મરણોમાં ક્યાંય સરદારને અન્યાય થયાની વાત નોંધી નથી. સ્વયં સરદારે પણ અન્યાયની લાગણી અનુભવી હોય એવું જોવા મળતું નથી. મણિબહેન તો નેહરુ- સરદાર બેઉને એકમેકના પૂરક લેખે છે. વળી માઉન્ટબેટનની સલાહથી નેહરુ યોર્ક રોડથી તીન મૂર્તિ રહેવા ગયા ના હોત તો એ બેઉ વચ્ચેની ૧,ઔરંગઝેબ રોડ ખાતેની રોજિંદી મુલાકાતો સંભવિત ગેરસમજો દૂર કરત, એવું પણ મણિબહેન નોંધે ત્યારે એમાં શતપ્રતિશત સચ્ચાઇનો રણકો છે. વક્રદૃષ્ટાઓ માઉન્ટબેટનની ભૂમિકા વિશે પણ હેતુઆરોપણ કરતા રહે છે. જોકે સરદાર જ્યારે નેહરુની સરકારમાંથી છૂટા થવા ઇચ્છતા હતા અને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ૪ થી ૫ દરમિયાન એ મહાત્મા સાથે મુલાકાત કરીને આ બાબતની ચર્ચા કરવા ગયા ત્યારે ગાંધીજી તો સરદારને પ્રધાનમંડળમાંથી છૂટા કરવાના મત પર આવ્યા હતા,પણ માઉન્ટબેટને સરદારની મહાનતા અને અનિવાર્યતા પીછાણી હતી એટલે એમણે સરદારને છૂટા થવા દેવાનો સખત વિરોધ કર્યો હતો. એ મુલાકાત વખતે ઉપસ્થિત મણિબહેનની આ વાત સાચી માનવી પડે.


( લેખક મુંબઈમાં ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં તંત્રી રહ્યા છે અને સરદાર પટેલ સ્ટડીઝ અંગેની એમ.ફિલ. અને પીએચ.ડી.અભ્યાસક્રમ ચલાવતી દેશની સર્વપ્રથમ સંશોધન સંસ્થાના સંસ્થાપક નિયામક અને પ્રાધ્યાપક રહ્યા છે.    ઈ-મેઈલ : haridesai@gmail.com )

No comments:

Post a Comment