Sunday 5 November 2017

Uncalled for Controversy about the Birth Anniversary of Tipu Sultan

Uncalled for Controversy about the Birth Anniversary of Tipu Sultan
ટીપૂ સુલતાનની જયંતીના નિરર્થક વિવાદ
Dr.Hari Desai's Column in Divya Bhaskar Daily 01 November 2017
Web Link :
http://epaper.divyabhaskar.co.in/detail/-729030/11103443638/0/map/tabs-1/2017-11-01/12/10/image/
Read the Full Text here and on blog : haridesai.blogspot.com and react:
ટીપૂ સુલતાનની જયંતીના નિરર્થક વિવાદ : ડૉ.હરિ દેસાઈ

અંગ્રેજો સામે લડતાં લડતાં મરાયેલા શાસક સામે બ્રિટિશ સમર્થક મરાઠા અને નિઝામ હતા

સ્વતંત્ર ભારતની પ્રજાના કરમની કઠણાઈ એ છે કે સત્તામાં આવવા મેદાને પડેલા રાજકીય પક્ષોના નેતાઓ પ્રજાના કલ્યાણ માટે કેવી કેવી નક્કર યોજનાઓનો અમલ, કઈ રીતે કરશે, એ બાબતની ચર્ચા કરવાને બદલે ઈતિહાસનાં આળાં પ્રકરણો છેડીને, ધાર્મિક ધોરણે એને વિભાજિત કરી, પોતાના માટે મતનાં તરભાણા ભરવા પ્રયત્નશીલ રહે છે.આગામી ૧૦ નવેમ્બરે મહિસુરના બાહોશ શાસક રહેલા ટીપૂ સુલતાન (૧૦નવેમ્બર ૧૭૫૦- ૫ મે ૧૭૯૯)નો જન્મદિન ઉજવવા નિમિત્તે કર્ણાટક રાજ્યમાં રીતસર ઘમસાણ મચ્યું છે. સંજય ખાને દૂરદર્શન માટે “ધ સ્વોર્ડ ઓફ ટીપૂ સુલતાન” નામક ટીવી સીરિયલ બનાવી ત્યારથી ટીપૂની ખલનાયકી અને હિંદુવિરોધની ઝુંબેશો અખંડ ચાલતી રહી છે. કર્ણાટકમાં અત્યારે કૉંગ્રેસના સિદ્ધરામૈય્યાનું શાસન છે. એણે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ટીપૂની જન્મજયંતી ઉજવવાના સમારંભ માટે કેન્દ્રના કન્નડ પ્રધાન અનંતકુમાર હેગડે અને બીજા ભાજપી નેતાઓને નિમંત્રણ પાઠવ્યું અને તાજો વિવાદ ભડક્યો.ટીપૂને હિંદુઓની કત્લેઆમ કરનાર તાનાશાહ ગણાવવાથી લઈને શેતાન ગણાવવા સુધી જઈને પોતાનાં નામ નિમંત્રિત મહેમાનોમાં નહીં છાપવાના પત્રો રાજ્ય સરકારને લખાયા.કૉંગ્રેસ ટીપૂની ઉજવણી કરીને મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ રમતી હોવાનો હાથવગો આક્ષેપ કરાય છે.
બીજી બાજુ, છેક ડૉ.મનમોહન સિંહની સરકારમાં વિદેશ મંત્રી અને રાજ્યના કૉંગ્રેસી મુખ્યમંત્રી રહેલા એસ.એમ.કૃષ્ણ સહિતના કૉંગ્રેસી નેતાઓને ભાજપમાં લઈને આગામી મે ૨૦૧૮માં સત્તાસ્થાને આવવાની ઘોષણાઓ કરનાર ભાજપ અને સ્વજનો ટીપૂ વિરોધી અભિયાન તેજ કરીને હિંદુ મત અંકે કરવાના વ્યૂહ ઘડે છે. આ જ સમયગાળામાં મૂળ સંઘગોત્રના ભાજપી સાંસદ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કર્ણાટક વિધાનસભાના અમૃતપર્વમાં મહિસુરના શાસક રહેલા એ જ ટીપૂ સુલતાનને “અંગ્રેજોની સામે નાયકની જેમ લડતાં શહીદ થયેલા” અને “વિકાસના પ્રણેતા તથા મહિસુર યુદ્ધકળામાં રૉકેટનો ઉપયોગ કરનાર તથા પાછળથી યુરોપિયનોને આ ટૅકનોલૉજી અપનાવવા પ્રેરનાર” તરીકે ભવ્ય અંજલિ અર્પી એટલે ભાજપની નેતાગીરીની મૂંઝવણ વધી. પહેલાં તો રાષ્ટ્રપતિનું આ વ્યાખ્યાન બૅંગલુરુથી કૉંગ્રેસ સરકારે લખીને આપ્યાની વાતો ચલાવાઈ, પણ પછી તો છતું થઇ ગયું કે આ હકીકતો રાષ્ટ્રપતિભવનમાં જ તૈયાર થયેલા વ્યાખ્યાનનો ભાગ હતી અને સ્વયં મહોદયે (હવે ‘મહામહિમ’ શબ્દ વાપરવાનું બંધ કરાવાયું હોવાથી) એને મંજૂર કરેલું હતું !
વર્તમાનમાં વાતો વિકાસની થાય છે જરૂર, પણ ચૂંટણીઓ અંતે લડાય છે કોમી મુદ્દે. ટીપૂ મુસ્લિમ હતો.એના પિતા અને મહિસુરના શાસક હૈદર અલીના મૃત્યુને પગલે ડિસેમ્બર ૧૭૮૧માં એ ગાદીએ આવ્યો હતો.એનો દીવાન પૂર્ણૈયા અને સરસેનાપતિ કૃષ્ણરાવ બેઉ હિંદુ હતા. હૈદર અને ટીપૂ બેઉ પવિત્ર શૃંગેરીમઠના શંકરાચાર્યના પરમ ભક્ત હતા. એટલું જ નહીં અંગ્રેજોના ટેકામાં રહેલા મરાઠાઓ થકી ટીપૂના રાજ્યમાં આવતા હિંદુઓના આસ્થાસ્થાન એવા શૃંગેરીનાં મંદિર તોડ્યાં અને લૂંટ્યાં, ત્યારે શંકરાચાર્યના આગ્રહથી આ ટીપૂએ જ એ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાના ઐતિહાસિક પુરાવા આજેય મોજૂદ છે ! અત્યારના કેરળ ક્ષેત્રમાં આવતાં, બ્રિટિશ સાથે સહયોગ કરનારાં, રજવાડાં પર હૈદર અને ટીપૂએ આક્રમણ કર્યાં ત્યારે સ્વાભાવિક રીતે જ હિંદુ,મુસ્લિમ અને ખ્રિસ્તી પ્રજાએ એના ખોફનો ભોગ બનવું પડ્યું હતું. જયારે ટીપૂ અંગ્રેજોને ભારતમાં પ્રભાવ વિસ્તારતાં પડકારી રહ્યો હતો ત્યારે પૂણેરી પેશવાના શાસન હેઠળના મરાઠાઓ અને હૈદરાબાદના નિઝામ અંગ્રેજોને ટેકો આપી રહ્યા હતા, એ વાત ખૂબ જ સૂચક છે.સત્તા વિસ્તારવામાં રમમાણ સામ્રાજ્યવાદી શાસકો માટે ધર્મ મહત્વનો બનતો નથી,એમણે તો કોઈપણ ભોગે, કોઈની પણ સાથે જોડાણ કરીને, યુદ્ધ જીતવાનાં હોય છે.
આજે કર્ણાટક ભાજપના જે નેતા ટીપૂ સુલતાનને હિંદુદ્રોહી ગણાવીને વિરોધ કરી રહ્યા છે એમાંના બે ટોચના સંઘગોત્રના ભાજપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી તો હજુ નજીકના જ ભૂતકાળમાં ટીપૂની બાહોશી,અંગ્રેજો સામે લડતાં શહીદ થવાની વાતે વખાણ કરતાં થાકતા નહોતા ! પૂર્વ અને ભાવિ મુખ્યમંત્રી તથા અત્યારના પ્રદેશ ભાજપના અધ્યક્ષ બી.એસ.યેદ્દિયુરપ્પા તો ટીપૂ જેવો પોશાક પહેરીને હાથમાં તલવાર લઈને ફોટા પડાવવામાં ગૌરવ અનુભવતા હતા.એ વેળા એમનાં સાથી સાંસદ શોભા કરાંડલજેને પણ ટીપૂનું ગૌરવ હતું. હવે એ પણ ટીપૂના જન્મદિનની ઉજવણીનો વિરોધ કરે છે. ટીપૂને મહાન રાષ્ટ્રભક્ત ગણાવતાં ભાજપના સંઘગોત્રના મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે પ્રા.બી શેખ અલીએ ટીપૂના લખેલા જીવનચરિત્રની પ્રસ્તાવના પણ લખી હતી. હવે એમણે સૂર બદલ્યો છે. મૅંગલોર અને ગોવા યુનિવર્સિટીના કુલપતિ રહેલા નામાંકિત ઇતિહાસકાર બી.શેખ અલીલિખિત ટીપૂ સુલતાનના જીવનચરિત્રમાં ટીપૂના વ્યક્તિત્વનાં ખૂબ પ્રસંશનીય પાસાં ઉજાગર કરવામાં આવ્યાં છે.પ્રાધ્યાપક અલી નોંધે છે : “ટીપૂએ હિંદુઓ પ્રત્યે કડકાઈ દાખવી તો એ મુસ્લિમો પ્રત્યે પણ એટલોજ કડક હતો. ટીપૂ પોતાના રાજકીય વિરોધીઓ ભણી સમાન રીતે કડકાઈ દાખવતો હતો. તેના પ્રત્યે નિષ્ઠા નહીં ધરાવનાર મલબારના મોપલા, કુડપ્પા, સાવનૌર અને કૂર્નુલના નવાબ તથા હૈદરાબાદના નિઝામ સાથેનું એનું એ જ વલણ સ્પષ્ટ કરે છે.ટીપૂએ દારૂબંધીનો અમલ કર્યો,રાજ્યમાં રેશમ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા સહિત સરકારી ક્ષેત્રમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું એટલું જ નહીં, એણે સામંતી પરંપરાનો અંત આણવાનો પ્રયાસ પણ કર્યો હતો.” પ્રા.અલીએ અનેક હિંદુ મંદિરોની યાદી આપી છે જેમને ટીપૂ તરફથી નિયમિત આર્થિક અને અન્ય સહાય મળતી હતી,એટલું જ નહીં, શંકરાચાર્ય સાથેના એના પત્રવ્યવહારને જોતાં એ હિંદુદ્વેષી નહોતો એવું લાગ્યા વિના રહેતું નથી.આજે પણ શૃંગેરી શંકરાચાર્યની સત્તાવાર વેબસાઈટ પર હૈદર અને ટીપૂની શંકરાચાર્ય પ્રત્યેની આસ્થાનાં દર્શન થયા વિના રહેતાં નથી.
ઇતિહાસના વિકૃતીકરણને ટાળવા માટે શૃંગેરીપીઠના સત્તાવાર ઈતિહાસ સાથે જ ડૉ.એ.કે.શાસ્ત્રીના વિશદ સંશોધનને આધારે લખાયેલા ગ્રંથમાં સમાવાયેલી બાબતો ઉપરાંત કલ્કુની વિઠ્ઠલ હેગડેના સંશોધન પર નજર કરીએ તો કોઈ મુસ્લિમ ઈતિહાસકારે લખેલા ઇતિહાસમાં દોષ જોવાનો વક્રદ્રષ્ટાઓને અવસર ના મળે.મરાઠા લશ્કરે શૃંગેરીમઠ પર આક્રમણ કર્યું ત્યારે એ વેળાના શંકરાચાર્ય સચ્ચિદાનંદ ભારતી ત્રીજા(૧૭૭૦-૧૮૪૦)એ ભાગીને ઉડુપીના કરકલામાં સંતાવું પડ્યું હતું.ટીપૂ એ વેળા કેરળના કન્નુર પર સવારીમાં વ્યસ્ત હતો.હેગડેના જણાવ્યા મુજબ, ટીપૂએ જ સ્વામીને શૃંગેરી પાછા આણ્યા અને મરાઠાઓએ પહોંચાડેલા નુકસાન પછી મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.ટીપૂ ના હોત તો શૃંગેરીપીઠ જ ના બચી હોત,એવું પણ એમનું તારણ છે. હકીકતમાં ટીપૂ સાથે એના જ હિંદુ દીવાને દગો કર્યો. ૧૭૯૯માં ટીપૂ યુદ્ધભૂમિમાં મરાયો અને બ્રિટિશ મદદથી મહિસુરના શાસક તરીકે મહારાજા વાડ્યારને મૂકીને અંગ્રેજોએ પોતાનો રિમોટ કબજો મજબૂત કર્યો.ટીપૂ જીવતો હતો ત્યાં લગી અંગ્રેજના ટાંટિયા ધ્રૂજતા હતા. જે ટીપૂની જન્મજયંતી ઉજવવાનો ઘરઆંગણે વિરોધ થઇ રહ્યો છે,એને અમેરિકાની અંતરીક્ષ વિજ્ઞાન સંસ્થા-નાસા “રૉકેટ ટૅકનોલૉજીના જનક” તરીકે સન્માનિત કરતાં એની દીવાલ પર મહિસુરના અંગ્રેજો વિરુદ્ધના યુદ્ધનું ચિત્ર ટાંગે છે. એ વાત ભારતના રાષ્ટ્રપતિ રહેલા ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ પોતાની આત્મકથા “વિંગ્સ ઑફ ફાયર”માં નોંધે ત્યારે તો પ્રત્યેક ભારતીયને ગર્વની અનુભૂતિ થવી સ્વાભાવિક છે. ઈતિહાસને ધાર્મિકધોરણે વિભાજિત કરીને વિકૃત કરવાને બદલે તથ્યોને આધારે જોઈએ તો જ ગનીમત.
ઈ-મેઈલ : haridesai@gmail.com
HD-DB-Tipu Sultan 29-10-2017



No comments:

Post a Comment