Wednesday 25 October 2017

Some revealing facts about the Narmada Dam and Sardar Sarovar Yojana

નર્મદા ડેમનું રાષ્ટ્રાર્પણ :પાયાના પથ્થરોને  ના  વીસરીને
ડૉ. હરિ દેસાઈ
·         બ્રિટિશ સરકારે છેક ૧૯૦૧માં ભરૂચ નજીક નર્મદા નદી પર ડેમ બાંધવાની યોજના વિચારી હતી
·         સરદારના સ્વપ્નને સાકાર કરવા મધ્ય પ્રદેશના વિરોધ વચ્ચે પણ નેહરુએ યોજનાને મંજૂરી આપી
·         જનસંઘના મંત્રીઓવાળી  મ.પ્ર.ની  સરકારના મુખિયાને કારણે નર્મદા યોજનામાં અવરોધો સર્જાયા
·         રાજીવ ગાંધીએ માધવસિંહના આગ્રહથી પર્યાવરણના વાંધાને ફગાવી મૂડીરોકાણ મંજૂરી આપી હતી
·         સરકારી અંદાજ પ્રમાણે પણ નર્મદા યોજના ૨૦૧૮માં નહીં, પણ ૨૦૨૨ સુધી  પૂર્ણ નહીં જ  થાય
·         ડેમની ઊંચાઈના મુદ્દે રાજકીય વિવાદ ચાલતા રહ્યા, પણ યોજનાની કેનાલોનાં કામો અધૂરાં જ રહ્યાં

સમગ્રપણે ગુજરાત અને ગુજરાતના સત્તાપક્ષ તથા વિરોધ પક્ષ થકી કોઈ એક યોજનાને ગુજરાતની જીવાદોરી ગણવામાં આવી હોય તો તે છે નર્મદા નદી પરની સરદાર સરોવર નર્મદા યોજના. ગુજરાતની વિધાનસભા છેક મુખ્યમંત્રી બળવંતરાય મહેતા અને વિપક્ષના નેતા ભાઈલાલ દ્યાભાઈ પટેલ (ભાઈકાકા) હતા, ત્યારથી તે મુખ્યમંત્રીપદે કેશુભાઈ પટેલ અને વિપક્ષના નેતાપદે અમરસિંહ ચૌધરી હતા ત્યારે પણ સર્વાનુમતે નર્મદા યોજનાના સમર્થનમાં ઠરાવ કરીને એને કોઈ પણ ભોગે પૂર્ણ કરવાના સંકલ્પ થયા હતા. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના દ્વિતીય યુગમાં વિશ્વબેન્ક આ મહાયોજના માટે નાણાં ધીરવા અસંમત થઈ ત્યારે એ પટેલબંકાએ નર્મદા બોન્ડ થકી પ્રજા પાસેથી યોજના માટે નાણાં ઊભાં કરવા ઉપરાંત રાજ્યના બજેટ અને કેન્દ્રની સહાયથી યોજનાને પૂર્ણ કરવાનો ટંકાર કર્યો હતો. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજનાજાહેર કરવા સહિતના મુદ્દે ઉપવાસ કરવાની સાથે જ યોજનાને યુદ્ધના ધોરણે આગળ વધારવા માટે અને અંતરિયાળ ગુજરાત લગી મારુતિ કાર દોડાવી શકાય એવી પાઇપો નંખાવીને પણ પાણી પહોîચાડી સિંચાઈ અને પીવાના જળની વ્યવસ્થા કરવાની કટિબદ્ધતા દાખવી હતી. યોજનાના પ્રારંભિક તબક્કાઓથી આજ લગી એના અમલમાં આવતા રહેલા વિવિધ રાજકીય અને પર્યાવરણીય કે આર્થિક અવરોધો છતાં યોજનાને આગળ વધારવાની બાબતમાં ગુજરાત એકીઅવાજે સમર્થક રહ્યું છે.

જન્મદિને કેવડિયા-ડભોઈમાં ઓચ્છવ

રવિવાર, ૧૭મી સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શુભહસ્તે ૧૩૮.૬૮ મીટર ઊંચાઈવાળા (દરવાજા સાથે) સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને અર્પણ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. સંયોગ એવો પણ હતો કે વડા પ્રધાનનો એ ૬૭મો જન્મદિવસ હતો. નર્મદા ડેમને દરવાજા લાગી ગયા, એનું કામ પૂર્ણ થયું, પણ નર્મદા યોજનાનું કામ હજી સરકારી જાહેરાત મુજબ, ૨૦૧૮ના અંત સુધીમાં પૂરું  થશે અને સરકારી સાધનો અંગત રીતે કબૂલે છે એ મુજબ, સંપૂર્ણપણે નર્મદા યોજના આગામી ૨૦૨૨ પહેલાં પૂર્ણ નહિ થાય. એ પહેલાં મુખ્યમંત્રી તરીકે મોદી આ યોજનાને રાષ્ટ્રીય યોજનાજાહેર કરવાના ટેકામાં ઉપવાસ પર બેઠા હતા, એ વાતનું સ્મરણ કરીને, એને રાષ્ટ્રીય યોજનાજાહેર કરીને કેનાલોનાં બાકીનાં કામ પૂર્ણ કરવામાં ત્વરા દાખવવા પર ધ્યાન અપાવી શકે. ગુજરાતને નંદનવનમાં ફેરવવા માટેની આ યોજના થકી ખેડૂતોનાં ખેતર લગી પાણી પહોîચાડવાના, પીવાના પાણીની વ્યવસ્થાના અને ઉદ્યોગોને પાણી ઉપલબ્ધ કરાવવા ઉપરાંત વીજળી ઉત્પાદનના લક્ષ્યાંક હાંસલ થઈ શકશે. સાથે જ યોજનાને કારણે ડૂબમાં આવતા વિસ્તારોના વિસ્થાપિતોના પુનર્વસનનું કામ પણ સંપૂર્ણ થશે.

આધુનિક ભારતના મંદિરની સંકલ્પના

બ્રિટિશ સરકારે ૧૯૦૧માં ભરૂચ નજીક નર્મદા નદી પર ડેમ બાંધવાની યોજના વિચારીને ગુજરાતની (એ વેળાની મુંબઈ પ્રેસિડેન્સીની) જમીનોને સિંચાઈ સુવિધાનો લાભ અપાવવા વિચારર્યું  હતું, પરંતુ ભરૂચ નજીકની સંબંધિત જમીન ડેમ બાંધવા માટે ઝાઝી અનુકૂળ નહિ જણાતાં એ વિચારની માંડવાળ થઈ હતી. જોકે ૧૯૪૬ના ગાળામાં સરદાર પટેલે દુષ્કાળગ્રસ્ત ગુજરાતને હરિયાળું કરવા નર્મદા નદી પર ડેમની અનિવાર્યતાની કલ્પના કરી હતી. આઝાદી પછી વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ મોટા બંધોને ટેમ્પલ્સ ઓફ મોડર્ન ઇન્ડિયાલેખતા હતા. એટલે નર્મદા ડેમ ગુજરાતમાં બાંધીને રાજ્યની દુષ્કાળની સ્થિતિને કાયમ માટે તિલાંજલિ આપવાનો સંકલ્પ થયો. ૧૯૫૬માં નેહરુ સરકારના સેન્ટ્રલ વોટર એન્ડ પાવર કમિશને નર્મદા નદી પર ગોરા આગળ નર્મદા આડે બંધ બાંધવા અને ડેમના કામને બે તબક્કામાં પૂરું  કરવાને મંજૂરી આપી. ૧૬૮ ફૂટની ઊંચાઈનો બંધ બાંધવાનું નક્કી થયું. ભરૂચ જિલ્લા અને વડોદરા જિલ્લામાં બારમાસી ખેતીનું આયોજન આ ડેમથી થવાનું નિરધારાયું. બીજા તબક્કે અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા થઈને બાડમેર સુધી અને કચ્છની દક્ષિણે મુંદરા-માંડવી તથા કચ્છના નાના રણને સુધારી ખેતીલાયક કરવાનો વિચાર કરાયો.

વડા પ્રધાન નેહરુએ ગોરામાં ખાતમુહૂર્ત કર્યું

 આયોજન પંચે ગોરા ડેમની યોજનાને મંજૂરી આપીને મુંબઈ રાજ્યને પાઠવી. એ અરસામાં ગુજરાત સ્વતંત્ર રાજ્ય થયું હતું. મંજૂર યોજના ગુજરાત સરકાર પાસે આવી. ગુજરાત સરકારે એને ૧૯૬૧માં મંજૂર કરીને તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુને ગોરામાં એના ખાતમુહૂર્ત માટે નિમંત્રણ આપ્યું. ગોરા જવાનો રસ્તો એ વેળા નહોતો અને યુદ્ધના ધોરણે પચીસ-ત્રીસ માઈલનો મોટર જાય એવો કાચો રસ્તો તૈયાર થયો. આ તબક્કે ગોરા ડેમની ઊંચાઈ ૩૨૦ ફૂટની મંજૂર કરાઈ હતી અને સરદારના સ્વપ્નને સાકાર કરવા માટે એ યોજનાને મધ્ય પ્રદેશના વિરોધ વચ્ચે પણ નેહરુએ મંજૂરી આપી અને એનું ખાતમુહૂર્ત કર્યું. ભાઈકાકાએ નર્મદા યોજનાના પ્રારંભ અને વિવાદની વાતને પોતાનાં સંસ્મરણોમાં વિગતે નોîધી છે. એમણે નોîધ્યું : ગુજરાતના એન્જિનિયરોએ પહેલાં તો ગોરા આગળ પાયો મજબૂત છે કે નહિ તે ચકાસી જોવાનું કામ હાથ પર લીધું અને બોરિંગો લેવા માંડ્યાં. બોરિંગોની ઊંડાઈ લગભગ પાંચસો ફૂટ સુધીની હશે. બોરિંગો લેતાં ખબર પડી કે ગોરા આગળ ખડક ચાર જગ્યાએ તૂટેલો છે, જેથી બંધના પાયા માટે એ સ્થળ અનૂકૂળ નથી. જેથી પાયાની શોધમાં બોરિંગો લેતાં લેતાં નદીના ઉપરવાસ આગળ ગયા અને ગોરાથી પાંચ માઈલ ઉપર નવાગામ આગળ સારા પાયાનું સ્થળ મળ્યું.મૂળે ઇજનેર અને ચારુતર વિદ્યામંડળના સંસ્થાપક અધ્યક્ષ રહેલા ભાઈકાકા સ્વતંત્ર પક્ષના નેતા તરીકે વિધાનસભામાં વિપક્ષના નેતા હોવા છતાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓ  બળવંતરાય મહેતા અને હિતેન્દ્ર દેસાઈ જ નહિ, વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસ તથા વિપક્ષના અન્ય નેતાઓ  સાથે નર્મદા યોજનાના સમર્થનમાં એમણે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શ્રીમતી ગાંધીએ નર્મદા યોજના માટેની ગુજરાત સરકારની દરખાસ્તમાં અવરોધો સર્જતા મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર તથા લાભાન્વિત થનાર રાજસ્થાન વચ્ચે સમજૂતી સધાય એ માટે સક્રિયતા દાખવી હતી. નેહરુના અનુગામી લાલબહાદુર શાસ્ત્રી પણ યોજનાને લીલી ઝંડી આપવામાં હતા ત્યાં જ એમનું નિધન થયું, પણ શ્રીમતી ગાંધી ૧૯૬૭માં ચૂંટણી પૂર્વે નર્મદા યોજનાને મંજૂર કરવા સકારાત્મક હોવાનું ભાઈકાકા નોîધે છે.
યોજનામાં ફાચર તો મધ્ય પ્રદેશે મારી

નર્મદા યોજનામાં ફાચર મારવાનું કામ મધ્ય પ્રદેશની સંયુક્ત વિધાયક દળ (સંવિદ) સરકારના મુખ્યમંત્રી ગોવિંદ નારાયણ સિંહે કર્યું  હતું. રાજમાતા સિંધિયા સહિતનાં કોંગ્રેસી આગેવાનો જનસંઘ અને સ્વતંત્ર પક્ષ ભણી વળ્યા અને કેટલાંક રાજ્યોમાં સંવિદ સરકારો સ્થપાયાનો એક યુગ હતો. ગોવિંદ નારાયણ સિંહની સરકાર કોંગ્રેસમાંથી છૂટા થયેલાઓ  ઉપરાંત જનસંઘ અને બીજા મિત્ર પક્ષોની બનેલી હતી. મુખ્યમંત્રી ગોવિંદ નારાયણની ભૂમિકા એ હતી કે ગુજરાતનો નર્મદાના પાણી પર કોઈ હક નથી. એ અગાઉના વિંધ્ય પ્રદેશના પ્રીમિયર અને અત્યારના સતના જિલ્લાના રામપુર રજવાડાના રાજવી અવધેશ પ્રતાપસિંહના રાજકુમાર હતા. એમના રાજકુમાર ધ્રુવ નારાયણ સિંહ ભાજપના ધારાસભ્ય અને મધ્ય પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ હતા. 
નર્મદા યોજનાને ઘોંચમાં નાખવાનું કામ કરનાર સંવિદ સરકારના મુખ્યમંત્રી ગોવિંદ નારાયણને સમજાવવા માટે મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની જાણમાં ગુજરાત વિપક્ષના નેતાઅો બારિયા નરેશ જયદીપસિંહજી, ભાઈકાકા અને એચ. એમ. પટેલની ભોપાલમાં રાજમાતા સિંધિયા, વીરેન્દ્રકુમાર સકલેચાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ગોવિંદ નારાયણ સિંહ સાથે બેઠક પણ થઈ હતી. ભાઈકાકા એ મુલાકાત સંદર્ભે નોîધે છેઃ એક વખત શ્રી ગોવિંદ નારાયણ સિંહ બોલેલા કે ભાઈલાલભાઈ નવાગામનો બંધ બાંધવાની વાત કરે છે, પણ એ બંધ બાંધવાનું કામ શરૂ થશે તો હું મધ્ય પ્રદેશમાંથી લોકસેના મોકલીને કામ નહિ કરવા દઉં. આવી વાત એક રાજ્યના મુખ્યમંત્રીને માટે શોભતી નથી, પણ આપણા આગેવાનો કેટલી હદે ઊતરી ગયા છે તેનું આ દૃષ્ટાંત છે.સદનસીબે પ્રજાની સ્મૃતિ ટૂંકી હોય છે. અન્યથા જનસંઘના એટલે કે ભાજપના પૂર્વ અવતારના મંત્રીઓવાળી સરકારના મુખિયાને કારણે નર્મદા યોજનામાં અવરોધો સર્જાયા એના જવાબ આજે સત્તા પક્ષે આપવાનો સમય આવે. વિશ્વબેન્કની લોનને ખોરવવા માટે નર્મદા ડેમના વિરોધમાં મેધા પાટકર આણિ મંડળી તો પાછળથી ઊભી થઈ, એ પહેલાં તો મોટા અવરોધ મધ્ય પ્રદેશ સરકાર તરફથી ઊભા કરાયા .
ગુજરાતની વિધાનસભા એક બાજુ નર્મદા યોજનાની તરફેણમાં ઠરાવ કરતી હતી ત્યારે મધ્ય પ્રદેશની સંવિદ સરકાર પોતાની ધારાસભામાં નર્મદા યોજનાના વિરોધમાં ઠરાવ કરાવતી હતી. સદનસીબે ખોસલા સમિતિનો અહેવાલ દાયકા પછી આવ્યો અને વડા પ્રધાનપદે ઇન્દિરા ગાંધી ફરી આરૂઢ થયાં ત્યારે એમણે નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રાઇબ્યુનલ’ (એનડબ્લ્યુડીટી)ની રચના કરાવીને સંબંધિત ચારેય રાજ્યો વચ્ચે ફરિયાદ નિવારણનું તંત્ર ઊભું કર્યું  અને પછીથી યોજનાના વિવાદ નિવારણ કામ આગળ વધ્યું. વડા પ્રધાનપદે મોરારજી દેસાઈ હતા ત્યારે ૧૨મી ડિસેમ્બર, ૧૯૭૯ના રોજ નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રાઇબ્યુનલનો એવોર્ડ (ચુકાદો) આવ્યો એ પછી જ યોજના આગળ વધી શકી. ૧૯૮૦માં ઇન્દિરા ગાંધી ફરી વડાં પ્રધાન થયાં. ગુજરાતમાં મુખ્યમંત્રીપદે માધવસિંહ સોલંકી આવ્યા ત્યારે યોજના આગળ વધી. જોકે મે, ૧૯૮૭માં પર્યાવરણ સચિવ ટી. એન. શેષાન થકી વિશ્વબેન્કના પર્યાવરણ વિષયક વાંધાથી યોજનાને મંજૂરી આપી ન શકાય, એવી નોîધ મૂકી ત્યારે વડા પ્રધાન રાજીવ ગાંધી સમક્ષ આયોજન પંચના ઉપાધ્યક્ષ માધવસિંહ સોલંકીના આગ્રહથી વડા પ્રધાને પર્યાવરણ સચિવના વાંધાને ફગાવીને (ઓવરરૂલ કરીને) પણ નર્મદા યોજનાને મૂડીરોકાણ મંજૂરી આપી હતી. યોજનાને આગળ વધારવામાં જેમનું યોગદાન છે એ તમામને ફાળે એનો યશ જાય જ છે. આયોજન પંચમાં માધવસિંહ ઉપાધ્યક્ષ હતા અને યોજનાને મૂડીરોકાણ મંજૂરી મળી ત્યારે ગુજરાતી અધિકારી બી. એન. નવલાવાલા પંચમાં ડિરેક્ટર હતા. એમનું યોગદાન પણ મહત્ત્વનું છે. આ નવલાવાલા કેન્દ્રમાં સિંચાઈ સચિવ અને યુપીએસસીના સભ્ય રહ્યા. મુખ્ય મંત્રી મોદીએ તેમને સલાહકાર તરીકે નિમંત્ર્યા હતા અને આજે પણ એ મુખ્ય મંત્રીના સલાહકાર છે.

૩૦૦ કરોડની યોજના ૬૦,૦૦૦ કરોડમાં પડશે

જે નર્મદા યોજના માત્ર ૩૦૦ કરોડ રૂપિયામાં દસ વર્ષમાં થવાની હતી એ નર્મદા યોજના વિવિધ કારણોસર ઘોîચમાં પડતાં જુલાઈ, ૨૦૧૭ લગી ૪૪,૦૮૧.૫૯ કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. છેલ્લાં ચારેક વર્ષથી પાઇપો નાખીને પણ યોજનાને પૂરી કરવાની જાહેરાતો થતી રહ્ના છતાં ડેમની ઊંચાઈના મુદ્દે રાજકીય વિવાદ ચાલતા રહ્યા, પણ યોજનાની કેનાલોનાં કામો અધૂરાં જ રહ્યાં. એટલે નર્મદા ડેમના રાષ્ટ્રાર્પણ થયા  પછી પણ ઉપલબ્ધ પાણીનો ઉપયોગ સિંચાઈ માટેના લક્ષ્યાંકને સિદ્ધ કરવાની સ્થિતિમાં નથી જ. નર્મદા યોજનાના ૫૪,૭૭૨.૯૪ કરોડ રૂપિયાના અંદાજને ૨૦૧૪-૧૫માં સલાહકાર સમિતિએ મંજૂરી આપ્યા છતાં આગામી પાંચ વર્ષ પછી સંપૂર્ણપણે નર્મદા યોજના પૂરી થતાં કુલ ખર્ચ ૬૦,૦૦૦ કરોડ રૂપિયાને વટાવી જાય એવા અંદાજ સરકારી ધોરણે પણ મૂકાવા માંડ્યા છે.

અને છેલ્લે

ભાઈકાકાનાં સંસ્મરણોમાં નોંધવામાં આવેલી એક સ્ફોટક વાત. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ગોવિંદ નારાયણ સિંહ સાથેની બેઠકમાં ગુજરાતદ્રોહી ગુલાટીને એચ. એમ. પટેલે સુણાવી દીધું હતું. ગુલાટી કહે કે અમે એટલા બધા ડેમ મધ્ય પ્રદેશમાં બાંધી દઈશું કે ગુજરાતમાં નદીનું પાણી જ નહિ આવે પછી? એચ. એમ. કહેઃ જ્યારે તમારા બધા બંધ પૂરા થાય અને બધું પાણી તમે વાપરો અને માનો કે ગુજરાતમાં બિલકુલ પાણી આવવાનું નથી ત્યારે અમારો બંધ ભલે સૂકો રહ્યો. અમે એને જરૂર લાગશે તો (ઉડાવી દેવા) ડાયનેમાઇટ મુકાવી દઈશું, પચાસથી સાઠ વરસ સુધી ઇરિગેશનનો જે લાભ અમે લઈ શકીએ તેમ છીએ તે અમારે શું કામ ન લેવો?” આનો જવાબ ગુલાટી પાસે ન હતો !

(લેખક સરદાર પટેલ સંશોધન સંસ્થા-સૅરલિપના સંસ્થાપક નિયામક અને પ્રાધ્યાપક તથા ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના મુંબઇ ખાતે તંત્રી રહ્ના છે. ઈ-મેઈલ : haridesai@gmail.com )


No comments:

Post a Comment