Wednesday 2 August 2017

J&K,RSS- BJP, Anti-Nationals and HinduRashtra

જમ્મુ-કાશ્મીરમાંથી બુલંદ થયો હિંદુરાષ્ટ્રનો નારો
અતીતથી આજ : ડૉ. હરિ દેસાઈ

ભારતીય રાજ્ય જમ્મુ-કાશ્મીર રક્તરંજિત છે. શ્રીનગરમાં શાસન પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને ભારતીય જનતા પક્ષનું છે. દિલ્હીમાં પણ ભારતીય જનતા પક્ષના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા(એનડીએ)નો સૂરજ તપે છે. ત્રણ-ત્રણ વર્ષ વીત્યાં, પણ ભારતના મુકુટમણિ સમા જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થપાવાના સંજોગો નથી. અડધું જમ્મૂ-કાશ્મીર પાકિસ્તાન દબાવીને બેઠું છે, કેટલાક પર ચીનનો કબજો છે, ભારત કને માત્ર ૪૬ ટકા જમ્મુ-કાશ્મીર પ્રદેશ હોવા છતાં લોહીતરસ્યા પાકિસ્તાન અને એના મિત્ર ચીનની આખા જમ્મુ-કાશ્મીરને ભરખી જવાની મંછા હજુ રોજેરોજ શહીદોની લાશો પાઠવીને દિલ્હીને મહેણાં મારે છે.
વાત ઈતિહાસથી માંડીને પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને કાશ્મીરી નેતા શેખ અબ્દુલ્લાની ભાંડણલીલાઓની ખૂબ ચાલી. બંધારણની કલમ ૩૭૦ને કાઢી નાંખવામાં સઘળી સમસ્યાઓના ઉકેલ નિહાળવામાં આવ્યા અને શેર હમારા મારા હૈ, શેખ અબ્દુલ્લાને મારા હૈની ગર્જનાઓ પણ ખૂબ કરાઈ. એ વાત વીસારે પડાઈ કે નહેરુ સાથે સરદાર પટેલ પણ હતા. ૩૭૦ની કલમ દાખલ કરાવવામાં નેહરુની અમેરિકા મુલાકાત વખતે સરદાર પટેલે જ દીર્ઘદૃષ્ટિ વાપરી હતી, ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી એ જ નેહરુ સરકારમાં પ્રધાન હતા. શેખ અબ્દુલ્લાને માથે ડૉ. મુકરજીની જેલવાસમાં હત્યા કરાવવાનું આળ મૂકાવાય છે, પણ એ જ અબ્દુલ્લાના પુત્ર ડૉ. ફારુક અબદુલ્લા અને પૌત્ર ઓમર અબ્દુલ્લા સાથે સત્તાનાં સહશયન કરવામાં ભાજપને વાંધો પડતો નથી. શ્યામાબાબુના અંગત સચિવ રહેલા અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા ત્યારે એમની કેન્દ્ર સરકારમાં ઓમર વિદેશ રાજ્યપ્રધાન હતા. ડૉ. અબ્દુલ્લા એનડીએના ઘટક પક્ષના મુખ્ય પ્રધાન હતા. શેર હમારા મારા હૈનો નારો વીસારે પડાયો હતો.
અત્યારે જે ભાજપ અને પીડીપી સાથે મળીને રાજ કરે છે, એ પીડીપીનાં મૂળ કોંગ્રેસી ગોત્રમાં છે. પીડીપીના સંસ્થાપક અને વડા પ્રધાન વી. પી. સિંહની સરકારમાં ગૃહ પ્રધાન રહેલા મુફ્તી મહંમદ સઈદના ત્રાસવાદી અને કાશ્મીરી ભાગલાવાદીઓ સાથેના મધુર સંબંધ હોવાની વાત ભાજપના સમયગાળામાં જ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ રહેલા લેફ્ટનન્ટ જનરલ એસ. કે. સિંહાએ વડા પ્રધાન સુધી પહોંચાડી હતી. પોતાના પુસ્તક મિશન કશ્મીરમાં તો જનરલ સિંહાએ મુફ્તી અને એમનાં શાહજાદી મહેબૂબા મુફ્તીની દાગી કુંડળી નોંધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પીડીપી સાથે મળીને સરકાર નહીં રચવાનો આગ્રહ કરનાર જમ્મુ-કાશ્મીરના જૂના સંઘી એવા ભાજપી નેતા હરિ ઓમ મહાજનને છ વર્ષ માટે પક્ષમાંથી તગેડી મૂકવાનો સરપાવ અપાયો. ત્રાસવાદીઓને જેલમુક્ત કરાવવા માટે દીકરી રૂબિયાનું અપહરણ કરાવવાનું નાટક કરનાર’ (જનરલ સિંહાના શબ્દોમાં) મુફ્તીને મુખ્ય પ્રધાન બનાવાયા અને એમાં નાયબ મુખ્ય પ્રધાનપદે હરિ ઓમના વિદ્યાર્થી રહેલા ડૉ.. નિર્મલકુમાર સિંહને મૂકાયા. મુફ્તીના નિધન બાદ તેમની શાહજાદી મહેબૂબા મુફ્તીને મુખ્ય પ્રધાન પદ સોંપાયું.
આ સઘળો ઘટનાક્રમ મૂકપ્રેક્ષક તરીકે ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની નેતાગીરીએ નિહાળ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કહ્યાગરા સંઘ-પ્રચારક રામ માધવે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના મિલનમાં (મુફ્તીના શબ્દોમાં) પુરોહિતનું કામ કર્યું. સંઘની ૨૦૦૩ની કુરુક્ષેત્ર ખાતે મળેલી પ્રતિનિધિ સભાના જમ્મૂ-કાશ્મીર અંગે ત્રિભાજનના ઠરાવના અમલનો આગ્રહ રાખનાર અને રાજ્યમાં પક્ષનાં મૂળિયાં મજબૂત કરનાર હરિ ઓમને પક્ષમાંથી હકાલપટ્ટી કરાયા પછી પણ એમણે સત્યવાણીના ઉચ્ચારણ છોડ્યાં નહીં. સંઘની પ્રતિનિધિ સભાનો એ ઠરાવ જમ્મૂ-કાશ્મીરના ત્રિભાજનનો છે. જમ્મૂ અને કાશ્મીર એ બે રાજ્ય અને લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા અંગેનો. સત્તાની મોહિની એવી અસર કરે છે કે સંઘ-ભાજપ ૩૭૦ની કલમને રદ કરવાની આગ્રહી ભૂમિકા રાખનાર રાષ્ટ્રદ્રોહી હોવાનું મુખ્યમંત્રી મેહબૂબા કહે છે છતાં  સંઘ-ભાજપની નેતાગીરીએ નીચી મૂંડીએ એ સહન કર્યું છે. અંદરખાને કહે છે કે સંઘ-ભાજપનો પ્રભાવ વધશે તો જમ્મૂ-કાશ્મીર કોકડું ઉકેલાશે. ત્રણ વર્ષ થયાં, હજુ અચ્છે દિનની પ્રતીક્ષા જ છે.
જમ્મૂ-કાશ્મીરમાં અત્યારે અપનેવાલેસત્તામાં હોય ત્યારે જમ્મૂમાં સંઘના નવનિર્મિત કાર્યાલયના ઉદઘાટન-પૂજા સહિત વેદમંદિરમાં સંઘના દેશભરના અને દુનિયાના અન્ય દેશોના પણ પ્રચારકોની તથા વિસ્તારકોની ત્રિદિવસીય બેઠકમાં કુરુક્ષેત્રમાંના રાજ્યના વિભાજનઅંગેના ઠરાવની વાત તો ના થઈ, પરંતુ પ્રચારપ્રમુખ ડૉ. મનમોહન વૈદ્યે ભારત હિંદુરાષ્ટ્ર છે અને કોંગ્રેસ લોકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છેએવી ગર્જના જરૂર કરી. ક્યારેક સરદાર પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જ નહીં, ડૉ. મુકરજી પણ (તથાગત રૉયલિખિત અને ડૉ. મુકરજીની જીવનકથા મુજબ) હિંદુરાષ્ટ્રના વિરોધી હતા. રૉય અત્યારે ત્રિપુરાના રાજ્યપાલ છે. અગાઉ પ. બંગાળના ભાજપપ્રમુખ અને સંઘના સ્વયંસેવક રહ્યા છે.
હિંદુરાષ્ટ્રની વ્યાખ્યાઓ બદલાયા કરે છે. જોકે, સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત સહિતની નેતાગીરીની ઉપસ્થિતિ ધરાવતી ત્રિદિવસીય બેઠકમાં ત્રાસવાદ અને ભાગલાવાદ સામે લડવાનો સંકલ્પકરાયો એ આવકાર્ય છે. જમ્મૂ-કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે અને મહારાજા હરિસિંહે જે રાજ્યનો વિલય ભારતમાં ૨૭ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ કર્યો હતો, એના તમામ હિસ્સા પર ભારતે પુનઃ અંકુશ મેળવવો પડે. એ વખતે ભારત હિંદુ-મુસ્લિમ ભેદભાવ કરી ના શકે. સરદાર પટેલના સ્વપ્નના સર્વસમાવેશક ભારતને સાકાર કરવાનું હજુ બાકી છે. મ્યાનમારના ગેરકાયદે ઘૂસી આવેલા દસેક હજાર રોહિંગ્યાસ અને બાંગલાદેશી મુસ્લિમો જમ્મુ આવીને વસ્યા છે. એમને શોધી કાઢીને તગેડી મૂકવાનું એલાન તો થયું, પણ આજે દેશભરમાં દોઢેક કરોડ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા તગેડવાનો આવો ભાજપી જ નહીં, રાષ્ટ્રીય સંકલ્પ પણ અધૂરો છે ત્યાં આ નવી ઉપાધિનો ઈલાજ કેમ થશે, એ કહેવું મુશ્કેલ છે.
સંઘના પ્રચારકોની બેઠકમાં ભારતીય બંધારણની કલમ ૩૭૦થી રાજ્યને અલગ બંધારણીય દરજ્જો મળતો હોવાના સંદર્ભમાં રજૂઆત કરીને આ કલમ રદ કરવાની માગણી કરતા કાશ્મીરી પંડિતોના સંગઠન પનૂન કાશ્મીરના પ્રમુખ અશ્વની કુમાર ચ્રુન્ગૂએ સંઘના અધિકારીઓ’ (હોદ્દેદારો)ને લખેલા પત્રનો ડૉ. વૈદ્યે લાક્ષણિક રીતે ઉત્તર વાળ્યોઃ આવો કોઈ પત્ર સંઘને મળ્યો નથી. અને તેઓ એટલા બધા ગંભીર હોય તો એમણે આવીને અમારી સાથે વાત કરવી જોઈતી હતી.જોકે, ડૉ. વૈદ્યે જમ્મુ-કાશ્મીરના હિંદુઓને લઘુમતી જાહેર કરવાની માગણીને સમર્થન જરૂર આપ્યું. નવાઈ એ વાતની છે કે કેન્દ્રમાં અને રાજ્યમાં ૨૦૧૪થી સંઘના સંતાન જેવા ભાજપની સરકાર હોવા છતાં ના તો જમ્મૂ-કાશ્મીરમાં હિંદુઓને લઘુમતી જાહેર કરીને વિશેષાધિકાર અપાયો છે કે ના ૩૭૦ને રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
મુખ્ય પ્રધાન મુફ્તી અને વડા પ્રધાન મોદીની સંયુક્ત જાહેરસભામાં પણ તેમની સામે ભારતનો રાષ્ટ્રધ્વજ અને જમ્મુ-કાશ્મીરનો ધ્વજ એમ બેઉ ધ્વજ ફરકતા હતા. શાંતિની પુનઃ સ્થાપનાનાં વચન હજુ વચન જ રહ્યાં છે. ત્રણ-ત્રણ વર્ષ દરમિયાન સત્તામાં હોવા છતાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પાટે ચડતી નથી અને મામલો વધુ વણસી રહ્યો છે. ભારતીય લશ્કરના જવાનો શહીદ થાય છે, સ્થિતિમાં ફરક પડતો ના હોય, તો ચૂંટણી ટાણે અપાયેલાં વચનો ઠાલાં વચન જ બની રહ્યાનું પ્રજા અનુભવે છે.
જમ્મૂ-કાશ્મીરમાં અશાંતિ અને હિંસાની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનાં નિવેદનો સાંભળીને પ્રજાના કાન હવે બહેરા થઈ ગયા છે. અગાઉના શાસકો નમાલા મનાતા હતા અને સ્થિતિ પર અંકુશ લાવી શકતા નહોતા, એવા જાહેર આક્ષેપો કરીને મામલો શાંત પાડવા અને કોકડું ઉકેલવા માટે પ્રજાએ પીડીપી-ભાજપની સરકારની સ્થાપના માટેનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. ત્રણ-ત્રણ વર્ષે પણ માત્ર નિવેદનશૂર શાસકોની ભાંડણલીલા જ સાંભળવાની હોય, તો પ્રજાનો વિશ્વાસ લોકશાહી પરંપરામાંથી ઊઠવાના જોખમ સર્જાય એવું વધુ લાગે છે. શાસનની ગંભીરતા અપેક્ષિત છે. જમ્મૂ-કાશ્મીરનું કોકડું ઉકેલી આપવા બીચ મેં મેરા ચાંદભાઈની જેમ રશિયા અને ચીન ખાબકવા તૈયાર છે, પણ દિલ્હી અને શ્રીનગરે પોતીકી પ્રજા સાથે સંવાદ સાધી હિંસાચાર અટકાવીને ઈસ્લામાબાદ સાથે મંત્રણાઓથી પાકિસ્તાને ગપચાવેલા જમ્મૂ-કાશ્મીરના હિસ્સાને તથા બીજિંગ સાથે મંત્રણાથી આક્સાઈ ચીન સહિતના ભારતીય પ્રદેશને પાછો મેળવવા કે ઉકેલને આંબવાની જરૂર છે. માત્ર વાતોનાં વડાંની હવે જરૂર નથી.

ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment