Sunday 28 August 2022

Gujarati being Opposed in Gujarat

                                                ગુજરાતમાં ગુજરાતીનો વિરોધ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         હાઈકોર્ટમાં ગુજરાતીમાં કાર્યવાહીના મુદ્દે મતભેદ

·         હિંદીભાષી રાજ્યોમાં હાઈકોર્ટમાં હિંદીમાં વ્યવહાર

·         કાયદાપ્રધાન સ્વ.અશોક ભટ્ટનો આગ્રહ અવગણાયો

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Sunday Supplement of Mumbai Samachar Daily UTSAV.28 August,2022.

હમણાં ગુજરાતમાં ગુજરાતી ભાષામાં રાજ્યની હાઈકોર્ટનો વ્યવહાર કરવા બાબત મોટો હોબાળો મચ્યો છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોશિએશના પ્રમુખ અને સીનિયર એડવોકેટ અસીમ પંડ્યાએ “ગુજરાત હાઇકોર્ટમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષાનો ઉપયોગ” કરવાની રજૂઆત કરતો પત્ર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને લખ્યો અને એમના એસોશિએશનમાં તડાં પડ્યાં. હાઇકોર્ટના  ૮૦ ધારાશાસ્ત્રીઓએ ગુજરાતી ભાષાના ઉપયોગનો વિરોધ કર્યો અને પત્ર પાછો ખેંચવાની તરફેણમાં બહુમતીએ મતદાન કર્યું.સંયોગ તો જુઓ કે હાઇકોર્ટના મૂળ કન્નડ પ્રદેશના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર પોતે ગુજરાતી શીખી રહ્યાનું કહે છે ત્યારે ગુજરાતી ધારાશાસ્ત્રીઓ “ગુજરાતીનો પણ” ઉપયોગ કરવાનો વિરોધ કરી રહ્યા છે.  ગુજરાતની રાજભાષા ગુજરાતી છે. રાજ્ય સરકાર જ નહીં, યુનિવર્સિટીઓ પણ ગુજરાતીમાં જ વ્યવહાર કરે છે. વિદેશી વિદ્યાર્થીઓને અને વિદેશી મૂડીરોકાણને આકર્ષવા થનગનતા ગુજરાતમાં પરિપત્રો ગુજરાતીમાં જ નીકળે છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તો શાળાઓમાં પહેલા ધોરણથી જ અંગ્રેજી ભાષા બાળકોને શીખવવાનું ફરજિયાત કરવા ઈચ્છુક હતા ત્યારે સંઘ પરિવાર તરફથી વિરોધ થયેલો અને એમણે એ દરખાસ્ત પડતી મૂકવી પડી હતી. હવે વડાપ્રધાનપદે આરૂઢ મોદીની કેન્દ્ર સરકાર પોતાનાં નિવેદનો અને ભાષણો સરકારી વેબસાઇટ પર  અંગ્રેજી અને હિંદી સાથે જ દક્ષિણની અન્ય ભાષાઓમાં પણ મૂકાવે છે. માત્ર ગૃહ રાજ્ય ગુજરાતમાં ગુજરાતીના વિરોધ સામે એ મૌન છે. નવાઈ તો એ વાતની છે કે જે હાઈકોર્ટમાં “અંગ્રેજી ઉપરાંત ગુજરાતીનો પણ” કરવાનો આગ્રહ કરતો પત્ર રાજ્યપાલને લખાયો એ જ હાઈકોર્ટની વેબસાઈટ પર અમુક ચુકાદા ગુજરાતીમાં જરૂર મૂકાય છે.

ઉત્તર ભારતમાં  હિંદીમાં કામકાજ

ઉત્તર ભારતનાં હિંદીભાષી રાજ્યોમાં તો હાઇકોર્ટનું કામકાજ હિંદીમાં થાય છે તો ગુજરાતમાં “ગુજરાતીમાં પણ” એટલે કે અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં ય ચાલે તો એ સામે વાંધો શા માટે લેવામાં આવે? ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૪૮ (૨) અન્વયે કોઈપણ રાજ્યની હાઈકોર્ટમાં હિંદી કે અન્ય કોઈ ભાષામાં વ્યવહાર કરવાની છૂટ રાજ્યપાલ પોતે, રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરી લઈને, આપી શકે છે. હવે દેશમાં અને રાજ્યમાં હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાની આગ્રહી સરકારો છે, રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલના હોદ્દે હિંદીના અને બંધારણના પરિશિષ્ઠ ૮માં દર્શાવાયેલી તમામ ૨૨ રાજભાષાઓના આગ્રહી મહાનુભાવો બિરાજે છે; ત્યારે માત્ર અંગ્રેજીમાં જ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ ચાલે એવો દુરાગ્રહ તો દેશની પ્રજાની ભાવનાથી વિપરીત ગણાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રત્યેક ભાષામાં પોતાની સરકારનાં નિવેદનો અને પોતાનાં ભાષણો ઉપલબ્ધ કરાવવાની જે વ્યવસ્થા કરી છે એ રીતે અનુવાદકોને રોજગાર મળે અને પ્રત્યેક રાજ્યની ભાષામાં વ્યવહાર થાય તો એ સામાન્ય પ્રજા પણ સમજી શકે. અંતે ન્યાય વ્યવસ્થા તો  માત્ર ન્યાયાધીશો અને ધારાશાસ્ત્રીઓના લાભાર્થે જ નહીં, પણ પ્રજાના લાભાર્થે ચલાવવામાં આવે છે. જાન્યુઆરી, ૨૦૨૨માં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે કોર્ટમાં એક અરજદાર ગુજરાતીમાં બોલતો હતો ત્યારે એને ખખડાવી નાંખતાં કહ્યું હતું: “તું ગુજરાતીમાં બોલીશ તો હું કન્નડમાં બોલીશ.” હકીકતમાં અરજદારને અંગ્રેજી આવડતું નહોતું અને ગુજરાતમાં જ આ રીતે ગુજરાતીનું અપમાન થાય એ સામે ધારાશાસ્ત્રીઓ તો મૌન રહ્યા હતા, પરંતુ અમે એ સામે વાંધો નોંધાવ્યો હતો.  જોકે પાછળથી મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે પોતે ગુજરાતી શીખી રહ્યા હોવાનું કહ્યું હતું. મુખ્યમંત્રી મોદીને અંગ્રેજી આવડતું નહોતું ત્યારે એમણે મુખ્યમંત્રી નિવાસે ટ્યુટર રાખીને અંગ્રેજી શીખવાનું અને સુધારવાનું પસંદ કર્યું હતું એ સર્વવિદિત છે.

ડૉ.લોહિયાથી અશોક ભટ્ટ લગી

જર્મનીમાં પોતાનો પીએચ.ડી.નો મહાનિબંધ જર્મન ભાષામાં લખનારા ડૉ.રામમનોહર લોહિયા આઝાદી પહેલાં   કોંગ્રેસી નેતા રહ્યા અને આઝાદી પછી સમયાંતરે તેમણે  સમાજવાદી નેતા તરીકે કાઠું કાઢ્યું. ડૉ.લોહિયા સઘળો સરકારી વ્યવહાર હિંદીમાં જ ચલાવાય એના આગ્રહી હતા. અંગ્રેજી હટાઓના પ્રણેતા હતા. એમના અનુયાયી મુલાયમ સિંહ યાદવ જયારે દેશના સંરક્ષણમંત્રી બન્યા ત્યારે આ મંત્રાલયનો સઘળો વ્યવહાર હિંદીમાં જ ચલાવાતો હતો. જોકે એ આ હોદ્દેથી ગયા પછી સંરક્ષણ મંત્રાલયમાંથી હિંદી ટાઈપરાઈટર્સ ફેંકી દેવાયાની ખૂબ ચર્ચા રહી. ગુજરાતમાં મહાગુજરાત ચળવળના માર્ગે સક્રિય યુવા નેતા અશોક ભટ્ટ ૧૯૬૦માં જનસંઘમાં જોડાયા અને ગુજરાતમાં ગુજરાતીના આગ્રહી રહ્યા. કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીની રાજ્ય સરકારમાં મંત્રી રહેલા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ રહેલા અશોક ભટ્ટ જયારે કાયદા પ્રધાન હતા ત્યારે હાઈકોર્ટના કામકાજને ગુજરાતીમાં ચલાવાય એવો આગ્રહ જરૂર સેવતા હતા. એમના જીવતેજીવ તો આ શક્ય ના બન્યું, પરંતુ એમના મૃત્યુનાં વર્ષો પછી હાઇકોર્ટના કામકાજને “અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં પણ” ચલાવવા મુદ્દે રાજ્યપાલને પત્ર લખવામાં આવ્યો એ સ્વાગતયોગ્ય છે. કમનસીબે ગુજરાતમાં ગુજરાતીનો વિરોધ કરનારાઓના પ્રતાપે આવું ના બને તો ગુજરાતીઓ જ ગુજરાતદ્વેષી લેખાશે.

તિખારો

અબે તબે કા સોલ હી આના,
અઠે કઠે કા બાર,
ઇકડમ તિકડમ આઠ હી આના,
શું શા પૈસા ચાર”
-
પ્રેમાનંદ
ભારતની વિવિધ ભાષાઓનું મૂલ્ય આંકતી આ પંક્તિમાં, હિંદી ભાષા ‘અબે તબે’ ના સોળ આના (એટલે કે એક રૂપિયો), મારવાડી ભાષા ‘અઠે કઠે’ ના બાર, મરાઠીમાં ‘ઇકડે તિકડે’ ના આઠ આના, અને ‘શું શાં’ એટલે કે ગુજરાતી ભાષાનાં ચાર પૈસા. લોકવાયકા મુજબ પ્રેમાનંદ ને આ વાતનું લાગી આવેલું ને પ્રણ લીધું કે જ્યાં  સુધી મારી ભાષાને સન્માન નહિ મળે ત્યાં સુધી પાઘડી નહિ પહેરું.

ઈ-મેઈલ: haridesai@gmail.com    (લખ્યા તારીખ: ૨૭ ઓગસ્ટ,૨૦૨૨)

No comments:

Post a Comment